રાત દિન
રાત દિન
રાતના સમયે નદી કિનારે છવાયેલી શાંતિ વિજયના મનને વધુ ગમગીન બનાવી રહી હતી. પૂલથી નદી વચ્ચેનું અંતર એની એક હિંમત જેટલું જ દૂર હતું, જે એણે એકઠી કરી લીધી હતી. બસ ઉપરથી એક છલાંગ લગાવીને મનમાં ચાલી રહેલી આક્રમણ દૂર કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહતો.
આવતીકાલે બારમા ધોરણનું પરિણામ જાહેર થઈ જશે પછી,એના માતાને એના કારણે જે આઘાત લાગશે એ સહન કરવાની એની હિંમત નહતી. કેટલા પૈસા ખર્ચીનાખ્યા હતા એમણે, કેટલી ઉમ્મીદ હતી એમને એમના પુત્ર પર. એ બધી ઉમ્મીદો પર કાલે પાણી ફરી જશે. એમની આશાઓ પર ખરાના ઉતારવાનું દુઃખ વિજય માટે અસહ્ય બની ગયું હતું. પરિણામ શું આવશે એની એને ખાતરી જ હતી, માટે એના આવતાં પહેલાં પોતાના જીવનનો અંત લાવી દેવો એ જ એક માત્ર રસ્તો એને દેખાતો હતો.
એણે આકાશ તરફ દૃષ્ટિ કરી. ચારે બાજુ છવાયેલા અંધકાર વચ્ચે ચાંદ અને તારાઓ મંદ મંદ રોશની ફેલાવી રહ્યા હતા. દૂર એક સિતારા પર એની નજર પડી. એના દાદાના દેહાંત પછી એના દાદી હંમેશા કહેતા કે તારા દાદા દૂર આકાશમા સિતારો બનીને ચમકી રહ્યા છે. એણે સીતારા તરફ દ્રષ્ટિ કરી અને પોતાની આંખો બંધ કરી જાણે એના દાદાને કહી રહ્યો હતો કે "દાદાજી હું તમારી પાસે આવી રહ્યો છું." ત્યાંજ તો એના અંતરમાંથી એને એના દાદાજીનો અવાજ સંભળાયો. એ હંમેશા કહેતા કે "સફળતા અને નિષ્ફળતા તો આપણા જીવનમાં રાત અને દિવસની જેમ સિક્કાની બે બાજુ સમાન છે. દિવસ દરમ્યાનની સફળતા અને નિષ્ફળતાનો અંતમાં હિસાબ કરવા અને એનો થાક ઉતારવા માટે જીવનમાં રાત આવે છે. આકાશના અંધકાર વચ્ચે ચાંદ અને તારાઓની મંદ રોશનીમાં બીજા દિવસના નવા અજવાળાના ભણકારા સંભળાય છે. બધો થાક ઉતરી જાય છે જ્યારે નવા દિવસે નવી સવારે સાથે નવી આશાનું કિરણ ઉગશે એવો વિશ્વાસ હોય તો.અને એ વિશ્વાસ જગાવવા માટે રાત આવે છે. ઘડીક થાક ઉતરી જાય તો ફરી પાછા ઉઠીને બીજા દિવસે દોડવાની હિમ્મત એકઠી થઈ જાય, એ થાક ઉતરવા માટે રાત આવે છે. એ ક્ષણિક નિષ્ફળતા એટલે જીવનનો અંત નહી પણ નવી શરૂવાત છે. જે રીતે રાત પછી દિવસ એજ રીતે નિષ્ફળતા પછી સફળતા એ તો જીવનમાં ચાલ્યા જ કરે."
દાદાજીને કહેલા શબ્દો યાદ આવતાં જ વિજયની આંખો એકદમ ખુલી ગઈ અને એ ચમકી ગયો. એની આંખ સામે એના માતા પિતાનો ચહેરો આવી ગયો. એને કંઈ થઈ જાય તો એના માતા-પિતાની શું દશા થાય એ વિષે તો એણે વિચાર્યું જ નહોતું. રાત વીતવા આવી રહી હતી. તેના માતા-પિતાની ચિંતામાં બેહાલ થઇ ગયા હશે, એની રાહ જોઈ રહ્યા છે એ વિચાર આવતા જ તેણે પોતાની અંદર હિંમત ભેગી કરી અને વિચાર્યું કે ઘરે જઈને માતા-પિતાની માફીમાંગી લઈશ. અને એના પગ ઘરની દિશામાં વળ્યા. ઘરે પહોચતા સુધીમાં તો ધીરે-ધીરે રાતનું અંધારું દૂર થઈ ગયું હતું અને સૂર્યોદય થવાની તૈયારીમાં જ હતો. સૂરજની કિરણ આશા બનીને એના જીવનમાં ફરી એકવાર ચમકી રહી હતી.
ઘરે પહોંચીને એણે જોયું કે એના માતા-પિતા ઘરની બહાર જ એની રાહ જોઇને ઊભા હતા અને એને જોતાની સાથે જ એને ભેટી અને રડી પડ્યા. એને માતા-પિતાને પોતાના મનની વ્યથા કહી સંભળાવી. પોતાના પુત્રના જીવનમાં આવેલી એ એક નાજુક ક્ષણ પર જીત મેળવીને હિંમતથી બહાર આવવા બદલ એમને એમના પુત્રને શાબાશી આપતાં કહ્યું કે "બેટા બારમા ધોરણનું પરિણામ જે પણ આવે પણ અમારા માટે તો તું સો એ સો ટકાથી પાસ થયો છે. જીવનની પરીક્ષામાં ક્યારેક પાસ થઈ એ તો ક્યારેકનાપાસ પણ થઈએ. નિષ્ફળતાની ક્ષણને સામે હાર માનવાને બદલે હિંમત કરીને ઊભા થઈને નિષ્ફળતા સામે લડવું એ જ સફળતાની પહેલી નિશાની છે. હારીને છોડી દેવું તો બહુ સહેલું છે પણ ખરી જીત તો એ હારમાંથી ઉભા થવામાં જ છે. જીવન જીવવાનો આ સૌથી અગત્યનો પાઠમાં તો તે સો એ સો ટકા મેળવ્યા છે માટે મારા માટે તો તું સફળ જ થયો છે. માતાપિતાની વાત સાંભળીને વિજયમાં હિંમત આવી ગઈ અને એણે ફરી નવેસરથી શરૂઆત કરવાનો નિર્ણય કરી લીધો.
