અમારી લાડકીને વધુ એક પત્ર
અમારી લાડકીને વધુ એક પત્ર


વ્હાલી દીકરી,
પુત્રીમાંથી તને, ભાર્યા અને પુત્રવધુ તથા તેવી જ રીતે પુત્રમાંથી કિરાતને, એક પતિ અને જમાઈ બન્યાને આ જ એક વર્ષ પૂર્ણ થયું. આમ તો હજી સફરની આ શરૂઆત છે પણ વડીલ તરીકે અમે જે અહીંથી જોઈ શકીએ છીએ એ રીતે સફરની શરૂઆત તમારી શાનદાર રહી છે, ને જેની શરૂઆત સારી એણે અડધી જંગ તો જીતી લીધી કહેવાય, (ક્રિકેટની પહેલી 15 ઓવરની જેમ).
ખેર, સફરને જેટલી અપનાવશો, જેટલી ગમાડશો એટલી જ સરળ પણ લાગશે અને ગમશે પણ ખરી. એક દીકરીના પરિવાર તરીકે ચોક્કસ અને ખરા દિલથી અમે એવું કહી શકીએ કે, કિરાતને જમાઈ તરીકે મેળવી અમે ખૂબ જ સંતુષ્ટ થયા છીએ, કોઈ પણ પરિવાર પોતાની પુત્રી માટે જેવો જમાઈ શોધે એ બધુંજ કિરાતમાં અમે જોયું અને જાણ્યું છે, ખરેખર આ એક વર્ષમાં એ જમાઈ કરતા પણ પુત્ર તરીકે આપણાં કુટુંબમાં ભળી ગયા છે. એમની હાજરી હોય ત્યારે વાતાવરણ ક્યારેય ભારે રાખવાની જરૂર પડી નથી ઉલટાનું વધારે હળવું થઈ જાય એ રીતે પોતે એડજસ્ટ કરી લે છે. ભાષા, હેલી અને સૌમ્યને તો કિરાતના રૂપમાં એક સારો, અનુભવી અને પરિપક્વ મિત્ર મળી ગયો તો દાદા-દાદીને પોતાની લાડકી દીકરીને આટલો સરસ જીવનસાથી મળ્યો એનો સંતોષ, અને આ બધાથી વધુ તારો ચહેરોજ તારું પાછલું એક વર્ષ બયાન કરે છે. બસ અમારે બીજું શું જોઈએ?
અમને ગળા સુધી ખાત્રી છે કે મુ.વ. રાજીવભાઈ અને નેહાબહેનને પણ કંઈક આવો સરખો જ અનુભવ હશે, આવો જ અનુભવ એમને આજીવન રહે ને બલ્કે ઉત્તરોતર વધતો રહે એવી ગુરુદેવ પાસે પ્રાર્થના.
મન ભરીને જીવો, જીવનને ખૂબ માણો. ભવિષ્યને ધ્યાનમાં રાખી, ભૂતકાળની મીઠી યાદોને વાગોળતા, આજ ને માણો, પચાસ વર્ષ પછી અમારી જેમ જ્યારે બન્ને કોઈ હીંચકે બેઠા હો ત્યારે...વાગોળવા માટે યાદોની ખટમીઠ્ઠી ગોળીઓ હાથવગી રાખજો, જીવન અદ્ભૂત છે એને સકારાત્મક અને હકારાત્મક અભિગમ સાથે જીવો...
હમેશા તારા સુખના અભિલાષી,
તારા, મા-બાપ