સાબિતી
સાબિતી
શિયાળાના એ દિવસોમાં હું મારા મકાનના ધાબા ઉપર સૂર્યસ્નાન કરી રહ્યો હતો. એક અજાણી વ્યક્તિ તેના વિચિત્ર ચહેરા ઉપર સ્મિત રેલાવતી મારી સામે આવીને ઊભી રહી. હું તેને કંઈક પૂછું તે પહેલાં તેણે જ મારી સામે કોઈપણ જાતના સંદર્ભ વગર જ સીધો એક પ્રશ્ન મૂકી દીધો.
”તમે ઈશ્વરમાં માનો છો ?”
“ના, બિલકુલ નહિ.”
“તો તમે બુદ્ધિવાદી હશો ! હું સાચો છું ?”
“હા,બિલકુલ. પણ, તેનું તમારે શું કામ ?”
તેણે મારા શબ્દો તરફ ધ્યાન આપ્યા વગર જ આગળ કહ્યું, ”મહેરબાની કરીને તમે મારા ઉપર એક ઉપકાર કરશો ? તમારા બુદ્ધિવાદમાં એવું કોઈ સૂત્ર ખરું કે જે તમારી સંપૂર્ણ વિચારધારાને સમજાવી શકે ?”
“અલબત્ત. હા તે છે : ‘ઈશ્વર ક્યાંય નથી.
“તમને વાંધો ખરો, જો હું તમારા ‘ક્યાંય ’ શબ્દને બે શબ્દો ‘હવે અહીં (now here) એમ છૂટો પાડું તો ?”
“પણ, શા માટે ? હું સમજી શકતો નથી કે તમે શું કહેવા માગો છો ?”
“હું તમારા માટે સાબિત કરી શકું કે ઈશ્વર અહીં છે.”
“મારે કોઈ સાબિતીઓની જરૂર નથી કે જેને હું માનતો હોઉં !”
“ચાલો બરાબર. પણ, હવે તમે મારા છેલ્લા એક પ્રશ્નનો જવાબ આપશો ?”
“પૂછો. પણ, તમે કોણ…?”
તેણે મારા પ્રશ્નને અધવચ્ચેથી જ કાપી નાખીને તેની અવગણના કરતાં પૂછ્યું, “તમે ભૂતમાં માનો છો ?”
“ના, જરાય નહિ. હું વૈજ્ઞાનિક પણ છું! તમે જાણો છો કે વિજ્ઞાન પ્રયોગો વડે સાબિતીઓના આધારે જ સત્યને શોધે છે ?”
“હું દિલગીર છું કે હું તમને ઈશ્વર વિષેની કોઈ સાબિતીઓ આપી શકતો નથી, એટલા માટે કે તમને સારી રીતે સમજાવવા માટેની એ પ્રક્રિયા ઘણી લાંબી થાય તેમ છે. પણ, હું તમને હાલ તરત જ ભૂતના અસ્તિત્વ વિષેનો પ્રયોગ બતાવી શકું !”
”ખરેખર !”
પણ, મેં શું જોયું !
પેલો અજાણ્યો માણસ મારી આંખો સામે જ અદૃશ્ય થઈ ગયો, જાણે કે તે હવામાં ઓગળી ગયો હોય ! અને, મેં મારા પરસેવાથી જ સ્નાન કરી લીધું !

