Shalini Thakkar

Inspirational

4.5  

Shalini Thakkar

Inspirational

ઋણ

ઋણ

3 mins
577


જિંદગીમાં કેટલાયે ઉતાર ચઢાવ અને ઝોલા ખાધા પછી આખરે કૃષ્ણકાંત સોમૈયાની જિંદગીની પતંગ આકાશમાં સ્થિર, સલામત અને સ્થાયી થઈ ચૂકી હતી. અને એ સ્થિરતાનો આનંદ માણી રહેલા કૃષ્ણકાંતનું મન પોતાના નિત્યક્રમ અનુસાર જેવું ભૂતકાળની બારી ખોલીને એની અંદર પ્રવેશ્યું, એવું જ એમના ચહેરા પરની સુખ અને સંતોષની રેખાઓ વચ્ચે ક્યાંક આછી-પાતળી એક વસવસાની રેખા ઉપસી આવી. ફરી ફરીને એ જ દ્રશ્ય અને એ જ નામ એમના માનસપટ પર છવાઈ ગયું. દ્રશ્ય હતું હિન્દુસ્તાન પાકિસ્તાન ના ભાગલા પડ્યા એ સમયનું, જેના જીવંત સાક્ષી એ પોતે જ હતા. પોતાનું ઘર, બાપદાદાની ધરોહર, એ ફળિયુ, એ શહેરની ગલીઓ જે એમના નસનસમાં વહેતી હતી એ બધું જ તો પાછળ છૂટી ગયું હતું. ખાલી હાથ સરહદ ઓળંગીને પોતાનો જીવ બચાવી કૃષ્ણકાન્ત અને એનો પરિવાર હિન્દુસ્તાન પહોંચી ગયા હતા. અને હિંદુસ્તાનમાં પ્રવેશ્યા પછી કેટલાય દિવસો સુધી શરણાર્થીઓની છાવણીમાં આશરો લીધો હતો. બધા સગા સંબંધીઓએ પોતાના મોં ફેરવી લીધા હતા. અને એકલા હાથે જ પુનર્સ્થાપિત થવા માટે ઝઝૂમ્યા હતા. દાયકાઓ વીતી ગયા હતા એ વાતને અને ગુમાવેલું બધું જ ફરી મેળવી લીધું હતું ,બસ મનમાં માત્ર એક વસવસો રહી ગયો હતો.દિલોદિમાગ પર છવાયેલું એક નામ , જેમના એ ઋણી હતા, એ અબ્દુલ રહેમાન નું ઋણ ચુકવવાની તક જીવનમાં ફરી ક્યારેય ન મળી! બસ એ એક વસવસો જીવનમાં રહી ગયો.

