પટક પટક બાટા
પટક પટક બાટા
અમદાવાદના સેટેલાઈટ એરિયાના સ્પ્રિંગરોલ અપાર્ટમેન્ટની સ્પ્રિંગ જેમફરતી ગ્લાસવાળી આધુનિક લિફ્ટ ગ્રાઉન્ડફ્લોર પર અટકી અને લિફ્ટમેનએ લિફટનું ડોરખોલી થોડીક રાહ જોઈ પણ અર્ણવનું ધ્યાન એ તરફ હતું જ નહિ! ઉપરથી કોઈ લિફ્ટ બોલાવી રહ્યું હતું એટલે લિફ્ટમેનએ અવાજ દીધો, “અર્ણવસા’બ ચાલો.” અને અવાજથી અર્ણવ ચમક્યોઅને લિફ્ટમાં પ્રવેશ્યો.
રોજ લિફ્ટમેન સાથે હસીને ‘કેમ છો આલુચાચા?’ કરતા અર્ણવનેઆજ ખોવાયેલો જોઈને લિફ્ટમેન અબ્દુલ વિચારમાં પડ્યો કે આજે અર્ણવસા’બને શું થયું?
ફોર બી.એચ.કે.નાં પોતાના આલીશાન ફ્લેટમાં પહોંચતાં જ અર્ણવે ડનલોપના પોચા સોફામાં પોતાની જાતને પડતી મૂકી અને માથું અઢેલી પગ સામે પડેલી કાચની ટીપોઈ પર લંબાવ્યા. ત્યાંજ મધુર ટહુકા જેમ બોલતી એની દીકરી વાચા આવી અને દોડીને સોફા પર ચડી પપ્પાના ખોળામાં પડતું મૂકી ગળામાં એના નાજુક નાના નાના હાથ વીંટાળી ગાલે બકી ભરી હસતી હસતી ગાવા લાગી, “તેરી લાડકી મેં....” એનો ખીલ ખીલ દુધિયા દાંતવાળો મીઠડો ચહેરો જોઈ અર્ણવ થોડીવાર બધું ભૂલીને એની સામે હસી રહ્યો. ત્યાં જ એની પત્ની અસ્મિતા પાણી સાથે ચાનો કપ અને પ્લેટમાં નાસ્તો લઈને હસતી હસતી આવી અને એની બેબી કૂદકો મારતી ફરી અંદર એની બહેનપણીઓ અને એની બાર્બીડોલ સાથે રમવા જતી રહી.
અસ્મિતા-અર્ણવનીપત્ની, આમ તો ભાવનગરના નાના એવા ગામમાં મોટી થયેલી પણ ‘ભાવનગર’ જેવા ગુણ એનામાં ભારોભાર હતા. સાસરે આવી ત્યારથી એને સાસરીમાં ક્યારેય કોઈ સાથે મગજમારી કે બોલાચાલી ન’તી થઈ. અર્ણવના મમ્મી-એના સાસુ સાથે પણ અસ્મિતાને બહુ ફાવતું, જાણેમા-દીકરી! અને અર્ણવના મમ્મીનો સ્વભાવ એમ પણ ખૂબ ઠંડો અને સરળ.
અર્ણવના પપ્પા તો એ ચૌદ વરસનો હતો ત્યારે એક રાતે સૂતાં અને ઊંઘમાં જ અટેક આવી જતાં એ ક્યારેય ઉઠયા જનહિ! અર્ણવનાં મમ્મીના સરળ સ્વભાવને લીધે મોટા કુટુંબમાં પણ બધાનો વહેવાર હંમેશાસચવાયેલો જ રહ્યો. અને અસ્મિતા પણ એવી જ આવી કે કુટુંબનો સંપ અને વહેવાર સાસુનાપગલે એણે જાળવી રાખ્યા અને અર્ણવને ગમે એમ જમાના પ્રમાણે તાલ મેળવી એની કંપનીનીપાર્ટીસ, ફંકશન્સ કે ગૃપ બધે શોભે એવું એનું વ્યક્તિત્વ હતું.
ભલે નાનાસેન્ટરમાં રહેતી, પણ શહેરમાં હોસ્ટેલમાં રહી અસ્મિતા મોર્ડન પણ હતી અને કુટુંબભાવનાથી રહેવાના સંસ્કારનું સાયુજ્ય પણ એનામાં હતું જે અર્ણવના ઘરને ‘ઘર’ અને અર્ણવને એક પૂર્ણતા બક્ષતું હતું.
અર્ણવના પપ્પા જુનાગઢમાં એક નાની દુકાન ચલાવતા અને અર્ણવ એક જ સંતાન એટલે ખાધે-પીધે અને શાંતિ. સુખી એવું આ નાનું કુટુંબ કિલ્લોલથી જીવતું.
અર્ણવના મમ્મી થોડામાં પણ સુખી રહી ઘરચલાવતા. અર્ણવના પપ્પાના ગયા પછી પણ એમણે કોઈ ખોટી કાગારોળ કે દુ:ખના રોદણાંરડવાને બદલે ખુમારીથી દુકાન ચલાવી અર્ણવને ભણાવેલ. આજે અર્ણવ એક મલ્ટીનેશનલકંપનીમાં ઊંચા હોદા પર અમદાવાદમાં ફોર બી.એચ.કે. ફ્લેટ અને આધુનિકતાથી ભરપુર તમામ સગવડથી રહી શકે એટલો એનો પગાર હતો અને હૈયું ઠરે એવી પત્ની હતી. આખા અપાર્ટમેન્ટને વહાલીલાગે અને લિફ્ટમેનને આલુચાચાઆ... કહી પતંગિયાની જેમ ઊડતી રહેતી વાચા જેવી ઢીંગલી હતી. બસ, એકદમ પ્રેમાળ અને વહાલી મમ્મી એક મહિના પહેલા બધાને છોડીને જતી રહી હતી!
અર્ણવના મમ્મી દેવિકાબહેન ખૂબ સમજદાર અને જમાના સાથે તાલ મિલાવનાર સ્ત્રી હતા. દેવિકાબહેને જીવનમાં મુશ્કેલીભર્યો અને સારો એમ બંને સમય જોયા હતા અને સમતોલ રહી જીવ્યા હતા. અર્ણવની તરક્કી જોઈ એ ખુશ થઈ અને દીકરાના સ્ટેટસ પ્રમાણે જીવન જીવવામાં પણ આનંદ અનુભવતા. એમાં પણ અસ્મિતા આવી અને દેવિકાબહેન સાથે એમની જોડી એવી જામી કે અર્ણવને ક્યારેય સાસુ-વહુના સંબંધોનો ભાર ઘરમાં જોવા ના] મળ્યો! ઘણીવાર એ હસતો, “મને તો એમહતું કે લગ્ન થશે એટલે રોજ સાંજે આવીને યા બેડરૂમમાં રોજ રાતે મારે કાનમાં રૂભરાવીને એન્ટર થવું પડશે પણ તમે સાસુવહુ તો મને એવો મોકો જ નથી આપતા!” અને દેવિકાબહેન ને અસ્મિતા આંખોથી જ હસીને જાણે ઘણી વાતો કરી લેતાં! એ બેયનું ટ્યુનીંગજ એવું જોરદાર હતું.
સખી ક્લબમાં જાય તો પણ સાથે, બ્યુટી પાર્લરમાં જાય તો પણ સાથે, કિટ્ટી પાર્ટી કરે તો પણ બેયની કોમન ફ્રેન્ડસ જ હોય એમ બેયના ગૃપમાં બેય સાથે જ જાય! એમના ગૃપમાં ઘણાને નવાઈ લાગતી અને ઘણાને મીઠી ઈર્ષા પણ થતી. દેવિકાબહેન પણ અસ્મિતાનાં આગ્રહને પ્રેમથી વશ થઈ ક્યારેક પ્લાઝો તો ક્યારેક જીન્સ પહેરી નીકળી પડતા. ક્યારેક આ જોડી પાણીપુરી ખાતી હોય તો ક્યારેક સિનેમેક્સમાં મુવી જોતી હોય! તો ક્યારેક દેવિકાબહેન વાચાને સાચવતા હોય અને અસ્મિતા પોતાની ફ્રેન્ડસ યા અર્ણવ સાથે પોતાની મજા લેતી હોય. ક્યારેક દેવિકાબહેન એમના મૂડ પ્રમાણે નીકળી પડે. કહ્યા વિના જ જાણે એકમેકની જરૂરિયાતો અને સમય સમજી જવાતા હતા જે આધુનિક યુગમાં જવલ્લે જ બને અને એ પ્રેમ પણ ભાગ્યે જ જોવા મળે!
અર્ણવને ક્યાય ફરિયાદ ન’તી. મા-દીકરા વચ્ચે એટલી સમજણ અને પ્રેમ હતોકે અર્ણવ મા સાથે કોઈ પણ વાત શેર કરવામાં ક્યારેય અચકાતો નહિ. બસ એક ખટકો રહેતો દેવિકાબહેને બધું જ બદલ્યું હતું પણ એક સાવ નજીવી વાત અર્ણવને બહુ ખૂંચતી; આટઆટલી સમૃદ્ધિ અને બ્રાન્ડેડ વસ્તુ લઈ શકે એવી પોઝીશન હોવા છતાં દેવિકાબહેન ઘરમાં વરસોથી બાટાના સ્લીપર જ પહેરતા! અર્ણવ રાતે ઘરે લેપટોપ પર કામ કરતો હોય અને દેવિકાબહેન ઘરમાંઆંટા મારતા હોય ને સ્લીપરનો પટક..પટક.. અવાજ આવે એ અર્ણવને ન ગમે બસ! બહુગુસ્સાની તો ઘરમાં કોઈને ટેવ જ ન’તી. એ ઘણીવાર ધીમેથી પણ સહેજ અણગમા સાથે મમ્મીને કહેતો કે, “મમ્મી પ્લીઝ આ સ્લીપરના અવાજથી મને કામ કરવામાં ડીસ્ટર્બ થાય છે, બીજા સોફ્ટ સ્લીપર પહેરોને અવાજ વગરના.” અને આ એક જ વાત એવી હતી કે દેવિકાબહેન કાંઈ સામે બોલ્યા વિના બસ એક ગર્ભિત સ્મિતમાં વાત પતી ગયાના ભાવ સાથે પોતાના રૂમમાં જતાં રહેતા; એ જ પટક પટક પગલાં પાડતા!
