રડતો ચહેરો....
રડતો ચહેરો....
મિત્રો, આપણને જ્યારે નોકરી મળે છે, ત્યારે આપણી અંદર પ્રકારનો આનંદ છવાઈ જતો હોય છે. આપણે અભ્યાસ દરમિયાન કરેલ બધી જ મહેનત જાણે ફળીભૂત થઈ હોય તેવું લાગી રહ્યું હોય છે. પરંતુ મિત્રો આ પરિસ્થિતિ ખરેખર એવી હોય છે કે એક બાજુ નવી નોકરી મળવાનો આનંદ હોય છે, તો બીજી બાજુ આપણને જેણે આ નોકરીને કાબેલ કે લાયલ બનાવ્યાં તે મા બાપથી આપણે દૂર થઈ જતાં હોઈએ છીએ, જે ખરેખર એક વિચારવા જેવું છે !
મિત્રો મારી સાથે પણ આવી જ એક ઘટનાં બની હતી, જે મારા વ્યવસાય સાથે જોડાયેલ છે, જે હાલમાં પણ મારા માનસપટ્ટ પર છવાયેલ છે ! મિત્રો મને જ્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સરકારી નોકરી મળી, ત્યારે મારી પણ આવી જ હાલત થઈ ગઈ હતી, મારી અંદર જાણે રોમેરોમમાં એક પ્રકારનો જુસ્સો દોડી રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું, વર્ષ ૨૦૧૧થી માંડીને વર્ષ ૨૦૧૪ સુધી કરાર આધારિત જ નોકરી કરી હતી. જે હાલમાં આપણી સિસ્ટમમાં એક કલંક સમાનજ છે, જેમાં હાલમાં પણ આપણી યુવા પેઢીઓ શોષણ થાયજ છે અને કદાચ આવનાર પેઢીઓનું પણ શોષણ થતું રહેશે, એમાં કોઈ બેમત નથી.
હું રાજીખુશીથી મારી જરૂરી બધી વસ્તુઓ બેગમાં ભરીને, એક બેગ ખભે લગાડી, અને બીજી બે બેગ મારા હાથમાં લઈ, અમરેલીથી રાજકોટ જવાં માટે રવાનાં થયો. મારા માતા-પિતા મને વળાવવા માટે મારા ઘરનાં ગેટ સુધી આવ્યાં, અને દરેક માતા-પિતા જેવી રીતે પોતાનાં સંતાનને સલાહ અને સૂચન આપે, તેવી જ રીતે મારા માતા- પિતાએ મને સલાહ આપી. પણ આ સમયે મારા માતા - પિતાની નજરો મારી સાથે મળેલ ન હતી. એવામાં મારા મમ્મીએ થોડા ભારે એવાજમાં મને "આવજે...! બેટા...! તારું ધ્યાન રાખજે....!" એવું બોલ્યાં, આથી મેં પાછળ વળીને જોયું, તો મારા હાથમાંથી બેગ જમીન પર મુકાઈ ગઈ. કારણ કે મારા મમ્મીએ અત્યાર સુધી જે પોતાની લાગણીઓ હદયમાં રોકીને રાખેલ હતી, તે બધી લાગણીઓ જાણે ધોધમાર વરસાદનાં પાણીને માફક અશ્રુધારા બનીને વહેવા લાગી !
મિત્રો થોડીકવાર મને એવું થયું કે હું મારા ઘરે રોકાય જાઉ, પણ મારી લાચારી કે મજબૂરી હોવાને લીધે, હું મારા ઘરે મારા મમ્મી - પપ્પા પાસે રોકાઈ જવાં ઈચ્છતો હોવા છતાંપણ રોકાઈ ના શક્યો.મનમાં થોડું દુઃખ પણ થઈ રહ્યું હતું કે મને ક્યારેય દુઃખી ન થવા દેનાર મારા મમ્મી રડી રહ્યાં હતાં અને હું લાચાર હતો કે કાંઈ કરી શકતો ન હતો. ત્યારબાદ હું મારા મમ્મીને "રજા મળશે...ત્યારે ઘરે પાછો આવીશ !" - એવી સાંત્વના આપીને બસ સ્ટેશન તરફ જવાં રવાનાં થયો.
હું અમરેલીથી રાજકોટ પહોંચ્યો એ આખા રસ્તામાં બસ મારી નજર સમક્ષ એકમાત્ર મારા મમ્મીનો રડતો ચહેરો જ વારંવાર આવી રહ્યો હતો. મનમાં એવું થઈ રહ્યું હતું...કે એવી નોકરી શું કામની કે જેથી તમારે તમારા માતા - પિતાથી દૂર થવું પડે. આનો શું ઉપાય થઈ શકે તે હું આખા રસ્તે આ બાબત પર વિચારતો રહ્યો.
આખરે બે મહિના બાદ મને સરકારી કવાર્ટર ફાળવવામાં આવ્યું, આ કવાર્ટર મળતાની સાથે જ મેં મારા માતા - પિતાને કાયમિક માટે રાજકોટ બોલાવી લીધા, ત્યારથી માંડીને આજ-સુધી, હું મારા માતા - પિતા સાથેજ રહેવા લાગ્યો. અને મારા મમ્મીનાં ચહેરા પર હવે કાયમિક માટે સ્માઈલ છવાઈ ગઇ. અને હવે તેમનો ચહેરો હંમેશા હસતો જ હોય છે, મિત્રો એક પ્રાણી, પશુ કે પક્ષીઓ પણ પોતાનાં સંતાન વગર નથી રહી શકતાં. તો પછી એક મા કે એક માતા પોતાનાં સંતાન વગર કેવી રીતે રહી શકે એ પણ એક વિચારવા જેવી બાબત છે.
આપણે આપણાં જીવનમાં એક સારા કર્મચારી થવું કે બનવું ખુબ જરૂરી છે પરંતુ તેના કરતાં પણ વધુ જરૂરી છે એક સારા પુત્ર થવાની.