સાચી સગાઈ
સાચી સગાઈ
જીવનમાં રોજે રોજ અવનવી ઘટનાઓ ઘટતી હોય છે, એમાં કેટલીક ઘટના એવી હોય છે જે જીવનમાં ઘણું બધું આપી જાય છે અને કયારેક ઘણું બધું છીનવી પણ જાય છે, આવી જ ઘટના ઘટી શિવાય અને ગૌરી સાથે.
નાનકડાં ગામ મીઠાપુરનાં શિવાય અને ગૌરી, સાથે જ રમીને મોટાં થયાં. શાળા અને પછી કોલેજનો અભ્યાસ પણ બંનેએ સાથે જ પૂર્ણ કર્યો. બંનેની મિત્રતા એવી કે ગામમાં સૌ એમની મિત્રતાના વખાણ કરતાં, નાનામાં નાની વાતો પણ બંને એક બીજાને શેર કરતાં, રીસામણાં મનામણાં પણ અચૂક થતાં.
એક બીજાનાં ઘરે પણ જતાં, એક બીજાની પસંદ નાપસંદ બધું જ બંનેને ખબર, કયારેક બંને ફરવા પણ જતાં, આ દોસ્તી કયારે પ્રેમમાં પરિવર્તિત થઈ ગઈ એની એમને ખબર પણ ના પડી, એનો અહેસાસ બંનેને ત્યારે થયો જયારે ગૌરી માટે એનાં પપ્પા શ્યામભાઈએ છોકરાં શોધવાનાં શરૂ કર્યા. શિવાય અને ગૌરી કોલેજના લાસ્ટ દિવસનું ફંકશન પતાવી ઘરે જઈ રહ્યા હતા. એમનાં ગામ પહોંચવા માટે રોજ અડધો કિલો મીટર ચાલવું પડતું, બંને ચાલતા જતાં હતાં ને વાતો કરતાં હતાં,
"શિવાય ! તને ખબર છે કાલે મને એક છોકરો જોવાં આવવાનો છે, હવે મારાં મેરેજ થઈ જશે પછી હું ચાલી જઈશ. "
"હા તો જજે ને તને થોડી મેં પકડી રાખી છે ? "
"શિવાય તને ગમશે મારાં વગર ? "
"હા જ સ્તો, એમ પણ તારે એક દિવસ તો જવું જ પડશે ને ? "
બસ આનાથી આગળ બંને કંઈ બોલ્યા નહીં, ચૂપચાપ ઘરે પહોંચી ગયાં, રસ્તામાં તો શિવાય ચૂપ રહ્યો પણ હવે ગૌરીનો સવાલ વારે વારે એનાં કાનમાં અથડાતો હતો.
"શિવાય તને મારાં વગર ગમશે ? "
આખી રાત પણ એ ઊંઘી ના શકયો, હવે એને ધીરે ધીરે અહેસાસ થયો કે ગૌરી એનાં માટે એક દોસ્તથી વધારે છે, પણ આ વાત ગૌરીને કહે કેવી રીતે ? શિવાયે ગૌરીના ઘરે જઈને એને વાત કરવાનું નક્કી કર્યું.
બીજી બાજુ ગૌરી પણ એક અજાણી બેચેનીનો સામનો કરી રહી હતી,. પેલો છોકરો ગૌરીને જોવા આવે એ પહેલાં શિવાય ગૌરીના ઘરે આવી ગયો, આવીને સીધો એ ગૌરીને મળવા ગયો,
"ગૌરી મારે તને કંઈક કહેવું છે ! "
"હા શિવાય બોલ ને ! "
"ગૌરી હું તને પસંદ કરું છું, તું મારાં માટે એક દોસ્તથી પણ વધારે છે. શું તું મારી સાથે લગ્ન કરીશ ? મને આજે આખી રાત તારી યાદ આવી, મને તારા વગર નહિ ગમે, "
"શિવાય ! આ અહેસાસ મને પણ થયો છે, આપણી દોસ્તી પ્રેમમાં કયારે બદલાઈ ગઈ ખબર જ ના પડી. "
બંને એકબીજાના ગળે હેતથી વળગી ગયાં, બંને પરિવારો પણ રાજી થઈ ગયાં આ સંબંધ માટે, લગ્નની તારીખ પણ નકકી કરી દેવામાં આવી, તૈયારીઓ જોરશોરથી ચાલતી હતી, લગ્નની ખરીદી પણ થઈ ગઈ હતી, કંકોતરી પણ વહેંચાઈ ગઈ. બધાં ખુશ હતાં. પણ વિધિને આ મંજૂર ન હતું.
