ધનજી બાપુનું સપનું*
ધનજી બાપુનું સપનું*
ધનજી બાપુનું સપનું*
"**********************************************************************************************
ધનજીભાઈ રાનપરીયાની ઢોલિયા ગામે ખેતી હતી પણ ખેતીમાં બહુ ઉપજતું નહોતો. એટલે ખેતી ભાડે આપી શહેરમાં બંને પુત્રોની સાથે રહેવા આવી ગયા હતા. વર્ષે એક બે વાર ગામડે આંટો મારી આવે અને ખેતીવાડીની હાલ પૂછતા આવે.સગાવહાલા,મિત્રોને મળતાં આવે.
ધનજીભાઈને બે પુત્રો. મોટો જગદીશ એટલે જગલો નાનો પુત્ર વિનય એટલે વિન્યો.બંને પુત્રો પરિણીત હતા. મોટી વહુ રૂપા એટલે રૂપલી..નાની વહુ સંગીતા એટલે સંગી. મોટી રૂપલી ઘર ગ્રહસ્તીમાં સાસુ રંજનબહેનને મદદરૂપ થઈ સાચવતી હતી. જ્યારે નાની વહુ સંગી ખાનગી નોકરી કરતી હતી.
મોટા પુત્ર જગલાને પણ બે પુત્રો હતા.એક ૧૫ વર્ષનો અને નાનો ૧૦ વર્ષનો.નાના પુત્ર વિન્યાને ૪ વર્ષની પુત્રી હતી. એટલે ગણો..તો ૬ મોટા માથા અને ત્રણ નાના માથા કુલ ૯ જણનો પરિવાર
ધનજીભાઈ જ્યારથી શહેરમાં પુત્રો સાથે રહેવા આવ્યા ત્યારથી એક નિયમ બનાવેલો. ચા,નાસ્તો બે સમયનું ભોજન બધાયે સાથે બેસીને કરવાનું. બંને પુત્રો પણ સમજુ હતા. બંને ભાઈઓ વચ્ચે કોઈ અંટસ નહોતી.
બપોરના ભોજનનું તો રવિવારે અથવા તહેવારોની રજા હોય તે દિવસે જ મેળ પડતો.
"હારો બધા ચા નાસ્તો કરવા.."
રંજનબહેને આઠ વાગે બધાને ચા નાસ્તો કરવા બોલાવ્યા.
ખુરસી ગોઠવતા બાપુ બોલ્યા," ઇ બધા હાંભળો..મને સે ને કાલે સપનું આયું તું રાતના."
" હેં..હું સપનું આયુ તું કીઓ .." રંજનબહેન બોલ્યા.
" સે ને મારા સપનામાં ભગવાન આયા થા.મને કેતા'તા કે ભૈ પંદર દિન પસી તમારે એકલાએ અહી આવવાનું સે."
"મે પુસ્યું ભગવાનને " કયા આવવાનું સ" ?
ભગવાને ક્યે," અહી અમારા દરબારમાં. કાયમ માટે.એટલે તમ તમારે તમારું દહમું ,બારમું ને તેરમાંની વિધિ જીવતે જીવ કરાવી લ્યો. છાપામાં પણ તમારી બેસણાની જાહેરાત આપી દ્યો.
અને ૧૪માં દીને તમારું જ શ્રાધ્ધ પણ તમારી દેખત કરાવી લ્યો."
બાપુની સપનાની વાત સાંભળી બધાના પેટમાં ફાળ પડી. કોઈની ચાની રકાબી મોઢે લગાડેલી રહી ગઈ તો કોઈ ભાખરીનો ટુકડો મોંમા મમળાવતા જ રહી ગયા. શહેરમાં આવ્યા એટલે ગામડાની ભાષા ઓછું બોલતા થયા હતા.
"હેં.......હું બોલો સો.. હારુ હારુ બોલો ને? પત્ની રંજનબહેન તાડુકી ઉઠ્યા.
અચાનક માવજી કાકા આવી ચઢ્યા.
