Vrajlal Sapovadia

Inspirational

3  

Vrajlal Sapovadia

Inspirational

પોલાદી પિતા

પોલાદી પિતા

6 mins
539


ભારત આઝાદ થયે 17-18 વરસ થઇ ગયા હતા. દેશ હજુ આર્થિક રીતે અને અનાજથી પગભર નહોતો થયો. દેશના ખેડૂત ગરીબ હતા પણ સ્વમાની અને દેશપ્રેમી હતા. 1965માં પાકિસ્તાન સાથે લડાઈ થઇ અને જીત્યા પણ ખરા. દેશનું સુકાન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી સાંભળતા હતા. લશ્કર માટે અનાજની શસ્ત્રોની અને પૈસાની તંગી હતી. શાસ્ત્રીજીએ દેશના જવાનો માટે દેશવાસીઓને અપીલ કરી કે અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરી તમે અનાજ બચાવી લશ્કરને મદદ કરી શકો છો. ઘણું બધું અનાજ આયાત કરવું પડતું હતું તેથી વડાપ્રધાને દેશવાસીઓને સલાહ આપી કે તમે મંગળવારે એક ટંક ખાવાનું છોડી ઉપવાસ કરો તો ઘણા અનાજની બચત થાય. મોટા ભાગના લોકો મંગળવારે ઉપવાસ કરતા, દેશના ઘણા લોકોએ શાસ્ત્રીજીની અપીલને માન આપી લશ્કર સેવાનો પડકાર ઝીલી લીધો. મારા પિતાએ અઠવાડિયાના સાતે સાત દિવસ એક વખત જમવાનું બંધ કર્યું.


બાપુજી એક દાયકાથી વ્રત પાળતા હતા તે વાતની ખબર તો મને 1974માં પડી હતી. 1973માં દુકાળ પડ્યો ત્યારે હું ઠીક ઠીક સમજણો થઇ ગયો હતો. અમદાવાદ ભણતો હોય વેકેશનમાં ઘરે આવ્યો ને બાપુજી સવારે શિરામણ કે સાંજે વાળું કરવા બેસતા ન જોયા એટલે પૂછ્યું કે કેમ તબિયત ખરાબ છે ? બાએ સમજાવ્યું કે 1965માં લશ્કરને સહકાર કરવા રોજ એક વાર જમવાનું છોડ્યું ને આ વર્ષે દુકાળ છે એટલે બીજી વખતનું ભોજન પણ છોડ્યું છે. અને એ વ્રત કોઈ જાતના પ્રચાર વગર લગભગ જીવન પર્યન્ત ચાલ્યું !


આમ તો પાંચ ચોપડી જ ભણેલા અને દાદાએ પિતાનવ વરસના હતા ત્યારથી ખેતીના કામમાં જોતરી દીધેલ. ટી.વી. હતા નહિ ને રેડિયો વસાવવો પોસાય નહિ. ઘરે છાપા મંગાવવા એ તો બહુ મોટી વાત કહેવાય, મહિને 8-10 રૂપિયા છાપાનું બિલ પોસાય નહિ. બાપુજીને બઝારમાં શેઠની દુકાને જઈ સમાચાર પત્ર વાંચી ઘરમાં માહિતી આપવાની ટેવ કહો કે વ્યસન હતું. એટલે સામાન્ય જ્ઞાન અને દેશ દુનિયાની ખબર ખાસ્સી એવી રહેતી.


બાપુજીની વ્યવહારિક સમજ ઊંડી અને દૂરદેંશી ઊડીને આંખે વળગે એવી હતી. તેઓ જાણતા હતા કે શિક્ષણથી જીવન સુધરે છે અને નોકરી-ધંધામાં શિક્ષણ બહુ ઉપયોગી છે. આખું વરસ કામ કરે તો વરસે છસો રૂપિયાની કમાણી, પણ અમારું વતનનું ગામ નદી કે કેનાલ વગરનું એટલે ખેતીનું કામ ત્રણ-ચાર મહિના જ રહે. બાકીના સમયમાં પિતા અને ઘરના બધા સભ્યો અલગ અલગ કામ કરે ત્યારે બે છેડા ભેગા થાય. ઉનાળામાં કુવા ખોદવાનું અને પથ્થરની ખાણમાંથી પથ્થર કાઢી તેને ભાંગી કાંકરી બનાવવાથી માંડી નળિયાં ચારવાનું, કાલા ને મગફળી ફોલવાનું, દેશી ખાતર ભરવાનું ને એવા જરુર પ્રમાણે અનેક કામ કરવાના! પણ 1966માં તેઓ જાણી લાવ્યા કે ગાંધીજીએ નાના હતા ત્યારે 3-4 ધોરણ એક વરસમાં કર્યું હતું અને મને કહ્યું કે તું મહેનત કરે તો તને પણ એક વરસમાં બે ધોરણ કરાવીએ. મેં બીડું ઝડપી લીધું ને એક જ વરસમાં 5-6 ધોરણ પાસ કરી દીધા. ગામના બીજા ત્રણ છોકરા પણ આવી રીતે એક વરસમાં બે ધોરણ કરવામાં સફળ રહ્યા, પણ એમાંથી એક માત્ર હું એસ.એસ.સી. પાસ થયો એ માતા-પિતાની મહેનતની સાતત્યનું પરિણામ. જો કે એ પછી મેં પી.એચ.ડી. અને સી.એ. સહીત 6 માસ્ટર્સ ડિગ્રી મેળવી અને દેશ અને દુનિયાની શ્રેષ્ઠ સંસ્થાઓમાં કામ કર્યું.


મારા દીકરાએ દેશની કઠિન કહેવાતી યુ.પી.એસ.સી.ની સિવિલ સર્વિસ પાસ કરી ત્યારે બાપુજી લગભગ 90 વરસની ઉંમરે પહોંચવા આવ્યા હતા. બાપુજીએ શાળા 1934માં છોડી દીધેલ, પણ અત્યારે લેવાતી સિવિલ સર્વિસ અને તેની તાલીમ વિષે ઊંડાણથી પ્રશ્ન પૂછયા જે બીજા કોઈએ નહોતા પૂછ્યા. તેમને જાણવાની જિજ્ઞાસા અને સિવિલ સર્વિસમાં આવતું વિષય જ્ઞાન અને જરૂરી તાલીમ વિષે અત્યંત ઝીણી જાણકારી હતી. બાપુજી આમ તો ખુબ જ સ્વસ્થ રહેતા અને ભાગ્યે જ દવા ખાવી પડતી, પણ પાછલી ઉંમરમાં થોડા સજા નરવા હોય અને ફોન કરીએ કે રૂબરૂ તબિયત પૂછવા જઈએ તો એક જ સલાહ હોય કે તમારે તમારા કામમાં ધ્યાન રાખવું અને મારી ચિંતા ન કરવી. હું કહું કે બહુ રજા પડી છે તો એમનો જવાબ હોય કે રજા લ્યો તો સરકારનું કામ તો બગડે ને? તમારે ખાસ કામ હોય તો જ રજા લેવી અને જે નોકરી નથી કરતા તેઓ મારુ ધ્યાન રાખશે, તમે શાંતિથી નોકરી કરો.


ખેતીના કામની ઊંડી સમજ તો પર્યાવરણની હૃદયથી ચિંતા અને જાળવણી કરવાનો સ્વભાવ. કલાઇમેટ ચેન્જ, વોટર રિચાર્જિંગ, ઓર્ગેનિક ફાર્મિંગ ને કાર્બન ટ્રેડિંગ જેવા ભારેખમ શબ્દો હજી બઝારમાં નહોતા આવ્યા ત્યારે આ બધી જ વસ્તુ તેમને જીવનમાં અજમાવી લીધી હતી. 1969માં સસ્તામાં મળતા એક પડતર ખેતરમાં 3000 બાવળના ઝાડ હતા ને તે ખરીદવાની વાત ચાલતી તો ગામના લોકો કહેતા કે એ ખેતર મફતમાં કે ધોળા ધર્મે ય ના લેવાય. ખેતર લીધું અને ખેતરની વચ્ચે પાણી સ્ટોર કરવા જાતે કેનાલ બનાવી અને વહી જતા ફળદ્રુપ કાંપને રોકવા શેઢા ઉપર બાવળની દીવાલ બનાવી.


10-12 વરસ સુધી બળદ ગાડાથી ગામના પાદરમાંથી માટી ખોદી ખેતર પહોંચાડી સમથળ બનાવ્યું. બાપુજીના આ અંતઃસ્ફૂર્ણાથી જન્મેલ પ્રયાસોની વિશ્વ બેંકના 2014ના વર્લ્ડ ડેવેલપમેન્ટ રિપોર્ટ "મેનેજીંગ રિસ્ક ફોર ડેવલપમેન્ટ" માં નોંધ લેવામાં આવી. વિશ્વ બેન્કના જેસોન, જે આ રિપોર્ટના કોર્ડીનેટર હતા તેમણે લખ્યું "અમને મળેલા ઘણા જવાબોમાંથી તમારી વિશેષ વાર્તા અલગ તારી આવે છે. અમે અંતિમ અહેવાલના ભાગ રૂપે તેને સમાવવા માંગીએ છીએ.". અમારા બાપદાદાની વાડીમાં 150-200 ફળાઉ ઝાડ ઉછેરેલ. ઉપરાંત મબલખ ફૂલ છોડ અને પરંપરંગત પીપળ, વડલો, લીંબડો, ઉંબરો, અરીઠો, ગુંદી, પીલૂડી જેવા ઝાડ જતનથી એકલા હાથે ઉછેર્યા હતા.


ગામડામાં અંધશ્રદ્ધા હોવી ખુબ સામાન્ય ગણાય, પણ પ્રાતઃકાળે નિયમિત ગીતા અને મહાભારતના પાઠ વાંચતા પિતા કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધાથી જોજન દૂર હતા તો નવા પ્રયોગો અને વિજ્ઞાનના ઉપયોગના હિમાયતી હતા. બાપુજીનો દિવસ વહેલી સવારે 4 વાગે ઢોરને નીરણ નાખવા જવાથી ને પૂરો રાતે 11 વાગે છેલ્લી નીરણ નાખવાથી પૂરો થાય. ઘરથી ઢોર બાંધવાનો ડહેલો એક કિલોમીટર થાય પણ દિવસ દરમ્યાન વચ્ચે વચ્ચે 2 વખત પાણી પાવા અને ત્રણેક વખત નીરણ નાખવા ચાલતા જાય. બહારગામ જાય તો ભાગ્યે જ રાત રોકાય. ઢોરને નીરણ નાખવા જતા દાતણ કરે, આવીને પૂજા કરી 5 વાગે કામે વળગે. અમારા બળદ અને ભેંસ માટે માતા-પિતા ભગવાન જેવા. સવારમાં 9 વાગે ગામના રબારી બધા ઢોરને ચરવા બીડમાં લઇ જાય અને બપોરે પાદરમાં આરામ કરવા પાછી લઇ આવે. 2-3 કિલોમીટર દૂરથી અમારું બળદગાડું આવે તો બા-બાપુજીને આવતા જોઈને કે કદાચ તેમના શરીરની વાસ આવતી હશે તેને કારણે ઓળખતી હશે પણ અમારી ભેંસ બધા ઢોરની વચ્ચેથી સીધી દોટ મૂકે અને બા-બાપુજી સુધી ઝપાટામાં પહોંચી જાય ને રબારી બિચારા જોતા રહી જાય.


અમારો એક બળદ તો ખુબ તોફાની કે પિતા સિવાય કોઈને પડખે પણ ના ચડવા દે, પાણી પાવા કે ખાવાનું નાખવા પણ કોઈને ના આવવા દે. પાણી પાવા કે નીરણ નાખવા પિતા સિવાય બીજાએ ખીલે મજબૂત સાંકળથી બાંધીને જ આપવું પડે અને બાપુજી એને ગલુડિયાંની જેમ છુટ્ટો રમાડતા હોય! 1973 અને 1989 માં દુકાળ પડ્યો ત્યારે અને ઢોર દૂધ આપતા કે ખેતી કામમાં નકામાં થઇ જાય એટલે કોઈને કોઈ ખરીદવા માટે પૂછવા આવે કે કદાચ સસ્તામાં મળી જાય. પણ બાપુજીનો એક જ જવાબ હોય કે ઢોર તો અમારા માં-બાપ છે ને કંઈ માં-બાપ થોડા વેંચવા રાખ્યા છે? 


છાપા વાંચવાની ટેવને કારણે, પોતાની આસપાસના વાતાવરણને સમજવાની ઉપયોગીતા મને મારી કારકિર્દીમાં બહુ ઉપયોગી થઇ અને મારા સહાધ્યાયી કરતા હંમેશા આગળ રહેવામાં અને અલગ પડવામાં મદદ કરી. જયારે અમદાવાદ જેવા શહેરમાં ગણ્યા ગાંઠ્યા લોકો પાસે કોમ્પ્યુટર હતા ત્યારે 5 ચોપડી ભણેલા બાપુજીએ મને 1989માં કોમ્પ્યુટર લેવાની સલાહ આપી. 6 એમ.બી. હાર્ડડિસ્ક વાળા કોમ્પ્યુટર શરૂઆતમાં કેલ્કયુલેટરની જેમ જ ઉપયોગમાં લેવાતા ત્યારે બાપુજીએ મારામાં જિજ્ઞાસા ઉભી કરી કે આનો ઉપયોગ ગણિત શીખવવામાં ના થઇ શકે? આ સલાહથી ટેક્નોલોજીના ઉપયોગમાં હું મારા મિત્રો કરતા એક ડગલું આગળ રહ્યો છું. 


કોઈ કામ અંગે વાંચવાથી, જોવાથી કે સાંભળવાથી આવડે, પણ જાતે કરવાથી નિષ્ણાત બનાય, નિષ્ફળ જઈએ તો સફળ થઈએ ત્યાં સુઘી પ્રયત્ન ચાલુ રાખવો તે તેમનો જીવન મંત્ર હતો. કોઈ કામ પૂરું થતું જ નથી, એમાં નવા સુધારાની તક કાયમ હોય છે એટલે શીખવાની ધગશ રાખવી એવી એમની કાયમ શીખ રહેતી હતી. કોઈ પાઠ કે કામ બીજાને શીખવવાથી આપણે પણ નવું શીખીએ માટે લાભની અપેક્ષા વગર બીજાને શીખવવું તેમ તેઓ કાયમ કહેતા. સાદું, સંયમી પણ ઉચ્ચ અને નવા વિચારોથી ભરપૂર દીર્ઘાયુ જીવન જીવી તેઓ 2014માં સ્વર્ગે સિધાવ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational