BHARATCHANDRA SHAH

Romance Tragedy Others

4.5  

BHARATCHANDRA SHAH

Romance Tragedy Others

પુનરાવર્તન

પુનરાવર્તન

16 mins
505


"મંદિરા, આમ બધાની નજર છુપાવી આપણે કેટલા દિવસ સુધી એક બીજાને મળતા રહીશું ? જેમ વેપારીઓ, ઉદ્યોગકારો, વ્યવસાયિકો પોતાની ખાડે ગયેલ અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા કાળા પૈસાને સફેદ કરે છે એટલે કે અનોફિશીયલ રીતે ભેગા કરેલ નાણાંને ઓફિશીયલ કરે છે તેમ આપણા આ અનોફિશિલ પ્રેમ પ્રકરણને હવે ઑફિશિયલ કરવાનો સમય આવી ગયો છે. તું સમજે છે ને હું શું કહેવા જઈ રહ્યો છું ?" શહેરના મધ્યમાં આવેલ એક સરોવરના કિનારે બાંકડા ઉપર બેસી મંદિરાનો જમણો હાથ પોતાના ડાબા હાથમાં ઝાલી મનન મંદિરાને કહેતો હતો. બન્ને ગળાડૂબ પ્રેમમાં હતાં. બંનેને પાકી ખાતરી હતી કે પરિવારજનો પરણવાની સંમતિ આપશેજ. મંદિરા તેની માતા પવિત્રાબહેન જેવીજ દેખાવડી, રૂપરૂપના અંબાર સમી, યૌવનના ઉછાળા મારતી, ધસમસતી નદીના તોફાની નીરની જેમ ધસમસતું યૌવન, કળીમાંથી તાજુ તાજુ ઉગેલ ગુલાબના ફૂલ સમી મંદિરાનું અનુપમ સૌન્દર્ય. તેનો માણીગર મનન પણ પચ્ચીસ છવ્વીસ નો ધીંગો જુવાનિયો, દેખાવડા પણાની દોમદામ સાહ્યબી વાળો બોલે તો મીઠાશ નો ધોધ જ સરકે, જુએ એટલે ગમે તેવી યુવતીનું રદિયું વીંધાઈ જાય. ગમે તેવી જોબનવંતી તેની આગળ દોસ્તીનો હાથ લંબાવે. " હા. . મનન હું સમજી ગઈ તું શું કહેવા માંગે છે પણ આની પહેલ કોણ કરશે ? અને કેવી રીતે કરીશું ?" મંદિરાનો જવાબ સાંભળી મનન થોડો વિચારમાં પડી ગયો. "ધડાકો તો કરવો જ પડશે મંદિરા. આપણે બેઉ હવે કમાવતા થઈ ગયા. મને જોબ કરવાને ૩ વર્ષ થઈ ગયા. તને પણ બે વર્ષ થઈ ગયા. હવે આપણી ભાવિ જિંદગી સ્થિર થઈ શકે તેવું મને લાગી રહ્યું છે. આપણી જિંદગીમાં બીજું કોઈ આવે તે પહેલાં આપણે મમ્મી પપ્પાને જાણ કરવી જ પડશે. હું આજે આનો ધડાકો કરવાનો જ છું. તું પણ બોમ્બ ફોડી દે. " મનન પોતાનો વિચાર દર્શાવતા મંદિરાને કહેતો હતો. "ચલ ,પાકું. . આજે હું પણ બોમ્બ ફોડી જ નાખું" મક્કમતાથી મંદિરા બોલી. મંદિરા અને મનન નાનપણથી જ એકજ સ્કુલ અને કોલેજમાં સાથે ભણતા હતા. મનન એમ ઈ સાથે કમ્પ્યુટર એન્જિનિયર ભણ્યો હતો જ્યારે મંદિરા એમ. એ ભણી ફેશન ડિઝાઈનરનો બે વર્ષનો કોર્ષ કર્યો હતો. શહેરની એક ઈન્ફોર્મેશન ટેકનોલોજી કંપનીમાં મનન નોકરી કરતો હતો. વાર્ષિક ૫ લાખનો પેકેજ હતો. મંદિરા એક ગારમેન્ટ કંપનીમાં વાર્ષિક ૩. ૫૦ લાખના પેકેજ પર ફેશન ડિઝાઈનરની જોબ કરતી હતી. બંનેની નોકરી કાયમી હતી. બંને સુખી પરિવારના હતાં. કાળા મિંઢ પહાડો જેવી જિંદગીને સૂઝબૂઝથી,ચાલાકીથી અને હોશિયારીથી કોતરી ભાવિ જીવનનો માર્ગ સહેલો કરવાના સપના બંને પંખીડા જોતા હતાં.

