Kinju Desai

Romance Tragedy

4.0  

Kinju Desai

Romance Tragedy

છેડો

છેડો

3 mins
223


છ મહિના પછી....

એક દિવસ રોહિતની કાર રસ્તામાં બંધ પડી ગઈ. તે કોઈની મદદની આશા રાખ્યા વિના કારને ચાલુ કરવાનાં પ્રયત્નો કરવા લાગ્યો, એટલામાં અચાનક જ એક કાર તેની નજીક આવી ને ઊભી રહી, રોહિતની નજર પડી તો એમાં કલ્પના બેઠી હતી. ક્ષણભર પછી રોહિતે પુછ્યું, શું તમે મને મારા ઘર સુધી લિફ્ટ આપી શકો ‌?‌

‘તમે' શબ્દ સાંભળતાં જ કલ્પનાની ‌આંખમાં ઝળઝળીયાં આવી ગયા. આ રીતનું પરાયાં જેવું વર્તન રોહિતે કર્યું, એને વિશ્વાસ ન હતો આવતો. કારમાં બેસી ગયા પછી પણ બંને વચ્ચે શબ્દથી વધુ મૌન બોલતું હતું.

રોહિતના ઘરની નજીક એક વૃક્ષ હતું, જ્યાં બેસીને રોહિતે અને કલ્પનાએ અનેક સપનાં જોયાં હતાં. એ વૃક્ષને જોઇને રોહિતે કહ્યું,‌ અત્યારે થોડા સમય માટે અહીં બેસી શકે? હા, કે ના બોલ્યાં વિના કલ્પના ગાડીમાંથી નીચે ઉતરી અને બંને ત્યાં બેઠાં.

બંનેનાં મનમાં એક જ વિચાર ચાલતો હતો, એ દિવસની ભૂલ માટે માફી માંગવી, અને બંને સાથે જ બોલ્યાં,‘એ દિવસ માટે...' સાથે બોલવાનાં કારણે બંને સમજી ગયાં કે ભૂલ બંનેની હતી.અને આ બંનેને અલગ કરનાર ત્રીજી વ્યક્તિ એ બંનેનો ઘમંડ હતો.અને તેનું જ પરિણામ હતું કે, છ મહિના પહેલા એ દિવસે બંનેની વચ્ચે ઝઘડો થયો, અને આ ઝઘડામાં મતભેદની જગ્યાએ મનભેદ પલાંઠી વાળીને બેસી ગયો.

એ દિવસથી આજ સુધી બંને વચ્ચે વાતચીત કે મુલાકાત થઈ ન હતી, આજે અચાનક થયેલી મુલાકાતના કારણે બંને પોતાના મનની વ્યથા કહેવા માંગતાં હતાં. પણ શરૂઆત કોણ કરે!

બંનેનાં વિચારોમાં એજ દિવસ ફરી ઊગી રહ્યો હતો. એ દિવસે રોહિત અને કલ્પના એમનાં ઘરમાં પોતાના સંબંધ વિશે વાત કરવાનાં હતાં, પરિવારનાં સભ્યો પણ શિક્ષણના કારણે તેમને સહેલાઈથી સમજી અને આ સંબંધને ‌અપનાવી‌‌ જ લેત પરંતુ બન્યું એવું કે રોહિતનાં જ એક મિત્રએ આ સમગ્ર વાત પહેલેથી જ રોહિતનાં ઘરમાં કહી દીધી અને તેનું પરિણામ એ આવ્યું કે ગુસ્સામાં રોહિતનાં પરિવારનાં સભ્યોએ આ સંબંધને ‌અપનાવવાની ના પાડી અને કલ્પનાનાં પરિવારે પણ આ સંબંધને નકારી કાઢ્યો.

રોહિત અને કલ્પનાનાં મનમાં એવાં જ વિચાર આવવાં લાગ્યાં કે એકબીજાનાં પરિવારનાં સભ્યો એમની સાથે નથી. ગુસ્સામાં બંને જણ એકબીજાનાં પરિવાર વિશે અપમાનિત એવા શબ્દો બોલવાં લાગ્યાં અને બંનેથી આ સહન ન થયું, અને આ સંબંધનો છેડો ત્યાં જ અધૂરો રહી ગયો.

આજે અંધારી રાત વધુ ગાઢ અંધકાર ફેલાવી રહી હતી અને તારાઓ પણ પોતાનાં મુક્ત મને જ આકાશમાં ટમટમતાં હતાં. બંનેનાં મનની વેદનાને તેઓ બહાર લાવવા માંગતા હતાં, પરંતુ બંનેનાં મન હજુ સુધી તારાઓ સમાન મુક્ત થઈ શક્યાં ન હતાં. એટલામાં જ કલ્પનાની દ્રષ્ટિ રોહિતનાં ચહેરા પર પડી, એની આંખોનાં કિનારાઓમાં અશ્રુનું ઘોડાપુર જોઈને કલ્પના પોતાની લાગણીઓ રોકી ના શકી અને રોહિતને ઝડપભેર ગળે લગાવી દીધો, અને તેની વેદનાને પોતાની બનાવી દીધી. માત્ર એક જ આલિંગનમાં તેમણે છ‌ મહિનાની વેદનાને સમેટી લીધી હતી, પછી બંનેએ એકબીજાનાં હાથ પકડ્યાં અને એ દિવસે થયેલી એક એક ભૂલને સ્વીકારી. અચાનક થયેલી આ મુલાકાતમાં બંનેની લાગણીઓ વણાઈ ગઈ અને ફરીથી આ સંબંધમાં નવી રંગપૂરણી થઈ.

હવે માત્ર એક જ કામ બાકી હતું પરિવારની મંજૂરી લેવાનું. પણ આ વખતે આ કાર્ય એટલું સહેલું ન હતું, કારણ કે પરિવારના સભ્યોએ આ સંબંધને ‌અપનાવવાની આગળ પણ ના પાડી હતી. રોહિત અને કલ્પના આ વખતે એકબીજાથી દૂર થવા માંગતા ન હતાં એટલે તેમણે સમજણ પુર્વક કામ કર્યું, તેમણે બંનેનાં પરિવારને એકસાથે ભેગા કર્યા અને પોતાની વાત રજૂ કરી. પરિવારનાં સભ્યોને વિનંતીથી સમજાવ્યું કે સમાજ અને દુનિયામાં લોકો શું કહેશે એનાથી વધુ જરૂરી એમનાં માટે પરિવારજનોનો સાથ અને સહમતી છે. અને તેઓ એમની રજા સિવાય આ સંબંધને આગળ વધારવા માંગતા નથી, રોહિતે કહ્યું, ‘પરિવારનાં દરેક સભ્યના આશિર્વાદ મેળવ્યા બાદ જ અમે આ સંબંધને નવું નામ આપવાની ઈચ્છા રાખીએ છીએ. પરીવારથી દૂર જઈને અમારા સંબંધમાં ખુશીઓ આવી જશે તે વાતને અમે બંને સમર્થન આપતા નથી, પણ અમે તમારી ઈચ્છાથી આ સંબંધને જીવનભર નિભાવવા માંગીએ છીએ.’

બધી વાત સાંભળી અને થોડાં વિચારોની આપ-લે બાદ બંનેનાં પરિવારનાં સભ્યો પણ આ સંબંધને સ્વીકારવા તૈયાર થઈ ગયાં. અને રોહિત અને કલ્પનાનાં જીવનમાં સંબંધોની નવી રંગપૂરણી થઈ.

છ મહિના પહેલા જે સંબંધનો છેડો અધૂરો રહી ગયો હતો. એ, અધૂરો છેડો આજે પૂર્ણ થઈ ગયો.અને સાથે સાથે લાગણીઓની નદીઓ પણ ફરીથી વહેતી થઈ.


Rate this content
Log in

Similar gujarati story from Romance