Himanshu Patel

Drama Inspirational

5.0  

Himanshu Patel

Drama Inspirational

લાલ સલામ 1 & 2

લાલ સલામ 1 & 2

18 mins
786


 આજે કોલેજ કેમ્પસમાં થઇ રહેલી હલચલ જોઈ ને દેવર્ષિને થોડું અચરજ થવા લાગ્યું. હજુ આજે કોલેજ નો ત્રીજો દિવસ હતો. કેટલાક સીનીયર વિદ્યાર્થીઓ કૈક ચોપાનીયા વહેચી રહ્યા હતા, અને અમુક ચોપાનીયા ને કોલેજ ની કંપાઉંડ વોલ પર લગાવી રહ્યા હતા. દેવર્ષિ એ ડરતા ડરતા એક સીનીયર વિદ્યાર્થી ને પૂછ્યું, ”સર આ શેના ચોપાનીયા તમે વહેંચી રહ્યા છો?”


પેલા સીનીયર વિદ્યાર્થી એ એક હળવા સ્મિત સાથે દેવર્ષિ ને કહ્યું, ”કાલે સાંજે આપણી કોલેજ ના હોલ માં જાણીતા માર્ક્સવાદી, બૌધિક અને ક્રાંતિકારી વિચાર ધરાવતા દિલ્હી યુનીવર્સીટી ના ખુબજ જાણીતા પ્રોફેસર ડો. શાંડિલ્ય નું વ્યક્તવ્ય છે. જેનું આમંત્રણ અમે આ ચોપાનીયા દ્વારા આપી રહ્યા છીએ”

દેવર્ષિ નું અચરજ ઓર વધી ગયું, અને થોડા ખચકાટ સાથે ફરી પૂછ્યું, ”પણ સર તમે મને કહેશો કે આ વ્યક્તવ્ય શેના વિષય પર છે?. ”

પેલો સીનીયર વિદ્યાર્થી દેવર્ષિના અંદર વધી રહેલી કુતુહુલતા ને પામી ગયો અને તેની અંદર વધારો કરવાના આશય સાથે ફરી હળવા સ્મિત સાથે બોલ્યો, ”ભાઈ તું કાલે જાતે આવી જજે ને તને તારા બધા સવાલો નો જવાબ મળી જશે. ”એમ કહી દેવર્ષિના હાથ માં એક ચોપાનિયું પકડાવી દીધું. દેવર્ષિ એ ચોપાનીયા પર નજર ફેરવી. પણ એમાં કઈ વિશેષ જાણકારી નહોતી. બસ કાલ ના પ્રોગ્રામ નો સમય અને ડો. શાંડિલ્ય ની તસવીર હતી અને એની નીચે એમની ડીગ્રીઓ વિષે લખેલું હતું.


દેવર્ષિ કોલેજ ના બધા લેકચર અટેન્ડ કરી ને સાંજે હોસ્ટેલ પર પહોંચ્યો. પણ તેના મગજમાં હજુ પેલી કુતુહુલતા શોર મચાવી રહી હતી. દેવર્ષિ શહેરથી ખુબ દુર એક અંતરિયાળ ગામડામાં એક દલિત પરિવારના ઘેર જન્મેલો પણ જન્મજાત ખુબજ તેજસ્વી બાળક હતો. તેના માતા પિતા ગામના અમીર ખેડૂતોને ત્યાં મજુરી કરતા હતા. પણ એકનો એક દીકરો હોવાથી તેમનાથી કરાવી શકાય એટલા લાડકોડથી ઉછેરેલો હતો. તેના માં બાપ જ્યાં કામ કરતા હતા તેવું એક ઘર અમરશીભાઈ પટેલ નું હતું. અમરશીભાઈ ફક્ત ૨ ચોપડી જ ભણેલા પણ તેમનામાં ભણેલા કરતા પણ વધુ આવડત હતી અને માણસ ને ઓળખવામાં એમનો જોટો જડે તેમ નહોતો. તેમને દેવર્ષિમાં રહેલું હીર પારખી લીધેલું. અમરશી ભાઈ નો એક દીકરો અમેરિકા સેટલ થયેલો હતો અને મોટો દીકરો અહી ગામ માં રહીને ખેતીની દેખરેખ રાખતો હતો. અમરશીભાઈનો સ્વભાવ ખુબજ સરળ હતો. તેઓ હમેશા સહુ મજુરો પ્રત્યે કુણું વલણ દાખવતા અને ક્યારે પણ ગામ માંથી કોઈ પણ વ્યક્તિ તે પછી કોઈ મજુર હોય કે ગામ નો કોઈ પણ વ્યક્તિ હોય તેમની તરફ મદદ માટે હાથ લંબાવે તો તે હાથ ક્યારે પણ ખાલી પાછો ના ફરતો. એથી વિરુદ્ધ એમનો મોટો દીકરો મહેશ ખુબજ કઠોર અને બરડ સ્વભાવ નો હતો. તેના પિતા કોઈ ને પણ મદદ કરે તે તેનાથી ક્યારે પણ સહન નહોતું થતું. દેવર્ષિ નો જયારે જન્મ થયો ત્યારે પણ અમરશીભાઈ એ તેના પિતા બાબુ ને

