સફળતાનું રહસ્ય અને મંત્ર
સફળતાનું રહસ્ય અને મંત્ર
સફળતાનું રહસ્ય અને મંત્ર
મહાનગર પાલિકાનો ૨૦૦૦ ક્ષમતાવાળો વાતાનુકુલિત સભાખંડ પ્રેક્ષકોથી ખીચોખીચ ભરેલો હતો. આજે દેશના જાણીતા ઉદ્યોગપતિ અને ઉત્તમ સમાજસેવક શ્રીમાન શાલિગ્રામ શેઠનાનો સત્કાર સમારંભ અને શ્રેષ્ટ ઉદ્યોગપતિ અને ઉત્તમ સમાજસેવક આમ બે સર્વોચ્ચ એવોર્ડ એનાયત થવાનો હતો.
મુખ્ય મહેમાન તરીકે દેશના રાષ્ટ્રપતિ સૌ. નિરમા ઉત્પલ બોસ હતા અને અતિથિ વિશેષ તરીકે રાજ્યના મુખ્ય પ્રધાન શ્રીમાન બસંતીલાલ ઉપાધ્યાય હતા.
સમારંભનું સંચાલન કરતા ઉદ્યોગમંત્રીએ મંચ પરથી બધાને કહ્યું," આજના સમારંભમાં ઉપસ્થિત બધા જ મહેમાનો આમંત્રિતોનું સહર્ષ સ્વાગત છે. વર્ષ ૨૦૨૩-૨૪ નો સર્વોચ્ચ "ઉદ્યોગ રત્ન "એવોર્ડની ઘોષણા કરતા હું પણ સર્વોચ્ચ આનંદની અને ખુશીની લાગણી મહેસુસ કરી રહ્યો છું.
" આ વર્ષનો એટલે ૨૦૨૩-૨૪ નો સર્વોચ્ચ "ઉદ્યોગ રત્ન " એવોર્ડ જેના ફાળે જાય છે તે દેશના જાણીતા ઉદ્યોગપતિ અને સમાજસેવક શ્રીમાન શાલિગ્રામ શેઠના અહીં આપણી વચ્ચે પધાર્યા છે. હું તેમને મંચ પર આવવા અનુરોધ કરું છું.
“તો શ્રીમાન શાલિગ્રામ શેઠના કૃપયા મંચ પર પધારશો ."
તાળીઓના ગડગડાટ વચ્ચે શ્રીમાન શાલિગ્રામ શેઠના મંચ પર આરૂઢ થયા . કાળી કફની ,સફેદ પાયજમો, ડાબા હાથના કાંડામાં સાદી ઘડિયાળ , દાસે દાસ આંગળીઓમાં કોઈ વીંટી પહેરી નહોતી. રાજ્યના ઉદ્યોગમંત્રીશ્રીએ શ્રીમાન શાલિગ્રામ શેઠનાનો ટૂંકો પરિચય આપ્યો.ત્યારબાદ મુખ્યપ્રધાન એમનું પ્રવચન થયું.
મુખ્ય પ્રધાને શ્રીમાન શાલિગ્રામ શેઠનાને વિનંતી કરી કે તમારી સફળતાનું રહસ્ય શું છે? તમે આ સર્વોચ્ચ શિખર સુધી કેવી રીતે પહોંચ્યા તે તમારા પ્રવચનમાં બધાની સમક્ષ કહેવા વિનંતી છે."
શાલિગ્રામ શેઠના ખુરશી પરથી જેવા ઉભા થયા કે તરત જ તાળીઓનો ગડગડાટ થયો. હાથના ઈશારે અને મુસ્કુરાતા ચહેરે બધાને શાંત રહેવા વિનંતી કરી.
એમનો ભૂતકાળ એમની સામે તરી આવ્યો….
“ મિત્રો,હું ખરેખર આ દેશનો અને દેશની જનતાનો ઘણો જ ઋણી છે.આ ઋણની પરત ફેડ કરવી શક્ય જ નથી છતાંય મેં મારા તરફથી પૂરેપૂરી કોશિશ કરી છે જેથી અંત સમયે મનમાં કઈ રહી ન જાય તેનો ખંત ના રહે.
મારું પ્રારંભિક જીવનએક દુઃખદ બાળપણ ધરાવે છે. બિઝનેસની દુનિયાથી ખૂબ દૂર હતો. મારો જન્મ થયો ત્યારે દેશ બ્રિટિશ નિયમથી તેની સ્વતંત્રતાની ઉજવણી કરી રહ્યું હતું, ત્યારે મારા માતાપિતાએ અમને એવા સંસ્કાર આપ્યા હતા કે ભાગ્યેજ કોઈના નસીબે હોય. પરિવારમાં અમે ચાર જણા હતા. મારા માતા- પિતા હું પોતે અને અને મારાથી એક નાનો ભાઈ નંદીગ્રામ .
