Himanshu Patel

Children Inspirational Tragedy

2.5  

Himanshu Patel

Children Inspirational Tragedy

અનાથ

અનાથ

19 mins
15.3K


રવિવારનો દિવસ છે, સવારના નવ વાગ્યા છે, જૈનમ હજુ સુતો છે. માર્ચ મહિનો ચાલતો હોવાથી ઓફીસમાં બહુ વર્ક-લોડના કારણે બહુ થાકેલો છે.

જૈનમની પત્ની શૈલી આવીને તેને ઉઠાડે છે, ”ઉઠો હવે સુરજ માથા પર આવી ગયો, આખા મહિનાનો થાક આજેજ ઉતારી દેશો કે શું ?” જૈનમ આળસ મરડીને ઉભો થાય છે, રોજીંદા ક્રમ મુજબ ઉઠીને તેનો આઈફોન ઉઠાવ્યો અને રીમાઈન્ડર ચેક કરવા લાગ્યો. અચાનક જ સફાળો પથારીમાંથી બેઠો થઇ ગયો, અચાનક એને યાદ આવી ગયું આજે વિશુનો જન્મ દિવસ છે.

જૈનમ એક સોફ્ટવેર કંપનીમાં જોબ કરે છે. આજથી લગભગ પાંચ વર્ષ પહેલા કંપની તરફથી એક ચેરીટી ફંક્શનમાં શહેરથી લગભગ દસ કિમી દૂર આવેલા “શેઠ ચુનીલાલ અનાથ આશ્રમ” માં જવાનું થયેલું.

જૈનમ તેના કલીગ સાથે અનાથ આશ્રમના બાળકોને કમ્પ્યુટર વિષે સાદી સમાજ આપી રહ્યો હતો. અચાનક તેની નજર એક વૃક્ષની નીચે બેઠેલા છએક વર્ષના બાળક પર પડી. તેને લાગ્યું કે એ બાળકની આંખો તેને કોઈ વાત કહી રહી છે. જૈનમ ફરીથી કામમાં લાગી ગયો, પણ તેનું ધ્યાન વારેવારે પેલા બાળક પર જવા લાગ્યું. મનમાં વિચારોનું ઘોડાપુર આવી ગયું. તેને થયું કોણ નિર્દયી હશે જે આવા ફૂલ જેવા બાળકને છોડી ગયું હશે. આ બાળકની આંખોમાં એક તેજ દેખાતું હતું.

તેના ચહેરા પરનું નૂર કહી આપતું હતું કે, આ બાળક કોઈ ઉચ્ચ ખાનદાનનું હોવું જોઈએ. લગભગ એક કલાક બાળકોને સમજણ આપ્યા પછી જૈનમ તેના સાથીઓ સાથે નીકળી ગયો.

શૈલી એ કહ્યું કે, "કેમ આજે આટલું જ જમ્યો, તબિયત તો ઠીક છે ને ?" જૈનમ બોલ્યો, "હા શૈલુ આઈ એમ ગુડ, બસ આજે ભૂખ નથી."

શૈલી એ કહ્યું, "ઓકે તો પછી થોડું દૂધ પી લે અને આરામ કર."

જૈનમ દૂધ પીને બેડ પર ગયો, સુવાનો પ્રયત્ન કરવા લાગ્યો, પણ કોણ જાણે કેમ પેલા બાળકનો ચહેરો વારંવાર તેની આંખો સામે આવવા લાગ્યો. જે જૈનમને ઊંઘ આવવા માટે માત્ર પાંચ મિનીટ લગતી હતી તેને આજે વારંવાર પ્રયત્ન કરવા છતાં ઊંઘ આવી રહી નહોતી. લગભગ ત્રણ વાગ્યાની આજુબાજુ તેની આંખ મળી ગઈ. સવારે છ વાગ્યે ઊંઘ ઉડી પણ ગઈ. સવારે સાડા દસ વાગ્યે ઓફીસ જવા માટે નીકળ્યો. કાર ડ્રાઈવ કરીને જતા પણ તેને કારના કાચ પર પણ પેલા બાળકનો ચહેરો દેખાવા લાગ્યો.

ત્રણ દિવસ જૈનમ બેચેનીમાં રહ્યો. ત્યાર પછી તેનાથી ના રહેવાયું, તો તેને નક્કી કર્યું કે હું ફરી આશ્રમ જઈશ અને એ બાળકને મળીશ,અને તેને જોયા પછી મને થયેલી બેચેનીનું કારણ જાણીશ. જૈનમ તેની કંપનીના મેનેજર મિસ્ટર અરોરાને મળી ને ફરી આશ્રમમાં જવાની પરવાનગી મેળવવાનું નક્કી કર્યું.

બે દિવસ પછી રવિવારના દિવસે જૈનમ આશ્રમ જવા નીકળ્યો. આશ્રમ પહોચીને તે આશ્રમના મેનેજર શ્રી મનોહરલાલને મળવા ઓફીસમાં ગયો. મનોહર લાલે જૈનમ નું બહુજ ઉષ્માથી સ્વાગત કર્યું. તેમને જૈનમને ચા પીવડાવી પછી પૂછ્યું, "બોલો અમારે લાયક કઈ કામ હોય તો?" જૈનમે તેમને કહ્યું, "હું એક બાળકને જોવા માગું છુ, જો તમારી મંજુરી હોય તો ?" મનોહરલાલ બોલ્યા "અરે ભાઈ એમાં શું મંજુરી, તમારા જેવા ઓળખીતા માણસને મંજુરી થોડી લેવાની હોય, અને આમ પણ તમારા જેવા હોશિયાર માણસને મળીને બાળકને કૈક શીખવા મળશે."

