Sujal Patel

Romance Inspirational

4.5  

Sujal Patel

Romance Inspirational

રંગોનું આગમન

રંગોનું આગમન

7 mins
438


માલતિ સિનોજા..અભય સિનોજાની પત્ની હતી. લગ્નનાં એક વર્ષ બાદ જ અભયનું મૃત્યુ થઈ ગયું. અભયને કોઈ ભાઈ બહેન ન હતાં. માલતિએ અભયના મૃત્યુ પછી પણ તેનાં મમ્મી-પપ્પા સાથે રહેવાનું નક્કી કર્યું. આખાં ઘરની જવાબદારી તેણે એકલીએ સંભાળી લીધી. માલતિનો પ્રેમ અને આદર જોઈને અભયના મમ્મી-પપ્પાએ તેને દીકરાનું સ્થાન આપ્યું.

માલતિ બધાંની સામે ખુશ રહેતી. પણ તેનાં જીવનની એકલતા તેને કેટલી કોરી ખાતી. એ વાત અભયના મમ્મી વંદનાબેન સારી રીતે સમજતાં. તેમણે માલતિની જાણકારી વગર જ માલતિ માટે છોકરો જોવાનું શરૂ કર્યું. સત્તાવીસ વર્ષની માલતિને તેઓ ફરી ખુશ જોવાં માંગતા હતાં. અભયના ગયાં પછી તેનાં ચહેરા પરની ખુશી અને જીવનમાના રંગો જાણે ગાયબ જ થઈ ગયાં હતાં. જેને વંદનાબેન ફરી માલતિના જીવનમાં લાવવાં માંગતા હતાં.

હોળીનો તહેવાર નજીક આવી રહ્યો હતો. વંદનાબેનની સોસાયટીમાં હોળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી. આ વર્ષે વંદનાબેન એક આશા સાથે હોળીની રાહ જોઈ રહ્યાં હતાં. કે કદાચ આ હોળીએ માલતિના જીવનમાં પણ રંગોનું આગમન થાય.

આખરે હોળીનો દિવસ આવી ગયો. સાંજે હોળીની પૂજા હતી. વંદનાબેન સવારથી જ તેની તૈયારીમાં લાગ્યાં હતાં. ખજૂર, ધાણી, દાળિયા અને બીજું કેટલુંય તેમણે તૈયાર કર્યું હતું. બીજાં દિવસે ધૂળેટી માટે તેમણે રંગો પણ તૈયાર રાખ્યાં હતાં. 

માલતિની અભયના ગયાં પછીની આ બીજી હોળી હતી. લગ્નનાં પહેલાં વર્ષે અભય સાથે રંગે રમ્યા પછી માલતિએ ફરી ક્યારેય રંગને હાથ પણ લગાડ્યો ન હતો. ખાસ કરીને લાલ રંગ. એ રંગથી માલતિએ મનોમન જ એક દૂરી કાયમ કરી લીધી હતી.

હોળીની સાંજે બધાંએ હોળિકાની કથા કરી તેમની પૂજા કરી. પૂજા પછી સોસાયટીની બધી સ્ત્રીઓ બેસીને વાતોએ વળગી. માલતિ તેનાં રૂમમાં જતી રહી. તેને એક સાડીઓની દુકાન હતી. કાલે એક મોટો ઓર્ડર પહોંચાડવાનો હતો. માલતિ તેની જ તૈયારીમાં લાગી ગઈ. ઓર્ડર પેક કરીને માલતિ સૂઈ ગઈ.

બીજાં દિવસે સવારેથી જ સોસાયટીમાં ધમાલ મચી હતી. માલતિને આજે જ ઓર્ડર પહોંચાડવાનો હતો. પણ આજનાં દિવસે રંગથી બચતા રહેવું માલતિ માટે શક્ય ન હતું. છતાંય માલતિએ હંમેશાંથી પહેલાં પોતાનાં કામને પ્રાયોરિટી આપી હતી. જેનાં લીધે માલતિ તૈયાર થઈને ઓર્ડર એક મોટાં થેલામાં પેક કરીને માથે હેલ્મેટ પહેરી, પોતાની એક્ટિવા પર ઓર્ડર પહોંચાડવા નીકળી પડી. રસ્તામાં ક્યાંય ટ્રાફિક નાં હોવાથી માલતિ સમયસર અને રંગોથી બચતા રહીને જે જગ્યાએ ઓર્ડર આપવાનો હતો. એ જગ્યાએ પહોંચી ગઈ. આજુબાજુ બધાં લોકો રંગોથી રમતાં હતાં. જ્યારે માલતિ જે ઘરે સાડીનો ઓર્ડર આપવા આવી હતી. તે ઘરે કોઈ જાતની રોનક ન હતી.