૨૫૦૦૦ રૂપિયા ની મદદ કરેલી. બાબુ અને તેનીમાં રૂખી ગદગદ થઇ ગયેલા અને અને છોકરા નું નામ પાડવાનું કામ અમરશીભાઈ ને સોંપેલું. દેવર્ષિ નું નામ પણ અમરશીભાઈની દેન હતી. મહેશને આ વિષે ખબર પડી તો બાબુ ના ઘેર જઈ તેમને ધમકાવી આવ્યો અને કહ્યું, ”મારા બાપા એ તને ભલે પૈસા આપ્યા પણ જો એક વર્ષ માં પૈસા પાછા નહિ આપે તો તારી ચામડી ઉતેડી લઈશ”. આજે દેવર્ષિ કોલેજ ના અભ્યાસ સુધી પહોચ્યો તે પણ અમરશીભાઈ ની દેન હતી. અમરીશભાઈ દેવર્ષિ ની અંદર રહેલા હીરાને પારખી ગયા હતા અને તેના પિતા બાબુ ને કહ્યું હતું કે, ”બાબુ, આ બાળક તારી પાછળની જીંદગી સુધારી દેશે બસ એને વ્યવસ્થિત કેળવણીની જરૂર છે અને તેને કેળવવા માટે હું તને પુરતી મદદ કરીશ, અને આ કરવામાં મને ખુબજ સંતોષ મળશે. ”બાબુ ની આંખોમાંથી માલિક પ્રત્યે પ્રેમની લાગણી આંસુ બનીને વહેવા લાગી.


દેવર્ષિ ને ૧૨ માં ધોરણ માં સામાન્ય વિભાગ માં ૮૮ ટકા આવ્યા અને અમરશીભાઈ એ એને ગામથી ૨૦૦ કિલોમીટર દુર મોટા શહેર માં ખુબજ પ્રતિષ્ઠિત યુનીવર્સીટીમાં ભણાવવાની નિર્ણય કર્યો. કોલેજથી નજીક જ આવેલા દલિત છાત્રાલયમાં દેવર્ષિનો દાખલો આરામથી થઇ ગયો.


બીજા દિવસે સવારે કોલેજ ગયો તો સાંજના કાર્યક્રમનો જોર શોરથી પ્રચાર થઇ રહ્યો હતો. આજે દેવર્ષિ ને ૨ જ લેકચર હતા. તે થોડો અસમંજસ માં હતો સાંજે કાર્યક્રમમાં જઉં કે નહિ. તેના અંદરનું કુતુહુલ તેને જવા માટે વિવશ બનાવી રહ્યું હતું. કોલેજમાં આજે તેનો એક મિત્ર પણ બન્યો હતો. તેનું નામ સ્વરિત હતું. સ્વરિત શહેરમાં જ તેના માતા પિતા સાથે રહેતો હતો તેના પિતા શહેરના એક જાણીતા ઉદ્યોગપતિ હતા. અને ખુબજ સુખી સંપન હતા. શહેરના પોશ વિસ્તારમાં એક બંગલામાં રહેતા હતા. સ્વરિત ખુબજ મોંઘી બાઈક લઇને કોલેજ આવતો હતો. આટલા સુખી પરિવારમાં જન્મ્યો હોવા છતાં ખુબજ સરળ સ્વભાવ ધરાવતો હતો. એના સ્વભાવ માં જરા પણ અભિમાનનો અંશ નહોતો. બંને ક્લાસમાં એક જ બેંચ પર બેસતા હતા તેમાંથી એક બીજા નો આજે પરિચય થયો અને બંને ને લાગ્યું કે તેમની વચ્ચે જામશે. જેથી આજે તેમની દોસ્તી નો પ્રથમ દિવસ હતો. સ્વરિત દેવર્ષિને તેની બાઈક પર બેસાડી કોલેજની બહાર આઈસક્રીમ ખાવા લઇ ગયો. દેવર્ષિનો સ્વભાવ જરા પણ મળતાવળો નહોતો પરંતુ કુદરતી રીતે જ તેને સ્વરિત ની દોસ્તી ગમવા લાગી હતી. તેનું કારણ સ્વરિત ની સમૃદ્ધિ નહિ પણ તેનો સુંદર સ્વભાવ હતું. આઈસક્રીમ ખાતા ખાતા દેવર્ષિ એ સ્વરિત ને સાંજ ના કાર્યક્રમ વિષે પૂછ્યું. તો સ્વરીતે કહ્યું, ”મને આવા કાર્યક્રમો માં રસ નથી પણ તને નવું નવું જાણવા માં રસ હોય તો તું જા. ”


સાંજે લગભગ ૫:૪૫ દેવર્ષિ કોલેજ ના હોલ માં પહોચી ગયો. હજુ હોલ માં અમુક ગણ્યા ગાંઠ્યા લોકો જ દેખાઈ રહ્યા હતા. દેવર્ષિ ને થોડા ભોંઠા પડવા જેવું લાગ્યું. એને થયું કે એ થોડો વધારે વહેલો આવી ગયો છે. તે પીઠ ફેરવી ને પાછો જવા ગયો ત્યાં પાછળથી કોઈ એ તેના ખભા પર હાથ મુક્યો. તેને પાછળ ફરી ને જોયું તો કોલેજ ના ખુબજ વિદ્વાન અને રાજનીતિ ભણાવતા પ્રોફેસર વાર્ષ્ણેય હતા. પ્રોફેસર બોલ્યા, ”ક્યાં જાય છે બેટા, બસ હવે કાર્યક્રમ શરુ થવાની તૈયારી છે, તારા જેવા હોનહાર વિદ્યાર્થીઓ એ આ પ્રકાર ના કાર્યક્રમ માં જરૂર હિસ્સો લેવો જોઈએ. ”દેવર્ષિ હસી ને બોલ્યો, ”હા સર હું કાર્યક્રમ માં હિસ્સો લેવા જ આવ્યો હતો પણ ખુબજ ઓછા લોકોની ઉપસ્થિતિ જોઈ ને પાછો ફરી રહ્યો હતો. પણ હવે કાર્યકમ પતાવી ને જ જઈશ. ”