મંદિરાના પિતા શાંત,સમજુ અને લાગણીશીલ સ્વભાવ ધરાવતા સલિલભાઈએ બી. કોમ સુધીનો અભ્યાસ કર્યો હતો. કોશિશો કર્યા પછી પણ સરકારી નોકરી ન મળતા આખરે અનાજ કરિયાણાની દુકાન ચાલુ કરી. ૧૫ બાય ૨૦ની નાની અમથી જગ્યામાં ચાલુ કરેલી દુકાન છેલ્લા ૩૦ વર્ષના ગાળામાં સખત મહેનતના જોરે ૧૦ હજાર ચો. ફૂટની જગ્યામાં એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં ફેરવાઈ ગઈ હતી. શહેરના પોશ વિસ્તારમાં બંગલામાં રહેતા હતાં. ગૌર વર્ણીય, કાળી આંખો પાંચ ફૂટ અને છ ઈંચની ઊંચાઈ ધરાવતા સલિલભાઈ બોલવામાં ચપળ હતાં. તેમની વાણીને લીધેજ સફળ વેપારી બન્યા હતા. ચંચળ, અને સહેજ જિદ્દી સ્વભાવ ધરાવતાં મંદિરાની માતા પવિત્રાબહેન એમ . એસ. સી ભણ્યા હતાં અને લેબોરેટરી ટેકનીશિયનનો કોર્ષ કર્યો હતો. શહેરની મોટી હોસ્પિટલમાં લેબોરેટરીમાં ટેકનિશિયનની નોકરી કરતાં હતાં. દેખાવે આકર્ષક ,સહેજ માંજરી આંખો,લાંબા વાળ, સુકલકડી એવા પવિત્રાબહેન સુખી પરિવારની એકના એક પુત્રી હતાં. મંદિરા તેમની એકના એક દીકરી હતી.

બી. ઈ સીવીલ એન્જિનિયર એવા મનનના પિતા શરદભાઈ શહેરના અગ્રણી બિલ્ડર હતાં. ઉગ્ર સ્વભાવના શરદભાઈ ખોટું કદાપિ ન ચલાવી લેતા. કોઈ ખોટું કરે તો ઉકળી ઊઠે. બિલ્ડર એટલે સહુથી પહેલા તો દરેકના મનમાં એવી છાપ કોતરાયેલી હોય છે કે કાળા નાણાનો ધંધો કરનાર જ. મોટાભાગના બિલ્ડરો બે નંબરમા જ વ્યવસાય કરતા હોય છે. પણ શરદભાઈ આ બધાથી અલગ જ હતાં. તેમના સિધ્ધાંતો પ્રમાણે ચાલવાવાળા હતા. થોડુક ઓછી કમાણી થાય તો ચાલે પણ ધંધો પૂર્ણતા એક નંબરનો એટલે પ્રામાણિકતાનો ધંધો કરનારા. બે નંબરીને સ્થાન જ નહોતુ. ચોખ્ખો હિસાબ કિતાબ. બીજા બિલ્ડરો તેમની અદેખાઈ કરતાં. તેથી તેમના વિરોધીઓ તેમને ઠારવા દેતા નહોતા. તેમના પ્રામાણિકતાને કોઈ પણ ભોગે ઠેસ પહોંચાડવાનો જ કારસ્તાન કરતા. મનનની માતા શગુનાબહેન બી. એ ભણેલા હતાં. તેઓ ઘરકામ સાચવતા અને સમય પસાર કરવા સારું છોકરોઓના ટ્યુશન ક્લાસ ચલાવતા. શગુનાબહેન સ્વભાવે શાંત,સમજુ અને લાગણીશીલ હતાં. તેમના વાણીમાં મીઠાશ જણાતી હતી. બહુ નમ્રતાથી વાત કરતા.

"મમ્મી, મને આજે એક વાત કહેવી છે તમને" રસોડામાં ડાયનીંગ ટેબલ પર મનન અને તેની માતા ભોજન કરવા બેઠા ત્યારે મનને વાત છેડતા કહ્યું. " બંને જણા શરદભાઈની રાહ જોઈને બેઠા હતા. તેમની ઑફિસેથી આવવાની તૈયારી હતી. દસ મિનિટમાં તેઓ પણ ઘરે આવ્યાં. હાથ પગ ધોઈ ફ્રેશ થઈ ડાયનીંગ ખુરશી પર ગોઠવાયા. તેની માતા શગુનાબહેને મનનને ઈશારાથી પપ્પા આગળ વાત છેડવા કહ્યું. શરમાળ સ્વભાવનો મનન હિમ્મત એકઠી કરી બોલ્યો," પપ્પા, એક વાત કહેવી છે તમે ધ્યાનથી સાંભળી લેજો પછી તમને જે કહેવું હોય તે કહેજો. મનને ધડકતા દિલે મંદિરા સાથેના પ્રેમ સંબંધની વાત કરી અને તેની સાથેજ પરણવાની ઈચ્છા પણ વ્યક્ત કરી. હાથમાં કોળિયો હતો તે થાળીમાં મૂકી શગુનાબહેન બોલ્યાં," કોણ છે એ છોકરી ? કોની છોકરી છે ? શું કરે છે ? તેના માતા પિતા શું કરે છે ? ક્યાં રહે છે ? ક્યાં જ્ઞાતિના છે ? તે તો કહે પછી વિચારીને કહીએ. મનને મંદિરાની બધી હકીકત એકી શ્વાસે કહી. મનનની વાત સાંભળી તેન પિતા શરદભાઈ વિફર્યા. " હમમ. . તો આ વાત છે. કેટલા દિવસથી ચાલે છે અને કેટલા આગળ વધ્યા છો તમે ? " છેલ્લા ચાર વર્ષથી ચાલે છે અને વાતચીત સુધી જ સીમિત છે. આગળ કેવી રીતે વધીએ ?" મનને જવાબ આપ્યો. "જો દીકરા," શગુનાબહેન સહેજ ગુસ્સે થઈને બોલ્યાં, " આપણે કઈ પ્રેમમાં વિશ્વાસ નહી રાખવો. પહેલાં સારું લાગે પછી પસ્તાવાનો વારો આવે અને એક બીજાનો અહમ ટકરાય એટલે વાત છેક છૂટાછેડા સુધી પહોંચી જાય છે અને ટૂંકમાં જ છૂટાછેડા પણ લઈ લે છે. આપણે તેવું નથી કરવું. એક સે એક છોકરીઓની લાઈન લાગશે. તું એનો મોહ છોડી દે " પિતાનો પ્રકોપ જોઈ મનન ચૂપ રહ્યો. તેનો ઉદાસ અને રડમસ ચહેરો જોઈ શરદ ભાઈ બોલ્યાં,"ઠીક છે વિચારીને કહું" "છોકરીએ એના મા બાપને વાત કરી છે ?" "ના. . હજુ નથી કરી પણ કરશે એક બે દિવસમાં" " ઓકે તો કરવા દે એને વાત એમનો શું જવાબ આવે તે જોઈએ પછી અમે એટલે હું અને તારી મમ્મી આ બાબતે વિચારીશું. ભોજનને ન્યાય આપી બધા પોતપોતાના કામમાં પરોવાઈ ગયા. બીજે દિવસે આ સમાચાર મનને મંદિરાને કીધા. તેજ દિવસે રાત્રે મંદિરાએ પણ મનન સાથેના પ્રેમ સંબંધનો બોંબ ફોડ્યો. "દીકરા,કોણ છે એ છોકરો ? કઈ જ્ઞાતિનો છે ? શું કામ કરે છે ? કેટલું કમાવે છે ? ક્યાં રહે છે ? દેખાવે કેવો છે ? તેના માતા પિતા શું કરે છે ? કેવા સ્વભાવના છે ? તે જાણ્યા વગર અમો કેવી રીતે સંમતિ આપીએ" ? સલીલભાઈ બોલ્યાં. પ્રેમની વાત સાંભળી પવિત્રા બહેન અધવચ્ચે થી બોલ્યાં, " મંદિરા, મને આ પ્રેમ બ્રેમના લફડામાં કઈ પડવું નથી. નેવું ટકા પ્રેમ નિષ્ફળ જાય છે. તને ક્યાંથી પ્રેમ થઈ ગયો ? તને ખબર છે ને કે મને આ બધું પસંદ નથી છતાંય તું અજાણ જોડે પ્રેમ કરીને બેસી. ?" પવિત્રા બહેન લાલચોળ થઈ દીકરી પર અગનગોળા વરસાવતા હતાં. પિતા સલીલભાઈ સમજુ હતાં. તેઓ વચ્ચે પડતા મામલો થાળે પાડયો પણ એ થાળે પડેલ મામલો કાયમી નહોતો. થોડાક દિવસો કે મહિનાઓ પૂરતો જ સીમિત હતો. કાયમી ઉકેલ નહોતો. પાછો આ મામલો ક્યારેય ને ક્યારે ઊભો થવાનો જ હતો ત્યારે શું જવાબ આપવો તે સલીલભાઈ વિચારતા હતાં. ચાર દિવસ પછી મનન અને મંદિરા સરોવરને તીરે સાંજે મળ્યાં અને પોતાના પ્રેમ સંબંધની વાતની જાણ માતા પિતા આગળ કરી હતી. "મંદિરા, યાર મારા પપ્પા તો આ વાતથી ફફડી ઉઠ્યા. " મનન ચિંતિત સ્વરે બોલ્યો.

"હા. . મારી મા પણ ફફડી ઉઠી. " મંદિરા પણ નિરાશ થઈ બોલી. લાગે છે કે મેળ નહી પડવાનો. આપણે એમની જીદ ખાતર આપણા સંબંધ ઉપર પૂર્ણ વિરામ મૂકવો પડશે. "જોઈએ મંદિરા બાજી હજુ બગડી નથી. મારી મમ્મીએ કહ્યું છે કે વિચારીને જણાવીશ એટલે થોડી આશા છે. "

"જો પવિત્રા ,દીકરીના સુખ ખાતર આપણે આ સંબંધ માટે વિચારવું પડશે. તદ્દન નકારી કાઢીએ તો દીકરીના મનમાંથી આપણે ઉતરી જઈશું. કાયમ માટે એના ગુનેગાર થઈ જઈશું. મારું મન એમ કહે છે કે એકવાર મિટિંગ ગોઠવીએ. " સલીલભાઈ સમજી વિચારી કહેતા હતા. " ઠીક છે તમને જેમ યોગ્ય લાગે તેમ કરો" ઉડાઉ જવાબ આપી પવિત્રાબહેન હાથ પછાડતા નીકળી ગયા. "સાંભળો,તમે એમ ઉકળી ન જાઓ. શાંતિથી વિચારો. દીકરાનું સુખ શેમાં છે તે જોતાં આપણે તે મુજબ નિર્ણય લેવો પડશે. જો દીકરો આ સંબંધથી ખુશ અને સુખી રહેતો હોય તો આપણે બાંધછોડ કરવી પડશે. નમતું જોખવું પડશે. મારે જે કેહવુ હતું તે મે કહ્યું પછી તમારી મરજી" શગુનાબહેન શાંત મનથી પતિ શરદભાઈને સમજાવતા હતાં. " ઓકે. ચલ એક વાર તો મિટિંગ ગોઠવીએ આપણને સારું લાગે તો હા પાડીશું નહિતર મનનને સમજાવીશું. " શરદભાઈ જવાબ આપતા બોલ્યાં.

છ મહિનાનો સમય વિતી ગયો હતો. મંદિરાને સારા ઘરના મુરતિયાઓના માંગા આવવા માંડ્યા. અને આ બાજુ મનનને પણ સારા ઘરની છોકરીઓના પિતાના કહેણ આવવા માંડ્યા. એક દિવસ મનનના પિતાએ મનનને બોલાવી કહ્યું, દીકરા, આવતા રવિવારે બંને પરિવારની મિટિંગ ગોઠવવાનો વિચાર છે. તું મને છોકરીના પિતાનો નંબર આપ તો હું વાત કરું છું. " મનને મંદિરાના પિતાનો ફોન નંબર આપ્યો. રાતના નવ વાગે શરદભાઈએ મંદિરાના પિતા સલીલભાઈ જોડે મનન અને મંદિરાના સંબંધ વિશે વાત કરી અને સલીલભાઈએ પણ આ સંબંધને પુષ્ટિ આપી. બંનેના સહમતિથી આવતા રવિવારે સાંજે મંદિરાના ઘરે પારિવારિક મિટિંગ ગોઠવવાનું નક્કી થયું. "મનન ,મને ડર લાગે છે કે આપણા પરિવારો આપણા સંબંધને મંજૂરી આપશે ? મારી મમ્મી નારાજ છે આપણા સંબંધથી. " મંદિરાના બોલવામાં નારાજગી સ્પષ્ટ હતી. હા. . મંદિરા મને પણ તેવુંજ લાગે છે. મારા પપ્પાએ પણ વિરોધી સૂર પુરાવ્યો હતો. ખેર જોઈએ હવે . . એક અઠવાડિયું છે. ત્યાર સુધી તો વેઈટ એન્ડ વોચ.

રવિવારનો દિવસ ઊગ્યો. સૂર્યના કિરણો ઉજાસ ફેલાવતા હતાં. મનન મનોમન ભગવાનને પ્રાર્થના કરતો હતો કે મંદિરા અને તેના પ્રેમ સંબંધમાં પણ સૂર્ય દેવતા ઉજાસ ફેલાવે. તેના દિલની ધડકન વધતી હતી. મંદિરા પણ ચિંતાતૂર જણાતી હતી. મનમાં જાતજાતના વિચારોએ ઘેરી લીધા હતા. શું થશે ? શું નિર્ણય લેવાશે ? સાંજના પાંચ વાગ્યાના ટકોરે સલીલભાઈના ઘરની ડોર બેલ રણકી. " આઓ. . " મંદિરાએ બારણું ખોલતા શરદભાઈ, શગુનાબહેન અને મનનને આવકાર્યા. આગળના હોલમાં સોફા ઉપર બેસવા કહ્યું. સલીલભાઈ કોઈની જોડે મંદિરા વિશેની વાત કરતા હતા તેવું મનન અને શરદભાઈએ અનુમાન લગાવ્યું. મંદિરાની માતા પવિત્રાબહેન રસોડામાં નાસ્તાની ડિશો ગોઠવવામાં મશગુલ હતાં. પાંચ મિનિટની વાતચીત પૂરી થાય બાદ મંદિરાના પિતા પણ હોલમાં પ્રવેશ્યા. મનને માતા પિતાની ઓળખાણ કરાવી. સલીલભાઈએ મંદિરાને પણ હોલમાં બોલાવી. શરમાતી શરમાતી ધડકતે દિલે મંદિરા હોલમાં આવી અને સોફા પર પિતા સલીલભાઈની બાજુમાં બેઠી. તેમની સામેના સોફા પર શરદભાઈ, શગુનાબહેન અને મનન બેઠા હતા. અલપઝલપની વાતો થઈ. મનન અને તેના માતા પિતા જે સોફા પર બેઠા હતા તેની પાછળ રસોડું હતું. પવિત્રાબહેન હાથમાં પાણીના ગ્લાસનો ટ્રે લઈ હોલમાં આવ્યાં. બધાને પાણીનો ગ્લાસ આપ્યો. અચાનક જ મંદિરાની માતા પવિત્રાબહેન અને મનનના પિતા શરદભાઈની એકબીજા પર નજર પડી. બંને અવાક પામ્યા. પણ તેઓએ તેવું દર્શાવ્યું નહી. બંનેના મસ્તિષ્કમાં સુનામી તોફાન આવવા માંડ્યું. લગભગ ૨૬ વર્ષના લાંબા સમયબાદ પણ એકબીજાને ઓળખી ગયા. કલાકની વાતચીત ચાલી અને બંનેના પરિવારોએ ' એકાદ અઠવાડિયા પછી જણાવીએ ' એમ કહી મિટિંગ પૂરી થઈ. સલિલભાઈ, પવિત્રાબહેન અને મનન ઘરે આવવા નીકળ્યા. પંદર દિવસનો સમય વિતી ગયો હતો પણ કોઈએ કોઈને આ બાબતે જણાવ્યું નહોતું. મંદિરા અને મનન ચિંતાગ્રસ્ત હતાં.