જૈનમ ખુશી સાથે બોલ્યો, "અંકલ અમે જે દિવસે ચેરીટી ફંક્શન માટે આવ્યા હતા ત્યારે એક પાંચ વર્ષનો એક બાળક પેલા વૃક્ષની નીચે ચુપચાપ બેઠો હતો તેને મારે મળવું છે. "મનોહરલાલે હસી ને કહ્યું,"અચ્છા તો તમે વિશુની વાત કરી રહ્યા છો, આ બાળક બહુજ તેજસ્વી છે. અમારા આશ્રમનો સૌથી શરમાળ અને સમજુ બાળક છે. આટલી નાની ઉમરમાં તેને પોતાની જાતને અનાથ તરીકે એક્સેપ્ટ કરી લીધી છે. ક્યારે પણ કોઈ ફરિયાદ નહિ, હજુ આ વર્ષે પહેલા ધોરણમાં ભણવા મુક્યો છે, આશ્રમના પ્રાંગણમાં જ એક સરકારી સ્કૂલ છે તેમાં આશ્રમના બધા બાળકો અભ્યાસ કરે છે. અત્યારે તે તેના રૂમમાં હશે. તમે તેને મળી શકો છો." આમ કહી તેમને પ્યુનને બૂમ પાડી, "રમેશ, આ સાહેબને રૂમ નંબર ત્રણમાં લઇ જા."

જૈનમ રમેશની સાથે રૂમ નંબર ત્રણમાં ગયો, જઈ ને જોયું તો રૂમમાં ચાર બાળકો રહેતા હતા. બે બાળક હશે લગભગ દસ વર્ષની ઉમરના અને એક લગભગ સાત આજુબાજુ નો. આ ત્રણ બાળકો સાથે મળીને કોઈ ચિત્ર બનાવી રહ્યા હતા. જૈનમે કહ્યું,"કેમ છો ભૂલકાઓ ?" ત્રણેય બાળકો એક સાથે બોલ્યા, "હેલ્લો અંકલ". વિશુ તેના બેડ પર બેઠો બેઠો પાસેની બારીમાંથી અનિમેષ નયને બહાર જોઈ રહ્યો હતો. જૈનમ તેની પાસે બેડમાં જઈ ને બેઠો અને પૂછ્યું, "હેલ્લો વિશુ શું ચાલે છે બહાર શું જોઈ રહ્યો છે ? વિશુ બોલ્યો, "પેલા વૃક્ષ પર ચકલી તેના બચ્ચાના મોમાં ખાવાનું મૂકી રહી છે તે જોઈ રહ્યો છુ."

જૈનમ લગભગ બે કલાક સુધી વિશુની સાથે રહ્યો. તેના વિષે જાણવાનો પ્રયત્ન કર્યો, અને એમાં આંશિક રીતે થોડો સફળ પણ થયો. સંપૂર્ણપણે અંતર્મુખી વ્યક્તિત્વ ધરાવતો વિશુ આજે જૈનમ સાથે વાત કરતા કરતા થોડો ખીલી ઉઠ્યો. જૈનમે જતા જતા વિશુને કહ્યું, "વિશુ હું તને દર અઠવાડિયે મળવા આવીશ, શું તને ગમશે?".

વિશુના ચમકતા ચહેરા ઉપરની મુક સંમતિને જૈનમે વાંચી લીધી અને વિશુ એ પણ હકારમાં માથું ધુણાવ્યું. જૈનમ વિશુના રૂમમાંથી નીકળીને ઓફીસ તરફ ગયો.

મનોહરલાલ ખુરશી પર બેઠા બેઠા ચાની ચૂસકી મારતા હતા. જૈનમને જોઈને એકદમ ખુરશીમાંથી ઉભા થતા બોલ્યા, "આવો આવો જૈનમભાઈ, ચા પીવો", એમ કહીને મનોહરલાલ થર્મોસમાંથી કપમાં ચા કાઢી, અને જૈનમ સામે કપ ધરતા કહ્યું, "કેવી રહી વિશુ સાથે મુલાકાત ?" જૈનમ બોલ્યો, "વિશુ બહુ સરળ અને ખુબ જ સમજદાર છોકરો છે. આટલી ઉમર માં તે માનસિક રીતે ખુબજ વયસ્ક થઇ ગયો છે અને મને આ આશ્રમના બાળકો સાથે સમય વિતાવવો ગમશે અને સવિશેષ વિશુ સાથે,જો તમારી મંજુરી હોય તો."

મનોહરલાલ હસીને બોલ્યા, "જૈનમભાઈ, આ તો અમારા આને આ અનાથ બાળકોના અહોભાગ્ય કહેવાય કે, તમારા જેવા નવયુવાનને આવા અનાથ અને લાચાર બાળકો માટે આટલી બધી લાગણી છે. સાહેબ આશ્રમને પૈસા આપીને છુટા થઇ જનાર દાતા તો ઘણાં બધા આવે છે પણ, તમારા જેવા સમયનું દાન કરવા વાળ દાતા બહુ ઓછા હોય છે. તમ તમારે આ આશ્રમને તમારું બીજું ઘર સમજો અને ઈચ્છો ત્યારે આવી જઈ શકો છો. અને હા આવતી બે એપ્રિલના દિવસે વિશુનો જન્મદિવસ છે."

આ સાંભળીને જૈનમ કોઈ ગહન વિચારમાં ચાલ્યો ગયો. મનોહરલાલ સમજી ગયા અને હસીને બોલ્યા "હમણાં જ તમારી શંકાનું સમાધાન કરી દઉં, બાળક જે દિવસે આશ્રમમાં આવે છે તે જ દિવસને અમે લોકો તેના જન્મદિવસ તરીકે ઉજવીએ છીએ. તેની ઉમરના હિસાબથી. ચાલો હું તમને વિગતથી સમજાવું. વિશુ જયારે અમને આશ્રમના દરવાજે મળ્યો ત્યારે તે લગભગ નવજાત જ હતો. માટે આમે તે દિવસને અમે તેના જન્મદિવસ તરીકે માન્ય રાખ્યો છે." "જો કોઈ બાળક થોડી પાંચ વર્ષ ઉંમરમાં આશ્રમમાં આવે તો અમે તેની ડોક્ટર પાસે તપાસ કરાવી તેની ઉંમરનો ક્યાસ કઢાવી તે જે દિવસે આશ્રમમાં દાખલ થયો હોય તે જ તારીખને પાંચ વર્ષ પહેલાની સાલને તેની જન્મતિથી તરીકે ગણીએ છીએ."

જૈનમ હસી ને બોલ્યો, "મનોહરભાઈ તમે મારી બધી શંકાઓનું સમાધાન કરી દીધું, તમારો ખુબ ખુબ અભાર. અને તમે પણ જે કામ કરી રહ્યા છો,તે ખુબજ સરાહનીય છે."