"આઓ કાકા.બેહો.ચા બા લ્યો." જગલો આવકારતા બોલ્યો. માવજીભાઈ ધનજીભાઈનો બાળપણના લંગોટી દોસ્ત.
"હું થીયું"? માવજીભાઈએ સવાલ કર્યો.
" જો ની માવજીભાઈ આ તમારાં ભાઈબંધ ક્યે સે કે"...અને રંજનબહેને પતિને આવેલા સપનાની વાત કરી
" રંજન ભાભી આ તમારા “ ઇ” ની સે ને મગજની ડાળખી ચસકી ગઈ સે એવું લાગે સે." તાવ બાવ તો નથી ચઢયોને મગજ માં? ડોકટરને બતાવી દયો."
"અલ્યા, ધન્યા..આ સુ લવારા કરસ? ભાન બીનમાં નહી કે સુ? કાલે ભાંગ પીધી કે સુ?"
"અલ્યા , માવજ્યા નહિ તેવું કઈ. હાચ્ચુ કેવ સુ..પણ તમે લોકો ચેમ નથી મોનતા? "
" હારુ ભૈ..કર તને યોગ્ય લોગે તમ." માવજીભાઈ બોલ્યા.
"અલ્યા, વિન્યા કાલે સાપામાં ખબર આપી દે મારું બેહણું છે હાંજે ૪ થી ૬ માં."
"ઇ પણ સપનામાં કહ્યુ ભગવાને?" વિન્યો બોલ્યો.
" હા" ઈ પણ કહ્યું'તુ"
"હેં..બાપુ આ સુ કયો સો તમે?"
"હા..લા ..જગ્લા ! હાચુ જ કેવ સુ. સપનું આયુ થું."
નાનો વીન્યો કહે , "હા બાપુ તો ક્યાં ભગવાન આવ્યાતા સપનામાં?"
" ભૈલા ઇ તો ની ખબર. કુણ જાણે દેખાના ની બરાબર. ઓળખાના નહી".
" શામળા હતા? માથે મુકુટ હતો?હાથમાં વાંસળી હતી?" વિન્યો બોલ્યો.
"ના ભૈ..."
"તો? માથે જટા હતી? હાથમાં ત્રિશૂળ હતું? વાઘનું ચામડું પેહર્યું હતું?" જગ્લો બોલ્યો.
"ના ઈ પણ નોતાં"
" ગોરા હતા? હાથમાં કામઠું હતું? પાછળ પીઠ પર તીર મૂકેલા હતા? માથે સોનેરી મુકુટ હતો?
" ની.બરાબર નહિ દેખાણા. કૈક ઢોર હતું સાથે."
જગ્લાનું માથું ઠનક્યું." ભગવાન કાળા હતા? ભેંસ કે પાડા જેવું ઢોર હતું?"
" હોવ.. ઈ જ હતું"
" બાપુ... ઈ તો યમદૂત હતા. તમને તેડવા આવ્યા હશે. તમારી વાત હાચી લાગે હો."
"હાય માં....." એવું ની બોલ જગલાં.." રંજનબહેન પોકારી ઉઠ્યા.
.ભૈલાઓ દહમાં, બારમા, તેરમાની વિધિ કરાવી નાખીએ મારા જીવતે જીવ. કુણ જાણે મારા ગીયા પસી તમે કરો ની કરો. અને ૧૪ દીને મારા દેખત શ્રાદ્ધ પણ કરી નાખો.મે મારા બાપુ,કાકા, મામા ફુવા,માસા બધાઈનું જોયું સે પણ મારે મારી નરી આંખે મારી અંતિમ વિધિ ક્રિયાઓ જોવી સે."
"હારુ બાપુ..હવે ગોર મા'રાજ ને પુસી જોવ હા પાડે તો કાલે જ ગોઠવી દઈએ." જગ્લો બોલ્યો.