"મારાં માટે તો સારું જ છે. કોઈ અહીં રંગે નથી રમતું. નહીંતર મારે બચીને રહેવું પડતું." માલતિએ મનોમન જ કહેતાં બેલ વગાડી. થોડીવારમાં જ દરવાજો ખુલ્યો. એ સાથે જ કોઈએ માલતિ પર રંગ ફેંક્યો. માલતિની આંખો મીંચાઈ ગઈ. જ્યારે તેણે આંખ ખોલી. તો પોતાની પ્લેન વ્હાઈટ સાડી પર તેણે લાલ રંગનાં છાંટણા જોયાં. સામે એક ત્રીસેક વર્ષનો વ્યક્તિ જીભ દાંત વચ્ચે દબાવીને ઊભો હતો.

"આઈ એમ સો સોરી. મને એમ કે મારી બહેન આવી. આઈ એમ સો સોરી." વ્યક્તિએ માફી માંગતાં કહ્યું.

માલતિ પોતાની સાડી પર લાલ રંગ જોઈને એક અલગ જ દુનિયામાં સરી પડી હતી. તેને થોડો ગુસ્સો પણ આવ્યો. પણ એ વ્યક્તિએ ભૂલથી રંગ ફેંક્યો. એ સાંભળીને માલતિ ચૂપ રહી. એ પોતાનાં કારણે બીજાં કોઈનો દિવસ ખરાબ કરવાં માંગતી ન હતી.

"હું અહીં સાડીનો ઓર્ડર આપવા આવી હતી." માલતિએ સાડીનો થેલો લંબાવતા કહ્યું.

"તમે અંદર તો આવો. તમારાં ચહેરા પર પણ રંગ લાગ્યો છે. એ સાફ કરી લો. હું તમારાં માટે ચા બનાવું." સામે ઉભેલાં વ્યક્તિએ કહ્યું.

"નાં, ઈટસ્ ઓકે. તમે આ સાડીઓ લઈ લો. પેમેન્ટ ઓનલાઈન કરી દેજો. હું હવે નીકળું." માલતિએ કોઈ પણ પ્રકારનાં ભાવ વગર કહ્યું.

માલતિ થોડી પરેશાન જણાઈ. તો પેલાં વ્યક્તિને ખૂબ દુઃખ થયું. તેણે આગ્રહ કરીને માલતિને મોં સાફ કરવાં કહ્યું. માલતિને પણ મોડું થતું હતું. તો એ આખરે માની ગઈ. એ વ્યક્તિ માલતિને તેનાં રૂમમાં લઈ ગયો. 

માલતિએ બાથરૂમમાં જઈને મોં સાફ કર્યું. પણ તેની માંગમાં જે લાલ રંગ બેઠો. એ બહું ઘસવા છતાંય નાં ગયો. માલતિ આખરે કંટાળીને બહાર આવી. એ વ્યક્તિ પોતાનાં હાથમાં ચાનો કપ લઈને ઊભો હતો.

"હું મલય છું. આ સાડીઓ મેં મારી બહેનનાં લગ્ન માટે મંગાવી હતી. મારાં લીધે તમને જે પરેશાની થઈ. એ માટે ફરી એકવાર સો સોરી." મલયે ચહેરા પર માફીના ભાવ લાવતાં કહ્યું.

"ઈટસ્ ઓકે." માલતિએ કહ્યું.

મલયે તેને ચા આપી. માલતિ ચા પીને જવાં લાગી. તો મલયે કહ્યું, "બે દિવસ પછી મારી બહેનનાં લગ્ન છે. તમે આવશો તો મને અને મારી બહેનને ખુશી થશે. તેમને તમારી દુકાનની સાડી અને તમારાં પ્રત્યે કંઈક અલગ જ લગાવ છે." 

"કોશિશ કરીશ." માલતિ કહીને જતી રહી.