આટલું કહી દેવર્ષિ આગળની હરોળમાં જઈ ને બેસી ગયો. ૧૫ મિનીટ માં તો હોલ વિદ્યાર્થીઓ અને કેટલાક પ્રાદેશિક પક્ષ ના દેખાતા કાર્યકર્તાઓથી ખચાખચ ભરાઈ ગયો. થોડી વાર માં ડો. શાંડિલ્ય હોલમાં પ્રવેશ્યા. બધા એ ઉભા થઇ તાળીઓ વગાડી ને તેમનું હાર્દિક સ્વાગત કર્યું. કોલેજ ના જ એક ખુબજ સીનીયર લાગતા વિદ્યાર્થી એ કાર્યક્રમ ની પ્રસ્તાવના આપી. અને ડો. શાંડિલ્ય નાં હાથ માં માઈક આપ્યું.


ડો. શાંડિલ્ય એ લેકચર શરુ કર્યું, અને પ્રસ્તાવના માં કાર્લ માર્ક્સ ની જીવન કથાથી શરૂઆત કરી, ”કાર્લ માર્ક્સ નો જન્મ ૧૮૧૮ માં ત્રેવેસ માં એક યહૂદી પરિવાર માં જન્મ થયો હતો. અને ૧૮૨૪ માં તેમને પુરા પરિવાર સાથે ઈસાઈ ધર્મ અપનાવ્યો હતો. કાર્લ માર્ક્સ ખુબજ મોટા અર્થશાસ્ત્રી, દાર્શનિક, ઇતિહાસકાર, સમાજશાસ્ત્રી, અને નિપુણ પત્રકાર હતા. તેમનો વૈચારિક સંઘર્ષ સમગ્ર વિશ્વ ની મૂડીવાદી સરકારો સાથે હતો. તેમની લાગણી સમગ્ર વિશ્વ ના મજૂર, ગરીબ, દલિત અને શોષિત એવા વ્યક્તિઓ કે જેમનું ઉચ્ચ વર્ગ ના મુડીવાદી સામંતો દ્વારા શોષણ કરવા માં આવતું તેમની સાથે જોડાયેલી હતી. ”

દેવર્ષિ સમગ્ર ભાષણ એકાગ્ર મનથી સાંભળી રહ્યો હતો. અને ડો. શાંડિલ્ય ના પ્રભાવશાળી વ્યક્તિત્વ ને માણી રહ્યો હતો. તે વિચારી રહ્યો હતો કે ડો. શાંડિલ્યનું વ્યક્તિત્વ આટલું પ્રભાવશાળી છે તો તેઓ જેના વિષે વાત કરી રહ્યા છે કાર્લ માર્ક્સ તો કેવા તેજસ્વી વ્યક્તિત્વના માલિક હશે. તેને અંદરથી કાર્લ માર્ક્સ વિષે વધુ જાણવાની તાલાવેલી થવા લાગી.


સમગ્ર કાર્યક્રમ પૂરો થયો. દેવર્ષિ પણ ઉભો થયો અને હોલ ની બહાર નીકળી હોસ્ટેલ તરફ ચાલવા લાગ્યો. તેના પણ ની સાથે તેના મગજ માં વિચારો પણ ચાલી રહ્યા હતા. એને આજ ના કાર્યક્રમ પરથી એવું તારણ કાઢ્યું કે, ”દરેક દેશ માં ઉચ્ચ વર્ગ દ્વારા નિમ્ન વર્ગ ના લોકો નું હમેશા શોષણ જ થતું હોય છે, અને આ અંગે દેશની સરકાર સામે બાંયો ચડાવ્યા વગર ગરીબો નો તેમનો હક મળતો નથી. ”વિચારતો વિચારતો હોસ્ટેલ પર પહોચ્યો હાથ પગ ધોયા અને પલંગ પર આડે પડખે થયો ત્યાં જ બાજુ ના રૂમ માં રહેતો લક્ષ્મણ તેને બોલાવવા આવ્યો કહ્યું ચલ ભાઈ જમવા ની ઘંટી વાગી ગઈ છે. બંને સાથે ભોજનાલય માં જમવા ગયા. જમતા જમતા દેવર્ષિ એ લક્ષ્મણ ને પૂછ્યું, ”ભાઈ તું કાર્લ માર્ક્સ વિષે કાઈ જાણે છે?”

લક્ષ્મણ આંખો પોહળી કરી દેવર્ષિ ની સામે જોઈ બોલ્યો, ”ક્યાં ના છે એ ભાઈ? આપણી બાજુ ના છે?”


દેવર્ષિ પેટ પકડી ને હસવા લાગ્યો અને બોલ્યો, ”ભાઈ રેવા દે તું, તારા સિલેબસ બહાર નો પ્રશ્ન મેં તને પૂછી લીધો?”

લક્ષ્મણ મોં લટકાવી ને જમવા લાગ્યો.

આજે બીજો લેકચર ફ્રી હતો તો દેવર્ષિ એ લાઈબ્રેરી તરફ પગ માંડ્યા. ત્યાં જઈ ને જોયું તો વાર્ષ્ણેય સર એક ખૂણા ના ટેબલ પર બેસી ને કઈક વાંચી રહ્યા હતા. દેવર્ષિ કુતુહુલથી તેમની સામે જોઈ રહ્યો હતો ત્યાં સર ની નજર તેના પર પડી અને તેમને દેવર્ષિ ને ઇશારાથી પોતાની તરફ બોલાવ્યો. દેવર્ષિ તેમની સામે જઈ ને ઉભો રહ્યો. વાર્ષ્ણેય સરે તેને કહ્યું, ”બેસ”.

