Himanshu Patel

Thriller

5.0  

Himanshu Patel

Thriller

રડતી દીવાલ

રડતી દીવાલ

13 mins
673


લીલાબા, સમજાવો તમારા છોકરાને, હાલતા ચાલતા તોફાન કરતો જાય છે, હું વાસણ ધોતી હતી અને સાઈકલ લઇને નીકળ્યો તો મને કાદવ ઉડાડતો જાય છે”.


“રેવા, છોકરાઓ તોફાન નહિ કરે તો શું હું અને તું તોફાન કરીશું, એની ઉમર તોફાન કરવાની છે તો કરશે જ ને, હું સમજાવીશ હવેથી તને તંગ નહિ કરે.”


લીલાબા શહેરને અડીને આવેલા નાનકડા ગામડામાં એમના પૌત્ર પંથ સાથે રહે છે. લીલાબાના પતિ શીવાભાઈ વર્ષો પહેલા ગુજરી ગયા હતા અને લીલાબાનો પુત્ર દિનેશ અને પુત્રવધુ પંથ જયારે ૫ વર્ષનો હતો ત્યારે એક રોડ એક્સીડેન્ટમાં મૃત્યુ પામ્યા હતા. એ ગોઝારો દિવસ આજ પણ લીલાબાની સ્મૃતિઓને હલાવી જાય છે. પણ પંથને મોટો કરવાના મજબૂત ઈરાદાના કારણે આજ પણ લીલાબા અડીખમ રીતે જીવન વિતાવી રહ્યા છે.


આજે પંથ ૧૦ વર્ષનો છે અને ગામની સરકારી શાળામાં અભ્યાસ કરે છે. માં-બાપ ના હોવાથી લીલાબાએ તેને ખુબજ લાડકોડથી ઉછેર્યો છે. જેથી પંથ ખુબજ નટખટ અને મસ્તીખોર છે. સ્કૂલમાં અને ગામમાં પંથ મસ્તીખોર તરીકે પંકાઈ ગયેલો છે. પણ જો પંથને કોઈ પરેશાન કરે કે એના પર હાથ ઉપાડે તો એનું આવી બને. ગામમાં લીલાબાની ધાક એટલી છે કે સહુ કોઈ પંથની મસ્તી ચુપચાપ સહન કરી લે પણ, પંથ ઉપર હાથ ઉપાડવાનો વિચાર સુદ્ધા ના કરે. લીલાબાની દુનિયા ફક્ત પંથ જ છે.


પંથને સવારે નવડાવી ધોવડાવીને સ્કૂલે મોકલવો, પછી મંદિર જવું, મંદિરથી આવીને રસોઈ બનાવવી બપોરે ૧૨:૩૦ વાગ્યે પંથ સ્કૂલેથી આવે એટલે એને ગરમ ગરમ જમાડવું, પછી એને સુવડાવીને પોતે થોડી વાર સુઈ જાય. પંથ ૪ વાગ્યે ઉઠે એટલે એને નાસ્તો અને દૂધ આપવું અને પોતાના માટે ચા બનાવવી, પછી પંથ ગામમાં રમવા જાય તે દરમ્યાન છીંકણી ઘસે. સાંજે રામજી મંદિરની આરતીમાં પંથને લઈને જવું તે તેમના નિત્યક્રમમાં સામેલ હતું. મંદિરથી આવીને વાળુ કરીને પંથ શાળાનું લેસન કરવા બેસતો અને લીલાબા છીંકણી ઘસતા એની સાથે બહાર ફળિયા માં બેસતા. આટ આટલી મુશ્કેલીઓનો સામનો કરી ચૂક્યા હોવા છતાં ખુબજ મક્કમ હોવાના કારણે લીલાબાને ગામના લોકો એ ઘણા બધા ઉપનામ આપેલા હતા, જેમકે પંથના માંબાપ ના હોવાથી તેનું રક્ષણ એક દીવાલની જેમ ઉભા રહીને કરતા હોવાથી ગામના ઘણા લોકોએ તેમને "દીવાલ"ના ઉપનામથી પણ સંબોધે છે. લીલાબાનું જીવન જાણે પંથને જ સમર્પિત છે.

