પ્રેમની સજા
પ્રેમની સજા
વાદળોનો ગડગડાટ અને વીજળીના ચમકારા થઈ રહ્યા હતા. હમણાં જ વરસાદ ધોધમાર તૂટી પડશે એવા એંધાણ વર્તાઈ રહ્યા હતાં. માલતી બહેન ખેતરેથી આવીને આડે પડખે થયા હતા. વીજળીના ચમકારા વચ્ચે અચાનક બાઈકની ઘરઘરાટી સંભળાઈ. "હશે કોઈ કહી માલતી બહેને પડખું ફેરવ્યું" અને ત્યાં જ તેમનો દીકરો રોનક દોડતો આવ્યો. "આઈ આઈ દી ગઈ."
તે ઊંઘમાં હતા તેમને કંઈ ખબર ના પડી ફરીથી તે બોલ્યો "આઈ ઊઠો દી કોઈની સાથે બાઈક પાછળ બેસીને ગઈ."
તે ઊભા થઈ ગયા. હાંફળા ફાંફળા બહાર નીકળ્યા તો પાછળ વાડાનો દરવાજો ખુલ્લો હતો. અનિતા ક્યાંય નજરે ના પડી. જાણે તેમના પર તો વીજળી જ ત્રાટકી તે ત્યાં જ ખોડાઈ ગયા. જે મનમાં ડર હતો તે જ થયું. તેમના દીકરાએ તેમને હલાવ્યા આઈ ઘરમાં ચાલ.
ઘરમાં આવીને ધ્રુજતા હાથે તેમના પતિને ફોન જોડ્યો. "સાંભળો જલદીથી ઘરે આવો તે રડવા લાગ્યા. ફોન મૂકી દીધો. અનિતાના પિતા મેહુલ ભાઈ ઘરે આવ્યા.
"શું થયું ?"
"જે આપણને બીક હતી તે જ થયું. આપણી દીકરી તેના પ્રેમી સાથે ભાગી ગઈ. હવે આપણે કયા મોઢે જીવીશું ? "
આ સાંભળતા મેહુલભાઈને માથે તો જાણે વીજળી સાથે આભ તૂટી પડ્યું. તે ગુસ્સામાં બોલ્યા.
તું શું કરતી હતી ? તારે ધ્યાન રાખવી પડેને."
"ખેતરમાંથી આવી, થાકી હતી એટલે સૂઈ ગઈ. તેને આપણે કેટલી સમજાવી હતી કે એ છોકરા પાસે કંઈ કામધંધો નથી એ તને ફસાવે છે. તું તેને ભૂલી જા. અત્યારે આ પ્રેમ ના હોય તારું આકર્ષણ છે." પરંતુ તેને જે ભૂલવાનું નાટક કર્યું એ જ આપણને છેતરી ગયું.
તેમના નજીકના ભાઈઓને જાણ કરી બધા ભેગા થયા. તેના પિતાજી બોલ્યા "અનિતા ઘરછોડીને ભાગી ગઈ છે. પરંતુ આજથી આપણા માટે એ મરી ગઈ છે. તેના નામનું બધાએ નાહી નાખવાનું છે. તેને શોધવા ક્યાંય જવાની નથી. આ આપણો તેના માટે છેલ્લો પ્રેમ છે."
બધાએ સમજાવ્યા કે દીકરી છે ભૂલ કરે તેને એકવાર શોધીને લઈ આવીએ જો તે ના માને તો ભૂલી જઈશું.
તેમની ઈચ્છા નહોતી પણ કુટુંબના ભાઈઓ પોલીસ સ્ટેશન ગયા તો તે ત્યાં હાજર થઈ તેને લગ્ન કરી લીધા હતા. ગળામાં મંગળસૂત્ર અને માંગમાં સિંદુર હતું. તેના માતા પિતાને ઓળખવાની ના પાડી દીધી. કોઈ કશું બોલી ના શક્યું.
બધા પોતપોતાના કામે લાગ્યા સમાજમાં થોડા દિવસ પડઘમ ગુંજ્યા. પછી બધું શાંત થઈ ગયું. થોડા વર્ષો વીતી ગયા પછી અનિતાને તેની કાકાની દીકરીએ જોઈ તેને તે તો ઓળખી જ ના શકી. પરંતુ અનિતા તેને ઓળખી ગઈ. તેને બૂમ પાડી તેની પાસે ગઈ
"રુહી ઘરે બધા કેમ છે ?"
"કોનું ઘર ? એ ઘર માટે તું મરી ગઈ છે. પરંતુ તારી આવી હાલત કેમ થઈ છે ?
"હું પ્રેમ કરીને પસ્તાઈ છું ભરતાં તો ખોટું ડગલું ભરી દીધું પણ શું કરું ? પ્રેમ એ તો ચાર દિન કી ચાંદની જેવો જ હોય છે. વીજળી ચમકે એટલે જ રોશની દેખાય છે, પછી તો અંધકાર જ છે. શરૂઆતમાં હથેળીમાં રાખી પણ પછી ધીરેધીરે ખબર પડી કે આ તો પ્રેમ નહોતો. ભાગીને ગઈ છું એટલે ઘરમાં કોઈને મારી કદર જ નહોતી. મને પ્રેમની સજા મળી ગઈ છે. મેં માતાપિતાના પ્રેમની કદર ના કરી તેમની વાત ના માનીને તેમને દુ:ખી કર્યાં. તેની મને આ સજા મળી છે આટલું બોલી તે ત્યાંથી જતી રહી.
પણ રુહીના મનમાં પ્રેમના હજારો સવાલો છોડી ગઈ. રુહીને મનમાં વીજળીનો ચમકારો થયો. પોતાના વિચારથી એક ડગલું પાછળ ખસી કારણકે તેની ઉંમર પ્રેમ તરફ ઢળી હતી. ફરીથી એ જ વાદળનો ગડગડાટને વીજળીના ચમકારા થવા લાગ્યા. એક ક્ષણ માટે વિચાર આવ્યો કે આપણે કરેલા પ્રેમની સજા માવતર તો ભોગવે છે. સાથેસાથે પોતાને પણ ભોગવવી પડે છે. તેનો વિચાર બદલાઈ ગયો.