માલતિ ઘરે પહોંચી. તો તેને લાલ રંગથી તરબોળ જોઈને વંદનાબેન આ બધું કેવી રીતે બન્યું. એ અંગે પૂછતાં માલતિએ માંડીને વાત કરી. માલતિને એ વાતથી કંઈ ખાસ્સો ફેર નાં પડ્યો. જ્યારે બધી વાત જાણી વંદનાબેનના ચહેરા પર મુસ્કાન છવાઈ ગઈ.

*****

એક દિવસ સવારે મલયને ત્યાંથી તેની બહેનનાં લગ્નનું સહ પરિવાર આવવાનું આમંત્રણ આવ્યું. કંકોત્રીમાં મલયના મમ્મી-પપ્પાનું નામ વાંચીને વંદનાબેનની ખુશીનો પાર નાં રહ્યો. મલય તેમની જ બહેનપણીની દેરાણીનો દીકરો હતો. જેની પત્ની થોડાં મહિના પહેલાં જ મલયને મૂકીને કોઈ બીજાં સાથે ભાગી ગઈ હતી. મલયે પરિવાર માટે ખુદને સંભાળી લીધો હતો.

આખી કહાની મગજમાં લાવ્યાં બાદ વંદનાબેનને એક વિચાર સ્ફુર્યો. તેમણે આખી વાત તેમનાં પતિને કરી. તેમની સહમતી મળતાં આખો પરિવાર મલયની બહેનનાં લગ્નમાં સામેલ થયો. ત્યાં મલયના મમ્મી-પપ્પા સાથે માંડીને બધી વાત થઈ. બધાં વંદનાબેનનો વિચાર જાણી ખુશ હતાં.

"કદાચ આ ધૂળેટીએ માલતિ અને મલયનુ મળવું, મલયનુ માલતિ પર લાલ રંગનું જ ફેંકવું. ભોલેનાથનો જ કોઈ ઈશારો હતો. નહીંતર માલતિ અભયના ગયાં પછી ક્યારેય લાલ રંગની નજીક પણ નથી ગઈ." વંદનાબેને કહ્યું.

વંદનાબેનની વાતોમાં મલયના મમ્મી-પપ્પાને પણ એક ઉમ્મીદનું કિરણ દેખાયું હતું. બધાં ખુશ હતાં.

માલતિના જન્મદાતા એવાં માલતિના મમ્મી-પપ્પાને આ વાતની જાણ થઈ.‌ તો તે બંને પણ ખુશ થયાં.

*****

મલયની બહેનનાં લગ્નમાંથી આવ્યાં પછી રવિવારની સવારે માલતિ, વંદનાબેન અને મહાદેવભાઈ એક સાથે બેઠાં હતાં. ત્યારે વંદનાબેને પૂછ્યું, "મલય તને કેવો લાગ્યો ?"

"મતલબ ?" વંદનાબેનનો સવાલ સમજી નાં શકતાં માલતિએ પૂછ્યું.

"મેં તેનાં મમ્મી-પપ્પા સાથે તારાં અને મલયના લગ્નની વાત કરી છે. બધાં મારાં વિચારથી ખુશ છે." વંદનાબેને થોડાં અચકાતાં સ્વરે કહ્યું.

તેમની વાત સાંભળીને માલતિ કંઈ પણ કહ્યાં વગર જતી રહી. તેની આંખો અનાયાસે જ આંસુથી ભરાઈ આવી. તે અભયના ફોટો સામે ખૂબ રડી. વંદનાબેન અને મહાદેવભાઈએ માલતિને ખૂબ સમજાવી. આખરે તેમની જીદ્દ આગળ માલતિ ફરી એકવાર મલયને મળવાં રાજી થઈ.

માલતિ અને મલયની રવિવારની સાંજે જ મુલાકાત ગોઠવાઈ. બંનેની પહલી મુલાકાત જે રીતે થઈ. એ પછી બીજી મુલાકાતમાં બંનેએ એકબીજાને સમજવાની કોશિશ કરી. બંનેએ પોતાનાં જીવનનાં ખાસ વ્યક્તિને ગુમાવ્યાં હતાં. જેની તકલીફ બંને સમજી શકતાં હતાં. છતાંય બંનેમાંથી કોઈ લગ્ન માટે તૈયાર ન હતું.

