પપ્પા ગયા પછી
પપ્પા ગયા પછી
આમતો આ એક ખૂબ જ સામાન્ય વાત છે. પરંતુ દરેક ના જીવનમાં અલગ અલગ અનુભવો થતાં હોય છે. આમ પણ કોઈ પણ વ્યક્તિનું મૂલ્ય એમનાં ગયા પછીજ સમજાય છે. પણ હા અમે ભાઈ બહેનને પહેલા પણ આ મૂલ્યો સમજાયા હતા અને હમણાં પણ સમજીએ છીએ.
આજે અમારા માથે પિતાની છત્રછાયા નથી. પણ અમારી મા અમને મા બાપ બંનેનો પ્રેમ આપે છે. અરે જોરદાર વ્યક્તિત્વ છે. અમારી પડખે આભ જેવો ટેકો બની ઊભી છે. એ ફેશનેબલ નાની છે તો ટેકનો દાદી પણ છે, એ વહુની એ બેસ્ટ ફ્રેન્ડ છે. હું તો કહું ક્રાઈમ પાટનર છે. ભાઈ ના હોય અથવા ભાઈ ના જમવાનો હોય તો સાસુ વહુ બંને સ્વીગી કરી પીઝા મંગાવી મસ્ત ખાઈ લે છે. કારણ ભાઈ પીઝા ખાતો જ નથી. ભાઈને ખબરે ના પડવા દે. આજની સાસુ પણ જોરદાર હોય છે તો વહુ પણ કયાં ઓછી ઉતરે છે. સાસુ માટે શોપિંગ કરે, જાત જાતનું કરે ભાઈ . અમારી મા તો માં છે.
આતો વાત થઈ મારી માંની. હવે પપ્પા ગયા પછી.
ભાઈ સમય કરતાં જલદી મોટો થઈ ગયો. બધી જ જવાબદારીઓ માથે લઈ લીધી. અરે હવે તો ભાભી પણ કહે છે કે, તમારા ભાઈ તો પપ્પા જેવા જ થઈ ગયા છે. થયો જ હશે ને. અરે એ બધું તો ઠીક પણ મને એક બાપની જેમ સાં
ચવે છે.
અમે રોજ રોજ ફોન પર વાત પણ નથી કરતા છતાં પણ એકબીજા માટે આભની જેમ ટેકો આપવાનું ચૂકતા નથી. એને પણ પપ્પાની યાદ આવે છે, એમની ગેરહાજરી વર્તાય છે પણ એ કોઈને બતાવતો નથી કે કોઈને કંઈ કહેતો પણ નથી. એને એના સદગુરુ પર અતૂટ અને આંધળો વિશ્વાસ છે.
આજના જમાનાનો શ્રવણ છે મારો ભાઈ. આ તમને જરા અતિશયોક્તિ જેવું લાગશે પણ જે સાચું છે તો છે. હવે વાત રહી મારી તો તમને મારી ફેવરિટ લાઈન સંભળાવી દઉં જે મેં જ મારી અન્ય કવિતા ઓ માં લખી છે.
"દિકરી ને સાસરે વળાવીને એક પિતા જીવી જતો હોય છે,
પરંતુ
બાપને વળાવી ને એક દિકરી કેમ કરીને જીવી શકે ?"
તમે જ કહો જીવી શકે ? ના જરાય નહિ. બસ મારો પણ કંઈક આવો જ હાલ છે.
આમતો જીવનમાં દુનિયાની રીતે ખૂબ આગળ વધી ગઈ છું. પરંતુ હું તો હજી ત્યાં જ છું. તમારી રાહ જોતી ઊભી છું પપ્પા. જાણું તમે નથી જ આવવાના પણ તમે પાછા ન આવશો એવું કહીને પણ નથી ગયા ને એટલે બારી પાસે ઊભી રહી ને રાહ જોઉં છું.
આ બધામાં એટલું તો સમજાય ગયું કે એક પિતા ની છત્રછાયા જાય પછી બધું બદલાય જાય છે અને બધું સમજાય પણ જાય છે.