મનોહરલાલ બોલ્યા, "સાહેબ મને કેમ શરમ માં નાખો છો ? હું તો માત્ર મારી નોકરી કરી રહ્યો છુ."

જૈનમ બોલ્યો, "મનોહરભાઈ,આ નોકરી કરવી એ પણ જેવા તેવા ના કામ નથી."

મનોહરલાલ બોલ્યા, "હશે સાહેબ, તમારો અભાર મારા વખાણ કરવા બદલ"

જૈનમ બોલ્યો, "મનોહરભાઈ હું વિશુના જન્મદિવસ પર આવીશ અને બાળકો સાથે સમય વીતાવીશ"

મનોહરલાલ એ કહ્યું, "ચોક્કસ જૈનમભાઈ, તમારું જ બીજું ઘર સમજીને આવી શકો છો"

જૈનમના ચહેરા ઉપરની ખુશીને શૈલી એ પારખી લીધી અને કહ્યું, "કેમ બોસ આજે કઈ ખુશખુશાલ છે ને કાઈ?"

જૈનમે કહ્યું, "શૈલી આજે અનાથ આશ્રમ ગયો હતો, એક બાળકને મળવા, આજે તેને મળીને ખુશ છુ."

અને જૈનમે આજે શૈલીનો હાથ હાથમાં લઇને વિશુને જોયા પછી તેના વિષે જાણવા માટેની ઉત્સુકતાથી તેનામાં થોડા દિવસ સુધી રહેલી બેચેની અને આ બેચેનીના સમાધાન સુધીની બધી વાત કરી દીધી. જૈનમની આંખના ભીના થયેલા ખૂણા જોઈને શૈલી પણ થોડી ભાવુક થઇ ગઈ, અને જૈનમના ખભા પર માથું રાખી ને ફક્ત એટલું કહ્યું, "તું ખુશ છે ને ?".ઘણા લાંબા સમય પછી શૈલી એ જૈનમના ચહેરા પર આટલી ખુશી જોઈ હતી. તેને આજથી ત્રણ વર્ષ પહેલાના એ દિવસો યાદ આવી ગયા.

શૈલી ગર્ભવતી હતી પ્રસુતિનો દિવસ હતો. ડોકટરે જયારે ઓપરેશનમાંથી બહાર આવી ને કહ્યું કે, "આઈ એમ સોરી, બાળક ને બચાવી શકાય એમ નહોતું, અને જયારે ડોકટરે બીજું વાક્ય કહ્યું ત્યારે જૈનમની ઉપર જાણે આભ તુટી પડ્યું, ડોકટરે કહ્યું, "શૈલીને બહુ કોમ્પ્લીકેશન્સ હતા જેથી તેને બચાવવા માટે ગર્ભાશય પણ કાઢવું પડ્યું, માટે શૈલી હવે ક્યારેય ગર્ભ ધારણ નહિ કરી શકે." શૈલી ને આ વાત કહેવા માટે જૈનમે પાંચ દિવસ સુધી રાહ જોઈ, કારણ કે શૈલીને બાળક ગુમાવવાનું દુખ એટલું હતું કે જૈનમ તેને "તું ક્યારે પણ મા નહિ બની શકે" કહીને ભાંગી પાડવા નહોતો માગતો.

લગભગ એક વર્ષ પછી શૈલી આ દુખમાંથી બહાર આવી અને તેને સત્ય સ્વીકારીને નવેસરથી જીવવાનું શરુ કર્યું. પણ જૈનમ હજુ સુધી એ ગોઝારા દિવસને ભૂલી નહોતો શકતો. ક્યારેક રાત્રે ત્રણ વાગ્યે બેબાકળો બનીને અચાનક ઊંઘમાંથી ઉઠી જતો. ઓફીસના કામમાં પણ વ્યવસ્થિત ધ્યાન નહોતો આપી શકતો. એના કારણે ઘણી વાર બોસના ગુસ્સાનો શિકાર પણ બનતો. શૈલી તેને ઘણી વાર સમજાવવાનો પ્રયત્ન કરતી પણ, જૈનમના વિચલિત મનને શાંત કરવા માટે શૈલીએ ઘણા પ્રયત્નો કર્યા. જૈનમ નો ખાસ મિત્ર શિવ એક વાર તેને પરાણે ડો. પ્રિયાંક શર્મા જે મશહૂર માનસિક રોગના નિષ્ણાત છે તેમની પાસે લઇ ગયો. લગભગ ચાર સીટીંગમાં જૈનમમાં એંસી ટકા જેટલો ફેરફાર થઇ ગયો. પણ પહેલા જે ખીલાખીલાતો જૈનમ હતો, તે એકદમ અંતર્મુખી બની ગયો.

આજે વિશુનો જન્મદિવસ છે. જૈનમે વિશુ માટે એક સાયકલ લીધી છે અને અન્ય બાળકો માટે પણ ગીફ્ટ લીધી છે. વિશુ માટે કેકનો ઓર્ડર આપેલો છે, તે લઇને સીધો આશ્રમ જવાનો છે. ફટાફટ તૈયાર થઇને તેણે બધી વસ્તુ ગાડીમાં ભરી અને આશ્રમ જવા નીકળ્યો. રસ્તામાંથી કેક લીધી.