" મંદિરા, તારા અને મનનના ભલે સુવાળા સંબંધ હોય પણ હું જન્માક્ષર જોયા વગર સંમતિ આપવાની નથી. " પવિત્રાબહેને મંદિરાને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું. આ વાતને લઈ પવિત્રાબહેન અને મંદિરા વચ્ચે ખાસી બોલાચાલી થઈ હતી. મંદિરાને એકજ વાત જાણવી હતી કે એની મમ્મી જન્માક્ષરનું બહાનું ધરી સંબંધની કેમ ના પાડે છે ? મનન કે એના ઘરવાળામા શું ખામી દેખાઈ મમ્મીને ? પવિત્રાબહેને મનનની મમ્મી શગુનાબહેનને ફોન જોડ્યો," હું મંદિરાની મમ્મી બોલું છું. અમે જન્માક્ષર જોયા વગર સગપણ કરવાના નથી. જો તમને ઉતાવળ હોય તો તમે બીજા સ્થળો જોઈ શકો છો. " મંદિરાની મમ્મીની વાત સાંભળી મનનની મમ્મી વિચારતા થઈ ગયા. પવિત્રાબહેનના બોલવામાં રુક્ષપણ જણાતું હતું. શરદભાઈ ઓફિસેથી રાતના ૯ વાગે આવ્યા. મનન મિત્રો જોડે કશેક ગયો હતો. મનનની અનુપસ્થિતિ જોતા એમણે તરત પતિ શરદભાઈને કહ્યું, " મંદિરાની મમ્મીનો ફોન હતો. " કહેતા હતા કે, " જન્માક્ષર જોયા વગર સગપણ નથી કરવાના. ઉતાવળ હોય તો બીજે શોધી શકો છો. " તેમના બોલવામાં મને રુક્ષપણ જણાતું હતું. શરદભાઈ મનોમન સમજી ગયા હતા પણ તેઓએ તેવું દર્શાવ્યું નહી. સારું. . ટૂંકો જવાબ આપી શરદભાઈ ફ્રેશ થવા જતા રહ્યા. રાતના દસેક વાગે મનન ઘરે આવ્યો. શગુનાબહેને મંદિરાની મમ્મીનાં ફોનના સમાચાર કીધા. મનન સૂનમૂન થઈ ગયો.

" હેલ્લો પાવી. . . હું શીરું બોલું છું. "

" હવે બોલવા જેવું શું રહ્યું ? "

" પાવી. . હવે જૂની વાતો ભૂલી જા. "

" નહી ભૂલાય. . "

" અરે પણ મારો શો વાંક ? વડીલોએ જેમ ગોઠવ્યું અને જેમ નિર્ણય લીધો તેમ.

" તમારા કરતાં લાખ ગણી સુખી છું. જે થયું તે ખરેખર સારું થયું. તમારામાં કઈ લેવાનું જ નહોતું. જે માણસનું ઘરમાં મા બાપ, વડીલો આગળ કઈ ચાલતું જ ના હોય તે સાથે સંબંધ ન જ રખાય. બહુ રંગીન સપના દેખાડ્યા હતાં, મોટી મોટી વાતો કરી હતી બધું પિંડું વાળી નાખ્યું અને હવે શેની વાત કરવાના હતા ?

" પાવી. . આપણે બેઉ સાથે ભેગા નહી થઈ શક્યા પણ અત્યારે મોકો મળ્યો છે પતિ પત્ની નહી પણ વેવાઈ વેવાણ તો બની શકે. મે તો પલકવારમાં કેટકેટલા સપના જોઈ કાઢ્યા. આપણે વેવાઈ વેવાણના નવા સંબંધથી પાછા જૂના દિવસો યાદ કરીને તરોતાજા થઈ જઈએ. "

મારે નથી યાદ કરવા જૂના દિવસો. હું બધું ભૂલી જવા માગું છું."

