પિતા
પિતા


'બાપ..પિતા...પપ્પા.'...
' માં' વિશે ઘણું લખાયું છે ને લખાવું પણ જોઈએ..એ અજોડ છે..મહાન છે..આપણા અસ્તિત્વનું અવતરણ જ એની કોખથી શરૂ થયું છે એટલે એનું તો કોઈ મૂલ્ય ચૂકવી જ ન શકાય.
પરંતુ...મને લાગે છે..પિતા વિશે બહુ ઓછું લખાયું છે, માં ની તુલનામાં કે માં પ્રત્યેના અહોભાવમાં કયાંક પિતાને સમજવામાં સમાજ થોડો ઉણો ઉતર્યો છે, અહીં મારો ઈરાદો મા અને બાપની સરખામણી કરી કોઈની લાગણીને ઠેસ પહોંચાડવા નથી જ..પણ ઘણા ધ. ધુ. પ. પૂ. ને એવું કહેતા સાંભળ્યા છે કે 'બાપા'....એટલે 'બા' નો 'પા (1/4)' ભાગ....? મારો આની સામે સખત વિરોધ છે....શું કોઈ રથના બે ચક્રોમાંથી એક ને ઓછું આંકી શકાય ?
એક છબી નાનપણથી જ જાણ્યે અજાણ્યે ઊભી કરી દેવામાં આવી કે પિતા એટલે..ભય..ઠપકો.. સખત..ગુસ્સો.. પણ ખરેખર આવું બહુ જ ઓછાના જીવનમાં હશે...ને હું ઈશ્વરનો ખૂબ જ આભારી છું કે હું તો એમાં નથી જ.
મને જે પિતા મળ્યા છે..એનું ચિત્ર હું બનાવું તો કંઈક આવું બને, નાનપણથી લઈ આજ સુધી મારી સાથે મસ્તી કરતો એક મિત્ર જ દેખાય છે જે મને..પ્રેમ પણ કરે, ભેટી પણ શકે..મને ખિજાઈ પણ શકે...મને રોકી પણ શકે ને મને જોઈતી સ્વાતંત્રતા પણ આપી શકે.....ને સામે એ બધું જ ખુલ્લા મને સ્વીકારી પણ શકે...ત્યાં સુધી કે યુવાની કે તરુણાવસ્થામાં પહોંચતી વખતે... સાથે ઊભા રહી...છોકરીઓ જોડે ફ્લર્ટ પણ કરી શકે..ને જીવનના સારા નરસાની સમજ, સંસ્કારો કે મૂલ્યો પણ આપી શકે.
આજે, એમના 76 માં જન્મદિવસે, એટલું ચોક્કસ કહી શકું કે જે પિતાને જોઈને હું મોટો થયો છું, એ ગુણો અને અવગુણોથી ભરેલા છે, એક માનવ છે પણ અમારા બંને ભાઈઓના આદર્શ છે, જીવન કેમ જીવવું, સંઘર્ષો સામે કેમ લડવું, પોતાના કુટુંબ માટે કેમ ન્યોછાવર થવું એ એમણે ખુદ ઉદાહરણ બનીને શીખવ્યું છે. અમે એમની પ્રતિકૃતિ બનીએ એવું તો એમણે પણ કદી ઈચ્છયું નથી પણ એમનાં જ કહેવા મુજબ..એમનામાં રહેલા અવગુણો ને અવગણી, ને ગુણોને લઈ અમે અમારી એક અલગ ઓળખ ઊભી કરીએ...ને અમે અમારાથી બનતી એ કોશિશો હજી આજે પણ કરી રહ્યાં છીએ.
...ને અંતે..થોડા સમય પહેલા એમના માટે જ લખેલી મારી એક કવિતા.
હે ઈશ્વર, ઝાલ્યો છે જેણે મારો હાથ,
જીવનના પ્રથમ પગલાથી આજ સુધી,
પ્રાર્થના છે મારી, હું થામી શકું એમનો હાથ,
ગમે તે થાય, જીવનના અંતિમ ચરણો સુધી
મારી દવા, મારા શોખ કે પછી મારૂ ભણતર,
જોયો છે સંઘર્ષ એમનો, "ચાલશે" થી "ભૂખ નથી" સુધી,
ભગવાન બનાવી પૂજ્યા નથી એમને કદી,
મિત્ર બની માણ્યા છે, બાળપણથી આજ સુધી,
શીખવાડ્યું છે માં-બાપ બનતા અમને,
અમે પણ પહોંચાડીશુંં, અમારા સંતાનો સુધી,
શ્રવણ બનવું તો શક્ય નથી આ યુગમાં, પણ,
શક્ય છે, સંતોષ આપી શકું, શક્ય હોય ત્યાં સુધી.