પંથ ખુબજ નટખટ હોવાની સાથે સાથે ભણવામાં પણ એટલોજ તેજ છે. પ્રથમ કક્ષાથી લઇ ને ચોથા ધોરણ સુધી શાળામાં હંમેશા પ્રથમ ક્રમાંકે જ રહે છે. શાળામાં શિક્ષકો પણ પંથ પ્રત્યે ખુબજ કુણું વલણ રાખે છે. શાળામાં પણ પંથ ખુબજ તોફાન મસ્તી કરતો પણ શિક્ષકોમાં બાપ વિહોણો હોવાથી તેના પર રહેમ નજર રાખે છે.


લીલાબાની પાસે ૩૦ વીઘા જમીન છે, જે એમનો વર્ષો જૂનો ખેડૂત રમેશ ખેડે છે, જેમાંથી લીલાબા અને પંથનું ગુજરાન આરામથી થાય છે. રમેશ તેમનો ખુબ જૂનો ખેડૂત છે, જયારે શીવાભાઈ જીવતા ત્યારનો તેમની જમીનમાં મજૂરી કરતો હતો. શીવાભાઈના અવસાન બાદ જયારે દિનેશ નાનો હતો ત્યારે પણ ખેતીની બધી જવાબદારી રમેશે ઉઠાવી લીધી હતી, જ્યાં સુધી દિનેશ યુવાન ના થયો ત્યાં સુધી રમેશ તેમની ખેતી સંભાળતો હતો. દિનેશ યુવાન થયો અને ખેતી કરતા શીખ્યો પછી રમેશે બધી જવાબદારી દિનેશને સોંપી અને પોતે પહેલાની જેમ મજૂર તરીકે કામ કરવા લાગ્યો. પણ દિનેશના અવસાન બાદ ફરી આ જવાબદારી રમેશના માથા પર આવી. લીલાબા પણ રમેશ ને એક ઘરનો સભ્ય જ ગણે છે.


સમયના વહેણ સાથે પંથ મોટો થતો જાય છે,આજે પંથની ૧૦માં ધોરણની પરીક્ષાનું પરિણામ આવવાનું છે, પંથ અને લીલાબા બંને સવારથી ખુબજ ઉત્સાહમાં છે, લીલાબાને ભરોસો છે પંથનું પરિણામ ખુબજ સારું આવશે, તેમણે આગલા દિવસે જ રમેશને કહી રાખ્યું છે, કે શહેરમાંથી ૨૫ કિલો માવાના પેંડા લેતો આવજે, મારા પંથના પરિણામના પેંડા આખા ગામમાં વેંચવાના છે. રાત્રે મોડે સુધી લીલાબા, રમેશ અને રમેશની વહુ રૂખી એ મળી ને પેંડાના નાના નાના પેકેટ તૈયાર કર્યા અને કોણ ક્યાં પેંડા આપવા જશે એના માટે ગામની શેરીઓની વહેંચણી પણ કરી દીધી. પરિણામના દિવસે લીલાબાની ઊંઘ સવારમાં ૪ વાગ્યે ઉડી ગઈ. ઉઠીને નહિ ધોઈને ભગવાનના પૂજા પાઠ પણ કરી લીધા. સવારના સાત વાગ્યે પંથને સુતો મૂકીને નિશાળે બાજુ ચાલવા લાગ્યા ત્યાં તો નિશાળના હેડ માસ્તર એમને સામે મળ્યા એમને કહ્યું “માજી,આટલા સવારમાં ક્યાં ચાલ્યા.” લીલાબા કહે, ”માસ્તર તમે હજુ કેમ અહી ફરો છો, આજ તો મારા છોકરાનું પરિણામ છે ને?”. માસ્તર મગનલાલે કહ્યું, ”માજી, અત્યારમાં પરિણામ ના હોય હજુ તો જીલ્લામાં ઓફીસ ખુલશે એટલે પટ્ટાવાળો બધાના પરિણામ લઇ ને આવશે, લગભગ ૧૧ વાગ્યા સુધીમાં આવશે, તમે ૧૧ વાગ્યે નિશાળે આવજો.” લીલાબા ઘર તરફ પાછા વળ્યા. ઘેર પહોચીને જોયું તો પંથ બ્રશ કરતો હતો.કોગળો કરી ને બોલ્યો,” બા અત્યારમાં ક્યાં જી આવી?”, લીલાબા કહે, ”ભાઈ તારા પરિણામની તને ચિંતા નથી પણ મને તો છે.” પંથ હસીને બોલ્યો, ”બા તું ચિંતા ના કર આપણું પરિણામ ટોપ ક્લાસ આવવાનું છે.” લીલાબા કહે,” હા બેટા મને ખબર છે પણ જ્યાં સુધી આવે નહિ ત્યાં સુધી મને જપ નહિ થાય.” ૧૦ વાગતા જ લીલાબાએ પંથને કહ્યું “ભગવાનના દર્શન કરી લે ચાલ નિશાળે જવાનું છે.” પંથે કહ્યું “બા હજુ વાર છે”. લીલા બા ગુસ્સ્સે થઇને બોલ્યા,”ચુપચાપ ચાલ હવે”.


