STORYMIRROR

Aniruddhsinh Zala

Romance

4  

Aniruddhsinh Zala

Romance

પ્રેમનો વિજય

પ્રેમનો વિજય

9 mins
421

નયન આજ મનોમન ખુબ જ હસી પડતાં બોલ્યો, "ગજબ વાત છે..! આ પ્રેમ અને આકર્ષણ તો જલદી સમજાય તેવાં જ નથી." આમ કહેતાં સાથે જ સ્નેહાની યાદમાં સરી પડ્યો.

સ્નેહા તેની બચપણની મિત્ર, હમદર્દ અને તેનો પ્રેમ પણ હતી. સ્નેહાનું હ્નદય સદાય નયનનાં હિતની ચિંતા કરતી હોય તેવુ નયનને સદાય લાગતું હતું. નયનનાં માતાપિતા પણ સ્નેહાને જાણતા હતાં અને હમેશા વખાણતાં પણ હતાં.  કોલેજમાં પ્રવેશ્યાં બાદ અલગ અલગ ક્લાસમાં ભણવાં જતાં હોવાથી બંનેના મિત્ર સર્કલ અલગ બન્યાં હતાં અને નયનને હવે સ્નેહા તેની વઘુ પડતી કાળજી રાખીને પોતાનાં પર લગામ રાખવાં માંગતી હોય તેમ લાગતું.

"અતિ સ્નેહ પણ અરુચિનું કારણ બને 

સમજ સાચી હોય તો ઈ વહાલ બને."

કોલેજના આખરી વર્ષમાં નવી આવેલ હિરોઈન જેવી મેનકા સાથે નયનની મુલાકાત થઈ. નયન રૂડો રૂપાળો અને હોશિયાર હોવાથી મેનકા નયન પાસે પોતાની નોટબૂક તૈયાર કરાવતી અને મૅનકાના રૂપથી નયન ખુબ જ અંજાઈ ગયો હતો. તેની ઊંચી લાઇફ સ્ટાઇલ અને સુંદર ટૂંકા પહેરવેશ નયનને વધુને વઘુ આકર્ષિત કરતાં હતાં.

આ વાતની ખબર પડતાં જ સાદગી સભર સ્નેહા નયનને બોલેલી, "ઓહો નયન.આજકાલ તું પેલી છમકછલ્લો મેનકા જોડે બહુ ફરતો દેખાય છે ! મને તો હવે રિસેશમાં પણ મળવાનો સમય નથી."

"સ્નેહા યાર તું પણ કેવો શક કરે છે ?" કહેતાં નયન બોલ્યો,

"ક્યાં ઈ સુંદર હિરોઈન અને ક્યાં હું ? ઈ મને થોડી ગમાડવાની છે ?."

સ્નેહા બોલી, "શક નહીં કરતી પણ તને બચપણથી ઓળખું છું. તારામાં જરીક ફર્ક પડે તો તરત જ મને ખબર પડે છે." કહીને સ્નેહા ચૂપ થઈ ગઈ.

આ તરફ નયન અને મેનકાનો મનમેળ વધતો રહયો. એકવાર મેનકા નયન પર ખુશ થતાં બધાની વચ્ચે બોલી, "વાહ નયન સો સ્વીટ યું." આ સાંભળી પોતાને સાદગીવાળો સમજનાર નયન ફુલાઈ ગયો. તેને લાગ્યું કે, આ મેનકા બધાં મિત્રોની વચ્ચે ફક્ત મારા વખાણ કરે છે તો મારા ઉપર જરૂર તેને વઘુ પ્રેમ હશે.

"મન મેં ફૂટા લડ્ડૂ." નયન વધુને વઘુ મેનકા તરફ આકર્ષિત થતો રહયો અને મેનકા તો નયનની બધી જ વાત સાંભળી મીઠું સ્મિત આપતી રહી. બીજી તરફ સ્નેહાનું હદય ખુબ જ વ્યથીત થતું અને ભીતર ખુબ જ મૂંઝાયા કરતી હતી પણ તે નયનની ખૂશી માટે થઈને પોતાનાં મન, હ્નદયને સમજાવ્યા કરતી હતી.

 "વહાલાની ખૂશી પણ ઘણી વહાલી હોય  એની હરેક ભૂલની સદાય માફી જ હોય."