અમારા પિતા સ્વ.કુન્દનમલ શેઠના યુવાન હતા ત્યારે હીરાની દલાલી કરતા હતા .તેમાં જોઈએ તેટલી કમાણી ન થવાથી હીરાની દલાલી બંધ કરી કાપડ અને રિયલ એસ્ટેટ આમ બે બે ક્ષેત્રની દલાલી ચાલુ કરી. પિતાના પિતા એટલે મારા દાદાનું વારસાગત રહેતું ઘર સિવાય કોઈ માલ મિલકત નહોતી. બાપ દાદાના વારસાગત જુના મકાનમાં રહેતા હતા. પિતા ખાસ ભણેલા નહોતા જયારે માતા સરોજિનીદેવી ગૃહ લક્ષ્મી (હાઉસ વાઈફ)હતા.દલાલી સિવાય બીજી કોઈ આવક નહોતી. ધંધામાં ચાલતા ચઢાવ ઉતરાવને લીધે દલાલીમાં કોઈ જોઈએ તેટલી આવક રળતી નહોતી. એટલે કે આવક થતી નહોતી. ઘરમાં અતિશય ગરીબી હતી . પિતાના આટલી આવકમાં ઘર ચાલતું નહોતું એટલે હું માંડ માંડ સરકારી સ્કૂલમાં દસમા ધોરણ સુધીજ ભણી શક્યો . ઉંમરના ૧૦મી વર્ષે ગલીના નાકે એક સાયકલ રીપેરીંગ કરતો પઠાણ હતો તેની દુકાને હું હેલ્પર તરીકે જોડાયો. એની ત્યાં બહુ સાયકલ રીપેર કરવા આવતી .તેનાથી એકલાથી પહોંચી શકાતું નહોતું. તેને એક હેલ્પરની જરૂર હતી જ. અમારા એક નજીકના સગાએ મને ત્યાં મોકલી આપ્યો અને મહિને ૧૦ રૂપિયાના પગાર પર મને રાખી લીધો. હું શરૂઆતમાં સાયકલનું ચક્ર ( વ્હીલ ) ખોલી આપું, ટાયર,ટ્યુબ કાઢી આપું,બ્રેક ટાઈટ કરી આપું વિગેરે નાના નાના કામો કરતો. પછી એક વર્ષમાં સાયકલ રીપેર કરતા શીખી ગયો હતો. મારી કામ કરવાની રીત અને લગન અને મહેનત જોઈને પઠાણે મારો પગાર ૩ રૂપિયાથી વધાર્યો.
હું ૧૩ વર્ષનો હતો ત્યારે જ મારી માતાનું લાંબી બીમારીને લીધે અવસાન થયું અમે બે બાળકોને સાચવવાવાળું કોઈ નહોતું એટલે પિતાએ બીજા લગ્ન કર્યા તે પણ અમારી ઉપર ધ્યાન રાખે એટલા માટે. એમને બીજા લગ્ન નહોતા કરવા પણ અમે બંને ભાઈઓના ઉછેર માટે જ લગ્ન કર્યા હતા. આવતાની સાથે જ સાવકીમાંનો જુલમ ચાલુ થયો.
પઠાણને સારી આવક થતા તેને એક સાયકલની દુકાન શરુ કરી અને નવી સાયકોલો પણ વહેંચવાનું ચાલુ કર્યું . સાયકલ બનાવતી ૪ કંપનીઓની ડીલરશીપ પણ મળી હતી તેમાં મને સેલ્સ પરસન તરીકે મારી પદોન્નતિ કરી. મારા કામથી મારા શેઠને બહુ ખુશી મળી હતી .મારા આવવાથી તેમનો મરી પરવારેલો સાયકલ રિપેરના ધંધામાં જાન આવી. ધંધો પડી ભાંગતા બચી ગયો.
મને ભણવાની બહુ જ ધગશ હતી એક વર્ષ સુધી ભણ્યો નહોતો પણ મારા શેઠ પઠાણે મારી ભણવાની તીવ્ર ઈચ્છા જોતા મને ફરીથી શાળાએ મોકલ્યા .મારી ફી,ચોપડા અને અન્ય ભણતરનો ખર્ચ સ્વંય ઉપાડી લીધો તે પણ જ્યાં સુધી ભણવું હોય ત્યાં સુધી. પણ અચાનક મારા શેઠ પઠાણનું કાર અકસ્માતમાં કમકમાટી ભર્યું મોત નીપજ્યું. ધંધો સાચવવાવાળું કોઈ હતું નહિ .એમના એક સાગાએ હિમ્મત દાખવીને ધંધો હાથમાં લીધો પણ જામેલો ધંધો મળવાથી તેમને બહુ ખાસ મહેનત કરવી પડી નહોતી. તેમને મારો ભણતરનો ખર્ચ બંધ કરી દીધો. જેમતેમ મેટ્રિક સુધી જ હું ભણ્યો. મને અંગ્રેજી બિલકુલ જ નહોતી આવડતી અને હજુ પણ અંગ્રેજીમાં ગોતા ખાઉં છું. હું ફક્ત માતૃભાષા અને રાષ્ટ્રભાષામાં જ વાત કરું છું.
હું ૧૫ વર્ષનો હતો એક છોકરી જે મારા કરતા વરસ દોઢ વરસ મોટી હતી અને સરકારી શાળામાં સાયકલ પર ભણવા જતી હતી. એ છોકરી અમારી દુકાને જ રીપેર કરવા આવતી ઘણી વાર પૈસા ઓછા હોય તો કહે હું બીજી વખત આપી દઈશ.