એ મુલાકાત પછી બંનેની ઘણી મુલાકાતો થઈ. બંને એકબીજાને સમજતાં થયાં. બંનેનાં પરિવાર તેમની એક 'હાં' સાંભળવાં તરસતાં હતાં.

એક દિવસ માલતિનુ એક્સિડન્ટ થયું. ત્યારે મલયે જ તેને હોસ્પિટલમાં એડમિટ કરી. માલતિને ગંભીર ઈજા થઈ હતી. તેને એક મહિના સુધી તો જમીન પર પગ મૂકવાની પણ મનાઈ હતી. એવામાં મલયે તેનું ખૂબ ધ્યાન રાખ્યું. એક રાતે આખી રાત જાગવાથી મલયને તાવ આવી ગયો. ત્યારે માલતિએ આખો દિવસ તેનાં માથે ઠંડા પાણીનાં પોતાં મૂકીને તેનું ધ્યાન રાખ્યું. બંને એકબીજાને સમજતાં, એકબીજાનું ધ્યાન રાખતાં. છતાં લગ્ન માટે તૈયાર ન હતાં.

એક મહિના પછી જ્યારે માલતિ ફરી પોતાની દુકાને જવા લાગી. ત્યારે મલયની બહેને તેને કોલ કરીને કહ્યું, "મલય અમદાવાદ છોડીને હંમેશને માટે અમેરિકા જાય છે." સામે એવો જ કોલ વંદનાબેને મલયને કર્યો.

માલતિ અને મલય બધું કામ છોડીને એરપોર્ટ જવાં નીકળી ગયાં. જ્યાં બંનેની એક અનોખી જ મુલાકાત થઈ. બંનેનાં ચહેરા પર એકબીજાને ગુમાવી દેવાનો ડર સાફ નજર આવતો હતો.

"અચાનક અમેરિકા જવાનો નિર્ણય કેમ કર્યો ? મને જાણ કરવી પણ જરૂરી નાં સમજ્યું." માલતિએ થોડાં ગુસ્સા સાથે કહ્યું.

"આ શું ? ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે. અમેરિકા હું નહીં. તું જાય છે. એ પણ મને જાણ કર્યા વગર જ." મલયે પરેશાની ભર્યા અવાજે કહ્યું.

"બંનેમાંથી કોઈ નથી જતું. આ તો તમને એક કરવાં માટે તમે અલગ થઈ રહ્યાં છો એવું નાટક અમે કર્યું હતું." પાછળથી મલયની બહેન, તેનો પતિ અને મલય અને માલતિના મમ્મી-પપ્પાએ આવીને કહ્યું.

તેમની વાતો સાંભળી મલય અને માલતિ બધું સમજી ગયાં. એ ઘટના પછી મલય અને માલતિ એ પણ સમજી ગયાં કે બંને હવે એકબીજા વગર અધૂરાં છે. તેમણે લગ્ન માટે હાં પાડી દીધી. બંનેનાં ધામધૂમથી લગ્ન થયાં. માલતિની વિદાય વંદનાબેનના ઘરનાં આંગણેથી જ થઈ. વંદનાબેન અને મહાદેવભાઈએ દીકરીની જેમ માલતિની વિદાય કરી. માલતિ અને મલયના મમ્મી-પપ્પા સહિત માલતિના જન્મદાતા એવાં તેનાં મમ્મી-પપ્પા પણ ખુશ હતાં.

માલતિ અને મલય પણ એકબીજા સાથે ખૂબ જ ખુશ હતાં. આગલા વર્ષની હોળીની પૂજા બંનેએ સાથે મળીને કરી. ધૂળેટીનાં દિવસે વહેલી સવારે મલયે સૌથી પહેલાં માલતિની માંગમાં પોતાનાં હાથે સિંદૂર ભર્યું. સાથે જ પૂરાં હકથી માલતિના ગાલ અને સાડીને લાલ રંગથી રંગી દીધાં.

ધૂળેટીનાં દિવસે અચાનક થયેલી મુલાકાત ભવોભવની મુલાકાતમાં પરિણમી. તે દિવસે અચાનક રંગાયેલ માલતિની સાડી હવે હંમેશને માટે મલયના પ્રેમનાં લાલ રંગથી રંગાઈ ગઈ. માલતિના જીવનમાં ફરી રંગોનું આગમન થયું.


Rate this content
Log in

Similar gujarati story from Romance