એકવાર મેનકા પોતાનાં જન્મદિવસે નયનને મુવી જોવા લઈ ગયો. થિએટરમાં રોમાન્સનો સીન આવતાં જ નયને મેનકાનો હાથ પકડીને કહેલું,

"કેવું સરસ મુવી છે મેનકા.?" તો સામે મેનકા પણ નયનનાં ગાલ પર હાથ રાખતાં બોલી હતી,  

"હા હો હીરો પણ તારાં જેવો સીધો અને શરમાળ છે." નયનને તો હૈયામાં જાણે હેતની છાલક વાગી હોય તેમ લાગ્યું અને બહાર નીકળતાં જ મેનકા પોતાની હિરોઈન હોય તેમ થનગનવા લાગ્યો. સ્નેહાને તેની સહેલીએ આ વાત જણાવતાં તેને નયનને ફરિયાદ કરતી હોય તેમ બોલી, 

"નયન હવે તારી નજરમાં મારી બહુ કિંમત રહી હોય તેમ લાગતું નહીં કેમ ? મુવી જોવા પણ પેલી હિરોઈન સાથે જાય અને મને કેમ કહેતો પણ નથી.?"

નયન ચિડાતાં બોલ્યો, "અરે સ્નેહા તું મેનકાથી કેમ જલે છે ? એનો જન્મદિવસ હતો અને હું તેનો ફ્રેન્ડ છું તો મને એકલાને જ લઈ જાય ને !"

"સારું તો જાવો ખુશ રહો." કહેતાંક સ્નેહા ગુસ્સામાં ચાલતી થઈ પણ અવળી ફરતાં જ આંખો લૂછતી નયન જોઈ ગયો અને હસતાં મનમાં બોલ્યો, "સાવ પાગલ છે નાની બાળકી જેવું વર્તન કરે છે. "

સ્નેહાની ઉદાસીની ન દરકાર કરી કે ન તેને માનવાનો નયને પ્રયાસ કર્યોં હતો એટલે સ્વમાની સ્નેહા સમજી ગઈ કે, "નયન આ મોહિનીની માયાજાળમાં લપેટાયો છે." હવે સ્નેહા પણ નયનથી કમને થોડું અંતર રાખવાં માંડી હતી અને નયનને તો આ મોકળાશ જોઈતી જ હતી. થોડી છૂટ મળતાં જ નયન ખુલ્લેઆમ મેનકા સાથે તેની મોંઘી ગાડીમાં વટથી ફરવા લાગ્યો હતો.

એકવાર મેન્કાનો શોર્ટ ડ્રેસ જોઈ કોઈ યુવકે મેનકાની મજાક કરતાં નયને તે યુવકને રીતસર ઝૂડી નાખ્યો અને વટ બતાવતાં બોલ્યો, "હવે પછી જો મારી મેનકાની સામું જોયું છે તો મારી નાખીશ."

"અરે છોડને યાર નયન..!" મેનકા હસીને બોલી, "બિચારાએ એક કોમેંટ કરી એમાં મારુ શું બગડી જવાનું છે.? તું આમ વાતે વાતે પિક્ચરની જેમ હીરો ન બની જઈશ."

નયન ખુશ થતાં મનમાં બોલ્યો, "હીરો તો હું તારો છું જ મેનકા." થોડાં કલાક બાદ નયનને હીરો થવાનું ભારે પડ્યું. પેલા યુવકે પોલીસ ફરિયાદ કરતાં પોલીસ ઘેરથી નયનને પકડીને લઈ ગઈ. માતાપિતાએ ગભરાઈ સ્નેહાને બોલાવી ઠપકો આપતાં કહ્યું કે, 

"તું હવે આ નયનનું ધ્યાન કેમ નહીં રાખતી ? તારાં માટે એ મારપીટ કરે છે. તું પણ એના જેવી બેફિકર બની ગઈ છે."

સ્નેહાએ રડતાં રડતાં નયનનાં મા બાપને પેલી હિરોઈન સાથેની નયનની દોસ્તીની વાત જણાવી અને કહેલું,

"મા નયન મને હવે ગણતો જ નહીં કાંઈક કહું તો કહે છે મારી અને મેનકાની તું ઈર્ષ્યા કરે છે એટલે હવે હું તેને કાંઈ જ કહી શકતી નથી અને સહી શકતી પણ નહીં,"

"પ્રીતમ કેરી પલકો જ ફરે બીજી સુંદરી સામે, તો વેદનાં ભીતરની હવે કહું હું કોની સામે."