પંથ લીલાબાની સાથે નિશાળે પહોચ્યો. નિશાળમાં હજુ પટ્ટાવાળો રાજુ અને હેડ માસ્તર મગનલાલ જ પહોચ્યા હતા. મગનલાલ લીલાબાને જોઈને હસ્યા અને કહ્યું,”કેમ ડોશી ધરપત ના રહી તમને, આટલા વહેલા આવી ગયા?


લીલાબાએ કહ્યું,”હા માસ્તર જ્યાં સુધી પંથનું પરિણામ નહિ આવે ત્યાં સુધી મને સખ નહિ થાય હું હવે અહીજ વાટ જોઇશ.”

મગનલાલે કહ્યું,”સારું તમ તમારે માજી અહી મેદાનમાં ઝાડ નીચે બાંકડા પર બેસો હું રાજુ જોડે પાણી મોકલું.”


પંથ નિશાળના મેદાનમાં હીંચકા પર બેસી ને ઝૂલા ઝૂલવા લાગ્યો. અને લીલાબા બાંકડા પર બેઠા બેઠા ભગવાનનું નામ લેવા લાગ્યા.

અડધા કલાક પછી નિશાળમાં ચહલ કદમ વધવા લાગી નિશાળના બીજા શિક્ષકો અને બીજા વિદ્યાર્થીઓના વાલીઓ ધીરે ધીરે આવવા લાગ્યા. ૧૧ વાગતા જ બધાની ઉત્સુકતા વધી ગઈ. સૌ હેડ માસ્તરને પૂછવા લાગ્યા,” સાહેબ હવે કટલીવાર લાગશે?.”માસ્તરે કહ્યું,”ભાઈ શાંતિ રાખો  શહેરમાંથી માણસ ૧ કલાક પહેલા નીકળી ગયો છે, હવે પહોંચવાની તૈયારી જ છે.


અંતે પરિણામ આવ્યું. પંથ ૯૫ ટકા સાથે આખા જીલ્લામાં પ્રથમ ક્રમે ઉતીર્ણ થયો. લીલાબાની આંખમાંથી હર્ષના અશ્રુની ગંગા જમના વહેવા લાગી. હેડ માસ્તર મગનલાલની આંખ ના ખૂણા પણ ભીના થઇ ગયા. લીલાબા એ પંથને રડતા રડતા આલિંગનમાં લીધો અને કહ્યું બેટા મારી અને તારી મહેનતનું ફળ ઈશ્વરે આપણને આપ્યું છે. તેમને ખુબ જ ગદ ગદ થઇને નિશાળના માસ્તરોનો આભાર માન્યો. પંથના વર્ગ-શિક્ષક કનુભાઈ પણ ખુબ જ ખુશ હતા. તેમને લીલાબાને બાજુ પર બોલાવી કહ્યું,”માજી પંથ ખુબ જ સારું પરિણામ લાવ્યો છે,પણ હવે તેને શું ભણાવવું તેના વિષે તમે કઈ વિચાર્યું છે?”

લીલાબા એ કહ્યું,”એ બધી મને ખબર ના પડે તમે જ કૈક રસ્તો બતાવો.”


કનુભાઈ બોલ્યા,”જુઓ માજી પંથ ગણિત અને વિજ્ઞાન બંને વિષય માં પુરા ૧૦૦માંથી ૧૦૦ અંક લાવ્યો છે અને તેને આ બંને વિષયો માં ખુબજ રસ છે, મારા મંતવ્ય પ્રમાણે આપણે એને શહેર ની કોઈ સારી પ્રતિષ્ઠિત શાળામાં વિજ્ઞાનપ્રવાહમાં હાયર સેકન્ડરીમાં અભ્યાસ માટે મુકવો જોઈએ,પણ આમાં તેને ભણાવવા નો ખર્ચ ખુબ આવશે.”


લીલાબા બોલ્યા,”માસ્તર, મારી પાસે જે કઈ પણ છે એનો વારસદાર પંથ જ છે,જો હું એના માટે અત્યારે નહિ વાપરું તો ક્યારે વાપરીશ?,તમે એના માટે એડમીશનની તૈયારી કરો ખર્ચની ચિંતા બિલકુલ ના કરશો.”


કનુભાઈ એ કહ્યું, ”માજી એના એડમીશનની ચિંતા નાં કરો આવા હોનહાર વિદ્યાર્થી માટે દરેક સ્કૂલોના દરવાજા ખુલ્લા જ હોય છે, પણ એના એડમીશન પછી એને તમે અહી ગામ થી શહેરમાં મોકલશો કે પછી શહેરમાં જ રહેવા માટે કોઈ વ્યવસ્થા કરવી છે?”

લીલાબા થોડા ગહન વિચારમાં સરી ગયા એમની સામે તેમના દીકરાના થયેલા અકસ્માતની યાદ તાદ્રશ્ય થઇ ગઈ.

કનુભાઈએ લીલાબાને ઝંઝોળીને કહ્યું, ”શું થયું માજી?”

લીલાબા બોલ્યા,”માસ્તર મારે પંથને અપ-ડાઉન નથી કરાવવું, શહેરમાં આપણા સમાજનું છાત્રાલય છે ત્યાં રહીને ભણશે અને હું દર અઠવાડિયે આંટો મારીશ.” 

કનુભાઈ હસી ને બોલ્યા,”હા આ સારો વિચાર છે.”

 

પંથ શહેરની શાળામાં ભણવા લાગ્યો પણ બાથી ક્યારે પણ એક દિવસ દુર નહિ રહેલો તેના કારણે તેને થોડી તકલીફ પણ પડવા લાગી. જેમ મોટો થતો ગયો તેમ તેનામાં થોડી ગંભીરતા આવવા લાગી. આ બાજુ લીલાબા ની હાલત પણ કફોડી હતી જેમ પાણી પીવડાવી ને બીજમાંથી મોટું વૃક્ષ ઉગાડ્યું હોય અને એક દિવસ તેને છોડીને દુર જવાનું થાય અને જેવી લાગણી થાય તેવી હાલત અત્યારે લીલાબા ની હતી. પણ તેમને તેમનું જે લક્ષ્ય હતું તે ઢીલા પાડવા દેતું નહોતું. રમેશ અને રૂખી દિવસ માં ૩ થી ૪ વાર લીલાબા ને ત્યાં આવતા જેથી તેમને સારું લાગે.


પંથ શહેરની સ્કૂલમાં પણ એક પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકે ઉપસી આવ્યો. સ્કૂલમાં સમગ્ર શિક્ષકગણ અને તેના સહપાઠીઓમાં તે એક હોનહાર વિદ્યાર્થી તરીકે પ્રસિદ્ધ થવા લાગ્યો. ધીરે ધીરે સમય વીતતો ગયો. પંથ તરુણાવસ્થામાં પ્રવેશ્યો ત્યારે તરુણાવસ્થા માં સહજ પ્રકારે ઉભરતી લાગણીઓ ના કારણે તેનામાં પણ કેટલાક બદલાવ થવા લાગ્યા.પરંતુ,પંથના વ્યક્તિત્વમાં બાલ્યાવસ્થા કરતા વિપરીત પરિવર્તન થઇ ને તે એક ખુબજ સાલસ,ધીર ગંભીર અને આકર્ષક વ્યક્તિવ ધરાવતા તરુણમાં પરિવર્તિત થઇ ચુક્યો હતો.