જગલાએ મહારાજને ફોન કર્યો. દસમાં,બારમા,તેરમા અને શ્રાદ્ધની વિધિની વાત કરી. મહારાજ પણ નવાઈ પામતા બોલ્યા, " હેં.....! શી વાત કરો સો.આવું કેવું બને? જીવતે જીવ આ બધી મરણ ક્રિયાઓ? વાત મગજમાં નથી ગોઠવાતી હોં જગદીશ ભાઈ."
" અલ્યા, મા'રાજભાઈ તમ તમારે હાયલા આવો ને..તમારી દક્ષિણા કેટલી થશે તે કહી દયો.."
"હારુ આવી પોકિ જઈશ દહ વાગે".
"અને હા મા' રાજ ભૈ, બધો સામાન તમે લેતાં આવો હોં..અમને કોઈને સુજ ની પડે"
" હારુ ભૈ. લેતો આવીશ"
"બાપુ..કાલે હવારે દહ વાઈગે મારાજ પોકી જશે અહીં. પસી તમારી હામે વિધિ કરશે. તમે જોતા જજો."
"હારુ.."
ગોર મહારાજ દસના ટકોરે આવી પહોંચ્યા. બંને ભાઈઓનું મુંડન કરાવડાવ્યું.પહેલાં દસમાંની વિધિ શરૂ કરી. એ પત્યા પછી બારમા અને તેરમાંની વિધિ ચાલુ થઈ. મહારાજે પિતૃ તર્પણ, પિંડદાન કરાવડાવ્યું. છત પર વાસ પણ નાખ્યો.
પછી બાપુને છતપર લઈ ગયા. ત્યાં પાટલા પર બેસાડી મૂકેલો કાગવાસ આરોગવા કહ્યું. બાપુ રિસાયા. મોંમા કોળિયો નહોતા ભરતા. બધા માથું ખજવાળતા હતા.હવે શું બાકી રહી ગયું હશે કાગવાસમાં? કોઈની બત્તી ઝળકી
એ જગલા ભૈ," કાગવાસમાં સાટો નાઈખો ત્યો?
વિન્યો બોલ્યો" દાળ ભાતમાં તો સોખ્ખા ઘીનો સાટો નાઈખોત્યો મમ્મીએ.
પેલો કુટુંબી જન માથે હાથ અફાળતા બોલ્યો," ભૈ.. ઈ સાટો ની...પેલો સાટો. બાટલીવાળો સાટો.
" એ હા.. ઈ રહી ગ્યુ" જગલો બોલ્યો.
ઘરમાં ફ્રીઝમાં એક બોટલ હતી. વિન્યો તરત જઈને લઇ આવ્યો.જાતેજ બાટલીનું ઢાંકણું ખોલ્યું અને જમણા હાથના આંગળીઓથી ટીપાં કાગવાસમાં છાટયાં. ત્યારે કઈ બાપુએ કાગવાસ આરોગ્યો.
બાપુને એક ખાટલા પર બેસાડી રાખ્યા હતા. મૂંગા મંતર બેઠી બધું જોયા કરતા હતાં. રંજનબહેન ભીની આંખે બધું જોયા કરતા હતા. મનમાં વિચારતા હતા કે એવું સપનું આવ્યું? વિચિત્ર?
વિધિમાં અન્ય કુટુંબીજનો પણ આવ્યા હતા. દસ દિવસનું સૂતક પણ રાખ્યું હતું.ચૌદમાં દિવસે સવારે દસ વાગે નદી કિનારે શ્રાદ્ધનું પિતૃ તર્પણ, પિંડદાન માટે બધા ગયા. સાથે થોડાક નજીકના કુટુંબીજનો પણ હતા.
શ્રાદ્ધની વિધિ શરૂ કરી.મોટો પુત્ર જગદીશ વિધિમાં બેઠો હતો . ધનજી બાપુને એક ખાટલા પર બેસાડી રાખ્યા.
વાસમાં બધું ભેગું હતું. ખીર,દાળ ભાત,પૂરીના ટુકડા, કચુંબર, રાયતું, કેળાના, ગલકાના ભજીયા,તળેલી પાપડી.
" ઓયે..આ બધું ભેગું કરી ખવરાવસો ? અને દારૂનો છાંટો તો નાઈખો નથી વાસમાં.?ખાટલા પર બેઠા બેઠા ધનજીભાઈ ટાપસી પુરવતા હતા.
એક કુટુંબીજને અધવચ્ચેથી ટીખળ કરી. " બાપુ, તમે તો મરી ગયા ને.તો મરેલાઓને તો વાસમાં ભેગુ કરી ને ખવરાવે?" અને વાસની બાજુમાં બોટલ તો છે જોઈ નથી? પેટમાં તો બધું ભેગું થવાનું સે તો છાના માના આરોગોને..અમને હો ભૂખ લાઈગી સે. ઘરે પોઈરાવ ભૂખ્યા ટળવળી રહ્યા સે."
"અલ્યા બોટલ તો અડધી ખાલી સે. મારે તો આખ્ખી બાટલી જોઈસ . કોઈએ ગટગટાવી સે લાગે સે.અધુડી પદુડી બાટલી નો હાલે. મારો આત્મા તૃપ્ત ની ભી થાય." ધનજીભાઈ બોલ્યા.
જગલાએ મોટા દીકરાને તાત્કાલિક દારૂની બાટલી લેવા દોડાવ્યો. હાંફતો હાંફતો દીકરો બાટલી લઈને આવ્યો અને કાગવાસની બાજુમાં મૂકી દીધી.
ધનજી બાપુની સામે જ જેમ દાળ ભાતમાં ઘી નાખીએ તેમ વાસમાં દારૂના થોડા ટીપા નાખ્યાં .બાપુને સંતોષ થયો.
હાજર કુટુંબીજનોમાંથી કોઈ ટીખળ કરી "અલ્યા કોઈ કાગડો તો દેખાતો નથી."
બીજો કહે" આવડો મોટો કાગડો ખાટલે બેસેલો દેખાતો નથી?"
"ઓ ..કાગડા બાપુ..સોરી ધનજી બાપુ હવે ઝાપડોની બધું તો આલ્યું સે કાગવાસમાં. કઈ બાકી નથી રે'તું. પોઇરાવના પેટમાં પણ કાગડા બોલી રિયા સે" એક કુટુંબી જન બોલ્યો.
" હા સાલો.. ઝાપડું સુ"
એક પાટલા પર ધનજી બાપુ બેઠા.સામે એક પાટલા પર ખાખરની પત્રાવલીમાં કાગવાસ મૂક્યો હતો.બધું ભેગું હતું.ખાવાનું મન નહોતું થતું.મનમાં વિચારતાં હતા કે સાલું મારા બાપા કાકાએ કેમનું ખાદુ હસે? પછી ખ્યાલ આવ્યો કે કાગવાસ તો કાગડો ખાય સે.હું તો જીવતો સુ.. જીવતે જીવ જ આ બધું મોંમા નાખવાનું સે. સાલ ધન્યા મૂંગા મૂંગા ખાવા માંડ.
બસ બીજીજ મિનિટે ખાવાનું ચાલુ કર્યું. એક વાસ ખાતા ખાતા અડધો કલાક થયો. છેલ્લે મોએ બાટલી ચઢાવી અને ગટગટ ગટગટાવી ગયા.
હાશ.....સંતોષનો ઓડકાર કરતા ધનજી બાપુ પાટલા પરથી ઊભા થયા. બધી વિધિ પતાવી બધા ઘરે આવ્યા.
"બાપુ તમે જોઈ લીધી તમારી મરણોત્તરની વિધિઓ નરી આંખે? " જગલો બોલ્યો.
"હમમ..મારો આત્મા જીવતે જીવ તૃપ્ત પામ્યો સે.હવે હું મરી જાવ તો પણ તમારે કોઈ વિધિ કરવાની નહિ રેસે"
સાંજે,રાત્રે બધા ભેગા થયા.ભેગા મળી ભોજન કરવા બેઠા.ભોજન પછી ગપ્પા માર્યા. ટી.વી પર સમાચારો જોયા. માવજીભાઈ પણ આવી ચઢ્યા હતા. એમની જોડે બાળપણની વાતો કરતા કરતા ૧૧ વાગી ગયા હતા. બધાએ પોતપોતાના રૂમમાં નીંદર માણવા ગયા.
છેલ્લે માવજી ભાઈ પણ ઘરે જવા નીકળી ગયા. લગભગ ૧૧.૧૦ ના સમયે ધનજી બાપુ પણ રૂમમાં આવ્યા. પંદર મિનિટ બાદ રંજનબહેન પણ પરવારી રૂમમાં આવ્યા.
"રણજી, આજે મારા જીવને સોંતી થઈ. " ધનજી બાપા બોલ્યા.
"એ વિન્યાના બાપુ તમે હાચુ કયો સો સપનું આયુ થું?" રંજનબહેન સવાલ કર્યો.
"અલી,બધી વિધિઓ થય ગય તો પણ પૂસે સે..હું કઈ ગોન્ડો સુ?" ચાલ હુવા દે મને
"હારુ, હુઈ જાવ"
પાંચ ચ મિનિટમાં ધનજીભાઈના નસકોરા બોલતા થયા.સવારે રોજની જેમ બધા ચા નાસ્તો કરવા ભેગા થયા. ધનજી બાપા હજુ સૂતેલા હતા. રાતના ચઢી ગઈ હશે એટલે સૂઈ થયા.
વિન્યો ઉઠાડવા જતો હતો પણ રંજન બહેન એણે રોકતા બોલ્યા," અલ્યા હુવા દે તારા બાપા ને.કાલે બહુ ખાઈ પી લીધું અને આજે સૂઈ રહ્યા સે તો હુવા દે. પાસુ બીજું કોઈ સપનું લેતા આવી જહે.હુવા દે."
બધા ચાની ચૂસકી મારતા હતા. જગલાનો મોટો દીકરો આવ્યો. એણે દાદા નહિ દેખાતા કોઈને પૂછ્યા વગર સીધો એમને ઉઠાડવા રૂમમાં ગયો. દાદાને ઉઠાડવા બૂમો પાડી પણ દાદા ઉઠતા નહોતા. દાદી એણે રોક્યા કે હુવા દે દાદાને.
થોડી વાર પછી નાની વહુ ગઈ રૂમમાં ઉઠાડવા.પણ દાદા ટસ કે મસ થયા નહિ. એમને શંકા લાગી એટલે પતિને અને જગલાને બૂમો પાડી બોલાવ્યા.
" ઇ ખૂબ ખૂબ આભાર
“ઇ હાંભળો મોટા ભાઈ,રુચિના પપ્પા જુઓને બાપુ હલતાય નથી.બધા દોડીને ગયા. જગલાએ કોશિશ કરી, વિન્યાએ પણ કોશીશ કરી.
વિન્યો દોડતો દોડતો નજીકના ડોકટરને બોલાવવા ગયો ડોકટરે ચેક કર્યું.નિસાસો નાખતાં અને ધનજી બાપુની ખુલી આંખ બંદ કરતા બોલ્યા, " બાપુ તો ઉપડી ગયા પરમધામ "
બધાને ખરેખર સપનું સાચું લાગ્યું. બાપુએ કહ્યા મુજબ કોઈ સૂતક નહિ પાળવાનું કે કોઈ વિધિઓ નહિ કરવાની.અંતિમ સંસ્કાર પણ નહિ કરવાના.જીવતે જીવ બધું થઈ ગયું.ફક્ત સ્મશાનમાં અગ્નિ દાહ આપી દ્યો અને છૂટા પડી પોતપોતાના કામે ધંધે લાગી જાઓ.
**********************************************************************************************
સમાપ્ત
ભરતચંદ્ર શાહ