દેવર્ષિ શરમાતો શરમાતો તેમની સામેની ખુરશી માં બેઠો.

સર બોલ્યા, ”હું જાણું છું કે તારી અંદર ઘણા બધા સવાલો ઘર કરી ને બેઠા છે, અને એ પણ હું માનું છું કે જેના મન માં સવાલો પેદા નાં થાય એ વિદ્યાર્થી જીવન માં ક્યારે પણ આગળ ના વધી શકે. સવાલો પેદા થવા એ તારા જેવા હોનહાર વિદ્યાર્થીની નિશાની છે. અચરજ થવું માનવસહજ એક પ્રક્રિયા છે એ બધા ને થાય, પણ એ અચરજ ને નોલેજમાં ફેરવવા માટે પુરુષાર્થ કરવો એ તારા જેવા વિદ્યાપિપાસુ વિદ્યાર્થી જ કરી શકે. ”


દેવર્ષિ ને સરની વાતો સાંભળી શરમ મિશ્રિત ગર્વ ની લાગણી અનુભવાઈ રહી હતી. અને શું બોલવું એની ખબર પડી રહી નહોતી. પણ હિંમત ભેગી કરી ને બોલ્યો, ”સર કાલે પેલા કાર્યક્રમ માં મને ડો. શાંડિલ્ય ને સંભાળવા ની ખુબ મજા આવી અને થોડી થોડી સમજ પણ પડી. પણ એ પછી મારા મગજ માં ઘણા બધા અધૂરા સવાલો એ જન્મ લીધો છે જેમ કે માર્ક્સવાદ ની સંપૂર્ણ પરિભાષા શું હશે?, માર્ક્સવાદ એટલે શું શ્રીમંતો સામે સીધી લીટી નું યુદ્ધ?, શું સાચેજ માર્ક્સવાદથી ગરીબો ને એમનો હક મળી શકે? શું હજુ પણ વિશ્વ ના દરેક દેશ માં “સામંતશાહી” નું એટલું જ વર્ચસ્વ છે જેટલું વર્ષો પહેલા હતું?, અને જો આનો જવાબ “હા” હોય તો શું આજ ના સમય માં “સામંતશાહી” સામે લડવા માટે “માર્ક્સવાદ” નું હથિયાર એટલું જ અસરદાર છે જેટલું પહેલા હતું?”

 

પ્રોફેસર તો દંગ રહી ગયા દેવર્ષિ ના સવાલો સાંભળી ને અને તેમને થયું કે, ”આ છોકરો શું છે?, આટલી નાની ઉંમર માં આટલી બધી કુતુહુલતા અને આટલું તેજસ્વી દિમાગ કઈ રીતે શક્ય છે?”

પણ એમને અંદરથી આનંદ પણ થયો કે ઘણા વર્ષો પછી એક એવો વિદ્યાર્થી મળ્યો કે જેને ભણાવવામાં રોમાંચ આવશે. પ્રોફેસર વાર્ષ્ણેય કોલેજ માં ઈતિહાસ નો વિષય ભણાવતા હતા. તેમને હસી ને કહ્યું, ”દેવર્ષિ તને તારા બધા જ સવાલો ના જવાબ મળશે હજુ આપનો સાથ ૩ વર્ષ સુધી રહેવાનો છે. ”દેવર્ષિ પણ હસી ને બોલ્યો, ”હા સર. ”પ્રોફેસરે એક ચિઠ્ઠી પર કઈક લખી ને દેવર્ષિ ને આપ્યું. દેવર્ષિ એ ચીઠ્ઠી ખોલી ને જોયું તો એમાં લખેલું હતું “દાસ કેપિટલ”. દેવર્ષિ એ સર ને પૂછ્યું “આ શું છે સર?”.

સર બોલ્યા, ”આ કાર્લ માર્ક્સ ની ગીતા છે, તારા મગજ માં જે સવાલો છે તેના બધા ઉત્તર તને આ બૂક માંથી મળી જશે. તું આ લાઈબ્રેરી માંથી આ પુસ્તક લઇ જઈ શકે છે અને એક વાત યાદ રાખજે આ પુસ્તક ને ખુબજ ચાવી ચાવી ને વાંચજે, આઈ મીન ખુબજ ધીરજપૂર્વક અને સમજી વિચારી ને વાંચજે તો જ તને પચશે, ભલ ભલા આને પચાવી નથી શક્યા પણ મને વિશ્વાસ છે તું આને પચાવી જાણીશ. ”

દેવર્ષિ ની કુતુહુલતા એકદમ વધી ગઈ આ પુસ્તક વિષે અને હસી ને બોલ્યો, ”હા સર ચોક્કસ પચાવવાનો પ્રયત્ન કરીશ. ”

એમ કહી એ લાઈબ્રેરી ની ઓફીસ તરફ વળ્યો અને ત્યાં જઈ પેલી ચિઠ્ઠી લાઈબ્રેરિયન ને આપી અને “દાસ કેપિટલ” નું પુસ્તક ૧૫ દિવસ માટે લીધું. એને આ પુસ્તક વાંચવા ની એટલી બધી તાલાવેલી લાગી હતી કે આજે બાકી ના ૨ લેકચર પણ બંક કરવા નું નક્કી કર્યું અને હાથ માં પુસ્તક લઈ છાત્રાલય તરફ નીકળી પડ્યો. . .

                                          

            પ્રકરણ 2      

છાત્રાલય પર આવી હાથ મોં ધોઈ દેવર્ષિ સીધો પલંગ માં બૂક ખોલી ને બેસી ગયો. તેને વાંચવા ની શરૂઆત કરી શરુ શરુ માં તો એને પુસ્તક માં કોઈ ગતાગમ ના પડી પણ ધીરે ધીરે એ સમજવા ની કોશિશ કરવા લાગ્યો તો એને રસ પાડવા લાગ્યો ૨ કલાક ક્યારે થઇ ગયા એની તેને ખબર ના રહી. જમવાનો સમય પણ થઇ ગયો એની ઘંટી વાગી પણ દેવર્ષિ વાંચવા માં એટલો મશગુલ હતો કે તેને ઘંટી સંભળાઈ પણ નહિ. બાજુ ના રૂમ માંથી લક્ષ્મણ આવ્યો અને કહ્યું ચલ ભાઈ જમવા ની ઘંટડી વાગી ગઈ છે. દેવર્ષિ ને પુસ્તક માં એટલો રસ પડી રહ્યો હતો કે તેને જમવા ની પણ ઈચ્છા નહોતી પણ લક્ષ્મણ ના સવાલો ના મારા ને સહન કરવા કરતા તેને વિચાર્યું કે થોડું જમી આવું પછી નિરાંતે વાંચીશ. લક્ષ્મણ ની સાથે ભોજનાલય તરફ ચાલવા લાગ્યો જમતી વખતે પણ તેના મગજ માં પુસ્તક ના જ વિચારો ચાલી રહ્યા હતા.

જમી ને આવ્યા પછી દેવર્ષિ કુદી ને પલંગ પર બેસી ગયો અને ભૂખ્યા માણસ ની જેમ પુસ્તક પર તૂટી પડ્યો. જાણે એને એમ હતું કે આજે ને આજે આખું પુસ્તક વાંચી નાખું. લગભગ રાત્રે ૨ વાગ્યા સુધી વાંચતો રહ્યો અને ક્યારે ઊંઘ આવી ગઈ તેની ખબર પણ ના રહી. સવારે ઉઠી ને જોયું તો પુસ્તક છાતી પર પડ્યું હતું.


બીજા દિવસે સવારે પ્રથમ લેકચર પ્રોફેસર વાર્ષ્ણેય નો હતો. દેવર્ષિ સવારે ટાઈમે કોલેજ પહોચી ગયો. સ્વરિત તેને કોલેજ ના ગેટ પર જ મળી ગયો. સ્વરીતે કહ્યું, ”ચલ આજે પહેલો લેકચર બંક કરી ક્યાંક આઈસક્રીમ ખાવા જઈએ ”

દેવર્ષિ બોલ્યો, ”સ્વરિત ગઈ વખતે પણ આપણે ઈતિહાસ નો લેકચર બંક કર્યો હતો ચાલ ને આજે લેકચર ભરી લઈએ કાલે જઈશું આઈસક્રીમ ખાવા”

સ્વરિત હસી ને બોલ્યો, ”ઓકે ચલ જઈએ ક્લાસ માં. ”

વાર્ષ્ણેય સર વર્ગ માં પ્રવેશ્યા. બધા વિદ્યાર્થી ઓ એ ઉભા થઇ કહ્યું, ”ગુડ મોર્નિંગ સર”

સર પણ હસી ને બોલ્યા, ”ગુડ મોર્નિંગ બેસી જાઓ બધા. ”

આજ નો ટોપિક “મુઘલ સલ્તનત” ના ઈતિહાસ અંગે હતો. પણ દેવર્ષિ ને એવું લાગી રહ્યું હતું જાણે વાર્ષ્ણેય સર, મુઘલ બાદશાહો ની બર્બરતા અને એમના લોહીયાળ ઈતિહાસ ને બાજુ પર રાખી તેમના “કલાપ્રેમ”, તેમની “કોમી એખલાસ” અંગે ની નીતિઓ, ભારત ના ભવ્ય ભૂતકાળ માં તેમનું પ્રદાન એ વિષય પર વધારે વાત કરી રહ્યા હતા. આ વાત દેવર્ષિ ને થોડે અંશે ખૂંચી રહી હતી. પણ તે આ અંગે અત્યારે વિચારવા નહોતો માંગતો. અચાનક તેની નજર બાજુ ની હરોળ માં બેઠેલા એક વિદ્યાર્થી પર પડી. ચહેરા પરથી ખુબજ તેજસ્વી અને સરળ લાગી રહેલો એ વિદ્યાર્થી સર ના વક્તવ્ય ને ખુબજ એકાગ્રતાથી સાંભળી રહ્યો હતો. દેવર્ષિ ને થયું કે એની મિત્રતા કરું. લેકચર પૂરો થયો આજે ૨ લેકચર ફ્રી હતા પછી એક લેકચર હતો. જેથી દેવર્ષિ એ આજનો દિવસ લાઈબ્રેરી માં પસાર કરવા નું નક્કી કર્યું અને તે પોતાની સાથે “દાસ કેપિટલ” લઇ ને આવ્યો હતો. જે લઇ ને એ લાઈબ્રેરી તરફ ચાલ્યો. જઈ ને ખૂણા ના ટેબલ પર બેસી વાંચવા લાગ્યો. હવે તેને પુસ્તક માં રસ પાડવા લાગ્યો હતો. તેને એટલી સમજ પાડવા લાગી હતી કે પુસ્તક માં એવું દર્શાવવા માં આવ્યું છે કે, ”વિશ્વ માં કોઈ પણ વ્યક્તિ ને પોતાના મૂળભૂત હકો મળવા જ જોઈએ, ભૌતિક્તાવાદ, સામંતશાહી અને અમીરો દ્વારા થતા ગરીબો ના શોષણ ની સામે કાર્લ માર્કસે સમગ્ર વિશ્વ ના મજૂર વર્ગ, ગરીબ વર્ગ ને એક થવા માટે હાકલ કરી હતી. ”

દેવર્ષિ વાંચવામાં એટલો મશગુલ હતો કે તેના ટેબલ પર સામે ની બાજુ વાર્ષ્ણેય સર ક્યારે આવી ને બેસી ગયા એની તેને ખબર ના રહી. અચાનક તેનું ધ્યાન સર પર ગયું એક દમ ખુરશી પરથી ઉભો થઇ ગયો. સર હસી ને બોલ્યા, ”બેસ બેસ, પુસ્તક કેવું લાગ્યું?, કેટલું વાંચ્યું?”