આશ્રમ પહોચીને પહેલા સીધો ઓફીસમાં ગયો અને મનોહરલાલને મળ્યો. મનોહરલાલને કહ્યું, "મનોહરભાઈ આજે વિશુનો જન્મદિવસ છે, આજે હું આખો દિવસ આશ્રમમાં વિતાવવા માગું છું." મનોહરલાલની આંખો માં ઝળહળિયા આવી ગયા અને બોલ્યા,"સાહેબ તમે આ બાળકો માટે દેવદૂત સમાન છો, મેં તમને કહ્યું હતું ને, કે આ તમારું બીજું ઘર છે તમે ગમે ત્યારે આવી જઈ શકો છો." જૈનમ ગયો વિશુના રૂમ મા. વિશુ હમેશાની જેમ બારીમાંથી બહાર જોઈને બેઠો હતો. જૈનમે વિશુને કહ્યું, "હેપ્પી બર્થડે વિશુ"

વિશુ જાણે ઊંઘમાંથી ઉઠ્યો હોય તેમ સફાળો બેઠો થઇ ગયો. આટલા વર્ષોમાં કોઈ એ પહેલી વાર તેને બર્થડે વિશ કર્યો હતો. એની આંખના ખૂણા ભીના થઇ ગયા એ જૈનમથી છાનું ના રહ્યું, તે પણ ગળગળો થઇ ગયો. વિશુ એ કહ્યું, "થેંક યુ અંકલ." જૈનમે વિશુને ઉચકી લીધો અને કહ્યું કે આજે આપણે બધા પાર્ટી કરીશું, અને તારો જન્મદિવસ ઉજવીશું. વિશુના રૂમમાં રહેતા બે બાળકોમાંથી એક બાળક જેનું નામ જય હતું તેને જૈનમે કહ્યું, "બેટા જય આશ્રમના બધા બાળકોને કહે કે, દસ મિનીટમાં પ્રાર્થના રૂમમાં આવે." જય દોડતો દોડતો બધા બાળકો ને બોલાવવા માટે ગયો.

દસ મિનીટ પછી બધા બાળકો આશ્રમના પ્રાર્થના રૂમમાં એકત્રિત થયા, સાથે આશ્રમનો સ્ટાફ પણ હાજર હતો. બધાના ચહેરા પર ખુશી ઝળકી રહી હતી. મનોહરભાઈની આંખોમાં પણ ખુશીના આંસુ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. કેક અને કેન્ડલ તૈયાર હતા બધા બાળકો એ પહેલી વાર આવી જન્મદિવસની ઉજવણી જોઈ હતી. જૈનમે બધા બાળકોને સમજાવ્યું કે, "વિશુ જયારે ફૂંક મારીને કેન્ડલ બુઝાવે ત્યારે બધા એ એક સાથે ગાવાનું, હેપ્પી બર્થડે ટુ યુ " આજે જૈનમે આશ્રમના તેર બાળકો અને સ્ટાફના ચાર માણસો માટે બહારથી જમવાનું ઓર્ડર કર્યું. બધા એ પેટ ભરીને એક સાથે બેસીને ખાધું.

જમ્યા પછી બાળકો સાથે જૈનમ ક્રિકેટ રમ્યો, ખુબ એન્જોય કર્યું. બાળકોને પણ મજા આવી ગઈ. કારની ડેકીમાં પડેલી ક્રિકેટની કીટ આશ્રમના પટ્ટાવાળા પ્રભુકાકાને આપીને કહ્યું, "આ કીટ અહી આશ્રમમાં જ રાખો બાળકોને રમવા માટે કામ લાગશે.જ યારે રમવા માટે માંગે ત્યારે એમને આપશો."

સાંજે લગભગ પાંચ વાગ્યે વિશુ અને જૈનમ એક વૃક્ષની નીચે બાંકડા પર બેઠા. જૈનમે વિશુની પૂછ્યું, "વિશુ આજે તને કેવું લાગ્યું ?" વિશુ એ કહ્યું, "અંકલ બહુ મજા આવી, તમે બહુ સારા છો, તમે ફરી ક્યારે આવશો ?" જૈનમની ખુશીનો પાર ના રહ્યો. એને કહ્યું, "વિશુ તું જયારે પણ મને યાદ કરીશ, હું આવી જઈશ."

"એક વાત કહું તું માનીશ ?".વિશુ એ કહ્યું, "બોલો અંકલ." જૈનમ બોલ્યો, "હવે પછી તારે મને અંકલ નહિ કહેવાનું. તારે મને પપ્પા કહેવાનું બોલ મંજુર છે તને?" વિશુ બોલ્યો, "પણ મારા પપ્પા કોણ છે મને ખબર નથી." જૈનમે કહ્યું, "આજથી તારા પપ્પા હું છું." જૈનમ થોડો ગહન વિચારમાં ચાલ્યો ગયો અને પછી હસીને બોલ્યો, "ઓકે પપ્પા મંજુર" જૈનમ એટલો ખુશ થઇ ગયો કે તેને ઉછાળવા નું મન થઇ ગયું. વિશુને માથા પર ચૂમીને કહ્યું, "વિશુ બેટા ચલ આજે હું જાઉં છું,બહુ જ જલ્દી આવીશ." વિશુ એ પણ સ્માઈલ કરીને કહ્યું, "ઓકે પપ્પા જાઓ".

જૈનમે ઘરમાં આવતા જ શૈલી ને ઉચકી લીધી અને કહ્યું, "શૈલુ આઈ એમ વેરી વેરી વેરી હેપ્પી ટુડે, આપણને આપણું બાળક મળી ગયું."

શૈલી થોડી વિશુને પોતાના બાળક તરીકે સ્વીકારવા માટે થોડી અસમંજસમાં હતી કારણ કે હજુ તે વિશુને મળી પણ નહોતી, અને તેના મગજમાં એક બીજો પ્રશ્ન પણ હતો કે, "બીજા કોઈના બાળક ને પોતાના બાળક તરીકે કઈ રીતે સ્વીકારવું?" પણ તે જૈનમની ખુશીમાં કોઈ વિઘ્ન નાખવા નહોતી માંગતી. કારણ કે, આજે બહુ લાંબા સમય પછી જૈનમ ને આટલો ખુશ જોયો હતો. તેણે કહ્યું, "જૈનમ તને આટલો ખુશ જોઈ ને હું પણ ખુબજ ખુશ છું."

ત્યાર પછી જૈનમનું દર અઠવાડિયે આશ્રમ જવાનું ફિક્ષ થઇ ગયું. લગભગ દરેક રવિવાર આશ્રમના બાળકો સાથે બાળકો સાથે ગુજારતો. અને ખાસ કરીને વધુ સમય વિશુ સાથે વિતાવતો. વિશુ અને જૈનમ વચ્ચે એક અદ્ભુત અને લાગણીસભર સંબંધ બંધાઈ રહ્યો હતો. બંને એકબીજાને મળવાની રાહ જોતા. જૈનમ વિશુની દરેક જરૂરિયાત એની દરેક માંગણી પૂરી કરવા લાગ્યો, જો કે વિશુની જરૂરિયાતો ઘણી ઓછી રહેતી, જે પણ રહેતી તે તેના અભ્યાસ ને લગતી જ રહેતી. પેન, પેન્સિલ, નોટબુક એવું બધું. વિશુ ભણવામાં ઘણો તેજસ્વી હતો. જૈનમ ઘણી વાર તેના વર્ગ શિક્ષકને મળવા જતો, તે પણ હમેશા વિશુના વખાણ કરતા. વિશુ પણ ખુશીખુશી તેના શાળાના મિત્રો ને જૈનમ વિષે કહેતો.