મેં એના પરિવાર વિષે પૂછ્યું તો કહે એના પિતા શાકભાજીની દુકાન ચલાવતા હતા અને મા બીજાના ઘરે કપડાં વાસણ કરવા જતા. ત્રણ ભાઈ બહેનોમાં એ સહુથી મોટી હતી. તેની જોડે ભણવાની વાત થતી હતી. તેની જોડે સારી મિત્રતા થઇ ગઈ હતી.૫ વર્ષ સુધી અમારી મિત્રતા રહી.
એક દિવસે એણે કહ્યું કે એને જોવા બીજા ગામનો છોકરો આવે છે પણ એ લગ્નમાટે તૈયાર નહોતી તેણીને હજુ આગળ ભણવું હતું પણ મા-બાપના આગ્રહને વશ થઇ તે માનસિક રીતે તૈયાર થઈ .
એ છોકરો પસંદ નહિ પડતા મામલો ટાઢો થઈ ગયો. મને એ છોકરીનું બોલવાનું અને સ્વભાવ બહુ ગમ્યો .મારા મનને એણે આકર્ષીલીધું હતું. દેખાવમાં એ મધ્યમ કદ કાઠીની ગૌર વર્ણીય હતી . મોઢાપરનું તેજ, પાણીદાર આંખો , લાંબા કાળ વાળ , બોલવામાં માધુર્ય એટલે મને ગમતી હતી.
"મેં એક દિવસ સહજતાથી મજાક મજાકમાં પ્રસ્તાવ મૂકી દીધો કે ચાલ ને આપણે પરણી જઈએ .એ સાંભળી ચોંકી ગઈ પછી ભાવવિભોર થઈ ગઈ.
"પણ તમે તો મારા કરતા દોઢ વર્ષ નાના છો તમને ચાલશે? માતા પિતા સ્વીકારશે?" એણે મને કહ્યું
"મેં કહ્યું માતા હયાત નથી પિતા છે પણ હવે એ વૃદ્ધ થઇ ગયા છે. પથારીવશ છે .એટલે જે છે તે મારી મરજી પર જ છે. મેં છોકરીને કહી દીધું કે , "તું જો કહે હા તો હા..તું જો કહે ના તો ના "
૨ વર્ષ સુધી મને એ છોકરીનું નામ શું છે તે જ નહોતું. પછી ખબર પડી "શ્રેયા"
હું ૨૧ વર્ષનો અને એ ૨૨ વર્ષ ને ૮ મહિનાની હતી ત્યારે અમે એકદમ સાદાઈથી ચાર લોકોની સાક્ષીમાં મંદિરે જઈને લગ્ન કરી લીધા .પહેરેલ કપડે જ હું એને મારા ઘરે તેડીને લાવ્યો.
પઠાણની ત્યાં નોકરી દરમયાન હું થોડી થોડી બચત કરતો હતો. લગ્નના ૫માં વર્ષે મેં એક પોતાની સાયકલની દુકાન ખોલી. જેમાં વેચાણ અને સર્વિસ રીપેર બંને કામો થતા હતા. મને મારી પત્ની કામમાં પૂરેપૂરો સહયોગ આપતી. આખો દિવસ એ મારી સાથે જ દુકાને બેસતી અને દરેક કામોમાં ખુશીથી મદદ કરતી
સ્વ.કુંદનલાલ શેઠના હેઠળ શેઠના ગ્રુપની વૃદ્ધિ
શેઠનાએ સાયકલનો ધંધો શરુ કર્યો ત્યારથી આજ દિન સુધી શેઠના ગ્રુપને પાછળ વાળીને જોવાનો સમય નહોતો આવ્યો. દર વર્ષે અમારી પ્રગતિ થતી ગઈ.
૧૦ વર્ષના સાયકલ વેચાણના ધંધા પછી સાયકલ ઉત્પાદનમાં ઝંપલાવ્યું. બેંકની લોન પણ મંજુર થઈ ગઈ અને સાદી સાયકલ, લેડીઝ સાયકલ, ગિઅરવાળી સાયકલ, નાના બાળકો માટેની સાયકલ, અપંગો માટે ટ્રાઇસિકલ, ડિઝાઈનર સાયક્લ , નાના કદની અને મોટા કદની સાયકલ,દરેક ડિઝાઇન અને કલરમાં ઉત્પાદન શરુ કર્યું .
ત્યાર બાદ અમે દ્વિચકી ગિઅરવાળા અને ઓટો ગિઅર વાળા સ્કૂટરો અને બાઈકનું ઉત્પાદન ચાલુ કર્યું, ત્યાર પછી સ્પોર્ટ્સ બાઈક પણ ચાલુ કરી.
તેમાં સફળતા મળ્યા બાદ ત્રિચક્રી વાહનો જેમ કે. પેટ્રોલ,ડીઝલ અને ગેસ પર ચાલતી રીક્ષા, વિવિધ ક્ષમતા ધરાવતા ટેમ્પાઓનું ઉત્પાદન ચાલુ કર્યું
વાહનોમાં સફળતા મેળવ્યા બાદ અમે ફૂડ ઉત્પાદન અને પ્રોસેસ ચાલુ કર્યું. ખાસ તો કૃષિ પેદાશોથી બનતા ફૂડ પર અમે વધુ જોર દીધો.