" અરે પણ આપણે નહી ભેગા થઈ શક્યા પણ આપણા સંતાનો તો ભેગા થયા છે તો કાયમના જ ભેગા કરી દઈએ. આપણો સંબંધ જળવાઈ રહેશે. "

" નો. . સોરી. . તમે તેવા ગલતફહેમીમાં નહી રહેતા. હું ફોન મૂકું છું." બહુ મક્કમતાથી પાવી બોલી.

"તમારા પરિવારના વડીલો જન્માક્ષર જોઈને સગપણ કરવાના હતાં તેમાં તમે કઈજ બોલી ન શક્યા. તમે ધાર્યું હોત તો વિરોધ કરી શક્યા હોત પણ તમે તમારા પિતાના નિર્ણયને વળગી રહ્યા. "

" પાવી, હું મજબૂર થઈ ગયો હતો. મારા પિતાએ મને ધમકી આપી હતી કે જો આ છોકરી જોડે એટલે કે તારી જોડે જન્માક્ષર જોયા વગર પરણવાની જીદ પકડીશ તો તને મારું મોં જોવા નહી મળે. મારા પિતાજીની આ ધમકીને લીધે હું વિવશ થઈ ગયો હતો. " શરદભાઈ અફસોસ થઈ પવિત્રાબહેનને ભૂતકાળની વાત કહેતા હતા.

"પાવી, આપણા પ્રેમને હું ફાંસીના ફંદે લટકતો જોઈ શકતો નહોતો. મારા માથા પરનું છત્ર મને ગુમાવવું નહોતું. હું કઈ વિચારું અને કહું એટલી વારમાં તો પપ્પાએ લગ્નની તારીખ પણ નક્કી કરી લીધી હતી. "

" શરદ, તમે આટલા બધા ઘાતકી હશો એની મને ખબર નહોતી, તમે મારા પ્રેમને જખમી બનાવશો તેની મને ખબર નહોતી, તમે મારી ઈચ્છાઓનું ગળું ઘોંટી દેશો તેની મને ખબર નહોતી, તમે કાળોતરો બનીને મને ડંખી ગયા, તે સમયે તમે મારી જિંદગીને તહસનહસ કરી નાંખી હતી. મારા સપનાઓ ચકનાચૂર થઈ ગયાં હતાં.

મેં તો જિંદગી ટૂંકાવી દેવાનો વિચાર કર્યો હતો. તમે તમારા પિતાને જીવાડવા મારા પ્રેમની બલી ચઢાવી દીધી. આમાંથી કંઈક ને કંઈક રસ્તો જરૂરથી જડ્યો હોત જેથી તમારા પિતા પણ રહ્યા હોત અને મારો પ્રેમ પણ અકબંધ રહ્યું હોત. "

પવિત્રાબહેન ત્રીસ વર્ષ જૂનો દબાયેલો રોષ ઠાલવતા હતાં. " હવે આ જ પરિસ્થિતિ મારી દીકરીના ભવિષ્યમાં આવી ઊભી છે. મારા પર જે વિતી તે હું એના ઉપર નહી વીતવા દઉં. મે મારો બદલો નથી વાળ્યો કે વેરભાવની ભાવના હતી. તેવું મેં મનમાં પણ વિચાર્યું નહોતું. બસ નસીબની બલિહારી કહો કે જે કહો તે મને ભગવાને જન્માક્ષર જોઈને સગપણ કરવાની બુદ્ધિ આપી. અને મારી દીકરીના ભાવિમાં કંઈક અણબનાવ બનવાનો હશે એટલે જ જન્માક્ષર મળ્યાં નહિ. મારી દીકરીને વિષમ વાતાવરણમાં હોમી દેવાની ક્રૂરતા મને નથી કરવી.