જૈનમના મગજમાં હવે વિશુને જલ્દીથી ઓફિશિઅલી પોતાનો દીકરો બનાવવાનો વિચાર સળવળી રહ્યો હતો અને તેના માટે જરૂરી માહિતી પણ તેને શહેરના એક જાણીતા વકીલ પાસેથી મેળવી લીધી હતી. તે વિશુને હવે દત્તક લેવા માંગતો હતો. આ વિષે હજુ તેને કોઈ સાથે વાત કરી નહોતી, સિવાય તેનો પરમ મિત્ર શિવ. શિવ પાસે તેને પોતાનો વિચાર રજુ કર્યો હતો. શિવ પણ તેના આ વિચાર સાથે સહમત હતો, કારણ કે તે કોઈ પણ રીતે પોતાના દોસ્તને ખુશ જોવા માંગતો હતો.

મંગળવારનો દિવસ છે જૈનમ આજે ઓફીસમાં એક નવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે, પણ ના જાણે કેમ આજે એનું મન ખુબ જ બેચેન છે, કામમાં બિલકુલ મન નથી લાગતું. જૈનમની બેચેનીનું એક કારણ એ છે કે આજે જૈનમ વિશુને દત્તક લેવાનો વિચાર શૈલીની પાસે રજુ કરવાનું વિચારી રહ્યો હતો. જૈનમ વિચારી રહ્યો હતો કે, ”કેવી રીતે શૈલીને કહું ? તેને કેવું લાગશે? તેને મારો વિચાર ગમશે કે નહિ ?”

અચાનક તેના મોબાઈલમાં રીંગ વાગી આશ્રમથી ફોન હતો. મનોહરલાલ બોલ્યા,”જૈનમભાઈ, વિશુની તબિયત અચાનક ખરાબ થઇ ગઈ છે, અમે અમારી ટ્રસ્ટની હોસ્પિટલમાંથી ડોક્ટરને બોલાવ્યા હતા, તેમણે ઇન્જેક્શન આપ્યું છે, જેની અસરથી વિશુ અત્યારે ઊંઘી ગયો છે પણ ડોક્ટરનું કહેવું હતું બને એટલું જલ્દી બોડી ચેક-અપ કરાવી લેજો મને કૈક સીરીયસ પ્રોબ્લેમ હોઈ શકે તેવું લાગે છે.” જૈનમના પગ તળેથી જમીન સરકી ગઈ, બેભાન જેવો થઇ ગયો ચક્કર આવવા લાગ્યા.

ઓફીસમાં તેની સામેની કેબીનમાંથી શિવ તેની આ હાલત જોઈ ગયો. એકદમ ભાગતો જૈનમની કેબીનમાં આવ્યો. પાણીનો ગ્લાસ ઉઠાવીને જૈનમ ના ચહેરા પર પાણીનો છંટકાવ કર્યો, અને તેને પાણી પીવડાવીને ખુરશી પર બેસાડ્યો. અને પૂછ્યું, ”ભાઈ શું થયું ?” જૈનમે તેને બધી હકીકત કહી. શિવે હસીને કહ્યું, ”યાર આટલી નાની વાત માં આટલો બધો ગભરાઈ ગયો,અરે ભાઈ વિશુને કઈ નહિ થયું હોય, ખાવામાં કાઈ આવી ગયું હશે તો પેટનું ઇન્ફેકશન થયું હશે,અને તને ખબર તો છે આવા ટ્રસ્ટના ડોક્ટર નો કોઈ ભરોસો નહિ, પોતાનાથી ટ્રીટમેન્ટ ના થઇ શકે એવું હોય એટલે ખાલી ખોટા આપણને ગભરાવી નાખે. તું ટેન્શન ના લઈશ, હું હમણાં જ ડોક્ટર આયંગરની અપોઇન્ટમેન્ટ લઇ લઉં છું. આજે સાંજે જ આપણે વિશુને લઈને જઈશું એમની પાસે, આયંગર મારો નાનપણનો મિત્ર છે, તે આપણને સાચો રસ્તો બતાવશે” જૈનમને થોડી રાહત થઇ. ઓફિસેથી ચાર વાગ્યે જૈનમ અને શિવ આશ્રમ જવા નીકળ્યા.

ડોક્ટર આયંગર વિશુને ચેક અપ રૂમમાંથી ચેક કરી કેબીનમાં આવ્યા. જૈનમે એકીટશે આયંગરના ચહેરા ને નીરખી રહ્યો હતો, તેને ડર હતો “ડોક્ટર શું કહેશે?” ડોક્ટર બોલ્યા,”મને લાગતું નથી કે કઈ મેજર પ્રોબ્લેમ હોય, પણ આપણે સેફ સાઈડ એક રીપોર્ટ કરાવી લઈએ” એમ કહી તેમણે એક પેપર પર રીપોર્ટ લખી આપ્યો અને કહ્યું, ”આ રીપોર્ટ આવી જાય એટલે તમે મને બતાવી જજો વિશુને સાથે લાવવાની જરૂર નથી.” ”અને બાય ધ વે શું વિશુ તમારો સન છે ?” જૈનમની આંખો ભીની થઇ ગયી ગાળામાં ડૂમો બાઝી ગયો બોલવા જતો હતો પણ શબ્દ ગળામાં જ અટવાઈ ગયા. તેને શિવની સામે જોયું. શિવે કહ્યું, ”આયંગર, વિશુ તેનો સન નથી પણ સન જેવો જ છે, બધું વિગતવાર પછી કહીશ, સોરી દોસ્ત તું ખોટું ના લગાડતો પ્લીસ.” આયંગરે કહ્યું,” અરે યાર ઇટ્સ ઓકે, ડોન્ટ બી સીરીયસ લાઈક ધીસ, આઈ કેન અન્ડરસ્ટેન્ડ.”