દેવર્ષિ બોલ્યો, ”સર હજુ અડધું જ વાંચ્યું છે પણ અદભૂત છે. ”

સર બોલ્યા, ”આખું પુસ્તક વાંચી લે પછી હું તને વિસ્તારથી સમજાવીશ. ”

દેવર્ષિ બોલ્યો, ”ચોક્કસ સર મને પુસ્તક વાંચતા વાંચતા જે કઈ પણ પ્રશ્નો ઉદભવે છે તેનું એક લીસ્ટ બનાવું છું, અને એના વિષે હું તમારી પાસે ચર્ચા કરીશ. ”

સર બોલ્યા, ”મને તારા પ્રશ્નો નો જવાબ આપવા માં આનંદ આવશે. ”

દેવર્ષિ બોલ્યો, ”સર આજે મારા મગજ માં એક પ્રશ્ન છે, પૂછું?”

સર બોલ્યા, ”હા જરૂર કેમ નહિ?”

દેવર્ષિ એ પૂછ્યું, ”સર આજે તમે અમને મુઘલ શાસકો ના ઈતિહાસ વિષે જણાવ્યું, પણ તમે ક્યાય પણ તેમની બર્બરતા, તેમના જુલ્મ, તેમના દ્વારા દેશ નાં હિંદુ મંદિરો નો વિધ્વંશ, દેશ માં અસામાજિકતા, ગુલામીપ્રથા અંગે કોઈ જ ચર્ચા ના કરી, એવું કેમ?”

વાર્ષ્ણેય સર તો સવાલ સાંભળી ની અવાચક થઇ ગયા અને વિચારવા લાગ્યા, ”આ છોકરા નું દિમાગ કેટલું તીવ્ર ગતિ એ ચાલે છે. ”પછી ખોંખારો ખાઈ ને પોતાની જાત ને સંભાળતા હસી ને બોલ્યા, ”બેટા એવું કઈ જ નથી પણ મુઘલ સામ્રાજ્ય એ એક ઈતિહાસ છે, અને આપણે ઈતિહાસ માં થયેલી સારી વાતો યાદ રાખવી જોઈએ તો જ આપણે દેશ ના વિકાસ માં ભાગીદાર બની શકીએ. ”આ વાત દેવર્ષિ ને ગળે ના ઉતરી પણ હસી ને બોલ્યો, ”ઓકે સર હવે હું જાઉં છું” એમ કહી ને એ લાઈબ્રેરીમાંથી બહાર નીકળી ગયો. કોલેજ ની પરસાળમાંથી નીકળી ગેટ તરફ જઈ રહ્યો હતો ત્યાં એનું નજર કોલેજ ના જમણી બાજુ ના ગાર્ડન પર પડી તો ત્યાં ક્લાસ માં જોયેલો પેલો સરળ લાગતો છોકરો એક કુતરાને બિસ્કીટ ખવડાવી રહ્યો હતો અને એની ગરદન પર હળવે હળવે હાથ ફેરવી રહ્યો હતો. છોકરા ની આંખોમાંથી જાણે કરુણા વહી રહી હતી અને કુતરો પણ વારે વારે તેની સામે લાગણીના ભાવ સાથે જોઈ રહ્યો હતો. દેવર્ષિ ના પગ થંભી ગયા. અને તે પેલા છોકરા ની પાસે પહોચી ગયો. દેવર્ષિ તેની તરફ હાથ લંબાવી બોલ્યો, ”હાઈ મારું નામ દેવર્ષિ છે”

પેલા છોકરા એ હાથ પોતાના પેન્ટ પર ઘસી ને સાફ કરી દેવર્ષિ સાથે હસી ને હાથ મિલાવ્યો અને બોલ્યો, ”હાઈ હું ઇલ્યાસ”. બંને વચ્ચે સામાન્ય વાતચીત થઇ પરિચય થયો, ઇલ્યાસ ને હજુ કોઈ મિત્ર બન્યો નહોતો કોલેજ માં જેથી દેવર્ષિ તેનો પ્રથમ મિત્ર બન્યો. અને ઇલ્યાસ, દેવર્ષિ અને સ્વરિત ની મિત્રતા એ એવું ગાઢ સ્વરૂપ લીધું કે તેમની મિત્રતા કોલેજ આખી માં એક મિસાલ બની ઉભરી રહી હતી.


આજે પ્રથમ વર્ષ નું પરિણામ હતું. સ્વરિત રોજીંદા ક્રમ મુજબ ઇલ્યાસ ને તેના ઘેરથી અને દેવર્ષિ ને છાત્રાલય ના ગેટ પરથી બાઈક પર લઈ ને કોલેજ પહોચ્યો અને ત્રણેય જાના ભાગી ને પ્રિન્સીપાલ ની ઓફીસ ની બાજુ માં લાગેલા નોટીસ બોર્ડ પર ધસ્યા. જ્યાં પહેલેથી ભીડ લાગેલી હતી. સ્વરિત બંને હાથેથી બધા ને ખસેડતો નોટીસ બોર્ડ પાસે પહોચી ગયો. અને ચડેલા મોઢે બહાર આવ્યો. દેવર્ષિ અને ઇલ્યાસ તેની સામે જોઈ રહ્યા હતા. દેવર્ષિ અકળાઈ ને બોલ્યો, ”હવે બોલીશ કઈ શું આવ્યું છે આપણું રીઝલ્ટ?”

