પરીક્ષા અસ્તિત્વની
પરીક્ષા અસ્તિત્વની
ડોક્ટર દીદીએ મમ્મીને કહ્યું. “અભિનંદન. પરાણે વ્હાલી લાગે એવી ઢિંગલીનું આગમન થયું છે.”
મારી અધખૂલી આખ હજી પ્રકાશ સહન કરતાં શીખી રહી હતી ત્યાં આ વાક્ય સાંભળીને મને પણ રોમરોમ આનંદ વ્યાપી ગયો.
“મમ્મી,તારી કૂખમાં મેં સમજણ કેળવી એ પળથી તારો મને ટકાવી રાખવાનો સંઘર્ષ હું સાંભળતી આવતી. તારા અને તારામાં મારા અસ્તિત્વને ટકાવી રાખવા તેં સખત કઠિન પરીક્ષા આપી. મને કાન આવ્યા ત્યારથી રોજ તને રડતી અને પાપાને દિકરાને બદલે આવી પડેલી અણગમતી દીકરી માટે તારી સાથે ક્રુર થતા જોયા. મારા માટે આટલો બધો અણગમો તને રોજ એક નવી પરીક્ષાની સમક્ષ લાવી દેતો. તારે બહુ પીડા સહન કરવી પડી.
જે દિવસે તેં મારા અસ્તિત્વને ટકાવી રાખવા ગૃહત્યાગનો નિર્ણય લીધો એ તારી અને મારી સહુથી મોટી અને અઘરી પરીક્ષા હતી. આજે તારી આગોશમાં મને જોઇને હું નિડર બની ગઈ મા.”
અને મને સહેજ મલકાતી જોઇને મમ્મી બધી વેદના ભૂલી ગઈ.