ત્યાર બાદ કોમ્પ્યુટર ક્ષેત્રે ઝંપલાવ્યું. ટેબ્લેટ, લેપટોપ.ડેસ્કટોપ,અન્ય હાર્ડવેર બનવાનું ચાલુ કર્યું સાથે સાથે સોફ્ટવેર ડેવલપિંગ પણ ચાલુ કર્યું.
ઉંમરને ૨૫ વર્ષથી નિરંતર ધંધો ચાલુ કર્યો તે આજ ૮૫ વર્ષ સુધી પહોંચ્યો . ૬૦ વર્ષની ધંધાની કારકિર્દીમાં અનેક ચઢાવ ,ઉતારનો મક્કમતાથી સામનો કરી ત્યાં ઉત્તરોત્તર પ્રગતિ કરતો આવ્યો છે. એમાં આ સફળતાનો શ્રેય હું મારી પત્ની "શ્રેયાને" આપું છું.
કેમકે હું જયારે નાનો હતો ત્યારે મારા પિતા મારી માતાને પગે લાગતા. અમે નાના હતા એટલે આ વાતની અમને કઈ ગતાગમ નહોતી પણ જેમ જેમ મોટા થતા ગયા તેમતેમ આ વાત જાણવાની ઉત્સુકતા વધી હતી એક દિવસ મેં પિતાને પૂછી જ લીધું કે,"તમો રોજ મારી મમ્મીને કેમ પગે લાગો છો? એ તો તમારી પત્ની છે. પત્ની તો નાની હોય .નાનાઓના પગે લાગાય ?
મારા સવાલનો જવાબ આપતા પિતા બોલ્યા, " બેટા, તારી મમ્મી મારા કરતા દોઢ વર્ષ મોટી છે એટલે તે હિસાબે તે આપણા ઘરની વડીલ વ્યક્તિ છે. હું તેને પત્ની કરતા ઘરની લક્ષ્મી તરીકે જોવું છે જેના થકી હું સ્વાભિમાનથી અને મહેનતથી કમાવી રહ્યો છું.એક ધંધો છૂટ્યો ને તરત બીજા ધંધાની લાઈન મળતી ગઈ.મને કોઈ દિવસ ભીખ માગવા જવું નહોતું પડ્યું. પણ કમનસીબે મારી માતા અચાનક લાંબી બીમારીનો ભોગ બન્યા અને આ ફાની દુનિયા છોડી દીધી.
બીજો એક મંત્ર છે કે મોટાભાગના નાના મોટા વેપારીઓ ગ્રાહકોને ભગવાન માણે છે પણ મારા પિતાજી અને હું પોતે મારા કંપનીના કામદારો અને કર્મચારીઓને ભગવાન માનું છું કારણ મારા કામદારો અને કર્મચારીઓ મારી કંપનીમાં ઉત્પાદન થતા બધીજ વસ્તુઓની ગુણવત્તા પર ખાસ ધ્યાન રાખે છે અને માર્કેટિંગ પણ જોરદાર કરે છે જેથી ગ્રાહકો ખેંચાય આવે છે. કોઈ દિવસ મારા કંપનીમાં થતા ઉત્પાદનોમાં ભેળસેળ થતી નથી કે ઘાલમેલ થતી નથી . વસ્તુઓનો દામ અને ગુણવત્તા પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે . વેચેલો માલ કોઈ દિવસપાછો આવતો નથી. તેમને કોઈ દિવસ તેમને નિરાશ થવા દેતા નહોતા.દરેક કામદાર અને કર્મચારીનું વ્યક્તિગત રીતે ધ્યાન રાખતા અને તેઓની જરૂરિયાતો પરી કરતા. એટલે જ હું પણ એમને ભગવાન માનું છે.
તેમના જ આશીર્વાદથી મને મારી શ્રેયાનું શ્રેય મળ્યું . હું પણ જે દિવસે પરણીને તેણીને ઘરે તેડી લાવ્યો તે તે દિવસથી આજ દિન સુધી એક પણ દિવસ ભૂલ્યા વગર મારા પિતાનો સિલસિલો જારી રાખ્યો. ઘરના મંદિરે દીવો,પૂજા પાઠ થાય એટલે હું પત્નીને સવારે અને સાંજે બે સમયે પગે લાગતો હતો.
બસ આ જ દેવીના આશીર્વાદથી અને મારા કામદારો અને કર્મચારીઓના સાથ સહકાર અને તેમની મહેનત લગન થકી મારો ધંધો ફૂલ્યો ફાલ્યો છે.આશરે ૨૫ હજાર કર્મચારીઓને રોજીરોટી આપતો છે .દેશમાં કુલ આઠ જગ્યાએ વિવિધ પ્લાન્ટ અને કારખાનાઓ કાર્યરત છે.કર્મચારી મહેનત અને પ્રામાણિકતાથી કામ કરે છે. કોઈ કર્મચારી રડતો નહિ હોવો જોઈએ એ મારો સિદ્ધાંત છે. એમની મહેનત જ હું આજે કમાવી રહ્યો છું અને દેશના અર્થતંત્રમાં યથાયોગ્ય યોગદાન આપતો છું. શ્રેયાના આશીર્વાદથી આટલું મોટું વટવૃક્ષ સમાન સામ્રાજ્ય ઉભું કર્યું છે. અને આ જ મારા સફળતાનું રહસ્ય છે.
જયારે જયારે હું એમને પગે લાગુ ત્યારે તેમનામાં તેટલા સમય હું એક દૈવી માતાનું રૂપ જોતો હતો અને દિલથી પગે લાગતો હતો. એક સ્ત્રીને ઘરમાં, સમાજમાં જે માન સન્માન મળવું જોઈએ તે મેં આપ્યું એટલે જ કદાચ માતા પ્રસન્ન થઈને મને મારા ધંધામાં કોઈપણ અડચણ આવવા દીધી નહીં. પત્નીને પગે લાગવાની વાત કદાચ બધાને અજુગતી લાગતી હશે પણ મારા માટે તે એક સત્ય હકીકત છે.
આપણે ઘણી વખત ટોચના ઉદ્યોગપતિ કે જીવનના વિવિધ ક્ષેત્રમાં સફળ થયેલી વ્યક્તિઓ પાસે મેનેજમેન્ટના પાઠ જાણવા ગૂગલ પર સર્ચ કરીએ છીએ. પણ હકીકત એ છે કે આપણે આપણા જ આધ્યાત્મિક વારસાને વિસરી ગયા છીએ. આપણા અધ્યાત્મશાસ્ત્રોમાં જ તમને મેનેજમેન્ટના મહામંત્રો મળી જાય છે. રામાયણ, મહાભારત અને શ્રીમદ્ ભગવદ્ ગીતા તો આપણા જીવનના પથપ્રદર્શક છે. મને ખાતરી છે કે આપણામાંથી ઘણાં બધાંએ ભગવદ્ ગીતામાં છૂપાયેલા રહસ્યો વિશે સાંભળ્યું હશે કે ક્યારેક અભ્યાસ કર્યો હશે.
ધર્મક્ષેત્ર એવા કુરુક્ષેત્રમાં કૃષ્ણએ અર્જુનને આપેલા આ સંદેશમાં જીવનનું મેનેજમેન્ટ છુપાયું છે. જીવનના તમામ રહસ્યો ભગવદ ગીતામાં સમાયેલા છે. અહીં મેં કેટલાંક શ્લોકનું અર્થઘટન કર્યું છે. મને ખાતરી છે કે તે ઉદ્યોગસાહસિકો અને યુવાનોને મેનેજમેન્ટ ક્ષેત્રમાં સફળતા અપાવવામાં દીવાદાંડી સમાન બનશે.
‘કર્મ’ વિશે ઘણું બધું કહેવાયું છે, પણ તેનો સાર આ સરળ શ્લોકમાં સમજાઈ જાય છે. આ શ્લોક કૃષ્ણ અર્જુનને કહે છે, “હે અર્જુન, તને કર્મ કરવાનો અધિકાર છે, ફળની આશા ન રાખ.” ઉદ્યોગસાહસિકો માટે અતિ ઉપયોગી શ્લોક છે. દરેક ઉદ્યોગ સાહસિકોએ પરિણામની આશા રાખ્યાં વિના તેમના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તમારે અંતિમ ઉત્પાદન કે પરિણામ પર ધ્યાન કેન્દ્રિત ન કરવું જોઈએ. કહેવાનો અર્થ એ નથી કે તમારે આશા કે અપેક્ષા ન રાખવી જોઈએ, પણ તમે કર્મથી વિચલિત ન થવા જોઈએ. તમારું ધ્યાન કર્મ પર જ રહેવું જોઈએ, નહીં કે ફળ પર.
એક ઉદાહરણ આપું. તમે ક્યારેક છોકરાને દોરડા પર ચાલતા જોયો હશે. તે એક છેડેથી ચાલવાનું શરૂ કરે છે. પછી તેનું ધ્યાન બીજા છેડા પર નથી હોતું. તે દોરડા પર સંતુલન જાળવીને આગળ વધે છે. તેનું લક્ષ્યાંક બીજા છેડા પર પહોંચવાનું હોય છે, પણ ધ્યાન દોરડા પર સંતુલન જાળવવા પર જ હોય છે. ઉદ્યોગ સાહસિકોએ પણ લક્ષ્યાંક નક્કી કર્યા પછી મંઝિલ પર સતત આગળ વધવાનું હોય છે.
