STORYMIRROR

PRAVIN MAKWANA

Inspirational

4  

PRAVIN MAKWANA

Inspirational

પંચાલ શિક્ષક દંપતી કેળવણીની કેડીએ

પંચાલ શિક્ષક દંપતી કેળવણીની કેડીએ

8 mins
134

 એક સમયની વાત છે. સંગીતકાર પોતાનો કાર્યક્રમ આપી રહ્યો હતો. રાબેતા મુજબ જ સહુ સુરાવલીમાં ગરકાવ થઈ ગયા હતા અને અચાનક સંગીત બદલાઈ ગયું. કશીક તકલીફ થઈ હોય એમ લાગ્યું. વીસેક સેકંડ સુધી બેસુરા સુર નીકળ્યાં. કશીક ગડબડ હતી. પણ થોડી જ ક્ષણો પછી એક દિવ્ય સંગીતની શરૂઆત થઈ. એક એવું સંગીત કે જેના લય, સૂર અને તાલ ક્યારેય કોઈએ સાંભળ્યા નહોતા. લોકો આનંદમાં ગરકાવ થઈ ગયાં હતા. સંગીત પૂરું થઈ ગયાં પછી આયોજકે પૂછ્યું.         

“કઈ તકલીફ હતી ? વચ્ચે થોડીક ક્ષણ માટે કંઈક ગરબડ થઈ હતી.”        

“હા મારા વાદ્યનો એક મહત્વનો તાર તૂટી ગયો હતો” સંગીતકારે પોતાના વાદ્યમાંથી તૂટેલો તાર બતાવ્યો.       

 “પછી તમે કેમ જાણ ના કરી ?”        

“ એમાં શું જાણ કરવાની ! મેં પછી નક્કી કર્યું કે ત્રણ તારથી વાગે તો ખરુજ એટલે વગાડવાનું શરુ કરી દીધું ! તરત જ હું શીખી ગયો ત્રણ તારથી સંગીત રેલાવવાનું કેવું રહ્યું મારું સંગીત !      

“ એકદમ અદ્ભુત! શ્રોતાઓ એકદમ અભિભૂત થઈ ગયાં. આવું દિવ્ય સંગીત એમણે જીવનમાં પ્રથમ વખત સાંભળ્યું !    

આજે વાર્તા કહેવી છે એક વાસ્તવિકતાની... એક શિક્ષક દંપતીની જે છેલ્લા ૨૬ વરસથી એક જ ગામમાં શિક્ષણનું સંગીત રેલાવી રહ્યા છે.જીવનનો એક અતિ મહત્વનો તાર તૂટી ગયો હોવા છતાં તેઓ અદ્ભુત કામગીરી કરી રહ્યા છે.. નામ છે એનું હસમુખભાઈ પંચાલ અને શિલ્પાબેન પંચાલ અને નોકરીનું ગામ છે લાઠી તાલુકાનું શેખ પીપરીયા ગામ !!         

સાલ હતી ૧૯૯૨ અને મહિનો હતો માર્ચ ! અમદાવાદમાં એક દિવસ બપોરે ગોરધન ભાઈ પંચાલે એના દીકરા હસમુખ ને કીધું.        

“અલ્યા હસમુખ તારો અમરેલીથી ઓર્ડર આવી ગયો છે શિક્ષકનો તે હવે હાજર થવા ક્યારે જવું છે ?     

“બહુ ઈચ્છા નથી પપ્પા. એ હવે એ ગામડા જોયા પણ ના હોયને ફાવે કે કેમ એ પ્રશ્ન પણ છે. મને આ સુથારીકામ ફાવે છે. ધંધામાં રસ પણ છે. થોડાક વખત પછી ભાઈબંધો કહેતા હતા કે અમદાવાદની ભરતીની જાહેરાત બહાર પડશે એમાં ફોર્મ ભરી દઈશું. નજીક મળી જાશે નોકરી એટલે વાંધો નહિ.” હસમુખભાઈ એ જવાબ આપ્યો.      

“ એ તો ઠીક છે પણ તને તો ખબર છે કે મારે શિક્ષક બનવું હતું.પણ એ વખતે ખાલી સો રૂપિયા પગાર હતો મહિનાનો ને મહીને દોઢ રૂપિયો પગાર વધે એટલે મને ઓર્ડર મળી ગયો હતો તોય હું ના ગયો. બસ એનો અફસોસ આજીવન છે. મારી એ ઈચ્છા તું પૂરી નહિ કરે દીકરા ? હું તો ઈચ્છું છું કે તું આ પહેલા ઓર્ડરને વધાવી લે અને મારી ઈચ્છા પૂરી કરીને મને ખુશ કરી દે” ગોરધનભાઈ બોલ્યાં અને હસમુખભાઈએ પિતાજીની આંખો વાંચી લીધી. એ કશું જ ના બોલ્યાં. ૧૩/ ૩/ ૧૯૯૨ માં એ શેખ પીપરીયા હાજર થઈ ગયા. બસ પિતાજીની ઈચ્છાને માન આપીને એ શિક્ષક બની ગયા હતા. ભાવિના ગર્ભમાં શું છુપાયું હતું એ એને ખબર જ નહોતી.         

આમેય એ મિસ્ત્રી ! મિસ્ત્રીનો દીકરો ભણે નહિ અને ભણે તો એ મોટો કારીગર થાય કારણકે નાનપણથી જ માપ અને આંકડા એના મગજમાં જ હોય એવું એ વખતે કહેવાતું.         પેલી જુન ઓગણીસસો એકોતેરમાં હસમુખભાઈનો જન્મ થયો. માતાનું નામ મધુબેન. ધોરણ સાત સુધી ગામમાં અભ્યાસ કર્યો. એમનું મૂળગામ સદાતપુરા એ વખતનો તાલુકો વિરમગામ હતો. અમદાવાદ સૌરભ હાઈસ્કુલ વાડજ માં ધોરણ આઠથી આગળ ભણ્યા. પપ્પાની સ્થિતિ બહુ સારી નહિ. માર્ચ ૧૯૮૭ માં સાયન્સ સાથે ધોરણ દસ પાસ કર્યું. બનવું હતું એન્જીનીયર ડોકટર એટલે અગિયાર સાયન્સમાં એડમીશન લીધું. વગર ટ્યુશને ભણવાનું શરુ કર્યું. એ વખતે એવી પ્રબળ માન્યતા કે વગર ટ્યુશને તમે બાર સાયન્સ પાસ જ ના કરી શકો. શિક્ષકો દબાણ કરવા લાગ્યા પણ પૈસાનો એટલો બધો વેત નહિ કે એ ટ્યુશન રાખી શકે. અગિયારમાં ધોરણમાં એક શિક્ષકે એમને એક વિષયમાં ફેઈલ કર્યા. પેપર ખોલાવ્યા તો એમાં ૮૧ માર્ક્સ હતા. શિક્ષકનો ફેઈલ કરવાનો ઈરાદો એટલો જ હતો કે વગર ટ્યુશને કોઈ એના વિષયમાં પાસ ના થઈ શકે એટલું જ એને સાબિત કરવું હતું. પણ આ બનાવ પછી એમની માનસિક દશા બગડી ગઈ. સાયન્સ મૂક્યું પડતું અને પીટીસીમાં જતા રહ્યા. એ વખતે પીટીસીમાં જે ટકાએ મેરીટ અટક્યું હતું એટલા જ ટકા હસમુખભાઈને ધોરણ દસમાં હતા. પીટીસીમાં એને સહુથી છેલ્લો ઓર્ડર મળ્યો હતો. એ વખતે પીટીસી માટે ધોરણ દસ જ માંગતા હતા. મોરબીની હન્ટર કોલેજમાં એણે બે વરસ પીટીસી કરી લીધું.         

