Kinju Desai

Romance Fantasy Inspirational

4.7  

Kinju Desai

Romance Fantasy Inspirational

“પ્રેમની પરિભાષા”

“પ્રેમની પરિભાષા”

4 mins
428


 વહેલી સવારે ચાર વાગ્યે ઉપડેલી બસ મુસાફરો ચા-નાસ્તો કરે એ માટે લગભગ નવ વાગ્યે ઉભી રહી. નીતિન ચા પીવા માટે નીચે ઉતર્યો. ગરમ ગરમ ચાની ચૂસકી સાથે તેના તન અને મનમાં નવી તાજગી આવી ગઈ. 

એની ચા હજુ પુરી નહતી થઈ ત્યારે એણે લગભગ પાંત્રીસેક વર્ષની સ્ત્રીને જોઈ. દેખાવે એ સામાન્ય સુંદર અને મધ્યમ બાંધાની સ્ત્રી હતી. નીતિન જે બસમાં હતો એ જ બસમાંથી તે ઉતરી હતી, વારંવાર એ સ્ત્રી એના હાથમાં રહેલ ફોટો જોઈ રહી હતી. આ જોઈ નીતિનને નવાઈ લાગી. એને આ સ્ત્રીને જોતાં જ નીતાની યાદ આવી ગઈ. 

નીતા એટલે નીતિન માટે સર્વસ્વ. પણ એ જ નીતાએ તેને પોતાના જીવનનું માત્ર એક સામાન્ય પાસું માન્યું હતું. નીતિન એક મધ્યમ વર્ગનો વ્યક્તિ હતો અને તે નીતાને બીજાની જેમ મોંઘી મોંઘી ગીફ્ટ આપી શકતો ન હતો. આને કારણે બંને વચ્ચે અનેક વાર ઝઘડા પણ થયાં કરતાં હતા. નીતા માત્ર ને માત્ર ગીફ્ટ અને પૈસાને જ મહત્વ આપતી હતી, નીતિનની લાગણીઓનું મૂલ્ય એ ક્યારેય સમજી શકી નહિ, અને અચાનક જ કોઈ અમીર વ્યક્તિ સાથે લગ્ન કરી લીધાં. 

ત્યારથી આજ સુધી નીતિન કોઈ પણ સ્ત્રી સાથે પ્રેમ સંબંધથી જોડાયો ન હતો. એના માટે પ્રેમ શબ્દ જાણે પીડાની માળા સમાન બની ગયો હતો. જ્યારે પણ એ પ્રેમની વાત સાંભળતો કે કોઈ અન્ય સ્ત્રી એને પ્રપોઝ કરતી તો નીતિનને નીતાએ આપેલી અસહ્ય વેદના જ યાદ આવતી, તેથી આ જ સુધી નીતિન ક્યારેય પ્રેમની લાગણી ને સાચા અર્થમાં સમજી શક્યો નહતો. 

બસ ઉપડી અને નીતિન એની સીટ પર આવીને બેસી ગયો. એણે જોયું તો સામે પેલી સ્ત્રી વારંવાર બારીમાંથી રસ્તો જોઈ રહી હતી, એ સ્ત્રીને જોઈને એવું લાગતું હતું કે એ પોતાની યાદોને વાગોળતી હતી, અને એની આંખો પણ ભીની થઈ ગઈ હતી. નીતિન એ સ્ત્રી જોડે ગયો અને પુછ્યું, ‘જો તમને કોઈ પ્રોબ્લેમ ના હોય તો હું અહીં બેસી શકું?’ સ્ત્રીએ માથું હલાવ્યું અને હા પાડી. નીતિને નામ પૂછ્યું તો જાણવા મળ્યું કે એ સ્ત્રીનું નામ સરસ્વતી હતું.

થોડીવાર એણે સરસ્વતીને નિહાળ્યાં પછી પુછ્યું, ‘આ ફોટો તમારા પતિનો છે?’ સરસ્વતી એ કહ્યું, ‘ના’ આ તો મારા જીવનને રમણીય બનાવનાર સમીર છે. પણ હવે એમની સાથે જીવનનો આનંદ માણવો એ માત્ર સપનું બનીને રહી ગયું છે, સાત વર્ષ પહેલાં એ મૃત્યુ પામ્યાં છે. હવે તો માત્ર આ ફોટો અને યાદો જ મારી સાથે છે. 

