પ્રમાણિક અપ્રમાણિકતા
પ્રમાણિક અપ્રમાણિકતા
જેલમાં કલ્લુ અને ટોની બે ચોર વચ્ચે શબ્દોની ફેરવેલ પાર્ટી ચાલતી હતી. બંને આવતી કાલે સજા પુરી કરીને આઝાદ થવાના હતા.
"કલ્લુ, કાલથી આપણે આઝાદ પંખી. બહાર નીકળીને તું શું કરીશ ? વિચાર્યું છે ?”
"ખબર નથી ટોની. એક તો અભણ અને ઉપરથી જેલરિટર્નનો સિક્કો વાગી ગયો એટલે જુની જોબ કરવા સિવાય બીજો વિકલ્પ જ ક્યાં છે મારી પાસે ! હા, આજ સુધી કોઈ દોસ્ત નથી બન્યો. માત્ર દુશ્મન જ ઉભા કર્યા છે પણ ન જાણે કેમ આપણે બે વર્ષ સાથે રહ્યા તે તારી સાથે માયા થઈ ગઈ જાણે."
"હા કલ્લુ, મને પણ એવું જ લાગે છે. અહીયાં બધા ખુંખાર પડોશી જ આવે. એમાં સહેજ નરમમિજાજ તું મળ્યો તે બે વર્ષ સારી રીતે પસાર થઈ ગયાં."
બસ બીજા દિવસે રિહાઈ પછી બંને પોતપોતાના રસ્તે વિદાય થયા.
એક રાતે કલ્લુ એક ઘરમાં તિજોરી તોડવામાં મશગુલ હતો ત્યાં અવાજ સાંભળતાં બારણા પાછળ લપાયો. સહેજ ખુન્નસ ઉભરાયું કે,
“આ કોણ મારા એરીઆમાં બંકસ કરે ? મારી રોજી પર હાથ મારવાની હિંમત કરે છે !”
અને એ બુકાનીધારી પર પાછળથી કલ્લુએ હુમલો કરીને એને દબોચી લીધો. એ પણ કાંઈ ગાંજ્યો ન ગયો. એણેય કલ્લુની ડોકમાં હાથ ભરાવી એને નીચે પછાડી દીધો. આમ ખાસ્સી ઝપાઝપી પછી અચાનક કલ્લુ પેલા બુકાનીધારીના ધક્કાથી બાલ્કનીના કઠેડા પરથી બહાર ઉથલી પડ્યો અને એની બુકાની કલ્લુના હાથમાં આવી ગઈ.
“ટોનીઇઇઇ ! તું ?”
"અરે! કલ્લુ ! તું પણ અહીયાં જ !”
દસેક દિવસ બાદ..
મિશનની જીતની શાનદાર પાર્ટીમાં હોટલમાં બેઠેલા કલ્લુ અને ટોની વાતો કરે,
"ટોની, તને એક વાર તો વિચાર આવ્યો જ હશે કે આનો હાથ છોડી દઉં. આખો એરિયા તારો થઈ જાત.”
"હા, જૂઠું નહીં બોલું કલ્લુ. આ મંદીના સમયમાં ધંધો વહેંચાય એ નથી પાલવતું. વિચાર આવ્યો હતો પણ અપૂનકે ધંધેમેં ભી ઉસુલ હોતે હૈં અને તું તો દોસ્ત નીકળ્યો એટલે દોસ્તી નિભાવવી જ પડે."
ટોનીએ કલ્લુ તરફ હાથ લંબાવ્યો અને કલ્લુએ એ હાથ કસીને પકડી લીધો. પાછળ સિસ્ટમ પર ગીત વાગતું હતું,
"યે દોસ્તી હમ નહીં તોડેંગે.."