લીલાબા દર રવિવારે અચૂક સવારની વહેલી બસ માં પંથ ને મળવા જરૂર આવતા, તેના માટે નાસ્તો  કે અન્ય જરૂરી વસ્તુની ક્યારે પણ ખૂટવા ન દેતા. રવિવારે પંથને હોસ્ટેલમાંથી શહેરમાં લઇ જતા અને તેના માટે કૈક ને કૈક ખરીદી કરતા. અને સાંજે ચારની બસમાં ગામ પાછા આવી જતા. હવે પંથ બારમાં ધોરણમાં આવ્યો તો એને બા ને કહ્યું,”બા તમે હવે થી દર અઠવાડિયે આવવા નું રહેવા દો.પંદર દિવસે હું ગામ આવીશ અને પંદર દિવસે તમે આવજો.પંથ ને પણ બા ની ચિંતા થતી હવે લીલાબા ની ઉમર પણ થવા લાગી હતી અને શરીર પણ જોઈએ તેવો સાથ નહોતું આપતું.

                                                                 પંથ બારમાં ના બોર્ડ ના પેપર માટે તનતોડ મહેનત કરી રહ્યો હતો.તે વિચારી રહ્યો હતો કે બા ને જેમ વધારે મળવા નું થાય તેમ તેનું મન અભ્યાસ માં જલ્દી થી લાગતું નથી.એટલે જ અને લીલાબા ને મહીને એક વાર આવવા નું કહ્યું.૧૨ માં ધોરણ ની પરીક્ષા પણ આવી ગઈ અને પંથ ના બધા વિષય ના પેપર ખુબજ સારા ગયા.પંથ પરીખા આપી ને ગામડે આવ્યો અને સીધોજ કનુભાઈ માસ્તર ના ઘેર ગયો.કનુભાઈ ઓસરી માં હીંચકો ખાતા છાપું વાંચી રહ્યા હતા.પંથે જઈને કનુભાઈ ના ચરણસ્પર્શ કર્યા.કનુભાઈ ભાવ-વિભોર બની ગયા અને પંથ ને બથ માં લઇ લીધો.અને કહ્યું,”બેટા તારી પરીક્ષા કેવી ગઈ?”,પંથ બોલ્યો,”સાહેબ તમારી અને બા ની મહેનત અને આશીર્વાદ થી મારા બધા પેપર ખુબજ સરસ ગયા છે,ખુબજ સારું પરિણામ આવશે,ચાલો હું જાઉં બા ક્યારની વાત જોઈ ને બેઠી હશે.”

“હા ભાઈ જલ્દી જા,ક્યાંક ડોશી ને ચિંતા માં ને ચિંતા માં ક્યાંક એટેક ના આવી જાય.”એમ કહી કનુભાઈ હસવા લાગ્યા.

પંથ પણ હસવા લાગ્યો.

ઘેર પહોચી ને પંથ લીલાબા ને ભેટી પડ્યો અને એક મિનીટ સુધી બા ને છોડી નહિ.અને પછી બોલ્યો,”બ હવે ચિંતા મુક્ત થઇ જા બધા પેપર ખુબજ સારા ગયા છે અને તારી બધી માનતા ઓ ફળશે.”આજે લીલાબા ની ખુશી નો પાર નહોતો પણ ચહેરા પર ની કરચલીઓ માં  એક સંતોષ ની સાથે ક્યાંક જુના દર્દ પણ ડોકિયું દઈ રહ્યા હતા.પણ એક જવાબદારી પૂરી કર્યા ના એહસાસ ની સામે દર્દ ની શું વિસાત કે એ પાણી બની ને આંખ માં થી બહાર આવે?.આજે લીલાબા જાણે માથા પર થી ખુબજ મોટો બોઝ ઉતરી ગયો હોય તેમ હળવાફૂલ અનુભવી રહ્યા હતા.

