mariyam dhupli

Abstract Drama Inspirational

4  

mariyam dhupli

Abstract Drama Inspirational

પપ્પા

પપ્પા

6 mins
1.0K


બાઈક વાવાઝોડાની જેમ શહેરના રસ્તાઓ ઉપરથી પસાર થઈ રહી હતી. બાઈક પર લટકી રહેલો સમાચારપત્રમાં લપેટાયેલો પતંગનો જથ્થો સડસડાટ ભાગી રહેલી બાઈકની ઝડપથી થરથરી રહ્યો હતો. બાઈક ચલાવનાર યુવકનું ખુલ્લું માથું ઝડપ અને ઘર્ષણના બાળક સમા પવનના સુસવાટાઓ ગર્વથી ઝીલી રહ્યું હતું. એ સુસવાટાઓથી હવામાં લહેરાઈ રહેલા સુંવાળા વાળ તક મળતા સાઈડ મિરરમાં વારેવારે અવલોકન પામી રહ્યા હતા. જાણે શહેરના રસ્તાઓ સર્કસની રિંગ હોય અને આખું શહેર કરતબ નિહાળવા બેઠું હોય એમ બાઈક અહીંથી ત્યાં વાંકાચૂંકા વળાંકો મારી રહી હતી. સ્થિર એકજ દિશામાં સીધેસીધું આગળ વધવાની તાલીમ એને મળીજ ન હોય એમ !

રસ્તા ઉપર છુટાછવાયા વાહનો હતા. આમ છતાં એક ક્ષણ પણ રાહ જોવાની ધીરજ ન હોય એનો સંદેશો આપતો બાઈકનો હોર્ન આગળ હાંકી રહેલા દરેક વાહન ચલાવનારાઓના હૈયા ધ્રુજાવી રહ્યો હતો. 

ટ્રાફિક સિગ્નલ પાસે પહોંચતાજ સિગ્નલ લાલ રંગમાં ફેરવાઈ ગયું. પણ એ એક કે બે ક્ષણો મોડે પહોંચવાની સજા રૂપે બે ત્રણ મિનિટનો સમય વેડફવાની જરાયે તૈયારી ન હોય એમ બાઈક સામેના રસ્તા તરફ ધપી ગઈ. પાછળ લાલ સિગ્નલ ઉપર થંભી ગયેલા અન્ય વાહન ચાલકોની આંખોમાં છૂટેલી અપાર ઘૃણાની નોંધ લેવાનો ન સમય હતો, ન દરકાર. 

મસ્ત મોલા કાનમાં ચઢાવાયેલા ઈયરફોનના સંગીત નીચે રસ્તા ઉપરનો દરેક કોલાહલ શમી ગયો હતો. એ કાનના પડદા ફાડી નાખે એવા ઊંચા સ્વરમાં પડઘાઈ રહેલું ગીત મુક્ત માથાને બન્ને દિશામાં હિંચકે ઝુલાવી રહ્યું હતું. એ ગીતના શબ્દો લિપસિંગ કરતા અભિનેતા જેમ ફક્ત હોઠના હલનચલન દ્વારા અભિવ્યક્ત થઈ રહ્યા હતા. 

" ઢીલ દે, ઢીલ દે દે રે ભૈયા, ઈસ પતંગકો ઢીલ દે..."

લાઈસેંસ મેળવવા માટે ફક્ત આગળ નજર કેન્દ્રિત કરી વાહન હાંકવાના શીખેલા નિયમનું બાષ્પીભવન થઈ ગયું હોય એમ બાઈક હાંકતા વચ્ચે વચ્ચે નજર આકાશમાં ડોકિયું કરી રહી હતી. કાળજી અને સુરક્ષા વિના મુક્ત વિહરી રહેલા પતંગોમાં પોતાનુંજ બિન્દાસ્તપણું પ્રતિબિંબિત થઈ રહ્યું હતું. 

આખરે દોડતી હાંફતી બાઈક ઘરના આંગણમાં આવી થોભી. સાઈડ મિરરમાં એક દ્રષ્ટિ ફેંકી માથાના વાળને આંગળીઓ વડે વધુ ઉપરની દિશામાં ઉઠાવવામાં આવ્યા. શર્ટના ઉપરના એક ખોલી મુકેલા બટનમાંથી જીમમાં સખત વ્યાયામથી ઘડેલા છાતીના ચુસ્ત સ્નાયુઓ સંતાકૂકડી રમી રહ્યા હતા. પોતાના દેખાવ અંગે સંપૂર્ણ સંતોષ પામી આખરે ઘરની ડોરબેલ ઉપર હાથ પહોંચ્યો. 

બારણું ખોલતાંજ પાંસઠ વર્ષના પુરુષની દ્રષ્ટિ બારણે ઊભા યુવાનને હેરતથી તાકી રહી. આંખો ઉપર વિશ્વાસ ન બેસતો હોય એમ ફાંટી આંખે એ આધેડ પુરુષ યુવાનના ઉપર તરફથી ઉઘાડા શર્ટને જોઈ રહ્યા. 

" આ શું વિક્રાંત ? તને કેટલી વાર કહ્યું છે કે ઉત્તરાયણ વખતે ગળું બંધ હોય એવા વસ્ત્રો પહેરી બાઈક ચલાવવી. માંજાની અહીં ત્યાં લટકાયેલી દોરીઓ કેટલી જીવલેણ હોય છે. અને એમ પણ તું બાઈક આટલી ઝડપથી કેમ હાંકે છે ? આજે કોઈ સિગ્નલ તો નથી તોડ્યુંને ? "

પ્રશ્નોના વરસાદમાં ભીંજાઈને યુવાનનો ચહેરો અણગમાના હાવભાવોમાં વિફરી પડ્યો. હાથમાં થામેલુ પતંગનું પાકીટ સોફા ઉપર ઉડાવી મૂકી એક પણ પ્રશ્નનો ઉત્તર આપ્યા વિનાજ મૌન ડગલાં રસોડાની દિશામાં આગળ વધી ગયા. 

" અરે, તારા શૂઝ તો કાઢ પહેલા..."

રસોડામાંથી ચીકી હાથમાં લઈ બહાર નીકળેલા ડગલાંઓ પાછળ ફરી બરાડો ગૂંજયો. 

" વિક્રાંત, બહારના કીટાણુઓ જોડે તું સીધો રસોડામાં ન જા. કેટલીવાર કહેવાનું ? પહેલા હાથ મોઢું તો ધોઈ લે..."

પીઠ પાછળથી આવી રહેલા અવાજને "પપ્પા, ટેક એ ચીલ પીલ " એટલોજ ટૂંકો ઉત્તર આપી ઈયરફોન ફરી કાનમાં ભેરવતા ઓરડાનો દરવાજો અંદર તરફથી બંધ થઈ ગયો. 

એ બંધ થઈ ગયેલા દરવાજાને ચિંતાથી નિહાળી રહેલી આંખોને મોઢાએ ધીમેથી એક પ્રશ્ન પૂછ્યો, 

" એ ક્યારે સુધરવાનો ? "

થોડા વર્ષો પછી.....

બાઈક અત્યંત ધીમી ઝડપ જોડે શહેરના રસ્તા ઉપરથી પસાર થઈ રહી હતી. બાઈક પર લટકાવાયેલો સમાચારપત્રમાં લપેટાયેલો પતંગનો જથ્થો અત્યંત સુરક્ષિત હોવાની અનુભૂતિ માણી રહ્યો હતો. બાઈક ચલાવનાર વ્યક્તિનું માથું ભારે હેલ્મેટની અંદર ગોંધાયેલું હતું. એ ચારે તરફથી બંધ કેબીન જેવી હેલ્મેટમાંથી એક વાળ પણ બહાર ડોકિયું કરી શકવા સક્ષમ ન હતો. સાઈડ મિરરનો હેતુગત ઉપયોગ કરતી સતર્ક નજર હેલ્મેટમાંથી સમયાંતરે પાછળ આવતા કે ઓવરટેક કરવા ઈચ્છતા વાહનોને ઘ્યાનપૂર્ણ નિહાળી રહી હતી. અર્જુનની દ્રષ્ટિ જેમ માછલીની આંખ ઉપર જડાયેલી એજ રીતે ધ્યાનનું મુખ્ય કેન્દ્ર ફક્ત અને ફક્ત દ્રષ્ટિ આગળનો રસ્તો હતો. સ્થિર એક જ દિશામાં સીધેસીધું આગળ વધવાની મેળવેલી તાલીમ વ્યવહારમાં શબ્દસહ ઉતારવામાં આવી રહી હતી.

આખો રસ્તો ભારોભાર ટ્રાફિકથી છલકાઈ રહ્યો હતો. ધૈર્ય વિહીન વાહનો દ્વારા હૈયાને ધ્રૂજાવી મુકતા હોર્ન હેલ્મેટના અંદરથી પણ શ્રવણ ઈન્દ્રિયમાં ધમાલ મચાવતા ગૂંજી રહ્યા હતા. પરંતુ એ બધા ખળભળાટ વચ્ચે અત્યંત શાંત ચિત્તે અપાર ધીરજનું પ્રદર્શન કરતા બાઈક ચલાવનાર હાથનું એક્સિલેટર અને બ્રેક ઉપર જબરદસ્ત નિયંત્રણ હતું.

ટ્રાફિક સિગ્નલ પાસે પહોંચતાજ સિગ્નલ લાલ રંગમાં ફેરવાઈ ગયું. થોડી મિનિટ માટે જપીને સિગ્નલ ઉપર રાહ જોવા બાઈકનું એન્જીન તરતજ બંધ થઈ ગયું. જયારે સિગ્નલ લીલું થયું ત્યારે ખૂબજ કાળજીપૂર્વક ધીમેથી એન્જીનને ફરી ગરમ કરવામાં આવ્યું. પાછળ અધીરા બનેલા વાહન ચાલકોના ચહેરા ઉપર ઘેરાઈ આવેલા ધૃણાના હાવભાવો નિહાળવાનો ન સમય હતો, ન પ્રતિક્રિયા આપવાની કોઈ દરકાર. 

ઉત્તરાયણના તહેવારને આવકારવા રસ્તાની બન્ને બાજુથી લાઉડસ્પીકરમાં વાગી રહેલા હાઈ વોલ્યુમ ગીતો હેલ્મેટમાં જડાઈ ગયેલા કાન સુધી પહોંચવા અસમર્થ હતા. હેલ્મેટ અંદરના હોઠ બહાર તરફથી દ્રષ્ટિગોચર ન હતા. માથું એકદમ ટટ્ટાર, સીધું,અડગ. 

ઉપર તરફનું નભ રંગબેરંગી પતંગોથી શોભી ઉઠ્યું હતું. કાળજી અને સુરક્ષા વિના આકાશમાં મુક્ત વિહરી રહેલા પતંગો એકદમ બિન્દાસ્ત ઊંચાઈ પર બેધડક, બેફિકર ગોતા ખાઈ રહ્યા હતા. પરંતુ ધ્યેયબઘ્ધ નજર આંખ સામેના રસ્તા ઉપર પ્રમાણિકપણે ચોંટી ગઈ હતી. જાણે કે બેધડક બનવું કે બેફિકર રહેવું એ સફાળી કીકીઓને જરાયે પોષાવાનું ન હતું. 

મંદ ગતિએ ધીમે ધીમે આગળ વધતી બાઈક આખરે ઘરના આંગણમાં પહોંચી. બે જવાબદાર હાથે ધીરે રહી માથા ઉપર ચુસ્ત પહેરેલી હેલ્મેટને નીચે ઉતારી પાછળના પૈડાં જોડે લોક કરી ભેરવી દીધી. દાઢી સુધી જેની ચેઈન બંધ હતી એવું ગળાની સુરક્ષા અર્થે પહેરાયેલું ગળા બંધ જેકેટ ધીમે રહી એક હાથમાં લેવાયું. બીજા હાથમાં સમાચારપત્રમાં લપેટાયેલો પતંગનો જથ્થો આવ્યો. હેલ્મેટ પહેરવાથી ચપટા થઈ ગયેલા વાળને સાઈડ મિરર સ્પષ્ટ ઝીલી રહ્યું હતું. પરંતુ એ તરફ જોવા માટે સમય ન હોય એમ તરતજ જેકેટ પકડેલા હાથ વડે ડોરબેલ વગાડવામાં આવી. 

બારણું ખોલતાંજ એક સુંદર સ્ત્રીએ સામેના હાથમાંના દરેક ભાર વારાફરતી પોતાના હાથમાં લઈ લીધા. એ સ્ત્રીને આંખોના ઈશારા વડે પ્રશ્ન થયો. જેનો સંકેત ' ક્યાં છે ? ' એવી પૂછપરછ કરી રહ્યો. સ્ત્રીએ પણ શબ્દોનો અવાજ મચાવ્યા વિનાજ અંદર તરફના ઓરડા તરફ બન્ને આંખોની કીકીઓ ફેરવી અશાબ્દિક સાંકેતિક ઈશારા દ્વારા ઉત્તર પરત કર્યો. સામાન જગ્યા પર ગોઠવી સ્ત્રી નીરવ ડગલે રસોડા તરફ ઉપડી ગઈ. 

બહારથી આવેલા જોડા કોઈના પણ કહ્યા વિનાજ બુટસ્ટેન્ડ ઉપર શિસ્તબદ્ધ ગોઠવી દેવામાં આવ્યા. શહેરનું ચક્કર કાપીને આવેલું શરીર પોતાની જોડે લઈને આવેલા નરી આંખે ન પારખી શકાય એવા અસંખ્ય સૂક્ષ્મ કીટાણુઓનો ખાતમો કરવા સીધું સ્નાનાઘરમાં ધસી ગયું. વાળથી લઈ પગ સુધી આખું શરીર સાબુની ઝગમગ જાગ જોડે સ્વચ્છ ખીલી ઉઠ્યું. વારેઘડીએ હાથને સાબુ વડે ઘસી ઘસીને ધોવામાં આવ્યા. શરીર લૂછી અગાઉથી ગોઠવાયેલી નહાવા બાદ ઘરે પહેરવાની કપડાંની જોડ શરીર ઉપર શોભી ઉઠી. 

ખૂટેલી ધીરજ જોડે, દબાયેલા ડગલે આખરે એ સ્વચ્છ શરીર થોડા સમય પહેલા સાંકેતિક નિર્દેશ પામેલા ઓરડાનું બારણું ધીરે રહી અંદર તરફ ખસેડી ઓરડામાં પ્રવેશ્યું. કોઈ પણ પ્રકારનો અવાજ ન થાય એની સંપૂર્ણ તકેદારી રાખતું ધીમે ધીમે આગળ વધ્યું. ગાઢ નિંદ્રામાં પોઢેલા શરીરને કોઈ પણ પ્રકારનો ખલેલ ન પહોંચે એ હેતુસર ઓરડાના નહીંવત રાખેલ આછા પ્રકાશમાં બેડ તરફ એક દ્રષ્ટિ ગઈ. હોઠ પર સ્મિત વેરાઈ ગયું. 

ફરીથી ચોરડગલે ઓરડામાંથી બહાર નીકળી જવા પ્રયાસ થયો કે ઓરડો નાની ચિચિયારીઓ વડે ગૂંજી ઉઠ્યો. અત્યંત ઝડપથી આગળ વધી બેબીબેડના અંદરથી રડી રહેલા નવજાત શિશુને હળવેથી કાળજીપૂર્વક ગોદમાં ઊંચકી શાબ્દિક આશ્વાસન આપવામાં આવ્યું. 

" રડ નહીં. પપ્પા આવી ગયા. "

હેતસભર બાળકને પંપાળતુ શરીર ઓરડામાંથી બહાર નીકળી બેઠકખંડમાં પ્રવેશ્યું. રસોડામાં વ્યસ્ત સ્ત્રી પણ કામ પડતું મૂકી શીઘ્ર નજીક આવી પહોંચી. 

દ્રશ્યને પાછળ તરફથી તાકી રહેલી ફૂલોની હારમાળા પહેરેલી તસ્વીરમાંથી આધેડ ચહેરો સંતોષભર્યું સ્મિત વેરી રહ્યો હતો.


Rate this content
Log in

Similar gujarati story from Abstract