જળકન્યા
જળકન્યા
"ડૅમ ઈટ્, હવે આ વગડામાં કોણ મળશે મને!!
મોબાઇલનું કવરેજ પણ નથી."
સૂરેન્દ્રનગરથી સૂરત જવાં માટે નીકળેલા સૂરજને પરસેવો વળી ગયો. ઘરનાં લોકોની વાત અવગણીને બાય રોડ એ કાર લઈને નીકળ્યો એનો તેને પારાવાર પસ્તાવો થઈ રહ્યો હતો. પણ શું થાય તીરની જેમ એ છુટી ચૂક્યો હતો અને અધવચ્ચે જ ભરાઈ ગયો હતો.
બંધ પડેલી કાર પણ વરાળ કાઢીને પોતાનો ઉશ્કેરાટ ઠાલવી રહી હતી. કારના રેડિયેટરમાં પાણી ખલાસ થઈ ગયું હતું. મમ્મીએ ભરી આપેલી પાણીની બોટલ એ ટેબલ પર જ ભૂલી આવ્યો હતો.
મે મહિનાના એક પણ વાદળ વિનાનાં આભ નીચે એને તીવ્રતાથી પ્રેમાળ મા યાદ આવી ગઈ. શોર્ટ કટ લેવાનાં ચક્કરમાં તેણે હાઈવેથી અલગ રસ્તો લીધેલો.
કલાક બે કલાક આમ જ વિત્યા. દૂર દૂર સુધી રસ્તા પર ઝાંઝવાના પૂર ઉમટેલાં હતાં. એસી ઘર, એસી ઓફિસ અને એસી કારમાં ફરનાર સૂરજ આજે તરસથી બેહાલ રોડ પર બેઠો હતો.
બેશુધ એવો એ આંખો મીંચીને બેઠો હતો ત્યાં જ કોઈએ તેને જગાડ્યો.
"સાઈબ, અઈયાં હું કરવા બેઠા સો?"
તેણે આંખો ખોલીને જોયું તો એક વન કન્યા ઉભેલી.
"હં...?! હું...આઈ મીન ...મારી કાર... બંધ પડી ગઈ છે."
"હાં ખાવ, સાઈબ. લ્યો તમને પાણી પાવ.", એ વન કન્યા સત્વરે જળકન્યા બની ગઈ.
ક્યાંય દૂરથી ભરી લાવેલી ગાગર સૂરજના ગળામાં અને પછી કારનાં એન્જીનમાં રેડાઈ ગઈ.
સૂરજનો હાથ એનાં ખિસ્સા તરફ વળ્યો ને અટકી ગયો.
કારની બેકસીટ પર પડેલું ઈમ્પોર્ટેડ ચોકલેટનું બોક્સ એણે લીધું અને પેલી કિશોરીના હાથમાં મૂકી દિધું.
અને એક અવિસ્મરણીય અનુભવ સાથે રફ્તાર પડકી.