એ દિવસે ક્રિશ્નાકાંતની જિંદગીમાં એક અધ્યાયનો અંત થયો અને નવા અધ્યાયની શરૂઆત થઈ. ચારે બાજુ અફરાતફરી અને ખૂન ખરાબો સર્જાયો હતો. સત્તાધારીઓનો હથિયાર બનેલી નિર્દોષ પ્રજા, એમના દ્વારા ફેલાવેલી વેર ઝેર ની કિંમત ચૂકવી રહી હતી. ક્રિશ્નાકાંત અને એના પરિવારની સામે અંધકારમય ભવિષ્યય છવાયુંં હતું. મોત ના ડર વચ્ચે પોતાની સલામતી માટે વલખા મારી રહેલો કૃષ્ણકાંતનો પરિવાર હાથ જોડીને ઈશ્વરને મદદ માટે યાદ કરી રહ્યો હતો. શુક્રવારનો દિવસ હતો. જુમ્માની નમાજ કરીને પાછા ફરી રહેલા અબ્દુલ રહેમાનની નજર એ પરિવાર પર પડી અને એમના અંતરમાં જાણે કાંઈ સંકેત મળ્યો. એ ફળિયા અને એ વિસ્તારમાં વધારે રોકાવું અબ્દુલ રહેમાન માટે પણ જોખમકારક હતું પરંતુ એક માનવ થઈને માનવીનું દુઃખ કઈ રીતે જોઈ શકાય એમ વિચારીને તેમણે પોતાની જીપ ત્યાં ઊભી રાખવાનું સાહસ કર્યું અનેે પછી ઉતાવળા સ્વરે બોલ્યા,"મારું નામ અબ્દુલ રહેમાન છે, જેમ બને એમ જલ્દી જેટલા લોકો મારી જીપમાં બેસી શકતા હોવ એટલા જણા બેસી જાવ , હું તમને સરહદ પાસે છોડી દઈશ". જે ઈશ્વર પાસે હાથ જોડીને મદદ માગી રહ્યા હતા એ જ ઈશ્વરે કદાચ આ ફરિશ્તાને મદદ માટે મોકલ્યો હશે એવા અતૂટ વિશ્વાસ સાથે કૃષ્ણકાન્ત અને તેનો પરિવાર ના સભ્યો રઘવાયા થઈ ને ફટાફટ જીપ માં ગોઠવાઈ ગયા અને અબ્દુલ રહેમાનેે પોતાની જીપ સરહદ તરફ દોડાવી. ધડકતા હૈયા અને જીવમાં ફફડાટ સાથેે જીપમાં બેઠેલા લોકોને લઈને અબ્દુલ રહેમાનની જીપ સરહદની દિશામાં દોડી. થોડીવારમાં મંઝિલ પર પહોંચતા જ બધાને જાણે એક નાનકડી અંધારી રાત પછી પ્રકાશ તરફ પહોંચી ગયાનો હાશકારો અનુભવાયો. જીપ ઊભી રહેતા જ બધા ફટાફટ નીચે ઉતરી ગયા. અબ્દુલ રહેમાનને ક્રિશ્નાકાંતના પરિવાર પર કરુણાભરી દ્રષ્ટિ નાખી અને પછી વિલંબ કર્યા વગર પોતાના ગળામાં પહેરેલી સોનાની ચેન કૃષ્ણકાંતના હાથમાં આપી દીધી. અનેે પછી માત્ર એક જ ક્ષણ માટે બંનેની આંખો મળી. એકની આંખમાં કૃતજ્ઞતાના ભાવ અને બીજાની આંખમાં કરુણાભાવ વચ્ચે માત્ર આંખો ના હાવભાવથી જ આભાર વિધિ થઈ ગઈ. ક્રિશ્નાકાંત પાસે ન તો કોઈ શબ્દો હતા કે ના તો સમય. પછી એક જ ઝાટકામાં અબ્દુલ રહેમાનને પોતાની જીપ ત્યાંથી આગળ દોડાવી અને પછી પોતાનો જીવ બચાવવા બંનેની દિશાઓ બદલાઈ ગઈ. બસ છેલ્લીવાર કૃષ્ણકાંત એ પીઠ પાછળથી જીપમાં બેઠેલા અબ્દુલ રહેમાનને જોયા.

સરહદ ઓળંગીને હિન્દુસ્તાન પહોંચ્યા પછી  કંગાળ થઈ ગયેલા કૃષ્ણકાંત એ જીવનમાં કેટલાય સંઘર્ષોનો સામનો કર્યો. અબ્દુલ રહેમાનને આપેલી સોનાની ચેેન વેચીને તેમણે શરૂઆતમાંં નાનો કારોબાર શરૂ કર્યો અને પછી શૂન્યમાંથી સર્જન થયું.

નેક કામ કરનારને નેકીનો બદલો આપવાની એક માનવીની શી વિસાત ? એ કામની નોંધ તો ઉપરવાળો તરત જ લઈ લે છે જેનો સંતોષ નેકી કરના ચહેરા પર ઝલકે છેે, એમ વિચારી કૃષ્ણકાંત એ પોતાની દ્રષ્ટિ આકાશ તરફ કરી અને જેવા ઈશ્વરને યાદ કર્યા, અબ્દુલ રહેમાનનો આત્મવિશ્વાસથી ઝળકતો ચહેરો એની નજર સમક્ષ તરી આવ્યો અનેે એમના વિષાદભર્યા ચહેરા પર સ્મિત છવાઈ ગયું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational