ગોઝારો દિવસ
ગોઝારો દિવસ
મીતા, રાગુ અને દિયા પાક્કી સહેલીઓ. ત્રણેય અલગ અલગ ગામની પણ જાણે સગી બહેનો જ જોઈ લો. બપોરે કામ પતે એટલે ત્રણેય સાથે જ હોય. સુખ દુ:ખની વાતો કરે. થોડી મજાક મસ્તી કરે બસ આજ કામ. આ ત્રણેયમાં રાગુને એકલીને ન્યૂઝ જોવાનો શોખ. એ રોજ નવું નવું જાણી લાવે. આજે પણ દરરોજની જેમ ત્રણેય સાથે બેઠી હતી. ત્યાં રાગુ બોલી,
"ઓય ! તમને બંનેને ખબર છે આજે શું જોઈને આવી હું ? "
દિયા બોલી,
"તું કે તો ખબર પડે ને ? એ તારું કામ છે. ચાલ બોલ હવે શું જાણી લાવી આજે ? "
"અરે અમદાવાદમાં એક 16 વર્ષની છોકરીએ એનાં પપ્પાનું મર્ડર કરી દીધું બોલ ! યાર પોતાનાં પપ્પા ને કોઈ કેવી રીતે મારી શકે અને એ પણ છોકરી થઈને ? છોકરીને એનાં પપ્પા કેટલાં વ્હાલાં હોય ? મારાં પપ્પા તો મારી જાન છે. "
દીયા બોલી,
"અરે કંઈ થયું હશે ! કોઈ કારણ તો હશે જ ને ? "
"હા પણ હજી એ જાણવાં નથી મળ્યું.
રાગુની વાત સાંભળતા જ મીતાની આંખથી ટપકેલું આંસુ એનાં જ હાથ પર પડયું. દિયાની વાત સાંભળતા જ એનો ભૂતકાળ એને યાદ આવી ગયો.
મીતા, મોહન અને રાધાની સૌથી મોટી દીકરી હતી. મધ્યમવર્ગીય પરિવાર. મીતા સિવાય મોહનને બીજી ત્રણ દીકરીઓ અને એક દીકરો હતો. મોહનને નોકરી તો નહતી. પણ ખેતી ઘણી હતી. અને એટલે ઘર બરાબર ચાલતું હતું. પણ મોંઘવારી તો વધતી જ જતી. દીકરાની આશામાં બીજી ત્રણ દીકરીઓ થઈ. હવે કયારેક કયારેક એને કાઠુ પડવા માંડ્યું.
એવામાં એની દોસ્તી રમણ સાથે થઈ. રમણ દારૂ પણ પીતો અને જુગાર પણ રમતો. એક વાર રમણની સાથે મોહન પણ દારૂ ના અડ્ડા પર ગયો. રમણની બાજુમાં મોહન બેઠો હતો. ત્યાં રમણ બોલ્યો,
"એય મોહન ! લે એક ઘૂંટ ભર જો. મજા આવશે. "
"ના ના રમણ ! તું પી. મને નહીં ગમતું આ. "
"અરે ! તું પી તો ખરો તારું બધું ટેન્શન તું ભૂલી જઈશ લે. . ટ્રાય તો કર. "
"તું આટલું કહે છે તો પી લઉં છું લાવ. પણ એક જ વાર હો. "
એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ હવે તો મોહન રોજ પીવા લાગ્યો. . અને ધીરે ધીરે જુગાર પણ રમવા લાગ્યો. હવે તો એ હદ વગરનું પીતો અને ઘરે આવી ઝઘડો કરતો. રાધાને મારતો. દારૂના નશામાં એ હેવાન બની જતો. રાધા કંઈ પણ કહે તો એને ઢોરમાર મારતો. કયારેક બેલ્ટથી, કયારેક લાકડીથી, કયારેક પથ્થરથી, હાથમાં જે આવતું તે મારતો. એનાં સંતાનો એની પાસે જતાં પણ ડરતાં. એને જોઈ થથરી જતાં. હવે તો દિવસે પણ એ પીવા લાગ્યો હતો.
એક દિવસ રોજની જેમ રાધા સાથે લડી રહ્યો હતો.
"રાધા ! ઓ રાધા ! કયાં મરી ગઈ ? કયારનો બૂમો પાડું છું તને".
રાધા બાજુમાં કોઈ કામથી ગઈ હતી તો થોડી મોડેથી આવી.
" ઓય, કયાં ગઈતી તું ? કયારનો બોલાવું છું તને ? સંભળાતું નથી તને ? અને એમ બોલતાં લથડિયાં ખાતા જ માથાનો ચોટલો ઝાલીને મોહને રાધાને નીચે પટકી. . રાધા ભીંતે અથડાઈ એટલે ભીંતની ધાર એનાં કપાળે ખૂપી ગઈ. એથી લોહીની ધાર વહેવા લાગી. રાધાને પાટો બાંધવાનું તો દૂર પણ મોહન એને હજી મારતો જતો હતો. રાધા બિચારી ચીસો પાડતી હતી. અને ખબર નહી મોહન કયાંકથી ધારદાર છરી લઈને આવ્યો. દારૂના નશામાં ધૂત એ રાધાને મારવાં જ જતો હતો ને મીતાએ આવીને મોહનના માથા પર લાકડી મારી દીધી. મોહન ત્યાંજ પડી ગયો. . મીતા ફકત મોહનને રોકી રાધાને બચાવવા ગઈ પણ એનાં હાથે એના બાપનું મોત થઈ ગયું.
કુંટુબીજનો મોહન વિશે જાણતાં હતા એટલે કોઈ ઉહાપોહ ના કર્યો. . બધી વિધિ પતાવી દીધી. . ત્યારે મીતા પંદર વર્ષની હતી. . આજે પણ એ દિવસને એ ભૂલી નથી શકી. ત્યાં જ દીયા બોલી,
"મીતા શું થયું ? તું કયાં ખોવાઈ ગઈ ? "
"કંઈ નહીં ! હમણાં હું જાઉં. કાલે મળીએ. "
એમ કહી મીતા એકાંતમાં જતી રહી.
"દારૂ ના જાણે કેટલી જિંદગીઓ બરબાદ કરે છે. ના જાણે કેટલાં માસૂમો બાપ વગરનાં બને છે. . ના જાણે કેટલી સ્ત્રીઓ વિધવા બને છે. . અને છતાંય આ દારૂ રૂપી રાક્ષસ મરતો નથી. અને હવે તો યુવાનોમાં દારૂ પીવો ફેશન થઈ ગઈ છે. "