વે કહ્યું, ”થેન્ક્સ દોસ્ત.” શિવ અને જૈનમ વિશુને લઇ ને હોસ્પિટલથી નીકળ્યા. રસ્તામાંથી જૈનમે થોડા ફ્રુટ્સ લીધા વિશુ માટે. જૈનમ વિશુની સાથે કારની બેક સીટ પર બેઠો. વિશુને ગળે લગાવી ને પૂછ્યું, ”બેટા,કેવું છે હવે તને. ?” વિશુને હજુ પણ પેટમાં અતિશય દુખાવો હતો, આ દર્દને તે સહન કરી શકતો હતો, પણ આ દર્દને કારણે જૈનમના ચહેરા પર દેખાઈ રહેલા દર્દને સહન કરવાની શક્તિ તેનામાં નહોતી. વિશુ એ કહ્યું ”પપ્પા, બિલકુલ દુખાવો નથી, હું એકદમ ઠીક છું હવે.” જૈનમને થોડી રાહત થઇ પણ, હજુ તેના મનમાં શંકા-કુશંકા હજુ ધમાચકડી મચાવી રહી હતી .ત્યાંથી એ લોકો શહેરની એક પ્રતિષ્ઠિત લેબમાં ગયા વિશુના રીપોર્ટસ માટે. રીપોર્ટસ કરાવીને શિવ અને જૈનમ વિશુને આશ્રમ મુકવા ગયા. જૈનમનું મન નહોતું માનતું એને આશ્રમમાં એકલો મુકવાનું, પણ આશ્રમના રૂલ્સ મુજબ સાંજે તેને આશ્રમમાં છોડવો જ પડે. પણ જૈનમે જતા પહેલા પ્રભુકાકા ને કહ્યું, "કાકા, મહેરબાની કરીને વિશુનું ધ્યાન રાખજો, અને કઈ પણ તકલીફ થાય તો અડધી રાત્રે મને ફોન કરજો અને ડોકટરે આ દવા આપી છે તે હું તમને સમજવું એ પ્રમાણે આપજો." પ્રભુકાકા એ કહ્યું, "બેટા જૈનમ તું જરા પણ ચિંતા ના કરીશ હું એનું બરાબર ધ્યાન રાખીશ." વિશુ દવાની અસર થી ઊંઘી રહ્યો હતો એના રૂમમાં, જૈનમે હળવેથી વિશુના માથા પર હાથ ફેરવ્યો. અને પછી ઘેર જવા માટે નીકળ્યો. એણે વિચાર્યું કે, વિશુને દત્તક લેવાની વાત શૈલી સાથે શેર નહિ કરું જ્યાં સુધી વિશુની તબિયત બિલકુલ ઠીક ના થઇ જાય.

બીજા દિવસે જૈનમે સવારે ઉઠતા વેંત જ લેબમાં ફોન કર્યો અને વિશુના રીપોર્ટ વિષે પૂછ્યું. લેબ માંથી કહ્યું "સર રીપોર્ટ લગભગ અગિયાર વાગ્યે આવી જશે, આવતાની સાથે જ અમે તેને ડો.આયંગરને મેઈલ કરી દઈશું અને તમને કોલ પણ કરી દઈશું, તમે આવીને કલેકટ કરી લેજો." જૈનમે કહ્યું, "ઓકે" જૈનમ અગિયાર વાગવાનીની કાગડોળે રાહ જોઈ રહ્યો હતો. તેણે શિવને પણ કોલ કરી પૂછ્યું, ”તું ડોક્ટરને ફોન કરી પૂછને કે રીપોર્ટનો મેઈલ આવ્યો કે નહિ ?”શિવે કહ્યું, ”તું જરા પણ ચિંતા ના કરીશ જેવો રીપોર્ટ આવશે આયંગર મને કોલ કરશે, છતાં પણ હું હમણાં જ ફોન કરી પૂછી લઉં છું, પણ પ્લીસ યાર બી નોર્મલ,ઓકે ?” જૈનમે કહ્યું, ”ઓકે યાર, પણ પ્લીસ તું જલ્દી ફોન કરીને પૂછ અને મને કોલ-બેક કર.”

લગભગ એક કલાક પછી લેબમાંથી ફોન આવ્યો,તેમને કહ્યું”સર રીપોર્ટ તૈયાર છે,તમે કલેક્ટ કરી લો.”જૈનમે કહ્યું,” ઇસ ધેટ એનીથીંગ સીરીયસ ઇન ધ રીપોર્ટ?” લેબ માંથી જવાબ મળ્યો, ”સર રીપોર્ટ વિષે અમે તમને કઈ નહિ કહી શકીએ એના માટે તમારે ડોક્ટર સાથે જ વાત કરવી પડશે, આઈ એમ સોરી સર” જૈનમે કહ્યું, ”ઇટ્સ ઓકે” જૈનમે તરત જ ડો.આયંગરને કોલ કર્યો અને ડોકટરને પૂછ્યું, ”સર કોઈ સીરીયસ પ્રોબ્લેમ તો નથી ને.” ડોકટરે કહ્યું, ”જૈનમ તું મારા કલીનીક પર આવીજા આપને શાંતિથી બેસીને વાત કરીએ,અને મેં શિવ ને પણ કોલ કરી ધીધો છે, એ પણ અહી આવવા નીકળી ગયો છે તું પણ આવીજા,”

જૈનમને ફાળ પડી પણ એ ફટાફટ કલીનીક જવા નીકળ્યો. જૈનમ સીધો જ ડોક્ટરની કેબીનમાં ઘુસી ગયો અને પૂછ્યું, ”શું વાત છે ડોક્ટર ?” શિવ પણ પહેલેથી આવીને બેઠો હતો. પણ જૈનમનું ધ્યાન ફક્ત અત્યારે વિશુની હાલત પર જ હતું. ડોકટરે કહ્યું, ”જૈનમ બેસ.” શિવે જૈનમને ખભેથી પકડીને ખુરશી પર બેસાડ્યો. ડોકટરે કહ્યું 'જૈનમ સાંભળ, વિશુને સ્ટમક કેન્સર છે, અને એ પણ એડવાન્સ સ્ટેજમાં,જેને અમારી ભાષામાં હોજરીનો એડેનોકોર્કાઇનોમા કહેવાય છે.

