Dilip Ghaswala

Inspirational

3.3  

Dilip Ghaswala

Inspirational

પિતાજી

પિતાજી

2 mins
587



આજે પિતાજી નિવૃત થાય છે.

શું પિતાજી કદી નિવૃત થઈ શકે ?

દરેક સંતાનનો પ્રથમ પુરુષ એકવચન એટલે સિંહ પુરુષ પિતા..

લોખંડ મને સુવાળું લાગ્યું છે..

હા, હું મારા પપ્પાને અડ્યો છું.

અમારા ઘરની ગઠબંધન વિહીન સરકાર એટલે પિતા;

આત્મવિશ્વાસનું ઉચ્ચતમ શિખર એટલે પિતા..

હિંમતનો મહાસાગર અને ક્રોધનું કડવો લીમડો એટલે પિતા..

બાળકોના રક્ષણની દીર્ઘ ઊંચી દીવાલ એટલે પિતા..


પિતાએ જ્યારથી મારો હાથ ઝાલ્યો છે.. ત્યારથી શિરા ધમનીમાં નિડરતાનું રક્ત વહી રહ્યું છે..

મા એ મને પ્રેમના પાઠ શીખવ્યા; 

પિતાજીએ પ્રેમ કરતા શીખવ્યું.

મા એ ઘા પર ફૂંક મારી છે... લોહી બધું ચૂસી લીધું છે; પપ્પાએ ઘા પર મલમ લગાડ્યો છે..

મા એ મને લાગણીશીલ બનાવ્યો; જ્યારે પિતાએ એ મને હક માટે લડવાનું શીખવાડ્યું છે.

પિતા એ એક કુદરતની ચોથી ઋતુ છે.. જેમાં સતત શીતળતા ઉષ્ણતા ને ભીનાશના મિજાજ હોય છે.

મા નો પ્રેમ અહેસાસ શકાય પણ પિતાના પ્રેમને માપવાની કોઈ ની પાસે ફુટપટ્ટી નથી.

આ પિતા જે સવારે તમાચો ઝીંકી દે એ જ સાંજે બગીચે ફરવા પણ લઈ જાય છે.

પિતા પહેલા ખૂબ તડપાવે પછી દિવાળીના ફટાકડા લઈ આવે.

પિતા જે પોતે સાઈકલ ચલાવીને દીકરા ને બાઈક અપાવે.

આ પિતા જે સંતાનોની બધી ઈચ્છા પુરી કરવા પોતાની તમામ ઈચ્છા દફનાવે.

પોતે ફાટેલું શર્ટ પહેરીને દીકરાને નવું શર્ટ અપાવે..

પિતા દરેક ઋતુના ફળ ઘરમાં લાવે અને કોઈ  પણ અપેક્ષા રાખ્યા વગર..

પિતા જે કદી કોઈનું ધાર્યું કરે નહીં અને પોતાનું ધાર્યું બઘું કરાવે એવાં જિદ્દી ખરા..

પિતાને આત્મસાત કરવા કદાચ ફરી જન્મ લેવો પડશે.


તમે સ્વીકારો કે ન સ્વીકારો હું તો સ્વીકારૂ છું કે આપણા પિતા પાસે આપણે કંઈ જ નથી.

પપ્પાની સાયકલની સીટ પર બેસીને જે દુનિયા જોઈ છે..તે આજે મોટરગાડીના કાચમાંથી નથી દેખાતી..

પિતા એ કરજ લઈને લીધેલા મકાનમાં એમના પરસેવાનો રંગ પ્રત્યેક ઈંટ માં દેખાય છે,

પિતાને મારી કિંમત છે, ને પિતા જ મારી હિંમત છે.

એક શ્રીફળ સમુ વ્યક્તિત્વ એટલે મારા પિતા-

બહારથી કડક અને અંદરથી ભીના ભીના..!

પિતાનો મિજાજ કદી સુધારી ન શકાય કારણ કે એ પિતા છે;

યાદ રાખજો... પિતા નોકરીમાંથી રીટાયર્ડ થાય છે, સંતાનોના કામમાંથી નહીં....

મારૂ સ્વમાન, મારૂ જ્ઞાન, મારી આવડત અને મારૂ બધું જ....

મારા પિતાના પ્રસ્વેદબિંદુ સામે ક્ષુલ્લક છે.

પિતા કાયમ સફળતાની પાછળ હોય છે. એનો યશ કાયમ મા ને જ આપે છે.  

પિતા વિશે કવિ, સાહિત્યકારોએ બહુ અલ્પ લખ્યું છે,

બસ એટલે જ પિતા મહા વિરાટ વિભૂતિ છે..

જે આંગળી ઝાલી ને તમને સ્કુલે મુકવા આવતા હતાં એમને ઘડપણમાં તમારી આંગળી પકડીને મંદિરે લઈ જજો...

જીવતે જીવત જ બધુ એમને "અર્પણ" કરજો..

એમને તમારું "તર્પણ" નથી જોઈતું..


Rate this content
Log in

Similar gujarati story from Inspirational