પ્રેમની અસિમતા
પ્રેમની અસિમતા
કહેવાય છે ને કે પ્રેમને કોઇ સીમાડા નથી હોતા...!
માર્ગારેટએ સાઉથ આફ્રિકાની રહેવાસી, વ્યવસાયે નર્સ અને તેય પાછી નીગ્રો હતી. અને મનીષ પંજાબનો વતની...!બંનેની સોશિયલ મીડિયામાં ફેસબુક મારફતે એકબીજા સાથે ફ્રેન્ડશીપ થઈ. બંને અવારનવાર ચેટ પણ કરતા હતા. ધીમે ધીમે એ લોકોએ વિડીયો કોલિંગ ચાલુ કર્યું. બંને જણા ગાઢ સંપર્કમાં આવ્યા.
પ્રગાઢ પ્રેમ પાંગર્યો..!
બંનેને એવું લાગ્યું કે હવે તો લગ્ન કરવા જોઈએ. આ લગ્ન મનીષના કુટુંબીજનોને અસ્વીકાર્ય હતા. છતાંય બંને મક્કમ રહ્યા. પ્રેમ જીત્યો..! પરણી જ ગયાં...!
માર્ગારેટ પંજાબ રહેવા આવી ગઈ. બંનેને ત્યાં થોડા સમયમાં એક સરસ મજાના બાળકનો જન્મ થયો.
નામ રાખ્યું અગત્સ્ય..! ભારતમાં કોરોનાનો પગપેસારો થયો .એ દરમિયાન મનીષને કોરોના પોઝિટિવ આવ્યો. અને મનીષનું મૃત્યુ થયું. માર્ગારેટ અને અગત્સ્ય હવે એકલા પડી ગયા...!
હવે શું કરવું..?
માર્ગારેટ નર્સિંગનું ભણેલી હતી. તેથી તેણે પોતાની કારકિર્દી આગળ ધપાવવા નક્કી કર્યું. અને પંજાબ સરકારની સહાયથી પેશન્ટની સાર સંભાળ કરવા માટે સરકારી હોસ્પિટલમાં નિયુક્તિ મળી. એણે કોરોના વોરિયર તરીકે ઘણા બધા પેશન્ટનો સેવા ઉપચાર કર્યો. પંજાબ સરકારે એની પ્રસંશા કરી...! પોતાનું નાનું બાળક હોવા છતાં, અને પોતાનાં પતિને કોરોનામાં જ ગુમાવ્યો હોવા છતાં પણ પોતાનું ધૈર્ય જાળવી રાખી,ધગશ અને લગનથી પોતાના વ્યવસાયને ઉજાળ્યો...!
પંજાબ સરકાર તરફથી એને કોરોના વોરિયર્સનો એવોર્ડ આપવામાં આવ્યો..! આમ સોશિયલ મીડિયા ઉપર પાંગરેલી પ્રેમ કહાની થકી એક વિદેશી યુવતી કે જેણે ભારતમાં રહીને ઘણી મુશ્કેલી વેઠી પોતાના પતિની જન્મભૂમિને જ કર્મભૂમિ બનાવી અને સેવા કરી.
કહેવાનું તાત્પર્ય એટલું જ ગત વર્ષ કોરોનાને કારણે ખુબ ભયાવહ રહ્યું. બેશક કેટલાયને એ ફાયદાકારક પણ રહ્યું, પણ મોટે ભાગે ગુમાવનારા એ આખેઆખા ભર્યાભાદર્યા કુટુબીજનોને ગુમાવ્યાં. ઘણાંના તો પરિવારનો એકમાત્ર આધારસ્તંભ ગુમાવ્યો.ઈશ્વરના ચરણોમાં એટલી અરજ કે હવે ઝડપથી બધું થાળે પડે અને પહેલાં જેવી હસતાં ખેલતાં લોકો ફરી જોવા મળે.