જ્યારથી મંદિરા અને મનનના પ્રેમ સંબંધ અને સગપણની વાત વહેતી થઈ ત્યારથી જ મનનના પિતા રંગીન સપના જોતા થઈ ગયા હતા. તેમનો એક સમયનો ખોવાયેલ પ્રેમ ફરીથી મળ્યાનો આનંદ તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાતો હતો. તેમની શાળા કોલેજ સમયની પ્રેમિકા પાવી જે આજે તેમની વેવાણ બનવાની શક્યતા વચ્ચે ઝોલા ખાઈ રહી છે તે મંદિરાની માતા પવિત્રાબહેન જોડે વિતાવેલ એક એક પળો તેમને યાદ કરાવતી હતી. સાથે પરણવાનો અને જિંદગી જીવવાનો એક બીજાને કોલ આપી ચૂકેલ તે સમયના શિરું એટલે મનનના પિતા શરદભાઈ પછતાવાના બોઝ હેઠળ જાણે દબાઈ ગયા હોય તેવું મહેસૂસ કરતા હતાં. જીવનમાં બહુ મોટી ભૂલ કર્યાનો અહેસાસ થતો હતો. . . કાશ હું મનથી થોડોક મજબૂત બન્યો હોત તો પાવી મારી હોત. . . વડીલોના નિર્ણયને માન ન આપ્યું હોત તો પાવી મારી હોત. . . થોડાક જબરા બનવાની કોશિશ કરી હોત તો પાવી મારી હોત. મારા ઘરવાળા જન્માક્ષરના છંદે ના પડ્યા હોત તો પાવી મારી હોત. મેં સખત વિરોધ કર્યો હોત તો આજ પાવી મારી હોત. . પણ વિધિની વક્રતા પણ જુઓ કેવી રીતે અને ક્યાં સંજોગોમાં ૨૬_૨૭ વર્ષના લાંબા સમયબાદ નસીબે ફરીથી પાવી જોડે મુલાકાત કરાવી. ફરીથી જૂના પ્રેમ મિલનની આશા જાગી. વિચારોના વમળમાં શરદભાઈ આખીરાત આળોટતા જ રહ્યા. તેમની પાવી ફરીથી તેમના મગજ ઉપર હાવી થઈ ગઈ હતી. શરદભાઈએ જન્માક્ષર જોયા વગર જ સગપણ કરવાની તૈયારી દર્શાવી હતી. પણ પવિત્રાબહેને જન્માક્ષર જોઈને જ સગપણ કરવાની જીદ પકડી હતી. પવિત્રાબહેનની પણ હાલત કંઈક એવીજ હતી. થોડાક સમય માટે તેઓ ભાવુક બની ગયા હતા. શરદભાઈ જોડે વિતાવેલા દિવસો ચલચિત્રના દૃશ્યની જેમ આવતા ગયા. પણ તેઓ મનથી મજબૂત હતાં. તેમને આ સંબંધ બિલકુલ મંજૂર નહોતો. હવે તેમને એક વાત સતાવતી હતી કે મંદિરા અને મનનનું સગપણ થાય કે ન થાય મનનના પિતા શરદભાઈ તો સંપર્કમાં રહેવાની કોશિશો કરશે. અને અમારા સંબંધની જાણ જો બંનેના પરિવારજનોને ખબર પડે તો ? સુનામી આવશે. સુખી પરિવારમાં તિરાડ પડશે. કંઈક તો કરવું જ પડશે જેથી શરદ સંપર્કમાં નહી રહે. બને તેટલા જલદી ચોખ્ખી વાત કરીજ દેવી પડશે. એમ મનોમન પવિત્રાબહેને નક્કી કરીજ લીધું હતું.

પવિત્રાબહેન મંદિરા અને મનનના જન્માક્ષર લઈને જ્યોતિષને ત્યાં ગયા. જ્યોતિષે બંનેના જન્માક્ષર બારકાઈથી જોયા. ચશ્મા નીચે ઉતારી બંનેના જન્માક્ષર પવિત્રાબહેનને આપતા બોલ્યાં, " માફ કરજો બહેન, સાડા પંદર ગુણ મળતા આવે છે. જો આ સંબંધ તમે કરશો તો દીકરીના જીવનમાં ઉથલ પાથલ થવાની સંભાવના ગ્રહો દર્શાવે છે. કંઈક અયોગ્ય ઘટના બનવાના સંકેત ગ્રહો આપી રહ્યા છે. મારી સલાહ એવી છે કે તમે આ સગપણ નહી કરો તો સારું. "