પછી એકદમ હસી ને ઉછળી ને બોલ્યો, ”બંદા ને સેકંડ ક્લાસ આવ્યો. ”

દેવર્ષિ બોલ્યો, ”ખુબ અભિનંદન, પણ અમારું શું થયું. ”

સ્વરીતે કહ્યું, ”ઇલ્યાસ ફર્સ્ટ ક્લાસ, અને તું સમગ્ર કોલેજ માં પ્રથમ. ”

દેવર્ષિ ની આંખમાંથી ખુશી ના આંસુ વહેવા લાગ્યા. અને સ્વરિત અને ઇલ્યાસ તો તેના આ પરિણામથી દેવર્ષિ કરતા પણ વધુ ખુશ દેખાઈ રહ્યા હતા. સ્વરિત બોલ્યો, ”આજે સાંજે તમને બંને ને આપણા તરફથી પાર્ટી મળશે, મારા એક અંકલે શહેર ની બહાર એક મસ્ત રેસ્ટોરાં ખોલી છે ત્યાં આજે રાત્રે ડીનર કરવા જઈશું. ”સાંજે નક્કી કર્યા મુજબ સ્વરિત બંને ને લઇ ને ડીનર માટે લઇ ગયો, ત્રણેય મિત્રો એ ખુબજ આનંદ કર્યો.

રાત્રે છાત્રાલય ના ફોન પરથી દેવર્ષિ એ પિતાજી ને ફોન કર્યો. એના ઘર ની બાજુ માં રહેતા એક શિક્ષક પશાભાઈ જે ગામ ની પ્રાથમિક શાળામાં પ્રિન્સીપાલ હતા એમના ઘેર લેન્ડ લાઈન ફોન હતો જેથી દેવર્ષિ ને જયારે પરિવાર સાથે વાત કરવી હોય તો એમના ત્યાં ફોન કરતો.


દેવર્ષિ એ પિતાજી ને કહ્યું, ”બાપુ હું તમારા આશીર્વાદથી આખી કોલેજ માં પહેલા નંબરે પાસ થયો છું. ”

પિતાજી એ કહ્યું, ”વાહ બેટા મને જાણી ને ખુબ આનંદ થયો અમારા આશીર્વાદ હમેશા તારી સાથે છે. પણ બેટા તેં અમરશીકાકા ને ફોન કર્યો? તું અત્યારે તારા જીવન માં જે કઈ પણ મેળવી રહ્યો છું તે બધી અમરશીકાકા ની મહેરબાની છે?.

દેવર્ષિ ના ચહેરા નો રંગ બદલાઈ ગયો અને કહ્યું, ”બાપુ તમે જ એમને કહી દેજો મને અહી ફક્ત ઘેર જ ફોન કરવાની પરમીશન છે. ”આટલું કહી દેવર્ષિ એ ફોન મૂકી દીધો. બાબુ ના ભોળા મને તો સ્વીકારી લીધું જે દેવર્ષિ એ કહ્યું એ. પણ અહી દેવર્ષિ ના મન નું એકજ વર્ષ માં સંપૂર્ણ પરિવર્તન થઇ ગયું હતું એ વાતથી એના પિતા બાબુ તદ્દન અજાણ હતા. દેવર્ષિ આખી “દાસ કેપિટલ” ને અને “કાર્લ માર્ક્સ” ને પોતાના જીવન સાથે જોડી ચુક્યો હતો અને સામાન્ય ગામડા ના અબુધ બાળક માંથી એક કોમરેડ બની ગયો હતો, સંપૂર્ણપણે કોમ્યુનીસ્ટ વિચારધારા ને સમર્પિત બની ચુક્યો હતો. કોમ્યુનીસમ ના અનેક સેમીનારમાં એક વક્તા તરીકે હિસ્સો લઇ ચુક્યો હતો. , ખુબ મોટા મોટા કોમ્યુનીસ્ટ લેખકો, દેશ ના અનેક ડાબેરી વિચારસરણી ધરાવતા બૌદ્ધિકો, પત્રકારો, ઉદ્યોગપતિઓ, રાજનેતાઓ સાથે ઘરોબો કેળવી ચુક્યો હતો. કોલેજ તથા સમગ્ર યુનિવર્સીટી માં તે એક વિદ્યાર્થી નેતા તરીકે નામના મેળવી ચુક્યો હતો. આથી તે તેના ગોડફાધર એવા અમરશીભાઈ ને પણ એક સામંતશાહ તરીકે જોવા લાગ્યો હતો તેનું કારણ અમરશીભાઈ નહિ પણ તેમના ભાઈ મહેશ દ્વારા ભૂતકાળ માં તેના પિતા પર થયેલા જુલ્મ જવાબદાર હતા. માર્ક્સવાદ ના ઘેરા વાદળો તેના અસ્તિત્વ પર એવો ડેરો જમાવી ને બેઠા હતા કે, અમરશીભાઈ એ તેના માટે કરેલો પરોપકારના કાર્ય નફરત ની કાળમીંઢ દીવાલ પાછળ ઢંકાઈ ગયા હતા. તે હવે ફક્ત દુનિયાના દરેક અમીર ને એકજ નજરથી જોવા લાગ્યો હતો. એમાં એના પિતા સમાન અમરશીભાઈ પણ હવે સામેલ હતા. કોલેજ ના બીજા વર્ષ દરમ્યાન તેને પોતાના ગામ જવા નું પણ ઘણું ઓછું કરી નાખ્યું.


