STORYMIRROR

Bhavna Chauhan

Crime

3  

Bhavna Chauhan

Crime

પૂજા

પૂજા

5 mins
149

માયાબેન અને કેતનની એક એક દીકરી પૂજા. ખૂબ જ વહાલી અને સૌની લાડલી. દાદા - દાદી, કાકા-કાકી, બધાથી ભર્યો ભર્યો પરિવાર. બધાં પોત પોતાની રીતે સેટલ થઈ ગયેલાં. પૂજા બધાંને બહું ગમતી. પરાણે વહાલ કરવાનું મન થાય એવી ગુલાબનાં ગોટા જેવી પૂજા. અજાણ્યો કોઈ આવે તો એ પણ એને ઉંચકીને રમાડે. મહેમાન આવે તો એને જોઈને જ આનંદિત થઈ ઊઠે એવી પૂજા.

પૂજાના વાળ વાંકોડિયા, એની આંખો અણિયારી અને કાળી, ગુલાબી ગુલાબી હોઠ, દાઢી ઉપર નાનો તલ, પરીને શરમાવે એવું રૂપ. એવું લાગતું કે ભગવાને એને જોઈ જોઈને ઘડી હતી. એના દાદા દાદી આખો દિવસ લાડલી ને રમાડતાં પણ થાકતાં નહિ. માયાબેન તો કામ કરતાં જાય અને પૂજાને રમાડતાં જાય.

પૂજા ધીરે ધીરે મોટી થવાં લાગી. દિવસે દિવસે પૂજા ફૂલની જેમ ખીલી રહી હતી. પૂજાને એક ભાઈ પણ હતો. નામ એનું કિરણ. એને પણ પૂજા બહું જ વહાલી હતી. પૂજા ને શાળામાં દાખલ કરવામાં આવી. ભણવામાં પણ એક્કો હતી. આથી માયાબેન અને કેતનભાઈની છાતી ગજ ગજ ફૂલતી હતી. દરેક ધોરણમાં પૂજા પ્રથમ નંબરે ઉત્તીર્ણ થતી હતી. આમ આમ વર્ષો વીતતાં ગયા. હવે પૂજા બારમાં ધોરણમાં આવી હતી. પરીક્ષા પાસ કરી પૂજાએ કોલેજમાં એડમિશન લીધું. યુવાનીના ઉંબરે ઊભેલી પૂજા હવે તો નવયૌવના બની ચૂકી હતી.

 એની કોલેજમાં જ અભ્યાસ કરતો તરુણ. એને મનોમન પૂજા ગમતી હતી. એને મન મનાવી લીધું હતું કે એ પૂજાને મેળવીને જ રહેશે. એક વખત પૂજા કોલેજથી ઘરે ચાલતાં ચાલતાં જઈ રહી હતી એ વખતે પાછળથી અવાજ આવ્યો,

"હાય, પૂજા. તું મને નથી ઓળખતી પણ હું તને ઓળખું છું."

પૂજા ઊભી રહી ગઈ અને પાછળ ફરીને જોવાં લાગી. આ જોઈ તરુણ બોલ્યો,

"મારું નામ તરુણ છે અને હું તને ખુબ પ્રેમ કરું છું. તારી જોડે લગ્ન કરવાં માંગું છું. "

પૂજા તો આ બધું સાંભળી ડરી રહી હતી. ડરતાં ડરતાં જ એ બોલી, "જુઓ હું તમને ઓળખતી નથી અને ઓળખવા પણ માંગતી નથી. મારે હમણાં ભણવાનું છે અને લગ્ન તો મારાં માતા પિતા જ્યાં કહેશે ત્યાં જ કરીશ. તમે મહેરબાની કરીને મને છોડી દો." આમ કહીને પૂજા ઝડપથી ચાલી ગઈ.

તરુણ તો પૂજાની વાત સાંભળી અવાક થઈ ગયો હતો. એને તો એમ જ હતું કે પૂજા માની જશે પણ પૂજાએ તો સાફ ના પાડી દીધી હતી. એની ઉપર હવે પૂજાને પામવાનું ભૂત સવાર થઈ ગયું હતું.  

હવે તરુણ રોજ પૂજાનો પીછો કરતો હતો. પણ પૂજા ભાવ આપતી ન હતી. . આમ ને આમ 6 મહિના વીતી ગયા. બિચારી પૂજા પણ હવે હેરાન થઈ ગઈ હતી. એક દિવસ પૂજાએ કિરણને વાત કરી. કિરણે તરુણ સાથે વાત કરી,

"જો તરુણ પૂજા મારી બેન છે. એને હેરાન કરવાનું તું છોડી દે. એને તારાથી ડર લાગે છે. હવે તું એને હેરાન કરીશ તો હું મારી પર આવી જઈશ. "

"જો કિરણ તું પણ સાંભળી લે, પૂજા મારી છે અને હું એને મેળવીને જ રહીશ. તું રોકી શકે તો રોકી લેજે. "

બંને વચ્ચે ઝપાઝપી થઈ ગઈ. હવે તરુણ ખૂંખાર જાનવર જેવો થઈ ગયો હતો. કોઈ પણ કિંમતે એ પૂજાને મેળવવાં માંગતો હતો. હવે એ ખૂબ જ ભયાનક પ્લાન વિચારી રહ્યો હતો. મંગળવારનો દિવસ હતો. પૂજા કોલેજથી છુટીને ઘરે જતી હતી. એ દિવસ વાહનોની હડતાળ હતી એટલે રસ્તો આખો સૂમસામ હતો. એ નો જ ફાયદો ઉઠાવી તરુણે પૂજાને અગવા કરી લીધી. બેભાન કરી ગાડીમાં નાખી એક નદીના ભેખડ કહી શકાય એવી જગ્યા પર લઈ ગયો.

થોડી વાર પછી પૂજા ભાનમાં આવી ને આમ તેમ જોવાં લાગી. આજુબાજુની જગ્યા જોઈ એક પંખીની માફક ફફડી ગઈ. થોડે દૂર ઉભેલો તરુણને જોયો. પૂજાને ભાન આવતાં તરુણ એની પાસે આવ્યો.

એની આંખો લાલ થઈ ગઈ હતી. કોઈ ભૂખ્યાં વરુ જેવો એ દેખાતો હતો.

તરુણ ને પાસે જોઈ પૂજા સમસમી ઊઠી.

"એય પૂજા, જો આજે તું મારી પાસે છે. હજી કહું છું માની જા આપણે લગ્ન કરી લઈએ. હું તને ખૂબ ખુશ રાખીશ. "

"મેં તને કીધું ને કે મારે તારી સાથે લગ્ન નથી કરવાં પછી શું કામ મને હેરાન કરે છે તું ?"

તરુણ પૂજાની નજીક જઈ તેનાં વાળમાં હાથ ફેરવવા લાગ્યો.

પૂજાએ ધક્કો મારીને એને દૂર કરી દીધો.

"પૂજા આજે તો હું તને મારી બનાવીને જ રહીશ."

આ બાજુ ઘણો સમય થઈ ગયો હતો પણ પૂજા ઘરે આવી નહતી આથી બધાં ચિંતા કરતાં હતાં. કોલેજ જઈને પણ કિરણ જોઈ આવ્યો હતો. જુવાનજોધ દીકરી આમ ગાયબ થાય તો કોને ચેન પડે. બધાં એને શોધવામાં લાગી ગયાં હતાં.  

પૂજા માની જા પ્લીઝ, મને ગુસ્સો ના કરવા.

તારી હું કયારેય નહિ થાવ. આજે પણ નહિં ને કાલે પણ નહી સમજ્યો?

તરુણનું મગજ હવે ભમી ગયું હતું. એ આગળ વધ્યો અને પૂજાને પોતાની તરફ ખેંચવા લાગ્યો.

પૂજા માની નહિ તો એને પૂજાના ગાલ પર બે તમાચા જડી દીધાં.  

છતાંય પૂજા માની નહિ તો એ એને મારવાં લાગ્યો અને એની સાથે જબરદસ્તી કરવાં લાગ્યો. પૂજાને ઘણી જગ્યાએ વાગી ગયું હતું. છતાં પૂજા લડી રહી હતી. આખરે તરુણે ગુસ્સામાં જ પૂજાનું ગળું દબાવવા ગયો અને વધારે દબાઈ જતાં પૂજા બેજાન થઈ નીચે ઢળી પડી. પૂજાને પડતી જોઈ તરુણને ભાન થયું એને પૂજાની નસ ચેક કરી તો ખબર પડી કે પૂજા મરી ગઈ છે.

એ પૂજાને ત્યાં જ મૂકીને ભાગી ગયો. પોલીસને જાણ કરતાં આજુ બાજુનાં વિસ્તારોમાં તપાસ કરવામાં આવી પણ પૂજા કયાંય મળી નહિ. એક બાતમી મળતાં પોલીસ નદી કિનારે પહોંચી તો ખબર પડી કે આ તો પૂજા છે. ખૂબ દયનીય હાલતમાં પૂજા મળી હતી.

એનાં ચહેરાં પર ઠેર ઠેર લોહીનાં ટીપાં બાઝેલા હતાં.

જે એ વાતની ચાડી ખાતાં હતાં કે કોઈએ એની સાથે જબરદસ્તી કરી હતી.

પૂજા એની ઈજજત બચાવવામાં તો કામયાબ રહી હતી પણ પોતાનો જીવ એ બચાવી ન શકી હતી.

માયાબેન અને કેતનભાઈની વહાલી દીકરી આંગણાંની વચ્ચે આજે બેજાન બનીને સૂઈ રહી હતી.

ભાઈનાં કાળજાનો કટકો એનાં કાંડે રક્ષા બાંધનાર બેન ચિર નિંદ્રામાં પોંઢી રહી હતી.

દાદા દાદીનાં આંખનુ રતન આજે નિસ્તેજ થઈને પડયું હતું.

પૂજાની આ કારમી વિદાય હૃદય ચીરી નાંખે એવી ભાસતી હતી.

માયાબેનનું હૈંયાફાટ રુદન જોઈ ઈશ્વર પણ રડી ગયો હશે. દીકરીની ડોલીમાં વિદાય આપવાની થઈ ત્યારે એને આમ સ્મશાનમાં આપવી પડતી વિદાયનો ઘા કેતનભાઈ કેમનો સહી શકે. એક બાપ આજે નિઃસહાય બની એક ખૂણામાં ઊભો આંસુ સારી રહ્યો હતો. એકની એક દીકરી આજે છોડીને ચાલી નીકળી હતી.

અંતિમ સમયે પૂજાને એની ફેવરાઈટ સાડી ઓઢાડવામાં આવી હતી. માથા પર બિંદી અને એનું રુપ તો હતું જ. આજે પણ કોઈ આકાશી પરી જેવો એનો ચહેરો દેખાતો હતો. સગાં સંબંધી, ગામલોકો બધાંની આંખમાં પાણી હતું.  

પૂજાની અંતિમયાત્રા વખતનું દ્રશ્ય ભલભલા પથ્થરદિલ પણ રડી જાય એવું હતું. આખું ગામ આજે હિંબકે ચઢયું હતું.

ભગવાન કોઈની દીકરીને આવી કારમી વિદાય ના અપાવતાં.


Rate this content
Log in

Similar gujarati story from Crime