પિતાના ખિસ્સાનો ભીનો રૂમાલ
પિતાના ખિસ્સાનો ભીનો રૂમાલ


સુમનબેન ને રમણલાલને ચાર દીકરીને એક દીકરો. ચારેવ દીકરી ને પરણાવી દીધેલી. ખૂબ સુખી હતી. દીકરાને પરણાવી દીધો. થોડા સમયમાં સુમનબેન રમણલાલ ને એક ખાલીપોને એકલતા આપીને અનંત ની યાત્રા એ ઉપડ્યા. રમણલાલને દીકરા સાથે ન બનતું. રોજ બાપને દીકરા વચ્ચે ઝઘડો થતો. હવે તો વહુ પણ સામે બોલતી ને છાસિયું કરતી.
રમણલાલ સાંજે પાંચ વાગે સોસાયટીની બહાર મંદિરે જતા, દર્શન કરતાં આંખમાંથી અશ્રુ ટપકી પડતું. નજીક આવેલા બાગમાં પોતાના જેવા વૃદ્ધો સાથે બેસતા. બધા વડીલો જાણતા કે રમણલાલનો દીકરો બાપને સારી રીતે નથી રાખતો. ચારેવ દીકરીઓ વારાફરતી આવીને પપ્પાને મળી જતી. બહેનો આવે તે પણ હવે ભાઈને નહિ ગમતું.વેકેશન હતું ને ચારેવ દીકરીઓ એક સાથે પપ્પાને ત્યાં રહેવા આવી. સાંજે જમવાનો સમય થયો. રમણલાલ બહાર ખુરશી નાખી બેઠા હતા. બધા જમવા બેઠા, ને બહેને પૂછ્યું,
'ભાઈ પપ્પા જમ્યા ?'
ભાઈ બોલ્યો, 'આપણે જમી લઈએ ,પછી એમને આપીશું.'
દીકરીઓ સ્તબ્ધ થયી ગઈ. એક દીકરી બહાર જઈને રમણલાલને ઘરમાં લઈ આવી. બધી દીકરી ઓ જમતા જમતા ઊભી થયી ગઈ. મોટી બહેન બોલી, 'ભાઈ..ભાભી. તમે લોકો પપ્પા સાથે રોજ આવું જ કરો છો ? તમે જમ્યા પછી એમને વધેલું ખવડાવો છો ?' અને પપ્પા તમે અમને કદી કહ્યું પણ નહિ ?
રમણલાલ દીકરીઓને ભેટી રડી પડ્યા. ચારેવ દીકરીઓ એ કહ્યું, 'ભાઈ, પપ્પા હવે અમારા ઘરે રહેશે. પપ્પાની જવાબદારી અમે લઈએ છીએ. ઘરમાં દીવાલ પર કનૈયાની છબી સામે જોઈ, બે હાથ જોડી, રડતા રડતા રમણલાલ બોલ્યા.
'હે કાન્હા તે મને પાંચમી દીકરી કેમ નહિ આપી ? આવતા જન્મે મનખાવતાર આપે અને મારા નસીબમાં પાંચ સંતાન હોય તો
હે પ્રભુ મને પાંચે પાંચ દીકરીઓ જ આપજે. કહી ચોધાર આંસુએ રડી પડ્યા.
દીકરીને ત્યાં જતા હતા ત્યાં દીકરા એ કહ્યું, 'તમારી મિલકતનો વારસદાર હું એકલો જ છું, અને બધી બહેનો તરફ જોઈ બોલ્યો પપ્પા ને લઈ તો જાવ છો પણ કોઈ વારસાની કે મિલકતની આશા ન રાખશો. મોટી બહેન બોલી 'ભાઈ, આમારી સાચી મિલકત તો મારા જન્મદાતા. અમારા પપ્પા છે. અમારે કોઈ મિલકત નથી જોઇતી.'
રમણલાલ વહુ દીકરાને આશીર્વાદ આપતા બોલ્યા, "સુખી થજો." છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ક્યારેય ન થાય. દીકરીઓએ પપ્પાની લાકડી ભાઈને આપી કહ્યું, 'પપ્પાને હવે લાકડીની જરૂર નથી. આ ભવિષ્યમાં તને કામ લાગશે. કહીને પપ્પાને લઈને દીકરીઓ ચાલી નીકળી.