Nirali Shah

Inspirational

4.3  

Nirali Shah

Inspirational

પર્યાવરણ

પર્યાવરણ

2 mins
421


દર વર્ષની જેમ આ વર્ષે પણ પાંચમી જૂનની આખા વિશ્વમાં "વિશ્વ પર્યાવરણ દિવસ" તરીકે ધામધૂમથી ઉજવણી થઈ. સમાચાર પત્રોનાં પાના, "વૃક્ષો વાવો" નાં સૂત્રો અને પોતાનાં ઘરની, સોસાયટીની, તથા ઓફિસની આસપાસ નાનાં નાનાં છોડ વાવી રહેલાં લોકોના ફોટાથી ભરાઈ ગયા. ઘણી બધી સામાજીક સંસ્થાઓએ એક મહિનાની અંદર પાંચસો કે હજાર વૃક્ષો વાવવાનાં દાવા કર્યા. જુદી જુદી સંસ્થાઓએ અને સામાજિક ગૃપોએ ઘણા બધા લોકોને નાનાં નાનાં રોપા કે છોડની મફતમાં વહેંચણી કરી. એકંદરે આખા વિશ્વનાં ખૂણે ખૂણેથી લોકોએ ' વધુ વૃક્ષો વાવો' નાં અભિગમ ને પ્રોત્સાહિત કર્યો.

પણ પછી શું ? કહેવત છે ને કે " શેઠની શિખામણ ઝાંપા સુધી". બસ કંઇક એવું જ છે વૃક્ષો વાવોનાં અભિગમનું. દર વર્ષે "વિશ્વ પર્યાવરણ દિવસ" પર લાખો કરોડો વૃક્ષો વાવવામાં આવે છે,પણ પછી તેનું જતન બરાબર થાય છે ખરું ? ખાલી વૃક્ષો વાવોના અભિગમથી શું વળશે ? સામે તેટલાજ વૃક્ષોનાં નાશ પણ તો આપણાથી જ થાય છે.

આપણા દેશમાં નદીઓનું પણ પૂજન થાય છે માતા ગણીને. છેલ્લા કેટલાક વર્ષોથી ગંગા નદીની સફાઈની ઝુંબેશ ચાલી રહી છે, તેમ છતાં ય હજી પણ લોકો નદીમા કચરો ફેંકતા અચકાતાં નથી.

પ્રદૂષણ અને પર્યાવરણ એ બંને શબ્દો માનવ જીવનની હયાતી સાથે એવી રીતે ગુંથાયેલા છે કે માનવ જીવન માટે જરૂરી પર્યાવરણનું મારણ,માનવ સર્જિત પ્રદૂષણથી થયું છે તેમ કહેવામાં કોઈ જ અતિશયોક્તિ નથી.

પરંતુ કહેવત છે ને કે," વાર્યાં નાં વળે તે હાર્યા વળે". હા, કોરોના એ હવે લોકોમાં સ્વચ્છતાની જાગૃતિ તો લાવી જ દીધી છે અને સાથે સાથે ઑક્સિજન ( કે જેને આપણે પ્રાણવાયુ કહીએ છીએ) નું મહત્વ પણ સમજાવી જ દીધું છે.

અંતમાં તો પ્રભુ ને એક જ પ્રાર્થના છે કે

' મળે સૌને એવું વાતાવરણ,

કે જેમાં શુધ્ધ હોય પર્યાવરણ '.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational