પસ્તી વાળા
પસ્તી વાળા


પસ્તી વાળા લૂંટનો માલ ક્યાં રાખતા હશે ?
ધોમધખતા તાપને અમદાવાદ જોડે પાક્કી દોસ્તી. અમદાવાદની ઓળખ જ ગરમી. તેની ત્રણ ઋતુ; શિયાળુ ઉનાળો, ઉનાળુ ઉનાળો અને વરસાદી ઉનાળો. આખા વરસમાં ક્યારેક ક્યારેક ઠંડી ને ક્યારેક વરસાદ પડે પણ ચાલુ વરસાદે ય પરસેવો થાય. એવા ભઠ્ઠીની શેકાતી ગરમીમાં 18-19 વરસનો ધોતિયા-જભાધારી બૂમ પાડે છે, લોખંડ-પસ્તી-ભંગાર-જુના છાપા. હિંચકે બેઠા બેઠા મેં હાથથી ઈશારો કરી બોલાવી પસ્તી પડેલ તે જગ્યા બતાવી.
આ ધંધામાં મોટા ભાગે દક્ષિણ રાજસ્થાનના ગુજરાતને અડકતા ડુંગરપુર જિલ્લાના લોકો જોડાયેલ છે. પહેલા છાપા અલગ કરી બરોબર ગોઠવી થપ્પો બનાવશે. પછી પહેલી થપ્પી ત્રાજવામાં 500 ગ્રામના વજનીયાથી વજન કર્યું, અને પછી વજન કરેલ થપ્પી અને 500 ગ્રામ વજનિયું એક બાજુ મૂકી બાકીના છાપાનું વજન કરી બૂમ પાડી 7 કિલો 400 ગ્રામ.
એટલામાં પાડોશી મારવાડી કાકાએ મને નજીક આવી કાનમાં કહ્યું 'આ પસ્તી વાળા લૂંટારા હોય છે, વજનમાં ઘાલમેલ કરે છે અને લોકોને છેતરે છે.' મેં પસ્તી વાળા છોકરાનું નામ પૂછયું. રામાજી, છોકરાએ કહ્યું. મેં પૂછ્યું 'ક્યાં રહે છે અને ઘરમાં કોણ કોણ રહે છે ?' રામાજીએ કહ્યું 'પોલીસ ચોકી પાછળ ખાડામાં. અહીં તો એકલો રહુ છું અને માતા-પિતા અને નાના ભાઈ બેન રાજસ્થાન ગામડે રહે છે.' રામાજી ગરીબ છે અને બિચારા માંડ માંડ ગુજરાન ચલાવે છે, પણ મેં તેની આવક, ઘરની માપ સાઈઝ, ઘર વખરી અને માતા-પિતા અને ભાઈ-બેન વિષે વિશેષ જાણવા કેટલીક વિગતો પૂછી. 10-10 ફૂટનું લાઈટ વગરનું કાચું ઝૂંપડું, એક પ્રાયમસ ને ગણ્યા ગાંઠ્યા વાસણ. બે-ત્રણ જોડી જુના કપડાં. મહિને 3000-4000ની કમાણી ને એમાંથી અડધા બચાવી ગામડે મોકલવાના.
બિચારો જતા જતા બોલ્યો કોઈ જૂની વસ્તુ કાઢવાની હોય તો કહેજો ને આ તમારા હિસાબના 42 રૂપિયા. ઘરની કેટલીક ચીજ વસ્તુ કાઢીને સામે મૂકી એટલે રામાજી અલગ અલગ કરી વિચારમાં પડી ગયો. મેં પૂછ્યું 'તને આ પસ્તી અને જૂની વસ્તુમાંથી કેટલા પૈસા મળશે ?' તેને કહ્યું, 'પસ્તીમાં કિલો દીઠ 50 પૈસા અને આ વસ્તુ તો હું વેચીશ નહિ ગામડે ઘર માટે લઇ જઈશ.' મેં આશ્વાસન આપી કહ્યું કે 'લઇ જા મારે એકેયના પૈસા નથી લેવાના.' બીચારો બોલ્યો કે 'મફત તો ના લેવાય.' મેં કહ્યું 'આ વખતે લઇ જા હોળીનો તહેવાર છે પછી બીજી વાર પૈસા લઇ લઈશ.'
પાડોશી કાકાના કહેવા પ્રમાણે જો આ લોકો લૂંટ કરતા હોય તો લૂંટના પૈસા ક્યાં નાખતા હશે ? રહેવા મકાન નથી, મકાનમાં કોઈ સગવડ નથી, ઘરમાં નથી રાચરચીલું કે નથી બેન્કમાં પૈસા.
આવી જ માન્યતા કેટલાક લોકોને રીક્ષા વાળા, કરિયાણાની દૂકાન વાળા, છૂટક ફેરિયા અને શાકભાજીવાળા અંગે હોય છે. તેઓ બૂમો પાડતા હોય છે કે રીક્ષાવાળા લૂંટે છે. આવી દલીલ કરનાર બે વસ્તુ ભૂલી જાય છે. કદાચ કોઈ રીક્ષાવાળા 5-7 રૂપિયા વધારે લેતા હશે, પણ તે લૂંટ કહેવાય ? લૂંટ કરતા હોય તો તો તેમની પાસે મોટી જમીન જાગીર હોય, બંગલાને વળી વાડી હોય, મોંઘીદાટ ગાડી હોય, સૂટ બુટ પહેરેલો હોય. પણ આવું તો કઈ જોવા નથી મળતું તેમની કે તેમના પરિવાર પાસે
પણ રીક્ષા વાળા વરસતા વરસાદમાં, તોફાન અને કર્ફ્યુમાં, કડકડતી ઠંડીમાં અને મુશ્કેલ પરિસ્થિતિમાં તમને તમારી મંઝિલ સુધી પહોંચાડે છે. આવું જ કાંઈક શાકભાજી અને કરિયાણા વાળાનું હોય છે. કદાચ તેમનો ભાવ ઓનલાઇન કે મોલ કરતા અમુક વસ્તુમાં વધારે હશે. અમુક વસ્તુ મોલમાં સસ્તી મળતી હશે. પણ 5-25 રૂપિયાની વસ્તુ ખરાબ નીકળે તો મોલવાળો બદલી નહિ આપે કે નહિ પૈસા પાછા આપે. નાના વેપારીની પોતાની ખરીદી નાના જથ્થામાં હોય તો કદાચ મોંઘી પડતી હશે. તમને સસ્તું મળે તો ઓનલાઇન કે મોલમાંથી ખરીદી કરતા કોઈ રોકતું નથી. પણ 2-5 રૂપિયા વધારે લેવાથી તેઓ કઈં લૂંટારા નથી બની જતા કે નથી તેઓ ધનિક બની જતા.
ઓનલાઇન કે મોલમાં ખરીદી કરો તો ભાવતાલ કરી શકાય છે ? ઓલા-ઉબેરમાં ભાવતાલ કરી શકાય છે ? પાકીટ ભૂલી જાવ કે છૂટા પૈસા ના હોય તો ટેક્ષીવાળો કે મોલવાળો પૈસા બાકી રાખી માલ નહિ આપે. એટલે એમ પણ નથી કે ઓલા-ઉબેર અને મોલ કે ઓનલાઇન ખરીદી ખરાબ છે કે ખરીદી ના કરવી. જ્યાં સસ્તું મળે ત્યાં ખરીદી કરવી યોગ્ય છે. પણ કોઈને લૂંટારા કહેવા યોગ્ય નથી. મોલ ચલાવનાર ધનિક હોય છે, જયારે નાના વેપારી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. તેઓ કદાચ પોતાની મજબૂરીથી કોઈ વસ્તુ મોંઘી વેંચતા હોય તો તેનું કારણ જાણવા કોશિશ કરજો, પણ એ પણ વિચારજો કે જો લૂંટ ચલાવતા હોય તો લૂંટનો માલ ક્યાં રાખતા હશે ?