આ સાંભળીને નીતિન સ્તબ્ધ થઈ ગયો. એણે પૂછ્યું, ‘સાત વર્ષ થયાં છતાં પણ તમે હજુ સુધી એમની યાદો સાથે જ જીવન વિતાવો છો ?’ સરસ્વતી એ કહ્યું, ‘ એ મારા માટે મારું સર્વસ્વ હતાં. એમની સાથે વિતાવેલી હરેક પળને હું મારા જીવનની ઉત્તમ પળ માનું છું. એ ક્ષણોમાં મે સૌથી વધુ આનંદની અનુભૂતિ કરતી હતી. હવે તો એમની સાથે વિતાવેલ એ સમય અને એ યાદો સાથે જીવન વિતાવું છું. નીતિને પુછ્યું, ‘એમનું મૃત્યુ કઈ રીતે થયું હતું?’ સરસ્વતી એ દબાયેલા અવાજે કહ્યું, ‘કાર એક્સિડન્ટમાં...એ દિવસે મારો જન્મદિવસ હતો અને એ મારા માટે સરપ્રાઈઝ પ્લાન કરી મને લેવા આવી રહ્યાં હતાં, પરંતુ એ સરપ્રાઈઝ મારા જીવનની સમગ્ર ખુશીઓને મારાથી છીનવીને લઈ ગઈ. રહી ગઈ માત્ર યાદો...અને મારો પ્રેમ...’ આગળ બોલવાની હિંમત હવે સરસ્વતી મા રહી નહતી. 

નીતિને મનમાં વિચાર્યું, એક બાજુ આ સ્ત્રી જે માત્ર ને માત્ર યાદો સાથે પોતાનું સમગ્ર જીવન વિતાવી રહી છે અને એક બાજુ હું છું જેણે નીતાના કારણે જીવનની દરેક ખુશીઓને ત્યજી નાંખી છે. આ સરસ્વતી જીવનની દરેક ક્ષણે ખુશીઓને શોધી વર્તમાનને સુંદર બનાવી રહી છે એનું એકમાત્ર કારણ છે પ્રેમની શક્તિ...અને એક હું છું જે આટલી સુંદર પરિભાષાને હજુ સુધી સમજી શક્યો નહીં... 

એણે ફરીથી સરસ્વતીને કહ્યું, ‘તમે જીવનભર આ યાદોના સહારે આનંદ મેળવી શકશો?’ આ વખતે સરસ્વતી મૌન રહી. એ એક પણ શબ્દ બોલી શકી નહીં, થોડીવાર રહીને એ બોલી પ્રેમની પરિભાષામાં માત્ર આનંદ અને ખુશીઓનો સમાવેશ નથી થતો, આ બધાની સાથે પ્રેમની લાગણીઓમાં પીડાં, વિયોગ, સમર્પણ, વિશ્વાસ જેવી અનેક લાગણીઓનો પણ સમાવેશ થાય છે. અને હું એ બધી જ લાગણીઓને એકરૂપ કરી જીવવા માંગું છું. 

નીતિન જાણે કોઈ ગુરુની સામે બેસીને જ્ઞાન મેળવી રહ્યો હોય એ રીતે સરસ્વતીની એક એક વાતને ધ્યાન પૂર્વક સાંભળી અને સમજી રહ્યો હતો. એણે તો જાણે આ સરસ્વતી સમગ્ર જીવનનો ગુઢાર્થ સમજાવી રહી હતી, અને તે આ ગુઢાર્થમાં પૂર્ણ રીતે એ વાતને સમજી શક્યો હતો કે, જીવનમાં અનેક પ્રકારના સુખ-દુઃખ અને અનેક પ્રકારના લોકો આવશે, પરંતુ રહી જશે માત્ર આ લાગણી... પ્રેમની લાગણી. 

સરસ્વતી એ કહ્યું, ‘પ્રેમની લાગણી એ પીડાની માળા નથી પ્રેમની પરિભાષા તો દરેક વ્યક્તિની પોતાની હોય છે. પરંતુ આ બધાંમાં સર્વ સામાન્ય બાબત એ છે કે પ્રેમ એ સૃષ્ટિના બધા જ ભાવોમાં સૌથી સુંદર ભાવ છે અને એનાથી પણ સુંદર છે એની પરિભાષા. પ્રેમની પરિભાષા... 

નીતિનને આજે પહેલી વાર કોઈ એવું મળ્યું હતું જેની વાતો સત્યતાથી ભરપૂર અને વિશ્વાસના પાયાથી જોડાયેલી હતી. અને આ ભાવનાને નીતિન પહેલીવાર સમજી શક્યો હતો. 

નીતિનનું બસ સ્ટોપ આવ્યું અને તેણે સરસ્વતીની વિદાય લીધી. એણે કહ્યું, ‘મારા જીવનમાં પ્રેમ વિશે જે નકારાત્મક વિચારો હતાં એ તમને મળવાથી દૂર થયા છે, હું આ મુલાકાતને જીવનભર યાદ રાખીશ!’

પ્રેમની નવી પરિભાષા સમજીને નવીન સ્ફૂર્તિ સાથે તે બસમાંથી નીચે ઊતર્યો. 


Rate this content
Log in

Similar gujarati story from Romance