પ્યારી મા
પ્યારી મા
જયારે "પ્રેમ"શબ્દ કાને સંભળાય, ત્યારે દરેક ધડકન બોલી ઊઠે "મા". "મા"એટલે સમગ્ર વિશ્વ. માતા અને પિતા બંનેના વાત્સલ્ય અને નિસ્વાર્થ પ્રેમનું શાબ્દિક વર્ણન શક્ય જ નથી. ખુદ ભગવાનને પણ માના વાત્સલ્યનું અમૃતપાન કરવા ધરતી પર અવતરણ કરવું પડે છે.
***
પ્યારી મા,
મા, તને સંબોધન કરવું હોય ને, તો પ્યારી મા જ થાય. અને તું એટલી બધી. એટલી બધી પ્યારી અને ખુબ ખુબ ખુબ જ વહાલી છો કે ભગવાને તને વહેલી વહેલી પોતાની પાસે બોલાવી લીધી ! આમ, તો હું તને તારા દરેક જન્મદિવસે પત્ર લખું જ છું. મારી ડાયરીના પીળા પાનાઓમાં હજુ પણ એ પત્રો સચવાયેલા છે, જેની માત્ર અને માત્ર મને જ ખબર છે. પણ આજે જાહેરમાં હું તને પત્ર લખું છું. તું દર વર્ષની જેમ વાંચી જ લઈશ.
સૌ પ્રથમ તો "મા"તને તારા જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ. મારી અંદર ધબકતું નામ.. મારી ઓળખાણ, મારી પહેચાન એવું નામ પ્રભાવતીબેન મુકુંદરાય કક્કડ. મા કયારેય મરતી જ નથી. તું તો ભગવાનને પ્યારી થઈ ગઈ. ખુબ ખુબ નાનીવયે, સાવ બચપણથી જ હું મા વિનાની થઈ ગઈ. સમાજ અને દુનિયા મને નમાયી અને બિચારી કહેવા લાગી. પણ દુનિયાને શું ખબર કે શરીરથી ભલેને તારી હૈયાતી નથી. પણ તું તો સક્ષ્મદેહે સદાય મારી સાથે જ છો. તારી જેમ જ સંગીતના તાલે થીરકતા મારા પગ, ઘરને હંમેશા સ્વચ્છ અને સુંદર રાખવાની મારામાં આવેલી તારી ટેવ, એક ખાસ લહેકા સાથે બાળકોને વાર્તા કહેવી અને વિશેષ તો સદાય હસતો ચહેરો. મા, હું તારા વિશે લખું ને તો કદીયે અંત જ ના આવે!
દરેક બાળકના આચરણ, વિચારો, સંસ્કાર બધાની અંદર મા-બાપ હોય જ છે. મા, તું સદાય મારી તેમજ અમારા સૌ ભાઈ બહેનની અંદર હયાત જ છો. બાળક જાણે પોતાની માની જ પ્રતિકૃતિ ! બાળકની વર્તણૂક જોઈને આપણને આપો આપ તે બાળકના મા -બાપ વિશે ખ્યાલ આવી જાય છે. દુનિયામાં સૌ પ્રથમ નાતો તો તારી સાથે જ 'મા' સૌથી નજીકનો અને સૌથી સ્નેહાળ એવો તારી સાથેનો મારો સંબંધ શું તારા સદેહે હયાત ના હોવાથી તૂટે ખરો ?
પ્યારી મા, તું તો એટલી પ્રેમાળ છો કે તું મને સાક્ષાત મા જગદંબાને સોંપીને ભગવાન પાસે ગઈ. જયારે સાક્ષાત મા જગદંબાના આશિષ મારી સાથે હોય, પછી જીવનમાં કંઈ ખૂટે ? મારે આજે બધાને કહી દેવું છે કે હું કયારેય બિચારી, લાચાર, નમાયી નહોતી અને હજુ યે નથી જ. મારી જગદંબા સાક્ષાત હાજરહજુર મારી સાથે જ છે. ઘોર નિરાશારૂપી ભયંકર અંધકારની વચ્ચે આશાનું કિરણ નીકળેને એ 'મા' તું છો. તારી એ સ્નેહાળ આંખો, તારા અનુપમ સૌંદર્યમાં ચાર ચાંદ લગાવતી તારી એ મુસ્કાન. બસ આંખો બંધ કરું એટલે તારી છબી આંખો સામે આવી જાય.
ઈશ્વર પ્રત્યેની અનન્ય શ્રદ્ધા, ધર્મ, ભલમનસાઈ અને કદી ના ખૂટે તેવી નિષ્પાપ લાગણીઓનો ઘૂઘવતો દરિયો. મા.. આ બધુ મને તારા તરફથી જ મળેલું છે. મારી નસેનસમાં વહેતું લોહી પણ તું જ છે, પ્યારી મા. પ્રેમ એટલે શું ? તો તેનો એક માત્ર જવાબ છે, મા. બાળકના જન્મ પહેલા જ તેને ભરપૂર પ્રેમ કરતી માનો પ્રેમ અનન્ય અમૂલ્ય છે. પ્રેમનો અહેસાસ એટલે પ્યારી મા. મા -બાપનો પ્રેમ સુક્ષ્મદેહે પણ અવિરત તેના બાળકોને મળતો જ રહે છે. કદાચ પહેલા કરતા વધુ શક્તિશાળી અને વધુ સાશ્વત પ્રેમ મળે છે.
લિ.
તારી લાડલી દીકરી
ચિન્મયીના પ્રણામ.