જ્યોતિષની વાત સાંભળી પવિત્રાબહેન મનોમન ખુશ થતાં હતાં. તેમને હાશકારો થયો. જેમ તેમના જીવનમાં બન્યું તેવું જ તેમની દીકરી મંદિરાના જીવનના પણ બનવા જઈ રહ્યું હતું. તેમના મન પરનો બોજ ઓછો થઈ ગયો હતો. તેમનું ટેન્શન હતું કે આ સગપણને કેવી રીતે રોકવો ? કયું કારણ આગળ ધરીએ જેથી સંબંધ આગળ નહી વધે. જન્માક્ષરે તેમનું આ કામ સહેલું કરી નાખ્યું. કારણ શોધવાની જરૂર જ ના પડી. બાપ તેવો બેટો. જ્યોતિષનો આભાર માની તેઓ ઘરે આવ્યા. રાતના પતિ સલિલભાઈ અને મંદિરા સમક્ષ જ્યોતિષની વાત કહી. પવિત્રાબહેનની જ્યોતિષવાળી વાત સાંભળી મંદિરા રડમસ થઈ ગઈ હતી. હતાશ થઈ હતી. મોંમાં ડૂમો ભરાઈ ગયો હતો. હળવું થવા સડસડાટ ત્યાંથી બેડરૂમ તરફ ચાલી નીકળી બેડરૂમનો દરવાજો ધડામ બંધ કરી પોક મૂકી રડવા લાગી. દીકરી અયોગ્ય પગલું ન ભરી લે તે વિચારી પવિત્રાબહેન અને સલીલભાઈ મંદિરાના બેડરૂમ તરફ દોડી ગયા. બહારથી દરવાજો ઠોકી ખોલાવવાનું કહેતા હતાં. આખરે મન હળવું થયા બાદ મંદિરાએ બેડરૂમનું બારણું ખોલ્યું અને મમ્મીને વળગી પડી. પવિત્રાબહેન અને સલીલભાઈએ બહુ સમજાવી ત્યારે મંદિરાને સારું લાગ્યું. મંદિરાને હવે સમજાયું કે માતા પિતા આપણા સારા માટેજ ભવિષ્યની ચિંતા કરતા હોય છે. ભાવિ જીવનનું ખબર પડી ગયા પછી એ રસ્તે જવાનો કોઈજ મતલબ નહોતો. અગર બળજબરીથી મનન જોડે સગપણ કરીએ અને ભવિષ્યમાં ન બનવાનું તે બને તો વઢવું કોને ? માતા પિતાને કે જ્યોતિષને કે પ્રેમ સંબંધને, મનનને કે તેના માતા પિતાને ? પોતે દુઃખી થઈ મનનને પણ દુઃખી કરવો તે કરતા મનનને ભૂલી જવું બહેતર છે. મિત્રતાના સંબંધ જ રાખવા તે સારું. એમ વિચારી શાંત મને નીંદરને શરણે થઈ. પણ મનન . . મનનની હાલત બહુજ કફોડી હતી. શરદભાઈ મનનને સમજાવી શકતા નહોતા. જે કસૂરવાર હોય તે પોતાના સંતાનને શું સમજાવી શકે ? મનનની માતા શગુનાબહેનને તો શરદભાઈ અને પવિત્રાબહેનના જૂના સંબંધની કોઈજ જાણ નહોતી. એ તો બસ પતિ જેમ કરે તે ખરું અને જે કરે તે યોગ્ય જ કરશે તેમ વિચારવાવાળા. શરદભાઈને મનના કોરાણે એમની ભૂલ મનને કોરી ખાતી હતી. મનન સૂનમૂન થઈ ગયો હતો. બેબાકળો પણ થઈ ગયો હતો. ચીડચીડિયો થઈ ગયો હતો. તેને શાંત કેવી રીતે કરવો અને કેવી રીતે સમજાવવો તે શરદભાઈ કે શગુનાબહેનને સમજાતું નહોતું. કંઈક તો સમજાવવું પડશે નહિતર દીકરો કંઈક ખોટું પગલું ભરી લેશે તેની બીક પણ લાગતી હતી.

" દીકરા, દરેક પ્રેમ સંબંધ સફળ થાય એવું માની લેવાની જરૂરી નથી. કંઈક સારું થશે એટલે જ તારા મંદિરા જોડે સગપણ બની ન શક્યું. એક હિસાબે સારું જ થયું જન્માક્ષર બતાવ્યા તે. અગર જન્માક્ષર જોયા વગર સગપણ કરી નાખીએ અને ભવિષ્યમાં કઈ અણબનાવ બનત તો શું થાત ? એવું તું વિચાર દીકરા. સો માંથી માંડ માંડ દસ પ્રેમ સંબંધ સફળ થાય બાકી નેવું તો કોઈક ને કોઈક બહાને નિષ્ફળ જાય છે. સારું થયું જે થયું તે. ભગવાને ચેતવી દીધા એમ સમજ. થોડા દિવસ તને અઘરું લાગશે. તારા દિલોદિમાગ પરથી મંદિરાને જતા વાર લાગશે. તારા માટે અઘરું છે. તેને ભૂલવું સહેલું નથી પણ દીકરા, ભૂલ્યા વગર બીજો પર્યાય નથી. " શગુનાબહેન મનનને સમજાવતા હતાં. માતા શગુનાબહેનની વાત ધીમે ધીમે મનનના ગળે ઉતરતી હતી.

" હેલ્લો શરદભાઈ. " મંદિરાના પપ્પા સલીલભાઈ બોલું છું. તમારો દીકરો ખરેખર જ સારો છે એમાં શંકાને સ્થાન જ નથી. પણ અમોએ જ્યોતિષને જન્માક્ષર બતાવ્યા હતાં અને તેમના કહ્યા મુજબ મંદિરા અને મનનના જન્માક્ષર મળતા નથી. સાડા પંદર ગુણ મળે છે. અને ભવિષ્યમાં કંઈક અયોગ્ય બની શકે એવા ગ્રહોના સંકેત છે એટલે અમો આ સગપણના તરફેણમાં નથી. જે થાય તે સારા માટે જ થાય છે. તમે તમારા દીકરા મનન માટે યોગ્ય કન્યા શોધી પરણાવી શકો છો. અમારા આશીર્વાદ છે. " સલિલ ભાઈએ ફોન કટ કર્યો.

શરદભાઈએ ઓફિસેથી જ પવિત્રાબહેનને ફોન જોડ્યો. . . સામે છેડેથી ટેપ સંભળાઈ. .

" ડાયલ કરેલો નંબર અસ્તિત્વમાં નથી."

શરદભાઈ માથે હાથ લગાવી શૂન્ય મનસ્કે નીચે જમીન તરફ એકીટસે જોતા રહ્યાં.


Rate this content
Log in

Similar gujarati story from Romance