લગ્નની શેરવાની પસંદ કરવા શિવાય જતો હતો અને એનો ગંભીર અકસ્માત સર્જાયો, એટલો ખતરનાક અકસ્માત કે એમાં શિવાયે એની બંને આંખો ગુમાવી દીધી, શિવાયના પરિવાર પર તો દુઃખનો પહાડ તૂટી પડયો, જયાં શરણાઈના સૂર સંભળાવાના હતાં ત્યાં ડૂસકાં સંભળાવા લાગ્યાં, અને ગૌરીનાં સપનાં તો કડડભૂસ થઈને તૂટી ગયાં. શિવાયની મહેંદી એનાં હાથ પર રચાય એ પહેલાં જ એનો રંગ ફીકો પડી ગયો,
ગૌરીનાં માતા પિતાએ ગૌરીને વાત કરી,
"ગૌરી બેટા ! તને આ કહેવાની પણ અમારામાં હિંમત નથી, દીકરી તું શિવાયને ભૂલી જા."
"શું કીધું પપ્પા તમે ? હું શિવાયને ભૂલી જઉ ? તમે જાણો જ છો પપ્પા કે શિવાય મારો બાળપણનો દોસ્ત છે તો એક દોસ્તને નાતે તો હું એને કયારેય એકલો ના છોડી શકું. અને હવે તો હું એને પ્રેમ કરું છું, હું એને નહીં છોડું, હું એની સાથે એ જ તારીખે લગ્ન કરીશ જે નકકી કરેલ છે, મારાં નસીબને હું સપ્રેમ સ્વીકારું છું, અને ખુશી ખુશી સ્વીકારું છું."
એટલું કહી ગૌરી ત્યાંથી ચાલી ગઈ, અંતે ગૌરીનાં પ્રેમ આગળ સૌ હારી ગયાં, શિવાયે પણ ગૌરી સાથે વાત કરી,
"ગૌરી ! તું સમજતી કેમ નથી ? મારાં જેવાં અંધ વ્યક્તિ સાથે આખું જીવન તું કેવી રીતે રહીશ ? તું ઘણી સારી અને સુંદર છે. તને સરસ છોકરો મળશે. મારાં લીધે તું તારી જિંદગી ખરાબ ના કરીશ પ્લીઝ. "
"બસ શિવાય ! આગળ એક શબ્દ મારે સાંભળવો નથી. હું તારી સાથે જ લગ્ન કરીશ. તારી આંખો ગઈ છે મારી નહી ! હવે તું મારી આંખોથી જોજે. હું તને સાચાં દિલથી ચાહું છું શિવાય. હું જિંદગીભર તારો સાથ નિભાવવા માંગું છું. પ્લીઝ તું મને ના ન કહીશ. "
લગ્નનાં દિવસે એજ ચોઘડિયે શિવાય અને ગૌરી લગ્ન બંધને બંધાય ગયાં. ગૌરીએ પણ ખુશી ખુશી શિવાયનો હાથ પકડી એને જીવનભર સાથ આપવા બંધાઈ ગઈ. આ અદભૂત અને સાચું સગપણ જોઈ બધાંની આંખો છલકાઈ રહી હતી. પરિવારજનોએ બંને પર ખોબલે ખોબલે આશિષ વરસાવ્યાં.
