શ્રાધ્ધ
શ્રાધ્ધ
વિપુલભાઈ આજે પોતાને બહું લાચાર સમજી રહ્યા હતાં. તે પાછલા દિવસો યાદ આવતાં એમની આંખોમાં લાગણીઓનો દરિયો છલાકાય ઉઠ્યો ! કેટલાં ખુશ હતાં તે અને તેમના પત્ની શારદાબેન. એમનાં બગીચાનું ગુલાબ એટલે માનવ. કોઈ વાતની કમી નહોતી કેટલાં પ્રેમથી તેઓએ પોતાનો માળો બનાવ્યો હતો. પણ પક્ષીઓને પાંખ આવતાં તે ઉડી જાય છે ઍમ માનવ મોટો થતાં સાવ બદલાઈ ગયો હતો. અને પોતાને સંભાળવા આજે સાથે શારદાબેન પણ નથી રહ્યા. રહી રહીને એમની ખોટ સાલી રહી હતી. પણ વિપુલભાઈ પાસે પોતાના આસું પીવા સિવાય ક્યાં કોઈ ચારો હતો !
"શારદા ! મને આમ એકલો મૂકીને તું કેમ ગઈ ? મને આગળ મોકલી દીધો હોત તો સારું થાત ! આ મહેલ જેવું મકાન એમાં હું એકલો. જાણે, મને હમણાં ખાઈ જશે એવું લાગે છે. તારાં વિના મારી કોઈ દરકાર કરતું નથી. બસ એક કાર્તિક છે જે સવાર સાંજ મારી પાસે આવે છે. મારી સાથે વાતો કરે છે." (અને એ ખુલ્લા મોં એ રડી પડતાં)
વિપુલભાઈ અને શારદાબેનનો ભર્યો ભાર્યો પરિવાર છે. એમનાં સંતાનમાં એક દીકરો માનવ અને એક દીકરી આરતી છે. આરતી લગ્ન કરીને અમેરીકા સ્થિત ધનવાન કરતાં કહી શકાય એવાં સાસરામાં રહે છે. એનાં જીવનમાં એ ખુશ છે. એને પણ બે ફૂલ જેવાં બાળકો છે.
માનવે પણ સીમા સાથે લવમેરેજ કર્યા છે. માનવને પણ સાત વર્ષનો એક દીકરો છે. કાર્તિક. વિપુલભાઈ એક નિર્વૃત આર્મી ઓફિસર છે.માનવ અને સીમા એક કંપનીમાં સારી પોસ્ટ પર જોબ કરે છે. એટલે ઘરમાં પૈસાની તો કમી ન હતી. બસ કમી હતી તો સમયની. ઘરનાં સભ્યોને એક બીજા માટે સમય ન હતો. અને એમાં ખાસ કરીને માનવ અને સીમાનો સમાવેશ થતો હતો.
માણસ લાખ કોશિશ કરે પણ સમયને થોડો બાંધી શકે. કાર્તિકનો ઉછેર પણ શારદાબેને કર્યો હતો. એટલે કાર્તિક એનાં મમ્મી પપ્પા કરતાં દાદા દાદીની નજીક વધુ હતો. સીમા જોબથી ઘરે આવે ત્યાં સુધી શારદાબેન ઘરનું બધું કામ કરી દેતાં. એટલે સીમાને આરામ મળી રહેતો. શારદાબેન આજની જનરેશનને સમજતાં એટલે કયારેય સીમાને કોઈ ફરિયાદ ના કરતાં. સુખી તો ના કહી શકાય પણ પૈસાની દ્રષ્ટિએ સુખી પરિવાર હતો. પૈસા હોય પણ પરિવાર માટે સમય ના હોય તો એ પૈસા કોઈ કામનાં નહિ.
આખો દિવસ ઘરમાં ખાલી શારદાબેન અને વિપુલભાઈ જ હોતાં. એક વાર શારદાબેન રસોડામાં ચા બનાવવા ગયાં ને એક જ દમ બ્લાસ્ટ થયો ને શારદાબેન મૃત્યુ પામ્યાં. હવે સાથીનો સાથ છૂટતાં વિપુલભાઈ એકદમ એકલાં પડી ગયાં. હવે તો એમનું જમવાનું અને દવા ગોળીનું પણ ધ્યાન કોણ રાખે. કાર્તિક સવારમાં ચા નાસ્તો આપી દે. દવા પણ આપી દે પણ બપોરનાં સમયનું જમવાનું અને દવા ? થોડાં જ દિવસોમાં વિપુલભાઈની તબિયત બગડી. અને એવી બગડી કે એ પૂરાં અશક્ત થઈ ગયા હતાં. કેમ કે કેટલાંય દિવસથી એમણે બપોર જમ્યા જ નહતાં. બપોરે એકલાં પડતાં પત્નીને યાદ કરીને રડતાં.
ડોકટરે વિપુલભાઈનું ચેકઅપ કર્યું. અને કહ્યું કે, "વિપુલભાઈને ભૂખની કણી પડી ગઈ છે. તમે એમને સમયસર જમવાનું આપતા નથી ? હવે એમનાથી ભોજન તો ઓછું લેવાશે. બને તો ફ્રૂટ્સનો રસ પીવડાવજો."
વિપુલભાઈ તો હવે ઊભાં થઈ શકે એવી હાલતમાં પણ ન હતાં. માનવે સીમાને કહયું,
"સીમા શું કરીશું ? પપ્પા પાસે એક જણે તો રહેવું જ પડશે. તું જોબ છોડી દે. તો સારું."
"તું પાગલ છે માનવ ? હું મારી જોબ છોડી દઉં પપ્પા માટે ? તને ખબર છે ને મારી સેલરી ? અને કાર્તિક ? એનું તો વિચાર ! એનાં ભવિષ્યનું વિચાર ? હાલ મોંઘવારી કેટલી વધી ગઈ છે. એક કામ કર કોઈ માણસ રાખી લે."
"ઓકે !"
કાર્તિકે આ બધું જોયું અને સાંભળ્યું પણ કંઈ બોલ્યો નહિ. માનવે માણસ રાખ્યો પણ થોડાં દિવસમાં વિપુલભાઈ પણ શારદાબેનની પાસે જતાં રહ્યાં. વર્ષ થયું એટલે માનવે અને સીમાએ બંનેનું શ્રાદ્ધ નાંખવાનું આયોજન કર્યું. કાર્તિક હવે ચૂપ ના રહી શક્યો. અને બોલ્યો,
"પપ્પા! તમે શ્રાદ્ધ કરશો તો પણ દાદા દાદી રાજી નહીં થાય. એ જ્યારે જીવતાં હતાં ત્યારે તો તમારી પાસે એમનાં માટે સમય પણ નહતો. એ એકલાં રહ્યા.તમે કયારેય એમની સેવા ના કરી. હવે શ્રાદ્ધ કરવાનો શો મતલબ ? "
માનવ અને સીમાને પસ્તાવો ઘણો થયો પણ હવે ઘણું મોડું થઈ ગયું હતું.બંનેનું શ્રાધ્ધ કરીને વૃધ્ધાશ્રમમાં જઈ વૃધ્ધોને ભોજન કરાવ્યું. અને એમની ભૂલનું પ્રાયશ્ચિત કર્યુ.
