પ્રત્યક્ષ દર્શન
પ્રત્યક્ષ દર્શન
પતિની બદલી થતાં મનોરમાબહેન નવા શહેરમાં રહેવા આવ્યા. સારા વિસ્તારમાં એક સોસાયટીમાં ઘર મળ્યું. પડોશી બહેનોનો પરિચય થયો. એ બહેનોનો નિત્યનિયમ હતો કે ઠાકોરજીનાં દર્શન કરવા હવેલીએ જવું.
એક દિવસ બહેનોએ મનોરમાબહેનને કહ્યું,
“શૃંગારનાં દર્શન કરવા આવો, તમને આનંદ આવશે.”
મનોરમાબહેન નીકળ્યા. શિયાળાની કડકડતી ઠંડી. બે દિવસ પહેલાં જ દીકરી હસ્તકલા ઉદ્યોગ પ્રદર્શમાંથી ઊનની શાલ ખરીદી લાવી હતી. એ ગળે વિંટાળી હતી. થોડે દૂર માર્ગમાં ફૂટપાથની કોરે એક લઘરવઘર માણસ ઊભો હતો. હાથમાં કોઈએ આપેલી પોતાના બાળકની તૂટેલી પિગીબેન્ક હતી. રક્તપિત્તનો દરદી હતો. પડોશી બહેનો આગળ નીકળી ગઈ. મનોરમાબહેન આ માણસ પાસે આવ્યાં. એ નજીકની ઝૂંપડપટ્ટીમાં રહેતો હતો. આસપાસના લોકોને એની બિમારીની ખબર પડી ત્યારે એને હેરાન કરવા લાગ્યા અને જગા છોડી દેવા મજબૂર કર્યો. મનોરમાબહેને દરદીની વિતકકથા સાંભળી. પોતાના શરીર પરથી શાલ ઉતારી એને ઓઢાડી દીધી. હવેલીએ આવ્યાં તો દર્શન બંધ થઈ ગયાં હતાં.
પડોશી બહેનો દર્શન કરીને સંતોષથી વાતો કરી રહી હતી.
“ઠાકોરજીના શૃંગાર અદભુત હતા હોં!”
“હા હોં! મનોરમાબહેન, તમે દર્શનનો લાભ ખોયો. એ માણસ તો ત્યાં જ રહેવાનો છે. પણ તમારે દર્શન ન થયાં. અને હા, તમે એને અડ્યાં તો નથીને! એ ચેપી રોગ છે. એને વસ્તીમાંથીય કાઢી મુક્યો છે.”
મનોરમાબહેને મંદ સ્મિત કરતાં કહ્યું,
“બહેનો, ચિંતા ન કરો. બધું સલામત જ છે. ઠાકોરજીની જ ઇચ્છા હશે કે મારા હાથે પેલા દુ:ખીને મદદ કરાવવી.
શું ખબર, મિલ જાયે ભગવાન મુજકો આદમીકે ભેષમેં!”
અને મંડળી ઘેર પરત ફરી. એ રાતે બહુ ઠંડી હતી. હિમ વરસતું હોય એવો કાતિલ ઠંડો હાડ ગાળી નાખતો પવન સુસવાટા મારતો ફૂંકાઈ રહ્યો હતો. દરેક જણ પોતાની વ્યવસ્થા કરીને રજાઇમાં લપાઈ ગયું હતું. પણ મનોરમાબહેનને ઊંઘ નહોતી આવી રહી.
પતિએ પૂછ્યું,
“કેમ જાગે છે? તબિયત તો સારી છે ને!”
“હા, મને તો કંઈ નથી થયું પણ આજે પેલા પિડીતને જોયા બાદ ક્યાંય ચેન નથી પડતું.”
મનોરમાબહેને પતિને આખી વાત કરી. પતિએ કહ્યું,
“તો હવે શું કરવાનું છે?”
“મને એમ થાય છે કે એ માણસને આપણે રક્તપિત્ત નિવારણ કેન્દ્રમાં દાખલ કરાવી દઇએ. એની સારવાર જો શક્ય હોય તો કરાવીએ. આપણને ઇશ્વરે ઘણું આપ્યું છે. માનવતા ખાતર પણ એની મદદ કરવી જોઇએ.”
બીજે દિવસે મનોરમાબહેન પતિ સાથે ગયાં એ માણસ પાસે ગયાં.
“ભાઈ ઉઠ. તને સારવાર માટે દવા લઈ આવ્યાં છીએ. શું નામ તારું?”
આખી રાત ઠૂંઠવાઈને કળ ચડી ગયેલા એ માણસે અત્યંત લાચારીથી કહ્યું,
“મારું નામ સુંદર. પણ નામ જ ખાલી સુંદર રહ્યું. હું બહુ સારો ગાયક કલાકાર છું. પણ નસીબનું પાંદડું કરવટ લઈ ગયું અને હું રસ્તા પર ભટકતો થઈ ગયો. જે વસ્તીના લોકો મારી ગાયકીના વખાણ કરતાં નહોતા થાકતા એ જ લોકોએ આ મારી હારમોનિયમ પર ચપળતાથી ફરતી આંગળી પર સહેજ રોગ જોઇને મને નફરતથી ખદેડી મૂક્યો.”
ધ્રૂસકે ધ્રૂસકે રડતા સુંદરને એ નરમદિલ દંપતિ રક્તપિત્ત નિવારણ કેન્દ્રમાં લઈ આવ્યું. ફોર્મમાં પોતે સંપૂર્ણ જવાબદારી નિભાવશે એવી ખાતરી આપી.
સમય વહેતો ચાલ્યો. મનોરમાબહેન અને એમના પતિ દર મહિને સુંદરની સારવારના પૈસા ઉપરાંત એની બધી જ જરુરિયાત સ્વચ્છ મનથી પૂરી પાડતાં રહ્યાં.
જ્યારે કોઈ મનથી એક કાર્ય પૂર્ણ કરવાનું બીડું ઝડપે ત્યારે કુદરતનું દરેક તત્વ એની મદદે આવે જ છે.
રક્તપિત્ત નિવારણ કેન્દ્રની અતિશય કાળજી અને પ્રેમભર
ી માવજત અને એક દંપતિની નિ:સ્વાર્થ સેવાભાવનાએ સુંદરની બિમારીને જબરદસ્ત લડત આપીને હાર આપી. સુંદર સ્વસ્થ થવા લાગ્યો અને બે વર્ષે એ સંપૂર્ણ રોગમુક્ત બની ગયો.
મનોરમાબહેન અને એમના પતિ માટે એ દિવસ ઠાકોરજીના નિકટ દર્શન જેટલો આનંદમય નિવડ્યો જ્યારે ડોક્ટરે સુંદરને ઘેર પરત જવાની રજા આપી.
સમાજને સુંદરતા બહુ જલદી સ્વિકાર્ય હોય છે પણ એ જ સુંદરતા સહેજ મેલી થાય પછી ફરી એટલી જ હળવાશથી કોઈ સ્વિકારી નથી શકતું.
પણ મનોરમાબહેન સુંદરના ઉજળા ભવિષ્યના ઘડતર માટે કટિબધ્ધ હતાં.
પછીનું આખું વર્ષ શહેરથી દૂર એક સંગીતસંસ્થામાં સુંદરની તાલિમ ચાલી અને દેશ-વિદેશની અનેક સંગીતસ્પર્ધાઓમાં સુંદર વિજેતા થતો રહ્યો. મનોરમાબહેન ફોનથી એની સાથે સતત સંપર્કમાં રહેતાં. સુંદર પણ પોતાના જીવનને કુરુપતામાંથી બહાર લાવીને રંગીન બનાવનાર મનોરમાબહેનને એટલું જ માન આપતો.
એક દિવસ પડોશી બહેનો સાથે મનોરમાબહેન બેઠાં હતાં ત્યારે શહેરમાં એક બહુ મોટી મ્યુઝિકલ ઇવેન્ટ થવાની છે એ સમાચાર ચર્ચાનો વિષય બન્યા હતા.
“તે આ જે ગાયક આવવાનો છે ને! એ આખી દૂનિયામાં પ્રોગ્રામ કરી ચૂક્યો છે. બે બે વર્ષ સુધી તો એનાં બુકિંગ નથી મળતાં. આપણે જોવા-સાંભળવા જવું જોઇએ હોં! પણ કહે છે કે એની ટિકીટ નથી મળતી.”
મનોરમાબહેને મલકાતાં કહ્યું,
“આપણે કેટલી ટિકીટ જોઇએ એ ગણીને મને કહો. મારે ઓળખાણ છે.”
દરેકને નવાઈ તો બહુ લાગી.
“તે તમે ક્યારેય કહ્યું નહીં કે આટલી મોટી હસ્તી સાથે તમારે અંગત ઓળખાણ છે!”
“એ વાત જવા દો ને! આપણે તો એની કલાને માણવાનું કામને!”
અને નિર્ધારિત સમયે કાર્યક્રમ શરુ થયો.
એક પછી એક ગીતોની રમઝટ થતી રહી. શ્રોતાઓ ગાયકની નિષ્ણાત ગાયકીમાં તરબોળ થતા રહ્યાં. પ્રોગ્રામની છેલ્લી દસ મિનિટ આભારવિધી માટે રાખવામાં આવી હતી. શહેરના પ્રસિધ્ધ નાગરિકોએ ગાયકનું સન્માન કર્યું. એની ગાયકીના ખોબલે ખોબલે વખાણ કર્યાં ત્યાર બાદ ગાયકને બે શબ્દ બોલવાનું આમંત્રણ અપાયું.
સુંદરે વર્ષો પહેલાં નફરત અને સુગથી સમાજની બહાર ફેંકી દીધેલો એ વેદનાને સ્મિતનો મુખવટો પહેરાવીને વક્તવ્ય શરુ કર્યું,
“પ્રિય શ્રોતાઓ, આજ સુધીની મારી ઝળહળતી સફળતા પાછળ બે સાવ અજાણ્યાં નામ છે. વર્ષો પહેલાં એમણે મારો હાથ પકડ્યો હતો. રસ્તા પર ફેંકી દીધેલા એક દર્દીને પોતાની કિંમતી શાલ ઓઢાડીને અપનાવ્યો. સારવાર કરાવી. સામાજિક કે કાયદાકીય કોઈ જ સંબંધ અમારી વચ્ચે નહોતો. માત્ર માનવતાનો સંબંધ જાળવીને મારું ભવિષ્ય આકાશને આંબતું કરી દીધું. એ મનોરમાબહેન અને રજતભાઈનો હું જિંદગીભર રુણી રહીશ.”
અને સુંદરે સ્ટેજ પરથી ઉતરીને રજતભાઈ અને મનોરમાબહેનના ચરણસ્પર્શ કર્યા.
ઓડિટોરિયમમાં જાણે સોપો પડી ગયો.
બીજા દિવસથી રજતભાઈ-મનોરમાબહેનની ઓળખાણ જાણે વિશિષ્ટ બની ગઈ.
પડોશી બહેનો મનોરમાબહેનને મળવા આવી.
“બહેન, તમે જે કર્યું એ શબ્દોમાં સમાય જ નહીં. ઠાકોરજીની કૃપા તમારી પર જ વરસી કારણકે તમે દર્શન પડતાં મૂકીને એક દુ:ખીને સહારો આપ્યો. ઇશ્વર ક્યારેય એવું નથી ઇચ્છતો કે માણસ માત્ર એની ભક્તિ કર્યા કરે પછી આસપાસ કોઈ નિરાધાર, લાચાર પડ્યો પડ્યો કોઇની મદદની પ્રતિક્ષા કરતો રહે. તમે બંને સમાજને ઉદાહરણરુપ જીવી બતાવ્યું છે.”
મનોરમાબહેને મંદ સ્મિત આપતાં કહ્યું,
“આંખ મીંચો અને ઠાકોરજીનાં દર્શન તો થાય જ પણ કહેવાય છે ને કે,
ન જાને કિસ રુપમેં નારાયણ મિલ જાયે.. બસ અમે એ દ્રષ્ટિ કેળવી લીધી છે.”