Leena Vachhrajani

Inspirational

4  

Leena Vachhrajani

Inspirational

રોબોટઅંકલ

રોબોટઅંકલ

2 mins
186


રેડિયો મિર્ચી પર ગીત વાગી રહ્યું હતું. “જિંદગી ખ્વાબ હૈ. ખ્વાબમેં જૂઠ હૈ ક્યા ઔર સચ હૈ ક્યા..”

અચાનક ડોક્ટર મજૂમદાર પ્રવેશ્યા. “મેરી ગીત બંધ કર. અત્યારે સમય છે ગીત સાંભળવાનો ?”

અને હોસ્પિટલનો આખો સ્ટાફ એટેન્શનની મુદ્રામાં આવી ગયો. 

કાલુ મોં બગાડીને બોલ્યો, “અરે ! મેરીમેડમ છેલ્લા કેટલાય વખતથી આ ભયાનક પરિસ્થિતિમાં આપણેય ડોક્ટરસર સાથે પળ પળ ઝઝૂમીએ છીએ. અને બે મિનિટ જરા રિલેક્સ થવા ગીત સાંભળ્યું તો કયો ગુનો કરી નાંખ્યો ?”

“કાલુ જો એમ ગુસ્સે નહીં થવાનું. સરને કેટલું ટેન્શન રહે છે ? તને તો ખબર જ છે કે દર્દીઓની સાથે આપણા બધાની અને ખુદ પોતાની જાત માટેય કોઈ ભરોસો નથી રહ્યો. ગમે ત્યારે શું થાય એ આ સંજોગમાં ધારી જ નથી શકાતું.”

અને બંને વાતો કરતાં કરતાં બાળકોના વોર્ડ પાસે પહોંચી ગયાં. કાલુ હજી કંટાળેલો હતો. “તે મેમ આપણે રોબોટ બની જવાનું ?” અને કાલું જાણે અજાણે રોષભેર રોબોટની મુદ્રા બનાવીને બાળકોના વોર્ડની બહાર સ્થિર થઈ ગયો.

એને જોઈને મેરી અને વોર્ડનાં બાળકોને હસવું આવી ગયું. અચાનક તંગ વાતાવરણમાં ઘણા સમય બાદ હાસ્યની લહેર ફરી વળી જાણે.

કાલુ પણ હળવો થઈ ગયો. “મેમ આપણે હળવા અને સકારાત્મક રહીશું તો જ સરને અને બધા દર્દીઓને ઘણા ખરા અંશે સાજા થવામાં મદદરૂપ થઈશું.”

અને ત્યારથી કાલુ દરેક વોર્ડમાં ઉંમર પ્રમાણે પોતાનાથી બનતા પ્રયાસ કરીને હોસ્પિટલનું વાતાવરણ હળવું બનાવી રહ્યો છે. બાળકોના વોર્ડમાં તો એનું નામ રોબોટઅંકલ જ પડી ગયું છે. કાલુ પણ ખુશ થાય કે પોતાનું જરા જેટલું પરિવર્તન ઘણી બધી જિંદગીને સધિયારો આપી શકે છે.

ડોક્ટર મજૂમદાર પણ નિયમોમાં સહેજ હળવા થયા છે. શારીરિક સાજા થવું અને માનસિક પણ સાજા થવું એ એમની પ્રથમ અગ્રિમતા રહે છે.

એક ચોક્કસ સમયે મેરી મેડમના રેડિયો મિર્ચી પર વાગતાં ગીતો લગભગ બધાંને સંભળાય છે. 

ક્યારેક કોઈ કોઈ ગીત ગણગણી પણ લે છે..“જિંદગી ખ્વાબ હૈ..”


Rate this content
Log in

Similar gujarati story from Inspirational