PRAVIN MAKWANA

Inspirational

3  

PRAVIN MAKWANA

Inspirational

રમેશ તન્ના એક કર્મશીલ

રમેશ તન્ના એક કર્મશીલ

4 mins
394


માત્ર સમાજમાં લેખન કરવું નહિ પણ સમાજની માટીમાં સુગંધ રેલાવનાર સર્જક એટલે રમેશ તન્ના.  

નાનામાં નાની વ્યક્તિનાં શબ્દ-ચિત્ર અને તેમનામાં પડેલી મોટી વાતોને શબ્દ દ્વારા ઉજાગર કરી ઉર્જાવાન અને પ્રેરણાદાયી પોઝિટિવ વિચારને પ્રાધાન્ય આપીને સર્જનાત્મક સમાજને ઉપયોગી સર્જનાત્મક લેખન અને પત્રકારત્વ કરતા પોઝિટિવ સ્ટોરીના લેખક તરીકે જેમની ઓળખ છે એ રમેશ તન્ના પત્રકાર, લેખક,વક્તા અને કર્મશીલ સર્જક છે. 

જાણીતા કેળવણીકાર મનસુખ સલ્લા તેમને 'સમાજ માંગલ્યના પત્રકાર' તરીકે ઓળખે છે. પદ્મશ્રી કુમારપાળ દેસાઈ કહે છે કે, "ગુજરાતમાં રચનાત્મક કાર્યો કરતી વ્યક્તિઓ કે સંસ્થાઓ વિશે માહિતી મેળવવી હોય તો સૌથી ઉત્તમ સરનામું રમેશ તન્ના છે" તો રઘુવીર ચૌધરીએ નોંધ્યું છે કે, "એક જમાનામાં જે કામ ઉત્તમ કવિઓ અને સંતો કરતા હતા તે સમાજની સારપને ઉજાગર કરવાનું કામ રમેશ તન્ના જેવા પત્રકારો અને લેખકો કરી રહ્યા છે." 

તેમો જન્મ ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના સમી તાલુકાના અમરાપુર ગામમાં પ્રભુરામ તન્નાના ઘરે માતા પ્રભાબહેનની કૂખે પહેલી ડિસેમ્બર,1966ના રોજ થયો હતો. તેમના પિતા ખેડૂત હતા. તેમનો ચાર ધોરણનો અભ્યાસ. માતા ગૃહિણી હતાં, તેમણે કદી નિશાળ નહોતી જોઈ, પણ ઊંડી કોઠાસૂઝ ધરાવતાં હતાં. 

પોતાના વતન ગામ પાસેથી માનવતા, પિતા પાસેથી સંવેદના અને માતા પાસેથી જીવનદષ્ટિ તથા માતભાષાનો ભવ્ય વારસો સર્જકને મળ્યો છે. તેમણે બી.કોમ કરવા ઉપરાંત પત્રકારત્વ વિષયમાં પણ સ્નાતકની ડિગ્રી મેળવી છે. એ પછી મહાત્મા ગાંધી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠ (અમદાવાદ)માં તેમણે પત્રકારત્વ વિષયમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી. એ પછી તેમણે બે વર્ષ ગૂજરાત વિદ્યાપીઠમાં પૂર્ણ સમયના વ્યાખ્યાતા તરીકે ફરજ બજાવી છે.

અઢાર વર્ષની ઉંમરથી તેમનું લેખન શરુ થઈ ગયું હતું પોતાના જીવનની પ્રથમ નવલકથા એ ઉંમરમાં લખેલી. જોકે એની હસ્તપ્રત ખોવાઈ ગઈ. વર્ષ 1991થી નિયમિત લેખન કરનાર રમેશ તન્ના નિસબતી લેખક છે. પ્રારંભમાં તેમણે, 1990-91માં ગુજરાત ટુડે નામના દૈનિકમાં ફરજ બજાવી. તેમની સત્ય ઘટના આધારિત સંવેદનશીલ કથાઓ 'શિશિર ધ્રૂજ્યું પાંદડું' કોલમ ખૂબ જ લોકપ્રિય થઈ હતી.તો આ જ અખબારમાં 'કબીરા ખડા બજારમેં, મારા બાપા (હાસ્ય નિબંધ)' જેવી લોકપ્રિય કોલમો પણ તેમણે લખી હતી. 