જૈનમના પગ તળેથી જમીન સરકી ગઈ. થોડી વાર માટે તો જાણે કોઈ એ માથા પર હથોડો માર્યો હોય તેવી અનુભૂતિ થઇ. શિવે તેને સંભાળ્યો અને પાણી પીવડાવ્યું. જૈનમ થોડો સ્વસ્થ થઇને બોલ્યો, ”ડોક્ટર કોઈ ચાન્સ છે ?” ડોકટરે કહ્યું, હું મારા એક મિત્ર ડોક્ટર છે ડો.પાર્થેશ જાની. તેની સાથે વાત કરું છું. તમે લોકો શક્ય હોય તેટલું જલ્દી વિશુને લઈને તેમની પાસે પહોચો, પાર્થેશ ગેસ્ટ્રીક કેન્સરનો સ્પેશિઆલિસ્ટ છે.

જૈનમ અને શિવ બંને જલ્દીથી આશ્રમ જવા રવાના થયા. વિશુને લઇને એક કલાકમાં તે લોકો ડો.જાનીની હોસ્પીટલે પહોચી ગયા. અને તેમની કેબીનમાં ગયા ડોકટરે રીપોર્ટ ચેક કર્યા, અને બોલ્યા, ”જુઓ ભાઈ, તમારા વિશુને જે કેન્સર છે, તે બહુ ક્રીટીકલ છે, જે તેના પેટમાં ઘણી બધી જગ્યા એ ફેલાઈ ગયું છે, આવા કેસમાં બચવાનો ચાન્સ લગભગ નહીવત હોય છે, પણ આપણે પ્રયત્ન જરૂર કરીશું." જૈનમ ડઘાઈ ગયો હતો, શું કરવું, શું નાં કરવું કોઈ સમાજ પડતી નહોતી, તેણે ડોક્ટર ને કહ્યું, ”સર,કઈ પણ કરો, તેની ટ્રીટમેન્ટ માટે જે પણ કરવું પડશે હું કરીશ, પણ હું તેને ખોવા નથી માગતો.” ડો.જાની એ કહ્યું, ”જૈનમ, તું ચિંતા ના કરીશ, મારાથી થતા બધા જ પ્રયત્નો કરીશ, આપણે હજુ કેટલાક ટેસ્ટ કરાવીશું, પછી આગળ શું કરવું તે ડીસાઈડ કરીશું.”

જૈનમ સંપૂર્ણપણે ભાંગી પડ્યો હતો. સાંજે શિવ તેની પત્ની રિયા સાથે જૈનમના ઘેર આવ્યો. શિવ,રિયા અને શૈલી એ મળીને જૈનમને હિંમત આપવાનો પ્રયાસ કર્યો. શિવે જૈનમને કહ્યું, ”જૈનમ હું તારું દુખ સમજી શકું છું, પણ માત્ર દુખી થઇને બેસી રહેવાથી વિશુ સાજો તો નહિ થઇ જાય ને ? આપણે સાથે મળીને વિશુને આ રોગમાંથી મુક્ત કરાવીશું, અમારા પર અને ભગવાન પર ભરોસો રાખ. એવું પણ હોઈ શકે ભગવાન આપણી કસોટી કરી રહ્યો હોય.” શિવે આપેલી સાંત્વનાથી જૈનમ ને કૈક અંશે હિંમત મળી.

આજે વિશુના રીપોર્ટસ આવી ગયા. ડો.જાનીનો કોલ આવ્યો જૈનમ પર, ”જૈનમ વિશુના રીપોર્ટસ આવી ગયા છે,પણ રીપોર્ટસ થોડા ખરાબ છે.” જૈનમ ના હોશ ઉડી ગયા ત્વરિત બોલ્યો, ”ડો. તમે શું કહેવા માંગો છો, મને સ્પષ્ટ કહો.” ડોક્ટર બોલ્યા, ”જૈનમ મેં મારા અન્ય ડોક્ટર મિત્રો સાથે પણ વિશુના રીપોર્ટસ ડિસ્કસ કર્યા. અને અમે લોકો એ નિષ્કર્ષ પર આવ્યા છીએ કે, કેમોરેડીએશન થેરાપી આપવી પડશે.” જૈનમે પૂછું, ”આ થેરાપીની કો આડ-અસર ?”ડોક્ટરબોલ્યા,”જ્યાં સુધી ટ્રીટમેન્ટ ચાલશે ત્યાં સુધી કદાચ વાળ ખરવા, વારંવાર વોમિટ થવી, આવું બધું થઇ શકે.” જૈનમના ગાળામાં ડૂમો બાઝી ગયો તે બોલ્યો, ”સર,વિશુ બચી તો જશે ને ?” ડોક્ટર બોલ્યા,”હા ભાઈ, ભગવાન પર ભરોસો રાખ વિશુ પહેલા જેવો થઇ જશે.” ત્રણ દિવસ પછી વિશુની કેમોરેડીએશન થેરાપી શરુ કરવાનું નક્કી થયું.

આજે વિશુને થેરાપી આપવાની હતી જૈનમ સવારે વિશુને કલીનીક પર લઇને ગયો. શિવ સીધો હોસ્પિટલ પર આવ્યો. વિશુને સ્પેશિઅલ રૂમમાં દાખલ કર્યો. જૈનમ વિશુના માથાને ખોળામાં લઇને માથા પર હાથ પસરાવી રહ્યો હતો. જૈનમની આંખના ભીના ખૂણા તેના દર્દની ચાડી ખાઈ રહ્યા હતા. શિવ જૈનમની રગે-રગ થી વાકેફ હતો. તેણે જૈનમનો હાથ હાથમાં લીધો અને બોલ્યો, ”જૈનમ પ્લીસ યાર, હિંમત રાખ બધું સારું થઇ જશે.” જૈનમ ચહેરા પર સ્મિત લાવીને શિવને કહ્યું, ”હા દોસ્ત, તારા જેવો દોસ્ત મારી સાથે છે એટલે જ તો હું મારી જાતને હું આટલી સંભાળી શક્યો છું.”