આ શ્લોકનો સંબંધ વિવિધતા અને સ્વીકારક્ષમતા સાથે છે. વિવિધતા અને સ્વીકાર્યતા સફળતાના આવશ્યક અંગો છે. જીવન સતત બદલાતું રહે છે અને તમારે પરિવર્તનને અનુરૂપ બદલવું જ પડે. ઉદ્યોગ સાહસિકને પણ આ વાત લાગુ પડે છે. તેમણે ઝડપથી પરિવર્તન સ્વીકારવા જોઈએ. તમારા શરૂઆતના વિઝનને વળગી ન રહેવું જોઈએ. સ્વીકાર કરવાનું શીખો, નવીનતા લાવો અને નવી તકો શોધો. એક પ્રવાસીની જેમ આગળ વધો. તે શહેર સાથે જોડાયેલ હોતો નથી. તે કોઈ શહેરની મુલાકાત લે છે, કોઈ હોટેલમાં ઉતરે છે અને પ્રવાસની મજા માણીને આગળ વધે છે.
કોઈ પણ મુદ્દે જક્કી કે જિદી વલણ ન અપનાવવું જોઈએ. મનને નવા વિચારો સ્વીકારવા તૈયાર કરો. જેટલી ઝડપથી તમે પરિવર્તન સ્વીકારશો, તેટલું જ તમારા માટે ઉચિત છે. યાદ રાખો, પરિવર્તન પ્રકૃતિનો નિયમ છે.
ગીતામાં કૃષ્ણ અર્જનને કહે છે કે, “પાર્થ, ક્રોધમાંથી મોહ જન્મે છે, મોહથી સ્મૃતિમાં ભ્રમ પેદા થાય, સ્મૃતિમાં ભ્રમ થવાથી બુદ્ધનો નાશ થાય છે અને બુદ્ધિનો નાશ થવાથી સર્વનાશ થાય છે.”
એટલે ક્રોધને નિયંત્રણમાં રાખવો દરેક ઉદ્યોગસાહસિક માટે આવશ્યક છે. ક્રોધ તમારી ક્ષમતાનો નાશ કરે છે અને તેમને વિચલિત કરે છે. ક્રોધથી મૂંઝવણ પેદા થાય અને મૂંઝવણમાંથી અવ્યવસ્થા સર્જાય છે. તેના પગલે તમે તમારા લક્ષ્યાંકને જ ભૂલી જાવ છો. જે વ્યક્તિ દિશા ભૂલી જાય છે તેને ક્યારેય મંઝિલ મળતી નથી. એટલે ક્રોધને કાબૂમાં રાખો, તમારા લક્ષ્યાંક સ્પષ્ટ રાખો, પછી જુઓ સફળતા તમારા કદમ ચૂમશે.
અહીં કૃષ્ણ અર્જુનને કાર્ય પ્રત્યે આસક્ત ન થવાની સલાહ આપે છે. કર્મ કરો, પણ તેની સાથે બંધાઈ ન જાવ. તમારે કર્મને પ્રેમ કરવો જોઈએ, પણ એક મર્યાદામાં. સાથે સાથે તેઓ ઇચ્છાઓને નિયંત્રણમાં રાખવાની સલાહ આપે છે. કોઈ ચીજવસ્તુ મેળવવાની કે કશું પામવાની ઝંખના નુકસાન કરી શકે છે. તે લાંબા ગાળે લોભમાં ફેરવાઈ જાય છે અને તમને તમારા પોતીકાપણાથી જ દૂર લઈ જાય છે. તમે તમારા મૂળને જ ભૂલી જાવ છો અને તમારી અંદર રહેલી સ્વાભાવિકતા ગુમાવી દો છો.
એટલે તમારા કાર્ય પ્રત્યે વધુ લગાવ ન રાખો, કારણ કે તેનાથી તમારી ઉદ્યોગસાહસિકતાની સફર જટિલ બનશે. તમારે ક્યાંય થંભી જવાનું નથી. સતત વહેતાં રહો. જીવનમાં જે મળે છે તેને સ્વીકારો, ન મળે તેનો શોક ન કરો.
આ શ્લોક સરળ છે, પણ તેનો અર્થ બહુ ઊંડો છે. તેનો સંબંધ વિવેકબુદ્ધિ સાથે છે. તમારે શું છોડવું જોઈએ અને શું પસંદ કરવું જોઈએ તેનો વિવેક તમારી પાસે હોવો જોઈએ. દરેક ઉદ્યોગસાહસિકે આ ગુણ કેળવવો જોઈએ. તેનાથી તમારી અંદર તમારા માટે શું કામનું છે અને શું વ્યર્થ છે તેનો વિવેક ખીલે છે. દુનિયામાં દરેક વસ્તુ દરેક વ્યક્તિ માટે કામની હોતી નથી. તમારે તમારી પૃષ્ઠભૂમિ અને જરૂરિયાત સમજીને પસંદગી કરવાની હોય છે. શાણો માણસ એ જ છે જે પોતાના લાભ-હાનિને સમજે છે.
મને ભગવાનમાં અતૂટ શ્રદ્ધા છે. સારું નરસું એ બરાબર ઓળખે છે. મહેનત અને પ્રમાણિકપણે કામ કરનારને કોઈ દિવસ એ અપયશ નહિ આપે, નિરાશ નહિ કરે.
છેલ્લે જતા જતા એક વાત કહેતો જાવું છું કે તમારા ઉદ્યોગ ધંધામાં કામ કરતા કામદારો અને નાના કર્મચારીઓ પ્રત્યે આદરની ભાવના રાખવી . તેમને પૂરો માન સન્માન આપો. તેઓની દરેક દરેક વાતને ધ્યાને લો. તેમને જેટલું શક્ય થાય તેટલું આપતા જાઓ. ભગવાન કોઈ દિવસ તમને નિરાશ નહિ કરે અને ઉદ્યોગ ધંધામાં બરકત રાખશે તેમની દુઆ અને આશીર્વાદ જ તમારો નફો છે એવી ભાવના રાખવી.
આ મારો જાત અનુભવ તમને કહું છે. બીજા માટે ભલે ગ્રાહક ભગવાન હોય પણ મારા માટે મારા કામદાર ભાઈઓ અને કર્મચારીઓ જ મારા ભગવાન છે અને તેમના થકી જ હું કમાવી રહ્યો છું . કેમ કે અમારા કર્મચારીઓ મારા ઉત્પાદનની માર્કેટિંગ કરે છે અને ગ્રાહકોને આકર્ષે છે તે માટે વિવિધ સ્કીમો પણ આપે છે. જેમ કે ડિસ્કાઉન્ટ કે એક પર એક ફ્રી વિગેરે .ખાસ વાત એટલે કામદારો અને ઉત્પાદન સાથે સંકળાયેલા ,અધિકારીઓ ,કર્મચારીઓ ઉત્પાદનની ગુણવત્તા સતત ટકાવી રાખવા પ્રયત્નશીલ હોય છે.
બંને હાથ જોડી નમ્રતાથી બધાનો આભાર વ્યક્ત કરતા અંતે બોલ્યા ,આશા છે યુવાન ઉધોગ સાહસિકો મારા સફળતાનાં રહસ્યો અને મંત્રનો અવલંબ કરે તો ચોક્કસ સફળતા તમારા ચારણ ચૂમશે .
ધન્યવાદ…
તાળીઓના ગડગડાથી આખો હોલ ગુંજી ઉઠ્યો
**********************************************************************************
સામાજિક જવાબદારીઓ
તાળીઓના ગડગડાથી તેઓને બિરદાવ્યા હતા .માહોલ હર્ષ અને ઉત્સાહની લાગણીથી છલકાતો હતો.
રાટ્રપતિ મહોદય આગળ આવી તેમને "ઉદ્યોગ રત્ન" એવોર્ડથી નવાજ્યા હતા.
મુખ્ય પ્રધાને તેમના પ્રવચનમાં કહ્યું," કે શ્રીમાન શાલિગ્રામ શેઠના એક સફળ ઉદ્યોગપતિ જ નહિ પણ સફળ પતિ પણ છે અને કેટલાય અનાથ બાળકો,કન્યાઓ અને વીરગતિને પામેલ વીર જવાનોના પિતા સમાન છે
આજ આખા દેશમાં તેમના આઠ જગ્યાએ અનાથશ્રમ ચાલે છે, દર વર્ષે ગરીબ,આદિવાસી પરિવારની દીકરીઓને પરણાવે છે અને એટલુંજ નહિ કન્યાદાન પણ કરે છે, અપંગોને સ્વનિર્ભર બનાવે છે, નિરાધાર મહિલાઓ માટે સ્વરોજગાર ઉપલબ્ધ રહે તે માટે સહાય કરે છે અને સર્વોપરી એટલે આપણા દેશના વીરગતિ પામેલ ઝાંબાઝ સૈનીકોના લગભગ ૧૦૦ જેટલા પરિવારોનું ભરણપોષણ કરે છે . મંદ બુદ્ધિના બાળકોને અલગથી સારવાર કરી તેમની બુદ્ધિ વિકસે તેવા પ્રયાસો કરે છે .
તેમને જીવદયા માટે પણ અનેક કર્યો હાથ ધાર્યા છે.કેટલાય જગ્યાએ ગૌ શાળા ચાલુ કરાવી છે અને તેનો ખર્ચ સ્વયં પોતે કરે છે. એમની કોઈ પણ કંપનીના કોઈ પણ કર્મચારી માંદો હોય અને હોસ્પિટલે દાખલ કર્યો હોય તો જાતે જ એમની ખબર લેવા પહોંચી જાય છે પછીજ ઑફિસે જાય છે. નાના ઉદ્યોગકારોના પ્રોત્સાહન માટે છાશવારે મેનેજમેન્ટના સેમિનાર પણ રાખે છે
આટલા મોટા અબજોપતિ ઉદ્યોગપતિ હોવા છતાંય કોઈને એમ થશે કે કેટલા મોટા મહેલમાં રહેતા હશે,કેટલાય નોકર ચાકર હશે, આંગણામાં કેટલીય ગાડીઓ હશે .અને રોજે રોજ અવનવા ફેશનના કપડાં પહેરતા હશે .
પણ તેવું બિલકુલ નથી. તેઓ એકદમ સાદાઈથી જીવન જીવે છે . ફક્ત સફેદ શર્ટ અને કાળી પેન્ટ આ તેમનો પોશાક, કોઈ સૂટ નહિ કે સફારી નહિ. ૨૫-૩૫ વર્ષના યુવાનોને શરમાવે તેવું વ્યક્તિમત્વ, તેવું શરીર રાખ્યું છે. ૮૫ વર્ષની ઉંમરે પણ સવારે ૫ વાગે ઉઠી જય તે રાતના ૧૧ વાગ્યા સુધી કામ કરે છે .૬ કલાકની ઊંઘ લે છે .આંગણે બે જ ગાડીઓ તે પણ દેશમાં ઉત્પાદિત થયેલી . અને ૩ બેડરૂમ હોલ કિચનના ફ્લેટમાં છેલ્લા ૨૦ વર્ષથી રહે છે .તેમના પત્ની ફક્ત સાડી ,કાનમાં બુટ્ટી, એક હાથમાં કાંડા ઘડિયાળ અને એક હાથમાં બંગડીઓ પહેરે છે અને મંગળસૂત્ર જ પહેરે છે. એ સિવાય બીજા કોઈ જ અલંકાર પહેરતા નથી. કોઈક વાર એમના પત્ની કશે જવાનું હોય તો રિક્ષામાં બેસીને જાય છે જેથી રીક્ષાવાળાને બે પૈસા કમાવવા મળે. ઘરે બે જ કામવાળા રાખેલા.રસોઈ તો એમના પત્ની શ્રેયાબહેન જ બનાવે છે. શેઠનાજી ગાડી પણ પોતેજ હંકારી જતા. હમણાં ઉંમરને લીધે છેલ્લા ૫ વર્ષથી ડ્રાયવર રાખ્યો છે.
પાણીની અછત અને બિલકુલ ઓછા વરસાદને લીધે ખેડૂતો આત્મહત્યા કરવા લાગ્યા ત્યારે એમનું દિલ દ્રવી ઉઠ્યું. જગતના તાતની શી હાલત છે? એમને નિર્ણય કર્યો જે ગામના ખેડૂતોએ આત્મહત્યા કરી હતી તે ખેડૂતોના પરિવારની જવાબદારી એમને ઉપાડી લીધી. આજે લગભગ ૬૦ થી ૭૫ ખેડૂતોના પરિવારનો ચૂલો સળગતો રાખ્યો છે અને એમના પરિવારના કેટલાય યુવાન યુવતિઓને પોતાની નજીકની કંપની અને ઑફિસે કામે લગાડ્યા છે. આજુબાજુના ૧૦ ગામો પણ દત્તક લીધા છે. ગરીબ પરિવારના ભણતા બાળકો શિક્ષણથી વંચિત ન થાય એટલે એવા બાળકોનો ભણતરનો ખર્ચ પોતેજ કરે છે
તેમના પ્લાન્ટ જ્યાં જ્યાં છે ત્યાં ત્યાં કામદારો અને નિમ્ન કર્મચારીઓ માટે વસાહતો બનાવી છે,આવાસો બનાવ્યા છે ,એપાર્ટમેન્ટ બાંધ્યા છે અને ટાઉનશીપ ઉભા કર્યા છે
તેમને મળેલા વર્ષના પુરસ્કારો :
પદ્મ ભૂષણ (દેશનો 3rd ઉચ્ચતમ નાગરિક પુરસ્કાર)
બિઝનેસ મેનેજમેન્ટનો માનદ એમ ફીલ પુરસ્કાર
અન્ય ૪ દેશના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર
ટેકનોલોજીના માનદ ડૉક્ટર પુરસ્કાર
આંતરરાષ્ટ્રીય અપંગ સહાય ઉપલબ્ધિ પુરસ્કાર
સમાજની દીકરીઓની પરણાવી કરિયાવર આપી “પરોપકાર પુરસ્કાર”
દેશના વીરગતિ પામેલ સૈનિકોના પરિવારની દેખરેખ માટે સર્વોચ્ચ “સેના સહાયક પુરસ્કાર “
અને
આ વર્ષે એક નવો પુરસ્કાર ઉમેરાયો." ઉદ્યોગ રત્ન "પુરસ્કાર
અને મુખ્ય પ્રધાનના વરદ હસ્તે સમાજ સેવા ક્ષેત્રે આપેલ યોગદાન માટે દેશનો સર્વોચ્ચ પુરસ્કાર "દાદા પુરંદરે સેવક રત્ન " એનાયત થયો
તેમની નિખાલસતા આપણે અહીં જોવા મળે છે કે આ બધા મળેલા પુરસ્કારો તેમને તેમના પત્ની શ્રેયાબહેનને" અર્પણ કરે છે અને દરેક પુરસ્કાર પણ તેમને એનાયત કરવાનો આગ્રહ કરે છે
આજની યુવાપેઢી અને યુવા ઉદ્યોગીઓને શ્રીમાન શાલિગ્રામ શેઠના પ્રેરણા સ્ત્રોત છે. રાજ્યના શ્રમમંત્રીએ શ્રીમાન શાલિગ્રામ શેઠના ,રાષ્ટ્રપતિ મહોદય,મુખ્ય પ્રધાન, ઉદ્યોગ પ્રધાન અને અન્ય મહાનુભવો ,ઉપસ્થિત આમંત્રિતોનો સહૃદય આભાર માન્યો
****************************************************************************************************
સમાપ્ત