૧૯૯૨ માં તેઓ શેખ પીપરીયા હાજર થયા. ગામ પણ મોટું અને શાળા પણ મોટી. લગભગ ૭૦૦ જેટલા બાળકો અને ૧૭ નો સ્ટાફ. એમની સાથે જ રવજીભાઈ ગાબાણી પણ શિક્ષક તરીકે લાગેલા જે અત્યારે ગાંધીનગર સચિવાલય ખાતે ક્લાસ વન ઓફિસર છે. રવજીભાઈ અને હસમુખભાઈ એક જ મકાનમાં રહે. ઉપર દેશી નળિયા અને નીચે માટીથી લીપેલા તળિયાવાળા મકાનમાં બંને સાથે રહે અનવા સાથે જ રસોઈ બનાવે. લગભગ વરસ દિવસ પછી રવજીભાઈ તો જતાં રહ્યા બીજા જીલ્લામાં. હસમુખભાઈ લાઠીના શેખ પીપરીયા મૂળગામે રોકાઈ ગયા.મહેસાણા જીલ્લાના આંબલીયાસણા ગામના વિષ્ણુભાઈના દીકરી શિલ્પાબેન સાથે હસમુખભાઈની સગાઈ થઈ. સગાઈ થઈ ત્યારે શિલ્પાબેન પીટીસીના પ્રથમ વરસમાં હતા. હરિજન આશ્રમ અમદાવાદમાં શિલ્પાબેન પીટીસી કરતા હતા. ગાંધીજીના વિચારોની ખુબ જ ઊંડી અસર તેમના જીવન પર આ અરસામાં પડી. પીટીસી કરતા કરતા એમણે ગાંધીજીના ઘણા ખરા પુસ્તકો વાંચી નાંખ્યા. સગાઈ પછી હસમુખભાઈ એમને મળવા આવે ને શેખ પિપરીયાની વાત નીકળે ત્યારે શિલ્પાબેને કહેલું કે મને તો ગામડામાં ખુબ જ ગમે. શહેરમાં તો સહુ નોકરી કરે પણ સાચી જરૂરિયાત ગામડાને છે.       

ઓગણીસો છન્નુંમાં તેઓ લગ્ન ગ્રંથીથી જોડાયા. બને શેખ પીપરીયામાં જ ભાડાના મકાનમાં રહે. શિક્ષક જો ગામમાં રહેતો હોયને તો સવિશેષ લોકપ્રિય બની જાય છે તેમ આ બને આખા ગામના દિલમાં વસી જાય એવી રીતે હળી મળી ગયા સહુ સાથે. ૧૯૯૮માં શિલ્પાબેન પણ શિક્ષક તરીકે જોડાયા. વિદ્યાસહાયક તરીકે એ પહેલો ભરતીનો રાઉન્ડ હતો. ધીમે ધીમે લોક સંપર્ક વધતો ગયો. શાળામાં થોડું થોડું દાન આવતું ગયું.       

લગ્નના ચાર વરસ બાદ પુત્ર મીતનો જન્મ થયો. શાળામાં બાળકોને જમાડ્યા. ધીમે ધીમે તેમનું શિક્ષણનું કામ વધતું ગયું. મિત પણ શેખપીપરીયામાં જ મોટો થયો. ત્યાંની જ પ્રાથમિક શાળામાં ભણતો મિત જયારે પાંચમા ધોરણમાં હતો ત્યારે બીજા પુત્ર અંશનો જન્મ થયો. બને વચ્ચે દસ વરસનો ગાળો. એમાં વાત એમ બનેલી કે મિત ચોથા ધોરણમાં હતો ત્યારે એ પ્રાર્થના કરતો કે હે ભગવાન મારે એક બહેન કે ભાઈ હોય તો કેવું સારું ! ઘરે પણ રમી શકાય ને ? ? આ પ્રાર્થના એના પિતા સાંભળી ગયા. પણ પ્રથમ ડીલીવરી પછી ડોકટરોએ ના પાડી હતી કે બીજું સંતાન થશે નહિ. ભાવનગરના એક ડોકટરની લગભગ ચાલીશ વાર મુલાકત લીધી. સારવાર શરુ રાખીને છેલ્લે ડોકટરે કીધું કે હવે રીપોર્ટ બતાવે છે કે તમે ફરીથી મા બની શકશો. ૨૦૧૦ માં અંશનો જન્મ થયો. પંચાલ પરિવારમાં હરખનો પાર ના રહ્યો.       