આજે ચોથી કેમોરેડીએશન થેરાપી આપવાની છે. વિશુ ને સવારથી હોસ્પિટલમાં દાખલ કર્યો. કેટલાક રીપોર્ટસ આવવાના હોવાથી આજે થેરાપી સાંજે આપવાનું નક્કી થયું. જૈનમે શિવને કોલ કર્યો અને કહ્યું,” શિવ તું બે કલાક માટે વિશુ પાસે રહીશ ? તો,હું જરા ભદ્રકાળીના દર્શન કરતો આવું.” શિવે કહ્યું, ”હું હમણાં જ આવું છું હોસ્પિટલ પછી તું જઈ આવ.” જૈનમે વિશુને માથા પર ચૂમી કહ્યું, ”બેટા,કેવું લાગે છે હવે તને.” વિશુ હસી ને બોલ્યો, ”પપ્પા, તમે હવે જરા પણ ચિંતા ના કરશો મને બિલકુલ તકલીફ નથી, તમે આરામથી જાઓ અને ભદ્રકાળીના દર્શન કરી આવો.” હવે જૈનમના હૃદય ને થોડી ઠંડક થઇ.

જૈનમ મંદિર દર્શન કરીને પાછો હોસ્પિટલ જવા નીકળ્યો. હજુ કારમાં બેઠો ત્યાં શિવ નો કોલ આવ્યો, ”જૈનમ જલ્દી હોસ્પિટલ આવી જા.” જૈનમને ફાળ પડી, તેણે પૂછ્યું, ”શું થયું શિવ ?” શિવ બોલ્યો, ”કઈ નહિ પણ તું શક્ય હોય તેટલું જલ્દી હોસ્પિટલ પહોચ.” જૈનમે લગભગ સોની સ્પીડે કર ભગાવી, બપોર નો સમય હોવાથી ટ્રાફિક ઘણો ઓછો હતો.

રૂમમાં જઈને જોયું તો વિશુ દર્દથી કણસી રહ્યો હતો. જૈનમના મો માંથી ચીસ નીકળી ગઈ, “શું થયું વિશુ ને ?” ડોક્ટર પણ રૂમમાં જ હતા,” તેમણે કહ્યું, ”જૈનમ આઈ એમ સોરી,આજે જે રીપોર્ટસ આવ્યા છે તે મુજબ, કેન્સર બહુ ખરાબ રીતે ફેલાઈ ગયું છે. કદાચ વિશુને હવે નહિ બચાવી શકીએ.” જૈનમ જમીન પર ફસકી પડ્યો અને માથું પકડી ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યો. શૈલી એ જૈનમને બાથમાં લઇ લીધો, શૈલીની આંખમાંથી પણ અશ્રુધાર વહેવા લાગી. શિવ વિશુના માથે હાથ ફેરવી રહ્યો હતો. શિવ જેવો મજબુત વ્યક્તિ પણ આજે કુદરતની સામે નિસહાય બનીને રડી રહ્યો હતો.

અચાનક વિશુ એ બૂમ પાડી, ”પપ્પા” જૈનમ એકદમ જમીન પરથી ઉભો થઇ ગયો. અને વિશુનું માથું પોતાના ખોલા માં લઇ લીધું અને બોલ્યો,” બોલ બેટા, હું અહી જ છું તારી પાસે, તને કઈ નહિ થવા દઉં, આપણે બીજી હોસ્પિટલમાં જઈશું, બીજા મોટા ડોક્ટરને બતાવીશું, જરૂર પડે તો વિદેશ જઈશું, બેટા તને કઈ નહિ થાય.” વિશુ એ પોતાનું બધું દર્દ છુપાવીને હસીને કહ્યું, ”પપ્પા કઈ કરવાની જરૂર નથી, બસ તમે મને એક વચન આપો.” જૈનમે કહ્યું, ”બોલ બેટા.” વિશુ બોલ્યો, ”પપ્પા વચન આપો કે, વિશુ હમેશા તમારા હૃદયમાં ધડકશે, પણ ક્યારેય આંસુ બનીને આંખમાંથી ક્યારેય નહિ વહે.” જૈનમ બોલ્યો, ”વિશુ તે આ શું માંગી લીધું બેટા ? તને કઈ થયું નથી બેટા હજુ તો તારે મારી સાથે મારા ઘેર રહેવાનું છે, તારા મમ્મી પપ્પા સાથે. હજુ તો જીંદગી ઘણી લાંબી છે બેટા, આવી વાત ના કરીશ.” વિશુ એ કહ્યું, ”પપ્પા, થેન્ક્સ.” અને આંખો હમેશા માટે મીંચી દીધી. જૈનમે વિશુને હલાબલાવ્યો અને બોલ્યો, ”બેટા ઉઠ” તેણે બૂમ પાડી ડોક્ટર જુઓ વિશુને શું થઇ ગયું, જલ્દી એને ઉઠાડો. ડોક્ટર જલ્દીથી વિશુ પાસે આવ્યા અને વિશુના હાર્ટ-બીટ ચેક કર્યા અને કહ્યું, ”આઈ એમ સોરી જૈનમ, વિશુ ઇસ નો મોર” જૈનમની ચીસ તેના ગળા સુધી આવી અટકી ગઈ અને બેભાન થઇને નીચે પડી ગયો.

વિશુનું ચિતાને આગ આપીને જૈનમ શિવના ખભા પર માથું રાખીને ચિતાની આગ ની જ્વાળાઓમાં દેખાઈ રહેલા વિશુના ચહેરા ને જોઈ રહ્યો હતો. રડવું આવી રહ્યું હોવા છતાં, વિશુનું વચન તેના અશ્રુ પર બ્રેક મારી રહ્યું હતું. જૈનમના અશ્રુ અને વિશુના વચન વચ્ચે વિશુના વચનનું પલ્લું ભારે હતું.

જૈનમે શિવ ને કહ્યું, ”શિવ આજે એક અનાથ મને અનાથ બનાવી ને ચાલ્યો ગયો.” શિવ ના હૃદયમાં એક ચીસ ઉઠી અને આંખમાંથી આંસુ બની તેના ખભા પર રહેલા જૈનમના માથામાં ભળી ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Children