માતા પિતાને આશ્વાસન આપી સ્નેહા તેની સહેલી સાથે સીધી જ પોલીસ સ્ટેશન જઈને પોલીસ અધિકારીને જેલમાં પૂરેલા નયનને વિનંતી કરવાં લાગી પણ પૈસા લેવાની લાલચે પોલીસવાળા પૈસાદાર મેનકાનો ફોન આવ્યો હોવાથી તેની રાહ જોતાં હતાં. નયને સ્નેહાને કહ્યું, 

"તું ઘેર જા સ્નેહા અને મારા પિતાજીને કહે કે, ચિંતા ન કરો હમણાં જ મેનકા આવીને મને છોડાવી લેશે." મેનકાના વખાણ સાંભળી ભીતર સળગી ગએલી સ્નેહા ચૂપ થઈને બેસી જ રહી. થોડીવારે મેનકા આવી અને પોલીસ અધિકારીએ તેને આવકારી. મેનકાએ જરીક ખાનગીમાં વજન મૂકતાં જ તરત જ નયનને જેલમાંથી બહાર લાવીને સાહેબ સામે ટેબલ પર બેસાડ્યો અને સહુ સાથે મળીને હસતાં હસતાં નાસ્તો કરવાં લાગ્યાં. મેનકાની નજ઼ર સામે બેઠેલ સ્નેહા પર પડતાં જ તે બોલી,

"અરે સ્નેહા તું કેમ ત્યાં દુર બેઠી છે અહી આવ નાસ્તો કરવાં."

સ્નેહાએ બોલ્યાં વગર જ જલન થતાં મોઢું ફેરવી દીધું. આ જોઈ વાત વળતાં નયન તેની પાસે જઈને બોલ્યો, "સ્નેહા પ્લીઝ તું મારા ઘેર જઈને જણાવી દે. મારી મા ખુબ ચિંતા કરતી હશે. જો મેનકાનું કેટલું બધું સન્માન કરે છે અહી બધાં. "

સ્નેહાથી મેનકાના વખાણ સહન ન થતાં ઉભી થતાં વચ્ચે જ બોલી, "સારું જઉં છું." કહીને સડસડાટ ચાલી નીકળી પણ તેની આંખો વરસતી હતી અને નયનથી આ વાત છાની રહે તેમ ન હતી પણ તેને તો હાલ મેનકા જ દેખાઈ રહી હતી.

સ્નેહાએ ઘેર જઈ બધી વાત કરી તો ઘરવાળાએ પણ આ મેનકા જોડે ન ફરવા નયનને સમજાવ્યો પણ નયન તો ખુબ જ ઘેલો બની ગયો હતો.

"સમજણ સાચી ખોવાઈ, બસ કોઈની મોહક આંખોથી અંજાઈ 

સ્નેહ સાચો સમજાય નહીં, એવી માયામાં કોઈ જાય સલવાઈ."

હવે નયન મેનકાને પ્રપોઝ કરવાની ઈચ્છા પણ મનમાં કરવાં લાગ્યો હતો પણ કેમ કરી કહેવું એ વિચારી રહયો હતો. એકવાર તેને મેનકાને કહ્યું,  "મેનકા મારે તને હદયની વાત કહેવી છે."

"તો શું મોઢામાં મગ ભર્યા છે ? કોણે તારાં મોઢા પર પટ્ટી બાંધી છે ? બોલ કેમ શરમાય છે ?" મેનકાએ આટલાં બધાં પ્રશ્નો પૂછતાં નયન ચૂપ જ થઈ ગયો. થોડીવાર પછી બોલ્યો,

"મેનકા આપડે પિક્ચર જોવા જઈએ."

"ઓહ્હ. સોરી ડિયર આજ તો મારા ઘેર મહેમાન આવવાનાં છે અને જો હું નહીં જાઉ તો પાપા ખીજાશે. કાલે પાક્કું." કહેતાંક મસ્ત સ્માઈલ આપી મેનકા ચાલી ગઈ અને નયન હાથ ઘસતો રહી ગયો.

કોલેજ છુટતાં જ નયન તેની વાટ જોતી સ્નેહાની સામું જોઈ માત્ર સ્મિત આપી આગળ ચાલવા લાગ્યો. મેનકા થોડે દુર દુઃખી થતી પાછળ પાછળ ચાલતી હતી. નયન થોડો આગળ ચાલ્યો કે આગળ પાંચ લોકો હોકી લઇને તેની ચારેકોર ફરી વળ્યાં. નયને જોયું તો તેને જે છોકરાને મેનકા માટે માર્યો હતો તે જ ગુંડાઓ લઇને આવ્યો હતો. 