અસ્મિતા દેવિકાબહેનનો આ ભાવ કદાચ સમજી ગયેલ. એકવાર બંને એકલા હતા ત્યારે એણે હળવાશથી દેવિકાબહેનને પુછેલ કે, “મમ્મી, પપ્પાજીએ તમને પહેલી ગીફ્ટમાં સ્લીપર આપેલા કે શું?” ત્યારે દેવિકાબહેન હસી પડેલા ને બોલ્યા કે, “બેટા, અમારા બેયના એકવાર સાથે ચપ્પલ તૂટ્યા અને એ મહીને આવક પણ બહુ ન’તી ત્યારે મેં થોડાપૈસા ભેગા કરેલ એમાંથી હું એમના માટે બાટાના સ્લીપર લાવી કે એમને તો રોજ દુકાને જવાનું; મારે તો ચાલશે થોડો ટાઈમ! એ સાંજે મને થયું હું એને સરપ્રાઈઝ આપીશ. એ આવ્યા ત્યારે એમણે મને એકબાજુ બોલાવીને કહ્યું, “દેવી, આ તારા માટે ગીફટ લાવ્યો છું. જરા ખોલ તો.” મેં પણ એમને સરપ્રાઈઝ આપ્યું કે, “ખોલો તો જરા.” અને અમે બેય એ એકસાથે જોયું અને ખૂબ હસ્યા; બેયના હાથમાં સેમ ટુ સેમ બાટાના સ્લીપર હતા! પછી તો રોજ અમે બેય જ્યાં જતાં ત્યાં એ જ સ્લીપર પહેરીને જતાં મેચિંગ મેચિંગ! એ અમારા પ્રેમની રીત હતી અને એક મીઠી યાદ હતી જે અમે મનમાં જ નક્કી કરેલું કે જિંદગીભર એયાદ સાચવશું! અવાજ વિનાના સોફ્ટ સ્લીપર પહેરવા તો મને પણ ખૂબ ગમે છે, પણ એમાં તારા પપ્પાના પ્રેમનો અવાજ નથી સંભળાતો એ આ અરુ દીકરાને કેમ સમજાવું?” અને બેય સાસુ વહુપ્રેમથી હસી પડયા’તાં અને તાળી દેતાં એકસાથે બોલી પડયા... “પટક.. પટક.. હહાહા...” પણ સ્ત્રીની આવી ભાવનાત્મક વાતોમાં પુરુષોને ઘણીવાર વેવલાપણું લાગતું હોય એમ વિચારી અસ્મિતાએ આવું કઈ અર્ણવ સાથે શેર કરેલું નહિ. આફ્ટર ઓલ આ કાંઈ અર્ણવની મમ્મીનું શેરીંગ થોડું હતું? એક ફ્રેન્ડનું સીક્રેટ હતું-ફીલિંગ્સનું!
દેવિકાબહેન બહુ સરસ રીતે સ્વસ્થતાથી કોઈ લૌકિક આડમ્બરની ના પાડી હતી, શાંતિથી દેહ છોડી ગયેલ. આજે પંદર દિવસથી અસ્મિતા જોતી હતી કે અર્ણવ પહેલાંની જેમ લેપટોપ પર કામ નથી કરી શકતો અને પ્રોજેક્ટ પૂરો કરી સોંપવા આડે હવે છેલ્લા બે દિવસ બાકી છે. અસ્મિતા પણ ટેન્શનમાં રહેતી કે હું કઈ રીતે હેલ્પ કરું? અને આજે અર્ણવને વધુ ટેન્શ જોઈ અસ્મિતા ભગવાનના મંદિર પાસે જઈ બે હાથ જોડી આંખ બંધ કરી પ્રાર્થના કરતી હતી કેકાંઈક રસ્તો સૂઝાડ! આંખ ખોલી ત્યાં મંદિરમાં સામે જ દેવિકાબહેનનો હસતો ફોટો દેખાયોઅને અસ્મિતાને શું સૂઝ્યું કે મમ્મીનો સાથ હોય તો કેવું? અને વિચારમાં જ એ દેવિકાબહેનના રૂમમાં જઈ એમના સ્લીપર પહેરી બહાર આવી... પટક પટક.... અવાજ આવતાં જ અર્ણવે લેપટોપમાંથી ઊંચું જોયું કે, મમ્મી....! અને અસ્મિતાની સાથે નજર મળી અને અર્ણવના મોંમાંથી નીકળી ગયું, “અસ્મી, તું ઘરમાં આ જ સ્લીપર પહેરજેને મમ્મીની ફિલ આવે છે!” અને અર્ણવની આંગળીઓ લેપટોપ પરફાસ્ટ ચાલવા લાગી...
ઘણા દિવસે..! અસ્મિતા પાછું ફરીને દેવિકાબહેનના ફોટા સામે ભીની આંખે મલકી પડી!