વર્ષમાં ફક્ત એકજ વાર કાકાની દીકરીના લગ્ન હતા એટલે ગયો અને એક જ દિવસ રહી બીજા દિવસે પરીક્ષા નું બહાનું કાઢી શહેર પાછો આવી ગયો. હવે તેને આ શહેરમાં ફાવી ગયું હતું. તેના જીવન નિર્વાહનો ખર્ચ તેને કોમ્યુનીસ્ટ માંધાતા ઓ તરફથી મળી રહેતો. હવે તો તેની પાસે મોબાઈલ અને બાઈક પણ આવી ગયું હતું. જીવનશૈલી પણ બદલાઈ ગઈ હતી. તેના છાત્રાલય નો રૂમ એક રૂમ ઓછો પણ કોઈ રાજકીય પક્ષ નું કાર્યલય વધારે લાગી રહ્યું હતું. રાજકીય કાર્યકર્તાઓની ચહલ પહલ આખો દિવસ ચાલુ રહેતી. શહેરમાં તથા રાજ્ય માં ક્યાંય પણ નાનું મોટું કોઈ પણ ઈલેક્શન હોય ત્યાં કહેવાતી સેક્યુલર પાર્ટીઓ માટે પ્રચાર માટે દેવર્ષિ ની ડીમાંડ વધવા લાગી. તે તેના ખાસ મિત્ર એવા ઇલ્યાસ અને સ્વરિત પણ તેના આ રાજકીય વલણના કારણે તેનાથી દુરી બનાવવા લાગ્યા હતા એનો મતલબ એવો નહોતો કે તેઓ ને દેવર્ષિ પ્રત્યે લાગણી નહોતી, પરંતુ તેની આ રાજકીય કારકિર્દી ને કારણે તેને કોઈ નુકસાન ના થાય તેની તેઓ ને ચિંતા સતત સતાવી રહી હતી. દેવર્ષિ એ હજુ કોઈ રાજકીય પક્ષ જોઈન નહોતો કર્યો પરંતુ તેની માર્ક્સવાદી વિચારધારા તેના વ્યક્તવ્યોમાં સ્પષ્ટ રીતે છલકાઈ જતી હતી. અને અદભૂત વાક્છટા ને કારણે જે લોકો તેનું વ્યક્તવ્ય સંભાળતા તેઓ મંત્રમુગ્ધ થઇ જતા અને તેના ફેન બની જતા. એના વ્યક્તવ્ય માં તર્કો સાથે સ્પષ્ટતા રહેતી જેથી એના વ્યક્તવ્ય માં એક રાજનેતાની છબી ઉપસી આવતી.


દેવર્ષિ એ આજે રાજનીતિશાસ્ત્ર માં અનુ સ્નાતક થઇ ગયો, સમગ્ર યુનિવર્સીટી માં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થયો. વર્ષ ક્યારે પુરા થઇ ગયા એની ખબર પણ ના પડી. હજુ પણ ઇલ્યાસ અને સ્વરિત સાથે ની મિત્રતા માં કોઈ આંચ આવી નહોતી. હા, પણ પહેલા જેવી પ્રગાઢ દોસ્તી પણ રહી નહોતી. પણ એમને એક નિયમ બનાવ્યો હતો જે આજે પણ ચાલુ હતો. અઠવાડિયે એક વાર સાથે મળી ને ડીનર કરવાનો. આજે પણ દેવર્ષિ એ ઘણી બધી ઓફર હોવા છતાં મિત્રો સાથે ડીનર પર જવાનું નક્કી કર્યું હતું. સ્વરિત અને ઈલ્યાસે પણ સારા પરિણામ સાથે અનુ સ્નાતક પૂરું કર્યું હતું.


સાંજે નક્કી કર્યા મુજબ ત્રણેય મિત્રો શહેર ના પોશ વિસ્તાર માં આવેલા “ડીનર બેલ” રેસ્ટોરન્ટ માં સ્વરિત ની કાર માં પહોચ્યા. સ્વરીતે પહેલાથી ટેબલ બુક કરાવી રાખ્યું હતું. વેઈટર ને બોલાવી ઓર્ડર આપ્યો. ત્યાં અચાનક એક ગુંડા જેવો લાગતો પડછંદ શકસ દેવર્ષિ ની બાજુ ની ચેર માં આવી ને બેસી ગયો. ઇલ્યાસ અને સ્વરિત ને તો ખબર જ ના પડી શું થઇ રહ્યું છે?. એ આગંતુક દેવર્ષિ ની સામે જોઈ હસ્યો અને તેના કાન માં કઈક બબડ્યો અને ઉભો થઇ બહાર ચાલ્યો ગયો. દેવર્ષિ પરાણે હસી ને બોલ્યો, ”દોસ્તો આઈ એમ સો સોરી, મારે એક અરજન્ટ કામ માટે અત્યારે જ જવું પડે એમ છે તો તમે ડીનર કરી લો આપણે એક બે દિવસ માં ફરી શાંતિથી મળીયે, સોરી અગેઇન. ”એમ કહી રેસ્ટોરેન્ટ ની બહાર વીજળીવેગે નીકળી ગયો. ઇલ્યાસ અને સ્વરિત બંને કપાળ પર ચિંતાની એક સરખી શીકરો દેખાવા લાગી.

                       ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Drama