નયને સામનો કર્યોં પણ પેલા પાંચ લોકો હથિયારો સાથે હોવાથી નયન બહુ તેમની સામે ટકી ન શક્યો. માથામાં ઇજા થતાં તે હોંશ ગુમાવવાં લાગ્યો હતો. અચાનક સામે તેને રોદ્ર રૂપ ધારણ કરેલ સ્નેહા દેખાઈ. તે દોડતી આવીને બોલી,

 "મારા નયન પર હાથ ઉપાડવાની તે હિંમત કેમ કરી." કહેતાંક એક ગુંડાને જોરદાર ઝાપટ મારી તેની હોકી પડાવી લીધી અને બીજા બધાને મારવાં લાગેલી. નયન એટલું જોતાં જ હોંશ ગુમાવી નીચે ઢળી પડ્યો.

નયન ભાનમાં આવતાં જ પોતાને હોસ્પિટલમાં જોયો અને બાજુમાં તેને લોહી આપતી સ્નેહા દેખાઈ હતી. નયનને હોંશ આવતો જોઈ તેનાં બાજુમાં બેઠેલ મા બોલ્યાં, "ભગવાન તમારો ખુબ અભાર..! " કહેતાંક નયનનાં માથે હાથ મૂકતાં બોલ્યાં, 

"બેટા આજ સ્નેહા ન હોત તો તું જીવીત ન હોત. આ સ્નેહાએ જ બધાં ગુંડાઓને મારીને ભગાવ્યા અને તરત હોસ્પિટલ પહોંચી તને પોતાનું લોહી આપીને તારો જીવ બચાવ્યો."

નયન તો સ્નેહા સામું જોઈ શકે તેવી હાલત પણ ન હતી કેમ કે, ત્યારે તે સ્નેહાને સાથે લીધા વગર તેની અવગણના કરીને એકલો આગળ વઘ્યો હતો. સ્નેહા તેની હાલત સમજતાં બોલી,

"નયન ચિંતા ન કર..! મેનકાને ફોન કરીને મેં બધી વાત જણાવી છે પણ તે આજ બહુ વ્યસ્ત છે એટલે કાલે આવશે." પીડાથી કણસતો નયન આ સ્નેહાના અવાજમાં સ્નેહાની ભીતરની પીડા પણ આજ પારખી રહયો હતો. આજ જાણે તેનો અંતરાત્મા કહેતો હતો કે, સ્નેહા જેવી છોકરી જગતમાં ક્યાંય નહીં મળે.

તે ફક્ત સ્નેહા સામું જોઈ હાથ જોડીને 'સોરી ' એટલું જ બોલી શક્યો હતો. સ્નેહા તેનો સ્નેહ પારખી ઉભી થઈને તેનો હાથ પકડીને નીચે મુકાવી તેનાં માથે હાથ ફેરવતાં સ્નેહથી બોલી, "ચુપચાપ આરામ કર. ભગવાન જલદી સાજો કરી દેશે."

પીડા વઘુ હોવાથી રાતભર નયન કણસતો રહયો અને સ્નેહા તેનો હાથ પકડી માથે હાથ મૂકી પોતે જાગતી રહીને હિંમત આપતી રહી હતી. થોડી રાહત થતાં સુઈ ગયાં પછી સવારે મોડા નયને આંખ ખુલતાં જોયું તો સ્નેહા માથું ઢાળીને તેની બાજુમાં બેસીને જ સૂતી હતી. 

નર્સે આવીને કહ્યું, "આ બહેન આખી રાત સૂતાં નથી. રાતભર તમારી સેવા કરી છે." નયન બસ તેનો ચેહરો જોતો જ રહયો. માતાપિતા ઘેરથી ચા નાસ્તો લઇને આવ્યાં હતાં તો સહુ નાસ્તો કરીને બેઠા હતાં. અચાનક મેનકાએ બારણું ખોલ્યું. નયનને જોતાં જ બોલી, 

"અરે નયન તું ઠીક છે ને હવે? સોરી મારા કારણે તને સહન કરવું પડ્યું." કહીને તે સ્નેહાની બાજુમાં આવીને બેસી ગઈ. નયનની મા મેનકાને જોઈને મોઢું છુપાવી દીધું. પણ સ્નેહાએ સ્મિત કરીને મેનકાને કહ્યું, "હવે નયનની તબિયત બહુ સારી છે. ચિંતાની કોઈ જરૂર નહીં."

"થેન્ક્સ ગોડ." કહેતાંક મેનકા બોલી,

"નયન મારે આજે તું ખુશ થઈ જાય એવી વાત કહેવી છે. આમ તો આપણે મુવી જોવા જવાનું હતું ત્યાં કહેવાની હતી પણ તને ઇજા થતાં તું કહે તો અહી બધાની સામે જ કહી દઉં ? "

મેનકાએ ખુશીની વાત કહેવાનું કહેતાં જ નયનને પોતાની અધૂરી વાત યાદ આવી અને તે સમજ્યો કે મેનકા પણ મને પ્રેમ માટે પ્રપોઝ કરવાં માંગે છે બધાની સામે. નયને બાજુમાં બેઠેલી સ્નેહા સામે જોયું અને તેને ભીતરમાં એવી ઈચ્છા જાગી કે આ મેનકા મને પ્રેમની પ્રપોઝ ન કરે તો સારું.

બીજી તરફ સ્નેહા પણ સમજી ગઈ કે આ મેનકા કાંઈક એવું કહેશે કે, જે તે સાંભળી નહીં શકે તેથી તે પણ ઉભી થઈ ગઈ હતી. બાજુમાં બેઠેલાં મા તો હવે વઘુ નારાજ થઈને આખા અવળા જ ફરી ગયાં હતાં. પણ કોઈની પણ પરવા કર્યા વગર મેનકાએ મલકાતાં કહી જ દીધું કે,

"નયન મને જોવા એક મસ્ત છોકરો અમેરિકાથી આવ્યો હતો અને મને તો જોતાં જ પસંદ આવી જતાં મેં તરત જ લગ્ન માટે હા પણ પાડી દીધી."

નયન માટે આશ્તેચર્વીય પમાડે તેવી વાત હતી પણ મા તરત જ મેનકા સામું ફરી મલકાઈ ગયાં અને સ્નેહાની તો આંખમાંથી હરખનાં આંસુ આવી ગયેલા હતાં. નયનની માએ તો મીઠાઈનો ટુકડો લાવીને મેનકાના મોઢામાં મૂકી દીધો અને બોલ્યાં,

"વાહ બેટા બહુ જ સારું કર્યુ. જલદી તારાં લગ્ન ભગવાનની કૃપાથી થઈ જાય તેવાં આશીર્વાદ."  

સ્નેહા હજીય નયન સામું તાકી રહી હતી. નયન પણ જાણે રાહત અનુભવતો હોય તેમ સ્નેહા સામું જોઈને મીઠું સ્મિત આપીને મેનકાને બોલ્યો, "ખુબ અભિનંદન મેનકા સદા ખુશ રહે."

"હવે નયન તું કયારે મને આવાં ખુશ ખબર આપશે ?" મેનકા મજાકમાં બોલી, 

 "મારી ખૂશી તો હમેશા મારી આસપાસ જ રહે છે." કહીને નયને સ્નેહા સામું જોયું.

નેણલે નેહ ઝબૂકતો, શેરડા ફૂટે ગાલે કેવા આ શરમનાં 

પ્રેમની પાંખો ફૂટી, હૈયામાં સ્ફુરે મધુરાં સ્પંદનો આજ પ્રેમનાં "

સ્નેહા શરમાઈ ગઈ હતી. મા સમજી જતાં એક કટકો સ્નેહાનાં મોઢામાં મૂકતાં બોલ્યાં હતાં,  "લે હવે સ્નેહા તને પણ આવા મેનકા જેવાં જ આશીર્વાદ."

સ્નેહા શરમાઈને બહાર ભાગી ગઈ હતી. સુખદ અંત બાદ સ્નેહા અને નયન પરણી ગયાં અને આજ પરણ્યાની પહેલી રાતે બહાર બેઠો આ તેને થયેલાં અદભુત મેનકાના આકર્ષણની વાત યાદ આવતાં જ હસી પડ્યો. યાદોનાં વમળોમાંથી બહાર આવીને નયન હવે પોતાનો સાચો પ્રેમ મળી ગયો હોવાનો સંતોષ અને પ્રભુનો અભાર માની સજાવેલી સેજ પર રાહ જોતી વહાલી સ્નેહાના કમરા તરફ આગળ વઘ્યો. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Romance