purvi patel pk

Drama Thriller

4.5  

purvi patel pk

Drama Thriller

રમણી

રમણી

3 mins
378


સિતમપુરા નાનું એવું ગામ ને, નામને સાર્થક કરે; એવા જ એ ગામના પુરુષો, આ ખોબલા જેવડા ગામ પર રાજ કરે. ગામની બહેન-દીકરીઓને પુરુષોની હાજરીમાં કામ વગર બોલવા, ચાલવા કે ઘરની બહાર નીકળવાનો અધિકાર નહોતો. ગામને છેવાડે એક શાળા હતી. તેમાં એકથી દસ ધોરણ સુધી ભણાવાતું, પછી વધુ ભણતર માટે બીજે ગામ કે શહેરમાં જવું પડતું. સવારે પુરુષો કામ પર જવા નીકળે પછી બધી બાઈઓ ઘર બહાર નીકળી ટોળે વળે, વાતો કરે ને, એકબીજાને મનોરંજન પૂરું પાડે. સાંજ પડતાં પુરુષોના આવવાનો સમય થતાં ફરી બધા પોતપોતાના ઘરમાં કામે વળગી જાય.

ગામની વચ્ચોવચ રહેતા કાંતા અને કિશનને એક દીકરી રમણી. શાળામાં આજે શિક્ષકે બધાને આવતા અઠવાડિયે નવરાત્રિની ઉજવણીના ભાગરૂપે એક એક ગરબો તૈયાર કરી લાવવાનું કહ્યું હતું. રમણીને તો ગરબા લેવા પણ ખૂબ ગમતાં. રમણી પાછી દેખાવે ભારે નમણી. દસમા ધોરણમાં ભણતી રમણી હવે યુવાવસ્થાના ઉંબરે પગ મૂકી ચૂકી હતી. એની સુડોળ કાયા અને ઉઘડતો વાન ભલભલાના ઈમાન ડોલાવી નાખે. કાંતા અને કિશન દીકરીને જોઈને હરખાતા, પરંતુ સમાજનાં બંધનો અને નરાધમ દુનિયાનો પણ તેમને સુપેરે પરિચય હતો. દસમા ધોરણ પછી ભણવા માટે રમણીને બીજે ગામ મોકલવી પડશે, એ વિચાર બન્નેને ધ્રુજાવી જતો. રમણી તો ઉછળતી, કૂદતી ઝરણાં જેવી, એના પગે સાંકળ બાંધવી અશક્ય હતી. તેનો તરવરાટ બંનેના ભયમાં ઉમેરો કરી જતો.

 આજે શાળામાં નવરાત્રિની ઉજવણીનો દિવસ હતો. પ્રાચીન ગરબાની એક ઝલક લેવાના આશયથી ટીવી ચેનલવાળાઓને આચાર્યએ સંમતિ આપી હોવાથી શહેરમાંથી ચાર-પાંચ યુવાન છોકરા-છોકરીઓ પણ ત્યાં હાજર હતા. ગામના પુરુષોએ આ બાબતનો વિરોધ કર્યો. ગામની દીકરીઓ પારકાં પુરુષ સામે ગરબા લે એ ન ચાલે. શાળામાં ત્રણ શિક્ષિકાઓ પણ હતી, તેમણે ગામના સરપંચને સમજાવવાનો પ્રયત્ન કર્યો.

"સરપંચજી, આ તો આદ્યશક્તિ મા અંબેની આરાધનાનો તહેવાર છે. આ દીકરીઓ તો નવદુર્ગાઓ કહેવાય. આપણે તો તેમની પૂજા...."

વાતને વચમાં જ કાપી નાંખતા સરપંચ તાડૂક્યા. 

"બસ, રહેવા દ્યો, અમે બાયુ હારે વાત્યું નથ કરતા. પુરુષોની હાજરીમાં ગરબા નો લેવાય એટલે નો લેવાય."

આખરે શાળામાં આવેલા ટીવી ચેનલના લોકો અને શાળાના આચાર્ય તથા શિક્ષકોએ નમતું જોખ્યું. બધા શાંત થઈને બેસી ગયા. ત્યાં જ અચાનક સિતમપુરાના પુરુષોના સિતમથી ત્રાસી ગયેલ એક ચિનગારી ભડકી. સોળે શણગાર સજેલી રમણીએ માથેથી ચુંદડીને ખેંચીને સરખી કરી, માતાજીની સામે કરેલા ઘટ સ્થાપનનો ગરબો ઉઠાવી માથે મૂકી, બે હાથે માતાજીને પ્રણામ કરી મોટા અવાજે ગરબો ઉઠાવ્યો.

"ગરબે રમે, ગરબે રમે,

 આજ મારી માવડી, ગરબે રમે."

રમણી એકલી મેદાનમાં મા અંબાની ફરતે જાણે રમણે ચઢી. બીજા કોઈએ હિંમત ન કરી રમણીને સાથ આપવાની. ત્યાં તો રમણી ધીમી પડે એ પહેલાં જ કાંતાએ ઊભા થઈ, માતાજીની સામે જઈ ઘૂંઘટને માથેથી પાછળ સરકાવી, કંકુની મૂઠ્ઠી ભરી કપાળ ભરી દીધું. સરપંચ અને અન્ય પુરુષોની સામે તીખી નજર કરી રમણીની ભેગા ગરબો લેવાનું શરૂ કર્યું. થોડી જ વારમાં ગામની બીજી બાયું ને દીકરીયું કપાળને કંકુવર્ણું કરી ગરબામાં જોડાવા લાગી. મેદાનમાં જાણે સાક્ષાત જોગણીઓ ઉતરી આવી હોય એવું વાતાવરણ સર્જાઈ ગયું. બધી બાયુંની આંખોમાં પુરુષોના સિતમનો વિરોધ આક્રોશના રૂપમાં વહેવા લાગ્યો. બધાનો ગુસ્સો તેમની તાળીઓના અવાજમાં પડઘાવા લાગ્યો. આખરે સિતમપુરાના સિતમગરોને ત્યાંથી પારોઠના પગલાં ભરવા પડ્યાં. બીજા દિવસની સવાર બધા માટે સોનેરી સવાર બનીને આવી.


Rate this content
Log in

Similar gujarati story from Drama