ખોબો ભરીને રંગ એટલે જ જીવન
ખોબો ભરીને રંગ એટલે જ જીવન
આ ચિત્ર જોઈને જે પહેલો શબ્દ મનમાં આવે ..તે છે....રંગ..
...ઓહોહો..કેટલું બધું લખી શકાય..કેટલું બધું વિચારી શકાય આ રંગ વિશે...હોળીથી લઈ રચનાત્મકતા સુધી...તહેવારોથી લઈ જીવન સુધી..કે મૂડથી લઈ કુદરત સુધી... તો ચાલો આજ આ ચિત્ર જોઈને, મારા મન-મગજમાં ઉદ્દભવેલા વિચારો ના વાયુ ની સફરે....
.....ચિત્રને ધ્યાનથી જુઓ..એક ગુજરાતી તરીકે અને નાગર જ્ઞાતિમાં જન્મ લીધો છે એટલે સંગીત કે સાહિત્યના થોડા વારસા ને હિસાબે જે પહેલી કડી આ ચિત્ર જોઈને યાદ આવે છે એ છે
"ખોબો ભરીને અમે એટલું હસ્યાં કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં"...
અહીં આપણે દુઃખની વાત ને હમણાં યાદ ન કરીએ તો રંગ અને સુખનો કે ખુશીનો બહુ જૂનો સંબંધ છે....રંગબેરંગી વસ્તુઓ જોઈને મન આપમેળે પ્રફફુલ્લિત થઈ જાય છે...
કોઈના ખોબામાં ભરેલા વિવિધ રંગો...જીવન પણ કંઈક આવું જ નથી?..એ ખોબો કોઈનો પણ હોઈ શકે...
..માં,મિત્ર,પ્રેમિકા,પત્ની,દીકરી કે કુદરત..એ તો તમને બધું જ આપે છે ને તમારે પણ બધું આનંદથી લેવાનું છે, એની જ મજા છે..જેમ ધૂળેટીમાં તમે તમને રંગવા આવનાર ને એવું ન કહી શકો કે મને ફક્ત ફલાણા કલરથી જ રંગજે...એ તો જે પણ એના હાથમાં હોય...એ બધાથી જ તમારે રંગાવું પડે., જેમ આકાશમાં ઊડતી રંગબેરંગી પતંગોની વચ્ચે તમે એવું નક્કી ન કરી શકો કે હું ફક્ત ફલાણા રંગ ની પતંગ જોડે જ પેચ લડાવીશ, કઈક એવું જ છે જીવન પણ...ગમતા ની સાથે ન ગમતું કે ઓછું ગમતું પણ આવશે જ,
...એને સ્વીકારી લો....સ્વીકારશો તો સહેલું પડશે ને નહિ સ્વીકારો તો અમથો પણ કોઈ વિકલ્પ તમારી પાસે છે નહીં.
યાદ કરો....છેલ્લે તમે પેટ પકડીને ક્યારે હસ્યાં હતા?, મિત્રો સાથે કે ગમતા લોકો સાથે ,રુબરુ બેસીને બાલિશ કહી શકાય એ હદે મસ્તી મજાક ક્યારે કરી હતી?, શુ ખુશી માટે કોઈ મોટું કારણ કે મોટી ઘટના જ જરૂરી છે?...નાની નાની ક્ષણોને કે વસ્તુને લઈને ખુશ ન થઈ શકાય?..એક કળી નું ખીલવું, એક બાળકની સાથે રમવું, પરિવારની સાથે બેસવું, કોઈ જ કારણ વગર, આમ જ, બેસીની મનગમતી પ્રવૃત્તિઓ કરવી....શું આ બધું ખુશી નથી આપતું? મારો અનુભવ એવું કહે છે કે આપણે પોતે જ આપણી જાતને એટલી બધી વ્યસ્ત કરી દીધી છે કે આપણી આજુબાજુ પડેલી આ બધી ખુશીઓને જોઈને પણ ઓળખી નથી શકતા.
....માન્યું કે બધાના નસીબ એવા નથી હોતા કે જે ગમ્યું તે કામ જ કરવા મળે.. પણ જે કરો છો એ કામને ગમતું ન કરી શકાય?..પુરા મનથી કોશિશ તો કરો અને છતાં જો નથી જ ગમતું તો છોડી દો..બંધાય ને રહેવાનો કોઈ અર્થ ખરો?
રંગોને આપણે ઘણી વાર મૂડ સાથે કે સ્વભાવ સાથે પણ જોડીએ છીએ..
લાલ રંગ.. ગુસ્સાનો કે ભયનો
લીલો રંગ..હરિયાળીનો,સમૃદ્ધિનો
ભગવો કે કેસરી રંગ...વૈરાગ્ય,દેશભક્તિ,
કાળો- અશુભ , કે ભયનો
સફેદ- શુભ,કે શાંતિનો
..પણ મારા મતે રંગ માત્ર આનંદ અને ઉલ્લાસ ના પ્રતીક છે...જરા વિચારી જુઓ રંગ વગરની જિંદગી કેટલી નીરસ હોત.
...જે કાળા રંગને આપણે અશુભ કહીએ છીએ....એ આજની યુવા પેઢીનો સૌથી માનીતો રંગ છે...માન્યમાં ન આવતું હોય તો...તમારી આજુબાજુ જરા નજર ઉઠાવીને ધ્યાનથી જુઓ...કપડાં,ફેશનેબલ વસ્તુઓ,ફર્નિચર...ઘણા બધા પર કાળા રંગ નું પ્રભુત્વ છવાયેલું છે ને એ સારું પણ લાગે છે....જેમ કાળક્રમે બધું બદલાય જ છે એમ..નવી પેઢીના ગમાં અણગમા પણ બદલાય છે...તો સ્વીકારો ...એમાં જ મજા છે...ને આ પેઢી..આજનો સમય પણ ...આ નવા રૂપરંગમાં ઢળેલા ને જ સ્વીકારશે...
ક્યારેક કોઈ કલાકારને પુરી એકાગ્રતાથી એની કૃતિ બનાવતા જોયો છે?....ચિત્ર કે કૃતિ વાસ્તવિકરૂપ ધારણ કરે એ પહેલા એનો જન્મ...એ કલાકારના મનમાં રંગરૂપ લઈ ચુકી હોય છે...કેનવાસ પર ફરતી પીંછી તો નિમિત્ત માત્ર છે બાકી રંગો તો ચિત્રકારના મન ને આધીન છે...એમ જ આપણું જીવન પણ એક કોરો કેનવાસ છે અને બનતી ઘટનાઓ પીંછી માત્ર છે.....આપણા મનમાંથી આપણે નક્કી કરવાનું છે કે એમાં રંગ કયો અને કેટલો ભરવો છે
...સફેદ,કાળો,લાલ,લીલો,પીળો,કેસરી,વાદળી,નિલો.....મેઘધનુષ નો કોઈ પણ રંગ પૂરો, ગમશે જ...બસ કેનવાસને કોરો ન મુકો....ને એવું પણ બને કે ક્યારેક એમાં બદલાવ કરવાની ઈચ્છા થાય...તો કોણ રોકે છે...જીવન તમારું છે.. કેનવાસ તમારું છે...જ્યાં શક્ય છે...જેટલું પણ શક્ય છે...ફેરફાર કરો...પણ તમને ગમે તે કરો...કોઈને ગમે તે માટે નહીં...
...જાહેરખબરો ની દુનિયામાં...એક કલર કું. ની મારી ગમતી જાહેરાતની એક પંક્તિ છે..... "રંગો કી દુનિયામે આઓ..રંગીન સપને સજાઓ"....
....જીવનના દરેક તબક્કે.. આપણા સ્વભાવમાં,મૂડ માં બદલાવ આવતા જ હોય છે ને એ સ્વાભાવિક પણ છે...બચપણની નિર્દોષતા કિશોરાવસ્થામાં બેફિકરાઈ બને..યુવાની આવતા એ જોશમાં પરિણામે ને ધીમે ધીમે એ વૃદ્ધાવસ્થા આવતા શાંતિ માં ફેરવાય જાય એ જ તો કુદરતનો ક્રમ છે ને એ બધા પણ એક પ્રકારના રંગો જ છે...જેમ એક બહુ જાણીતો શેર છે....
"હર ઉમ્ર કે ફિતુર હૈ જુદા જુદા, ખીલોને,માસુકા,રૂતબા ઔર ખુદા..."
એમાં પણ વચ્ચે ઘણા બીજા રંગો પણ આવતા ને જતા રહે છે...એ બધાને પણ સાક્ષીભાવે જોવાની માણવાની કઈક અલગ જ મજા છે,મારુ માનવું છે કે ખુશીના આ બધા જ રંગોની પાછળ આંધળી દોટ મુકવા કરતા, જ્યાં છો, તમારી પાસે એનો જે રંગ છે એને અપનાવીને જીવો તો જીવનનો ખોબો રંગીન જ છે
ને છેલ્લી આ જ વિષય પર મારી જ લખેલી કવિતા છે
રંગ
રંગોથી જ રમવું છે તો પ્રેમના રંગે રંગાવું,
ને કેટલું ને કેમ?, એમ નક્કી કરીને શું ભીંજાવું?
વિચારો ને મારા આમતો, રોજ શબ્દોમાં હું સજાવું
ચાલ મારા રંગોથી જ હું ,ચિત્ર એક તારું આજ બનાવું.
શુ કામ હું બદનામ ફક્ત ફાગણ ને જ કરાવું,
નિશ્ચિત છે જ્યારે બનીને પ્રેમ તારો જ ચર્ચાવું
સોંપી દીધી છે જાતને મારી,તો હવે શું મુંજાવું?
એટલો જલ્દી *નિપુર્ણ*, તારામાં ભરોસો કેમ ગુમાવું?