૨૦૧૨માં મિત સાતમાં ધોરણમાં હતો ને આ દંપતીએ નક્કી કર્યું કે હવે આવતા વરસે આઠમા ધોરણમાં મિત આવશે એટલે અમરેલીથી અપ ડાઉન કરીએ. પણ મીતે ના પાડી કે અમરેલી રોજ દૂર પડી જાય અહી લાઠીમાં જ મકાન રાખીએ તો કેમ રહે. હસમુખભાઈને એ આઈડિયા ગમી ગયો અને એ બાપ દીકરો લાઠીમાં એક સોસાયટીમાં મકાન જોઈ આવ્યા. થોડા સમયમાં જ મકાન રાખી લીધુ. મિત બધું જ બતાવતો હતો .પાપા અહી સોફાસેટ , અહીં ટીવી. અહી અંશ અને મારો રૂમ. મીતને અંશ ખુબ જ વહાલો. દરરોજ શાળાએથી આવે કે તરતજ અંશને માથે બેસાડીને મિત આખા ગામમાં આંટો મારી આવે. બેય ભાઈ વચ્ચે અઢળક સ્નેહ હતો.       

૧૪ મી ઓક્ટોબર ૨૦૧૨ ને સમય બપોરના ૨ અને ૧૪ મિનીટ !           

હસમુખભાઈ કે.વ.શાળાનું પગાર બિલ બનાવતા હતા. રવિવારનો દિવસ હતો. મિત હીંચકો ખાઈ રહ્યો હતો. અચાનક જ દોરી તૂટી અને એના ગળા ફરતે ભરડો લઈ ગઈ. મીતે આ દુનિયામાંથી છેલ્લા શ્વાસ લીધાં ! ક્ષણ ભરમાં આ બધું બની ગયું. ગામ આખું તરત જ ભેગું થઈ ગયું. ડોકટર બોલાવ્યા પણ બધું જ નિરર્થક. પંચાલ દંપતી માથે આભ તૂટી પડ્યું. અંશની હાલત પણ સારી નહોતી. ભલે એ બે વરસનો હતો પણ કશુક ખોટું થયું છે એમ એના ચહેરા પર દેખાઈ આવતું હતું. અંશને ગામના જ એક કિરીટભાઈ ભાદાણી એમની ઘરે લઈ ગયા. મીતની અંતિમવિધિ કરવામાં આવી. પોતાના હાથે જ પોતાના વ્હાલસોયા પુત્રને અંતિમવિધિમાં લઈ જવો એ ભાર કોઈ પણ પિતા માટે અસહ્ય જ હોય. ગામમાંથી તમામ એમના બેસણામાં આવ્યાં. થોડોક સમય દુઃખમાં વિતાવીને પાછા શિક્ષણ કાર્યમાં લાગી ગયા.   ૨૬ મી જાન્યુઆરીની ૨૦૧૩ ઉજવણી થતી હતી. મીતને અવસાન પામ્યે હજુ બે માસ જ થયા હતા ને અચાનક હસમુખભાઈને વિચાર આવ્યો એમણે એમની પત્નીને પૂછ્યું અને દસ જ મીનીટમાં એણે જાહેરાત કરી કે        

“મારા પુત્રની યાદમાં મારા ખર્ચે હું આ શાળામાં પાર્થના હોલ બનાવવાની ઈચ્છા છે. મારો પુત્ર આજ શાળામાં ભણ્યો. અહીં જ રમ્યો એમની સ્મૃતિ અંકિત છે. આ નિશાળની માટીમાં એમની પગલી પડેલી છે.અમે બંનેએ નક્કી કર્યું છે કે હવે આ જ શાળામાં બાકીની નોકરી પૂરી કરવી છે. નિવૃત્તિ પછી પણ આ શાળા છોડવી નથી”  અને એ એમણે પાળી બતાવ્યું. અમદાવાદ જીલ્લા પંચાયતમાંથી આવેલ ઓર્ડર એમણે ફાડીને ફેંકી પણ દીધો. બે વરસ પછી અમદાવાદ મ્યુનીસીપાલીટીમાંથી ઓર્ડર આવ્યો. એ પણ ફાડીને ફેંકી દીધો. હવે તો શેખ પીપરીયા જ મારું વતન ક્યાય જવાનું નથી એમ મનોમન નક્કી કરી લીધું.    મિત પ્રાર્થના હોલ બનાવવાની મંજૂરી મેળવતા બીજા ૧૩ મહિના નીકળી ગયા. અને છેવટે મંજૂરી મળી. રૂપિયા નવ લાખના ખર્ચે “મિત પ્રાર્થના હોલ” તૈયાર થયો. એક શિક્ષક પોતાના પગારમાંથી નવ લાખ રૂપિયા આપે એના કરતા પણ એ ભાવનાને સો સો સલામ ! ૨૯ / ૪ / ૨૦૧૫ ના રોજ શાળાનો વાર્ષિક કાર્યક્રમ ગોઠવ્યો અને પ્રાર્થના હોલ ખુલ્લો મુકાયો.  અત્યાર સુધીમાં લગભગ પચાસ વાર તેઓ શાળાના બાળકોને જમાડી ચૂક્યા છે. પાઉં ભાજી ભૂંગળા બટેટા, પૂરીશાક અને રસપૂરી બાળકોને જમાડી ચૂક્યા છે.         

શેખ પીપરીયામાં ૨૦૧૬ માં પાણીની તંગી હતી. હસમુખભાઈને શાળાના વાર્ષિક કાર્યક્રમ અગાઉ એક વિચાર આવ્યો ! ગામમાં જળસંચયનું કામ કર્યું હોય તો કેમ રહે ! ગામના વડીલોને વાત કરી ! વડીલોને પણ નવાઈ લાગી કે આને અહીં જમીન પણ નથી તોય આવા સારા વિચાર આવે છે. સહુ સહમત થયા. વાર્ષિક કાર્યક્રમમાં કલાકારોને બોલાવ્યા. ત્રણ લાખ અને સીતેર હજારનો ફાળો થયો જળસંચય માટે એ ગામના આગેવાનો ને સુપ્રત કર્યો. અને બધાની સીમને ફાયદો થાય એ માટે દેવાણી ડેમ અને પેલું નાળું એમ બે નાનકડા ડેમ બનાવી દીધા.અને પછી તો સુરતવાળા પણ જાગ્યા. પછીના વરસે આ જ ગામમાં એક કરોડના ખર્ચે જળસંચયનું કામ થયું. આ છે એક શિક્ષકની તાકાત !      

છેલ્લા ૨૬ વરસ થયા આ ગામમાં એમની નીચે ભણી ગયેલા વિદ્યાર્થીઓમાંથી અત્યારે ત્રણ ડોકટર, આઠ શિક્ષક, એક ફોરેસ્ટર, એક વિદ્યુત બોર્ડમાં અને બારેક જેવા એન્જીનીયરો છે. ફેસબુક દ્વારા હસમુખભાઈ બધા જ ભૂતપૂર્વ વિધાર્થીઓ સાથે કોન્ટેક્ટમાં રહે છે અને શાળા માટે જરૂરી વસ્તુ મેળવતા રહે છે. કૂલ કેટલું દાન શાળા માટે એમણે મેળવ્યું એમની યાદી કરીએ તો કૂલ છ લાખ ઉપરનો આંકડો થઈ જાય છે.      કોઈ કામની એમણે ના નથી પાડી. બંને મતદાર સુધારણાની કામગીરી કરે છે. શિલ્પાબેન અને હસમુખભાઈ બને બી.એલ.ઓ પણ છે. લાઠી તાલુકાના શ્રેષ્ઠ બી.એલ.ઓ. તરીકે સન્માન પણ મેળવી ચૂક્યા છે.         

જીવનમાં જે દુઃખ આવ્યું એમાં નાસીપાસ થવાને બદલે જે ખુમારીથી એ પોતાના કાર્યને વળગી રહ્યા એ જ વાત મહત્વની છે. અજાણ્યા ભૂમિને પોતાનું વતન બનાવ્યું. કંઈક કરી છુટવાની ભાવના અને નવ લાખનું દાન પોતાની શાળામાં પ્રાર્થનાખંડ બનાવવા માટે આપવું. ગામલોકોને પાણીની અછત માંથી છુટકારો મેળવવા માટે જળ સંચયનું કામ કરવું... આ બધી જ બાબતોથી આ પંચાલ દંપતી શિક્ષક જગતનું એક ગૌરવ છે ! દિલથી વંદન આ ગુરુજનોને !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational