STORYMIRROR

Priyanka Joshi

Classics Fantasy Inspirational

4  

Priyanka Joshi

Classics Fantasy Inspirational

પરિધિ

પરિધિ

3 mins
29.6K


આજે સવાર કંઈક અલગ રીતે પડી. 'પો' ફાટતાં પહેલાં જ એક ઠંડી હવાની લ્હેરખી એ નજાકતથી પાંપણ ઢંઢોળી. અલાર્મના યાંત્રિક અવાજને બદલે મધુરાં ખગરવથી મન પ્રફુલ્લિત થઈ ઉઠ્યું. નિયત સમયથી વહેલી જાગી એટલે ભાગવું પડે એવું ન હતું છતાંય જરા પણ સુસ્તી દાખવ્યા વિના પથારી છોડી બહાર આવી. પ્રથમ પહોરની ગુલાબી ઠંડી મનને પુલકિત કરી ગઈ. બ્રહ્મમૂહુર્તની વેળાએ સમગ્ર સૃષ્ટિ આરુષનું આહ્વાન કરી રહી. મોં'સુઝણું થયું. રજની એનો ઘેરો શ્યામલ પાલવ સંકેલી રહી.

મારી અતિપ્રિય જગ્યા, હીંચકા પર મેં બેઠક લીધી. યાદ આવ્યું કે પહેલાં તો કેટલાંય કલાકો હીંચકા પર જ નીકળી જતાં!

હીંચકાના આંદોલનોમાં કેટકેટલાં ગીતોને લય મળતો અને કેટલીય વાર્તાઓ પ્રવાસ ખેડતી, કેટકેટલી કવિતાઓ સ્વપ્નો અને દિવાસ્વપ્નોમાં આકાર લેતી હિંચકા પર...

પછી તો એક પછી એક જવાબદારીઓ વધતી ચાલી અને ફુરસદના કલાકો ઘટતા ચાલ્યા...

મનમાં ગૌરવ સાથેના લગ્નજીવનના ૧૦ વર્ષ એક પળમાં પસાર થઈ ગયા. હું નંદિની ગૌરવ મહેતા બની એક ભર્યાં પરિવારનો હિસ્સો બની ગઈ. બધું જ પરફેક્ટ, પ્રેમાળ, સમજુ અને મિલનસાર પતિ, બે મજાનાં બાળકો, સાસુ-સસરા, ઘર, ગાડી... સુખની વ્યાખ્યાનાં પર્યાય સમો સંપન્ન પરિવાર અને ખુશખુશાલ જીવન. ક્યાંય કશી અધુરપ નહીં. બીજું સુખી થવા માટે જોઈએ પણ શું?! (આ સવાલ હતો કે મનને મનાવવાની વાત!) ફરી મન સ્કુલથી વૅનના હોર્ન અને કુકરની સીટીઓથી ભરાઈ ગયું. સમય જોયો, મનને પંપાળ્યું કે હજુ તો વાર છે અને હીંચકાની ઠેસથી બધા અવાજો હટાવ્યા. 

સામે એક ગુલમહોરનું વૃક્ષ છે એના કેસરિયાળા પુષ્પો દિવસના તેજમાં પોતાની અગ્નિશિખાઓથી ગગને વિહરતાં સૂર્યનારાયણની અર્ચના કરતાં રહે છે. થોડા દિવસથી ત્યાં રોજ બે પારેવાં આવે છે. માળો નથી બાંધ્યો. બન્ને ઉંઘી રહ્યા છે. સૂકુનભર્યું શાંત વાતાવરણ છે. દિવસનો કોલાહલ હજુ કાને નથી પડતો. 

ફરી એક ઠેસથી હીંચકાની ગતિ વધારી. જીવન પણ કોઈ દુર્ગમ ગતિથી દોડ્યું જાય છે. જેમ જેમ પાંખો પર તણખલાંનું વજન વધતું જાય છે, ઉડાન ભરવી વધારે ને વધારે મુશ્કેલ થતી જાય છે. અને છેવટે સાહસ અને રોમાંચ પાંખો સંકેલીને સંતોષના પટારામાં મૂકી દેવી પડે છે, (સ્વેચ્છાએ!) અને આંખ સામે પસાર થઈ ગઈ કેટલીક આકાંક્ષાઓ જે ક્યારેય પણ યોજનાબદ્ધ ન થઈ શકી. 

નેચર રિફ્લેક્સટ અવર ઓન સ્ટેસ ઓફ માઈન્ડ. આપણી આસપાસનું વાતાવરણ આપણી મનઃસ્થિતિનું પ્રતિબિંબ આપણી સામે લાવે છે. આજે મેં કંઈક અલગ કરવા ધાર્યું. મનને સ્થિર પાણી જેવું સ્થગિત કરી પ્રકૃતિનું પ્રતિબિંબ ઝીલવાનું શરૂ કર્યું. 

પેલાં બન્ને પારેવાંમાંથી એક જાગ્યું. એની આંખો અને પાંખોમાં ચેતન વર્તાયું. એક ડાળ પરથી બીજી ડાળ ફરીને એણે સુસ્તી દૂર કરી. એટલીવારમાં તો બીજું પારેવું પણ જાગ્યું. બન્ને જોડાજોડ બેઠા. પાંખો ફફડાવીને રાત્રિનો સઘળો અંધકાર ખંખેરી રહ્યા અને નવાં દિવસની સુગંધિત ટાઢપને પાંખોમાં ભરી રહ્યાં. બાળરવિના હૂંફાળાં કિરણો એમનામાં જાણે નૂતન પ્રદીપ્તિ જગાવી રહયાં. 

પૂર્વાભિમુખ થઈ બન્નેએ ગગનની વાટ પકડી. કોઈ પણ કેડી, રસ્તા કે નકશા વિનાનું અફાટ આકાશ એની રાહ જોઈ રહ્યું હતું. 

ક્યાં ગયા એ... ક્યાં જશે એ... સળીઓ એકઠી કરવા કે ચણવાં...? કે પછી મસ્તીથી મનગમતી સહિયારી ઉડાન ભરવાં...? સાંજે જ્યારે એ પાછા ફરશે ત્યારે શું લાવ્યા હશે... થોડા તણખલાં અને દાણા કે પછી દિવસભરની મોજમસ્તીનો રોમાંચ...? આવી બેબાક ક્ષણોમાં મન કશુંક તીવ્રતાથી ઝંખે છે. એ ઝંખના કઈ છે, શાં માટેની છે એ આંખોના પડદાં પાછળની છાયા જેવું જ અકળ છે.

વિચારોમાં જ ખોવાયેલી હું અલાર્મના મીઠા પણ કૃત્રિમ સંગીતથી રીતસરની બઘવાઈ જ ગઈ. હીંચકાની ગતિ અટકી અને પગલાં ગતિમાન થયાં. અંદર આવી મેં અલાર્મ બંધ કર્યો અને દિવસ ચાલુ કર્યો.


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

More gujarati story from Priyanka Joshi

Similar gujarati story from Classics