પરીક્ષા નું પરિણામ આવી ગયું.પંથ સમગ્ર રાજ્ય માં ચોથા નંબરે અને જીલ્લા માં પ્રથમ નંબરે ઉતીર્ણ થયો.પરિણામ લેવા એની સાથે કનુભાઈ માસ્તર અને લીલાબા બંને આવ્યા હતા.લીલાબા નો હરખ આજે હેલી યે ચડ્યો હતો. શહેરમાંથી પાંચ કિલો પેંડા લીધા. અને આખા ગામમાં વહેચ્યા.


કનુભાઈ પંથની શાળાના શિક્ષકો સાથે પંથ ના ભવિષ્ય અંગે ચર્ચા કરી અને પંથ ના પોતાના અભિપ્રાય પર થી એવું નક્કી કર્યું કે પંથ ને IIT માં આગળ ભણાવવો. IIT માં પ્રવેશ માટે સ્પર્ધાત્મક પરીક્ષા આપવી પડે જે ૨ મહિના પછી હતી.પંથ ફરી થી તૈયારી માં લાગી ગયો અને સ્પર્ધાત્મક પરીક્ષા પણ સારા અંકો થી પાસ કરી અને તેને બેંગલોર IIT માં એડમીશન મળ્યું.નજીક ના શહેર ની કોલેજ માં પ્રવેશ માટે માત્ર એક અંક જ પાછળ રહી ગયો.

હવે પછી નો સમય લીલાબા માટે બહુ કપરો હતો.પંથ તેમના થી માત્ર ૧૦ કિલોમીટર દુર રહી ને અભ્યાસ કરતો હતો તો પણ લીલાબા ને હર પળ તેની ચિંતા લાગી રહેતી હતી.હવે તો તે ૧૫૦૦ કિલોમીટર દુર જવાનો તો મારી હાલત શું થશે તે વિચારી ને લીલાબા ને શરીર માં એક લખલખું પસાર થઇ ગયું.પણ તેમને પંથ પ્રત્યે ની તેમની જવાબદારી ક્યારેય ઢીલા પાડવા દેતી નહોતી.પંથ ની સાથે શહેર ની સ્કુલ માં અભ્યાસ કરતા તેના મિત્ર સુયોગ ને પણ બેંગલોર IIT માં એડમીશન મળ્યું હતું.

કનુભાઈ એ પણ લીલાબા ને સમજાવ્યા અને કહ્યું,”લીલાબા,હવે તમે તો ખરતું પાન છો,પંથ ની આગળ એનું આખું ઉજ્જવળ ભવિષ્ય રાહ જોતું બેઠું છે,જો તમે આમ લાગણી માં વહી જશો તો પંથ પણ ગુંચવણ અનુભવશે અને આગળ અભ્યાસ માં ધ્યાન નહિ આપી શકે.માટે તમને જે “દીવાલ” તરીકે નું ઉપનામ મળ્યું છે લોકો તરફથી તેને હવે સાર્થક કરી બતાવવા નો સમય આવી ગયો છે.”

લીલાબા અંદર ઉઠી રહેલા દર્દ ને અંદર દબાવી ને હસી ને બોલ્યા,”તમારી વાત સો ટકા સાચી છે માસ્તર,હું મારી લાગણી ઓ ના વહેણ માં પંથ ના ભવિષ્ય ને વહેવા નહિ દઉં.”

વર્ષો વીતવા લાગ્યા પંથ IIT પણ પાસ કરી ચુક્યો છે.તેનું ઉંમર પણ ૨૫ વર્ષ થઇ ચુકી છે.અને ગામ ને અડી ને આવેલા શહેર માં જ્યાં તેને માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું હતું ત્યાં એક મોટી મલ્ટીનેશનલ સોફ્ટવેર કંપની માં પ્રોગ્રામિંગ હેડ નું પ્રતિષ્ઠિત પદ ધરાવે છે અને શહેર માં જ કંપની તરફ થી મળેલા એપાર્ટમેંટ માં રહે છે,પગાર પણ સારો એવો ૬ આંકડા માં છે.તેણે લીલાબા ને ગામ છોડી શહેર માં તેની સાથે રહેવા માટે ઘણા મનાવ્યા પણ લીલાબા ગામ છોડી ક્યાય જવા તૈયાર નહોતા,કારણ કે ગામ માં જ તેમની સાથે સારી નરસી બધી યાદો જોડાયેલી હતી જેને તે ભૂલાવવા નહોતા માંગતા.હવે તેમની એક જ ઈચ્છા હતી કે પંથ ને જલ્દી થી પરણાવી દેવો અને પછી જેટલું જીવન બાકી છે તે ભક્તિ માં વિતાવવું.


પંથ માટે સમાજમાંથી સારા સારા માંગા આવી રહ્યા હતા, પણ પંથ હજુ જવાબદારી માં બંધાવવા તૈયાર નહોતો.જેથી કરી ને દરેક પ્રસ્તાવ ને કોઈ ને માઠું ના લાગે એ રીતે યેન કેન પ્રકારે ઠુકરાવી દેતો. લીલાબા એ પણ તેને ઘણો સમજાવ્યો પરંતુ તેને લીલાબા ને કહ્યું,”બા તું ચિંતા ના કરીશ હું પરણી જઈશ હજુ નવી નવી નોકરી છે મને થોડો સેટ થઇ જવા દે પછી પરની જઈશ પણ મારી એક શરત છે હું પરણી જાઉં પછી તારે મારી સાથે અહી શહેર માં રહેવું પડશે,બોલ તને છે મંજુર?

લીલાબા હસી ને બોલ્યા,”હા કાલે પરણી જા હું આવી જઉં તારી જોડે રહેવા.”

પંથ હસી ને બોલ્યો,”બહુ ચાલાક છે બા તું,બસ મને થોડો સમય આપ.”

 

૬ મહિના પછી એક દિવસ લીલાબા જમી ને આડે પડખે થયા હતા ત્યાં પડોશ માં રહેતા જગદીશભાઈ નો દીકરો રોહિત આવ્યો અને કહ્યું,”લીલાબા પંથભાઈ નો ફોન આવ્યો હતો અને તમને આત્યારે જ ફોન પર વાત કરાવવા નું કહ્યું છે લો હું લગાવી આપું.”

રોહિતે ફોન લગાવી ને લીલાબા ને આપ્યો.લીલાબા એ કહ્યું,”શું થયું બેટા કેમ આમ અચાનક ફોન કર્યો સહુ સારા વાના તો છે ને?”

પંથ બોલ્યો,”બા,કામ જ એવું હતું કે આમ એક દમ જ ફોન કરવો પડ્યો.”

લીલાબા ને ધ્રાસકો પડ્યો અને બીતા બીતા પૂછ્યું,”શું હતું બોલ બેટા.”

પંથ બોલ્યો,”બા મેં મારી સાથે નોકરી કરતી નેહા સાથે કોર્ટ માં લગ્ન કરી લીધા છે,બહુ જ સારી છોકરી છે અને તને ગમશે.”

લીલાબા નો ચહેરો આનંદ અને દુઃખ ની મિશ્રિત લાગણી થી અકળ રીતે લીંપાઈ ગયો.

અને બોલ્યા,”બેટા તે મને કહ્યું હોત તો હું ધામ ધૂમ થી તારા લગન કરત મને કેટલી કેટલી આશા ઓ હતી,પણ કઈ વાંધો નહિ બેટા તે લગન કરી લીધા એ મારે માટે આનંદ ની વાત છે,સારું તું જલ્દી થી હવે વહુ ને લઇ ને ઘેર આવ,બોલ ક્યારે આવે છે?”

પંથ બોલ્યો ,”બા એક વાત કહું ખોટું ના લગાડતી,હું અને નેહા આવતા અઠવાડિયે અમેરિકા જઈ રહ્યા છીએ નેહા ના મમ્મી પપ્પા અમેરિકા રહે છે અને અત્યારે અમે વિસા ની પક્રિયા માટે મુંબઈ આવ્યા છીએ.કંપની માં થોડી ફોર્માલીટી બાકી છે એટલે એક દિવસ માટે હું ત્યાં શહેર માં આવીશ પણ ગામડે આવવાનો સમય નહિ રહે તો તું શહેર માં આવી જજે.”

લીલાબા ના માથે જાણે કોઈ એ હથોડો માર્યો હોય તેમ એક દમ ચીસ પાડી ને નીચે ઢળી પડ્યા,મોબાઈલ પણ હાથમાંથી ફળિયામાં જઈ ને પડ્યો રોહિતે લીલાબા ને બાવડે થી પકડી ને ઊંચકી ને ખાટલા માં બેસાડ્યા અને ફોન ઉપાડી ને પંથ ને કહ્યું,”પંથ ભાઈ તમે ચિંતા ના કરો આ તો જરાક બા ને ચક્કર આવી ગયા હતા.તમ તમારે ખુશી થી વિદેશ જાઓ.”લીલા બા તો જાણે સુધબુધ ખોઈ બેઠા.આજે જમવાની પણ બિલકુલ ઈચ્છા નહોતી થઇ રહી પણ રોજની જેમ કાળી કૂતરી માટે ભાખરી બનાવી અને એને ખવડાવીને માળા કરવા બેઠા પણ આજે ભક્તિમાં પણ ધ્યાન નહોતું લાગી રહ્યું.


બીજા દિવસે બપોરે ધીમો ધીમો વરસાદ પડી રહ્યો હતો એટલા માં લીલાબાના દરવાજે એક ગાડી આવી ને ઉભી રહી અને તેમાંથી ડ્રાઈવર ઉતર્યો ને કહ્યું,”આ લીલાબા નું ઘર છે?”.

લીલાબા એ કહ્યું,”હા બોલો ભાઈ.”

ડ્રાઈવર બોલ્યો,”પંથ સાહેબે તમને લેવા મોકલ્યા છે.”

લીલાબા એ કહ્યું,”તમારા સાહેબ ને કેજો કે તમ-તમારે ખુશીથી વિદેશ જાય હું શહેર નહિ આવું.”

ડ્રાઈવરે તરત જ પંથને ફોન લગાવ્યો અને કહ્યું,”સાહેબ બા આવવાની ના પાડે છે.”

પંથે કહ્યું,”મને એમની જોડે વાત કરાવ.”

લીલાબા એ ફોન લીધો અને કહ્યું,”બેટા તું ખુશીથી વિદેશ જા મારી ચિંતા ના કર.”

પંથ બોલ્યો, ”બા એક વાર છેલ્લી વાર મળવા આવી ગઈ હોત તો?”

લીલાબા એ કહ્યું,”જેને જોઈ જોઈ ને આંખો ઘરડી થઇ હોય તેને છેલ્લી વાર અને પહેલી વાર શું? તું તારે ખુશી થી જા.”

આટલું કહેતા કહેતા ગળે ડૂમો બાઝી ગયો અને ફોન ડ્રાઈવરના હાથમાં આપી દીધો.

લીલાબા શહેર તરફ પાછી વળી રહેલી ગાડી ને જોઈ રહ્યા.ગાડી ચાલવાથી ઉડતી ધૂળમાં તેમને પંથ ના ચહેરા નો અભાસ થયો.

ઘર માં આવતા જ ખાટલા પર ફસકી પડ્યા અને ઘણા વર્ષો પછી તેમની આંખમાંથી અશ્રુની ધાર અનરાધાર વહેવા લાગી.

ઘર ની જમણી બાજુ ની ભીંત પર વરસાદના ભેજના કારણે ભીંજાઈને પાણીના બુંદ વહી રહ્યા હતા જાણે વર્ષો પછી આજે પણ આ જ દીવાલ પણ ફરીથી રડી રહી હતી. 

 

                   ~સમાપ્ત~


Rate this content
Log in

Similar gujarati story from Thriller