રાહભંગ
રાહભંગ


" મમ્મી પપ્પા હું જાઉં છું મારા સાગર સાથે. હું મારા સાગર વિના નહીં રહી શકું અને સાગર પણ મારા વગર નહીં રહી શકે. તમે મારી ચિંતા ન કરતા. " કાગળમાં આટલું લખીને શૈલજા ખરાં બપોરે જ્યારે ઘરે કોઈ ન હતું ત્યારે ઘરેથી નીકળી ગઈ.
આજે સવારે જ શૈલજા અને સાગરે ઘરેથી ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો.
નાની ટ્રાવેલિંગ બેગ સાથે નીકળેલી શૈલજા કોઈ આડોશી પાડોશી કે કોઈ ઓળખીતું જોઈ ન જાય એ રીતે છુપાતી મુખ્ય રોડ પરથી સાગરની સોસાયટી સુધીની રિક્ષા કરી. બન્ને એ નક્કી કર્યું હતું કે શૈલજા રિક્ષા લઈને આવશે અને સાગર એની સોસાયટીની બહાર ઉભો રહેશે પછી બંને રેલવે સ્ટેશન જતા રહેશે.
"એક વાર એને ફોન કરી લઉં. ને પછી ફોન સ્વિચઑફ કરી નાખીશ. શૈલજા એ સાગર ને ફોન કર્યો પણ ફોન ઉપડ્યો નહીં. શૈલજા એ ફોન બંધ કરીને બેગમાં મૂકી દીધો.
ગાંડો ફોન કેમ નથી ઉપાડતો. મેસેજ પણ નથી જોયા. શૈલજા મનમાં જ બબડતી રહી.
સાગરની સોસાયટી બહાર થોડી દૂર રિક્ષા ઊભી રહી. શૈલજા ક્યાંય સુધી સાગરની રાહ જોતી ઉભી રહી. પણ સાગર ન આવતા એણે સાગરના ઘર તરફ કદમ ઉપાડ્યા.
ઘરની બાલ્કનીમાં ઉભેલો સાગર શૈલજાને સોસાયટીમાં પ્રવેશતાં જોઈ ગયો. દોડી ને નીચે આવ્યો. શૈલજા સાગરને જોતા જ ભેટી પડી.
" ચાલ આપણે જઈએ અને તારું બેગ ક્યાં છે " શૈલજા એ સાગર ને પૂછ્યું.
" તું અહીં કેમ આવી ? મને એમ કે આપણે ફોન પર વાત નથી થઈ તો કદાચ તું નહીં નીકળી હોય."
શૈલજા અવાચક ઉભી રહી.
" શૈલું જો સાંભળ, ઘરે આવ્યા પછી ફ્રેશ થઈને હું બેગ પેક કરતો હતો ને પપ્પા મને જોઈ ગયા. અને પછી મારે એમને સાચું કહેવું પડ્યું. ઘરમાં બધાને ખબર પડી ગઈ. ને મમ્મી તો બીમાર પડી ગઇ. એ તો બેહોશ જ થઈ ગઈ. શૈલજા તું અત્યારે ઘરે પાછી જતી રેહ. હું નહીં ભાગી શકું. મને મારી મર્યાદા નડે છે. મારી મમ્મી પણ બીમાર છે અને પછી મને પણ લાગ્યું કે આપણે ખોટું પગલું ભરવા જઈ રહ્યા હતા. મારાથી નહીં આવી શકાય. "
આટલું બોલીને સાગર એના ઘરે જતો રહ્યો. શૈલજા ક્યાંય સુધી એની સોસાયટીની બહાર રડતી રહી. પછી પોતાનું બેગ ત્યાં જ મૂકીને એ જતી રહી.
બીજા દિવસે સવારે શહેરથી દૂર એક અવાવરું જગ્યાએ એક યુવતી મૃતપ્રાય હાલતમાં મળી આવી.
એની એકબાજું એક ઝેરની શીશી પડી હતી. શીશીની નીચે એક કાગળ હતો.
કાગળમાં લખ્યું હતું, " પર્વત સાથે ઝઘડો કરીને, ઝાડી કાંકરા સામે લડીને એક નદી જ્યારે દરિયાને મળવા શિખરેથી નીકળી પડે છે. પહોંચતા પહોંચતા એ હાંફી જાય છે. થાકી જાય છે. ફંટાય જાય છે. અને છેલ્લે બધું જ હારી જાય છે. તેમ છતાં એ એક આખરી પ્રયત્ન કરે છે. દરિયાને વિનંતી કરે છે કે થોડોક નજીક આવ. મારી તરફ એક ડગલું આગળ આવ. ને દરિયો કહે છે કે મને મારી મર્યાદા નડે છે. મારાથી થોડુંક પણ આગળ નહીં વધી શકાય. તું પાછી ફરી જા. નદી વિચારે છે કે હવે પાછું ફરવા જેવું ક્યાં કાઈ રાખ્યું જ છે, કયા મોંઢે પાછું ફરવું...!? ત્યારે નદી પાસે જમીનમાં સમાઈ જવા સિવાય કોઈ જ રસ્તો નથી હોતો. "
મોટો હોબાળો થયો. બંને પરિવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. એકબીજાં ના બાળકો પર આરોપ થયાં. અને પછી બધું શાંત થઈ ગયું. શૈલજાના પરિવારે સાગરના પરિવારની વિનંતી અને સમાજના ડરથી પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું. શૈલજા મૃત્યુ પામી અને એના મૃત્યુના આઘાતમાં સાગર ભણી પણ ના શક્યો અને વ્યસનનો શિકાર થયો.