STORYMIRROR

Rupal Sanghavi "ઋજુ"

Inspirational

4  

Rupal Sanghavi "ઋજુ"

Inspirational

પંખી આપણું મિત્ર

પંખી આપણું મિત્ર

3 mins
263

માલા, મહેક અને મૈત્રી ત્રણે બહેનો આજે ખૂબ ખુશ હતી. આજે એમણે બાગમાં વડની ડાળે કબૂતરનો માળો જોયો હતો. એ ત્રણે બહેનો તરત જ, શેરીમાંથી પોતાની બધી બહેનપણીઓને લઈ આવી અને માળો બતાવ્યો. પણ કબૂતર એમને જોઈને ડરી ગયું અને ઉડી ગયું. બધી છોકરીઓ આ જોઈને નિરાશ થઈ ગઈ.

થોડીવારે ત્યાં બાગનો માળી આવ્યો, અને એ ફુલછોડને અને મોટા વૃક્ષોને પાણી પાઈ રહ્યો હતો. ત્યારે એ ઝાડ પાન અને ફૂલો સાથે વાતો કરતો હતો. ફુલો ને કહે

"અરે! આજે તો તમારે ડાળ પરથી ઉતરીને મંદિરે ભગવાનના ચરણે જવાનું છે. તમારું જીવન તો ધન્ય છે."

ઝાડપાનને કહે "તમે કેટલાં મહાન છો! વરસો સુધી ઊભા રહીને માણસને છાંયો, ફળ, અને પ્રાણવાયુ આપો છો. ખરેખર ઉપકારી છો તમે! ધન્યવાદ છે તમને.."

આવી માળીની વાતો સાંભળી બધી છોકરીઓએ એમને પૂછ્યું "માળીકાકા! શું આ ફુલ, ઝાડ બધા તમારી વાત સમજે ?"

માળી : "હા જૂઓ ! એ આપણી ભાષા સમજે નહિં પણ આપણા મનનાં ભાવ જાણે છે. એ આપણા સ્પર્શથી સમજે છે."

ત્યાં જ માલાએ પૂછ્યું "તે હેં માળીકાકા ! આ કબૂતર આપણી ભાષા સમજે ?"

માળી : "હા એ તો આપણું મિત્ર છે. વળી પહેલાના સમયમાં જ્યારે ટપાલ સેવા, ફોન કે કોઈ પત્ર વ્યવહાર માટે વ્યવસ્થા નહોતી, ત્યારે આ કબૂતરો જ આપણા સંદેશવાહક હતા. અને કહ્યા પ્રમાણે સંદેશા પહોંચાડતા."

મહેક : "તો પછી એ આપણાથી ડરી કેમ રહ્યા છે ?" 

માળી : "બેટા ! એ આ વડની ડાળે રહે છે. ત્યાં એનું ઘર છે. માળામાં એના નાનાં નાનાં બચ્ચા છે. કોઈ એને નુકશાન કરશે એવો એને ડર લાગે છે. પંખીઓ સાવ ભોળા અને નિર્દોષ હોય છે. એ જરાક અમથા અવાજ કે પગરવથી પણ ડરે છે."

મૈત્રી : "માળીકાકા! તો અમે એની સાથે દોસ્તી કેમ કરીએ ?"

માળી : તમે રોજેરોજ અહીં આવી એની સાથે દૂરથી વાતો કરશો તો એ જાતેજ થોડા દિવસમાં તમારો વિશ્વાસ કરવા લાગશે. અને પછી તમારી પાસે આવશે."

બધી છોકરીઓ થોડીવાર રમીને ઘરે ગઈ. થોડા દિવસમાં સાચ્ચેજ કબૂતર એ બધી છોકરીઓનું દોસ્ત બની ગયું. હવે તો એ છોકરીઓની આસપાસ ઉડવું, એમના ખભે બેસવું, અને એમના હાથમાંથી દાણા ચણવા લાગ્યું હતું. છોકરીઓ રોજ કબૂતર સાથે રમતી હતી. 

એક રાતે સૂતેલી માલાને સપનું આવ્યું..એણે સપનામાં લોહીમાં લથપથ ! કબૂતરને જોયું ! એ એકદમ જાગી ગઈ પછી બાકીની રાતભર એને ઊંઘ ન આવી..એને થયું મારું કબૂતર સલામત તો હશેને ? એને કંઈ થયું તો નહીં હોયને ? સવારે ઝડપથી તૈયાર થઈને બધી બહેનપણીઓ બાગમાં મળી અને ત્યાં જ કબૂતર પણ આવી ગયું. બધા રમવા લાગ્યા થોડીવારે માળી આવ્યો, માલાએ માળીકાકાને સપનાની વાત કરી..

માળીએ કહ્યું "બેટા તારું સપનું કદાચ સાચું પણ થઈ શકે. આ હમણાં જ મકરસંક્રાંતિ આવેછે. બધા માણસો ખૂબ પતંગો ચગાવશે અને આવા માસૂમ પંખીઓ કાચ પાયેલાં દોરથી ઘાયલ થશે."

અને આ વાતથી બધી બહેનપણીઓ વિચારમાં પડી ગઈ હવે ?...હવે શું કરવુ ? ખૂબ વિચારીને નક્કી કર્યું કે સ્કૂલમાં જઈને મોટા બહેન સાથે વાત કરીએ. સ્કૂલે જઈને બધી છોકરીઓએ મોટા બહેનને વાત કરી.

બહેને કહ્યું "આ તો દર વખતેનો સવાલ છે. પણ ઉત્તરાયણ ના દિવસે તો લોકો વર્ષોથી પતંગ ઉડાડતા આવે છે. આપણે કેટલાને રોકી શકીશું ?"

બધી છોકરીઓ એ કહ્યું "બેન! આપણે બધાને સમજાવીશું કે પતંગ ખુલ્લા મેદાનમાં અને કાચી દોરીથી ઉડાડે. આટલું થઈ શકે તો પણ અડધી સમસ્યા દૂર થઈ જાય. બાકી ઘાયલ પંખીઓ માટે સારવાર અને સેવા કેમ્પ ખોલી શકાય."

મોરબહેનને આ વાત ગમી ગઈ. એમણે પતંગ કેમ ઉડાડવા અને પંખીઓની રક્ષા કઈ રીતે કરવી એ બધી વિગત છપાવી અને ગલીએ ગલીએ ચોપાનીયા ચોડયાં. એ વાંચીને સૌએ પતંગ કાચા દોર સાથે અને ખુલ્લા મેદાનમાં ઉડાડી. અને શુભ ભાવના અને સૌની એકતાના પ્રભાવે, આ વખતે સંક્રાંતિના દિવસે પંખીઓની સલામતી સાથે તહેવાર ઉજવાયો


Rate this content
Log in

Similar gujarati story from Inspirational