એ પછી તેમણે 'સમકાલીન', 'જનસત્તા', 'મિડ ડે ગુજરાતી', 'અખંડાનંદ', 'સાધના', 'નવગુજરાત ટાઈમ્સ', 'નયા માર્ગ' જેવાં અખબારોમાં લખવા માંડ્યું. એ રીતે તેમની શબ્દ સાધના આગળ વધી. 

સને 1999માં અમેરિકાથી પ્રકાશિત થતા સાપ્તાહિક 'ગુજરાત ટાઈમ્સ'માં પત્રકાર તરીકે જોડાયા. થોડા સમયમાં તેઓ સંપાદક બન્યા. તેમના સંપાદનમાં તૈયાર થતી 'સપ્તક' પૂર્તિએ ઉત્તમ નમૂનારૂપ મેગેઝિન પૂર્તિ બની. આ સાપ્તાહિકમાં તેમણે ચૌદ વર્ષ સુધી સર્જનાત્મક આલેખન કર્યું. આ શબ્દ સફર દરમિયાન જ ગુજરાતી ભાષા-સાહિત્યના ટોચના પારિતોષિક રણજિતરામ ચંદ્રકને સુવર્ણચંદ્રક બનાવવામાં તેઓ નિમિત્ત બન્યા. એ જ રીતે ઈન્દુલાલ યાજ્ઞિકની દળદાર આત્મકથાના અંગ્રેજી ભાષાના અવતારના પ્રકાશનમાં પણ તેઓ નિમિત્ત અને સેતુરુપ બન્યા.

"શબ્દ સમાજને ઉપયોગી થવા માટે જ સર્જાવો જોઈએ" તેવું માનતા આ સર્જક 2013થી પોઝિટિવ મીડિયા નામની પોતાની કંપની ચલાવીને સમાજને ઉપયોગી પત્રકારત્વ અને લેખન કરે છે. સમાજની સારી બાબતોને તેઓ સતત શોધીને સમાજ સામે ધરતા રહ્યા છે. ઘીના દીવાના ઉજાસ જેવી કલમ ધરાવતા આ સર્જકે પંદરેક પુસ્તકો લખ્યાં છે.'સમાજનું અજવાળું', સમાજની સુગંધ', અને 'સમાજની સંવેદના' એ પોઝિટિવ સ્ટોરી શ્રેણીનાં તેમનાં ત્રણ પુસ્તકો બેસ્ટ સેલર બન્યાં છે,ડિસેમ્બર, 2021માં આ જ શ્રેણીનું ચોથું પુસ્તક 'સમાજની કરુણા' તથા જાન્યુઆરી, 2022માં શ્રેણીનું 'સમાજની નિસબત' પ્રગટ થશે. આ તમામ પુસ્તકોનો અંગ્રેજી અને હિન્દીમાં અનુવાદ પણ થઈ રહ્યો છે.

 તેઓ 'કચ્છમિત્ર' અને 'ફૂલછાબ'માં (2013થી) 'ખુલ્લી બારી' તથા મુંબઈ સમાચારમાં 'નવી સવાર', ગાંધીનગર સમાચારમાં 'પહેલું કિરણ' કોલમ લખી રહ્યા છે. તેઓ નિયમિત રીતે વ્યક્તિલક્ષી નિબંધો પણ લખતા રહ્યા છે. ચરિત્રલેખનમાં પણ તેમની મહારથ છે. તેમણે વિવિધ વ્યક્તિઓનાં જીવનચરિત્રો લખ્યાં છે. સમાજને પ્રતિબધ્ધ એવા પરાગજીભાઈ નાયકનાં જીવનચરિત્ર સહિત આશરે દસ જેટલી જીવનચરિત્રો લખ્યાં છે.

કવિતા ક્ષેત્રે પણ તેમની કલમ ચાલી છે. 'મારું વતન' કવિતા સાંભળીને કેળવણીકાર અને સર્જક યશવંત શુક્લએ આગાહી કરી હતી કે, તમે ચોક્કસ ઉત્તમ કવિ બની શકશો. ટૂંક સમયમાં જ તેમનો કાવ્ય સંગ્રહ પણ પ્રકાશિત થવાનો છે. આ ઉપરાંત તેઓ બાળ સાહિત્ય, હાસ્યલેખ લખે છે. ટૂંક સમયમાં હાસ્યનિબંધસંગ્રહ, બાળવાર્તાસંગ્રહ પ્રકાશિત થવાના છે. તો પ્રથમ નવલકથાની હસ્તપ્રત ખોવાઈ જતાં તેનું પ્રકાશન નહોતું થઈ શકયું પરંતુ હવે તેમની પહેલી નવલકથા 'જીવનતીર્થ' પણ ટૂંક સમયમાં પ્રકાશિત થવાની છે. જુદાં જુદાં સામયિકોમાં તેમની નવલિકાઓ પણ પ્રકાશિત થતી રહી છે. જુદા જુદા લેખકોના સંપાદનમાં તેમના લેખોનો સમાવેશ થતો રહ્યો છે.

તેઓ એક કર્મશીલ સર્જક છે. લેખન સાથે સતત કર્મ કરવામાં માને છે. તેઓ નિયમિત રીતે બાળવાંચન શિબિર, વ્યાખ્યાન ઉપરાંત જુદા જુદા સાહિત્યિક કાર્યક્રમો પણ યોજે છે. અનેક સંસ્થાઓ સાથે સક્રિયપણે સંકળાયેલા છે.

 નિયમિત રીતે જુદી જુદી સંસ્થાઓ અને વ્યક્તિઓ વિશે આલેખનથી માનવતાને ઉજાગર કરતી સેવાકીય સંસ્થાઓને કરોડો રુપિયાનાં અનુદાન મળ્યાં છે. માતૃભાષા ગુજરાતીના પ્રસાર માટે સતત પ્રયાસો કરે છે. આ અંગે સંવાદ અને પરિસંવાદ યોજે છે. તેમણે ગુજરાતમાં પ્રજાકીય ધોરણે માતૃભાષા ગુજરાતી વિશ્વ વિદ્યાલયની સ્થાપના કરવાનો સંકલ્પ કર્યો છે. છેલ્લાં બે વર્ષથી એ દિશામાં તેઓ સક્રિય છે. સ્વસ્થ સમાજના નિર્માણમાં ઉપયોગી થાય તેવું લેખન કરવાનું વ્રત તેઓ 30 વર્ષથી પાળી રહ્યા છે. સેવાકીય-સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ, સાહિત્યિક-સાંગીતિક અને સાંસ્કૃતિક લેખનમાં તેમણે વ્યાપકતા સાથે ગુણવત્તા પણ જાળવી છે.

'નવી સવાર' નામની સંસ્થાના નેતા હેઠ‌‌ળ તેઓ સને 2035 સુધીમાં ગુજરાતનાં તમામ ગામોનું ઉત્થાન કરવાનું સ્વપ્ન સેવે છે. સૂર્ય ઉર્જાનું આધુનિક મ્યુઝિયમ કરવાની પણ તેમની નેમ છે.

તેમના 'સમાજની સુગંધ' પુસ્તકને સુરત સ્થિત નર્મદ સાહિત્ય સભા દ્વારા 'નાનુભાઈ નાયક ચંદ્રક'થી પોંખવામાં આવ્યું છે. 'ગિરનાર એવોર્ડ', 'ચરખા' દ્વારા વિકાસલક્ષી પત્રકારત્વ એવોર્ડ ,'શ્રી રમણલાલ શેઠ સાધના ગૌરવ પત્રકારત્વ પુરસ્કાર' રાજ્યપાલના હસ્તે, આ ઉપરાંત 'ગુજરાત પત્રકાર સંઘ', 'બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ' સહિત ઘણી સંસ્થાઓએ તેમને પત્રકાર તરીકે સન્માનિત કર્યા છે. 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational