STORYMIRROR

Rahul Makwana

Inspirational

4  

Rahul Makwana

Inspirational

ફ્રેકચર

ફ્રેકચર

7 mins
492

(પ્રેમ શબ્દને સાર્થક કરતી એક વાર્તા)  

મિત્રો, આપણે હાલ મનુષ્ય એક બીજા સાથે જોડાયેલાં છીએ તેનું એક માત્ર કારણ છે “પ્રેમ”. પ્રેમ એ આ સૃષ્ટિ કે ઈશ્વર દ્વારા નિર્મિત એવું તત્વ છે કે તે બે અલગ અલગ વ્યક્તિઓને એક મજબૂત તાંતણેથી બાંધી રાખવાનું કામ કરે છે. આ પ્રેમ પછી કોઈ પણ બે અલગ અલગ વ્યક્તિઓ વચ્ચે પરિણમી શકે છે. તે બે મિત્રો વચ્ચે, બે સહકર્મચારી વચ્ચે, માતા અને સંતાન વચ્ચે, પિતા અને સંતાન વચ્ચે, ભાઈ અને બહેન વચ્ચે પરિણમતો જોવાં મળે છે. જો તમને તમારા જીવનમાં આવો અનહદ અને અપાર પ્રેમ મળે કે પ્રાપ્તિ થાય તો ઉપર વાળા ઈશ્વરનો બે હાથ જોડીને સાચા હ્રદયથી આભાર માનજો કે જેણે તમાને પ્રેમ અપાવવા માટે પાત્રતા બક્ષી છે. સાચો પ્રેમ ક્યારેય ઊંચ નીચ, અમીર - ગરીબ, નાના - મોટા, ભણેલ - ગણેલ એવાં ભેદભાવોને ક્યારેય ગ્રાહ્ય રાખતો નથી. 

શ્રાવણ મહિનો એ હિન્દુ ધર્મ મુજબ ખૂબ જ પવિત્ર મહિનો ગણવામાં આવે છે. આ મહિનામાં લોકો ભગવાન શિવની સાચા તન, મન અને ધનથી પૂજા અને અર્ચના કરે છે. એક માન્યતા અનુસાર જો તમે આ મહિનામાં સાચા હ્રદયથી શિવની પૂજા કરો, તો ભોળિયો ભગવાન તમારા બધાં જ પાપને માફ કરીને પુણ્ય બક્ષે છે. આ ઉપરાંત અમુક લોકો આખા શ્રાવણ મહિનાના ઉપવાસ કરે છે, તો અમુક લોકો શ્રાવણ મહિના દરેક સોમવારે ઉપવાસ કરે છે. આમ શ્રાવણ મહિનો એ બધાં ગુજરાતી મહિનાઓમાંથી સૌથી વધુ પુણ્ય બક્ષનાર મહિનો ગણવામાં આવે છે. ટૂંકમાં આખા વર્ષ દરમ્યાન જાણતા કે અજાણતા જે પાપ આપણાંથી થયેલાં હોય તે પાપોનો પશ્ચાતાપ કરવાનો મહિનો એટલે શ્રાવણ મહિનો.

સમય : સવારનાં ૧૧ કલાક 

સ્થળ :જીવાપર ગામની પાદરે આવેલ શિવાલય. 

જીવાપર ગામની પાદરે આવેલ શિવાલયને પણ અન્ય શિવાલયોની માફક રંગબેરંગી લાઇટો, પુષ્પો, રંગોળીઓથી શણગારવામાં આવેલ હતું. જીવાપર ગામનાં તમામ રહેવાસીઓ વારાફરતી આ મંદિરમાં ભોળાનાથની પૂજા કરવાં માટે આવી રહ્યાં હતાં, એમાં પણ આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર હોવાથી આ શિવાલયમાં આજ સવારથી જ લોકોની ખૂબ જ ભીડ જામેલ હતી. બરાબર એ જ સમયે વરુણદેવ જાણે એકદમ પ્રસન્ન થઈ ગયાં હોય તેમ હરખની હેલી સ્વરૂપે વર્ષા વરસાવે છે, આ વરસાદને લીધે શિવાલયની સામે આવેલ મેદાનમાં પાણીનો ભરવો થઈ જવાને લીધે ઘણો બધો કાદવ કીચડ પણ થઈ ગયો હતો. 

આ મેદાનની બરાબર વચ્ચોવચ એક પચાસેક વર્ષની આસપાસની ઉમર ધરાવતાં વર્ષાબેન પોતાની એકાદ વર્ષની પૌત્રી “પ્રાચી”ને તેડીને જમીન પર પડેલાં હતાં, આ દ્રશ્ય જોઈ આજુબાજુના લોકો વર્ષાબેનની મદદ કરવાનાં આશયથી ત્યાં દોડી આવે છે. ત્યારબાદ તેઓને માલૂમ પડે છે, કે આ મેદાનમાં કીચડમાં વર્ષાબેન તેની પૌત્રી પ્રાચીને લઈને શિવાલયમાં દર્શન કરવાના હેતુથી આવી રહ્યાં હતાં. બરાબર આ જ સમયે શિવાલયની સામે આવેલ મેદાનમાં તેઓનો પગ લપસતા તેઓ પોતાની પૌત્રી પ્રાચી સાથે જમીન પર પડયા હતાં. જમીન પર પડવાને લીધે વર્ષાબેનનાં કપડાં કાદવ કીચડવાળા થઈ ગયાં હતાં, તેમની બાજુમાં ફૂલો, કળશ અને પ્રસાદી જમીનદોસ્ત હાલતમાં તેની આસપાસ વેરવિખેર હાલતમાં પડેલ હતાં, પરંતુ આ બધામાં જોવાની બાબત એ હતી કે પ્રાચીનાં કપડાં પર કીચડનો એક પણ ડાઘ ના હતો. 

આથી બધાં લોકો વર્ષાબેનને ઊભા કરે છે, અને ત્યાં હાજર રહેલ કંચનબેન પ્રાચીને તેડી લે છે. ત્યારબાદ ત્યાં હાજર રહેલ કિશોરભાઈ રીક્ષા બોલાવીને વર્ષાબેનને હોસ્પિટલે લઈ જાય છે, અને આ બાબતની જાણ વર્ષાબેનનાં પરીવારનાં સભ્યોને પણ કરવામાં આવે છે. થોડીવારમાં વર્ષાબેનનાં પરીવારજનો પણ દોડતાં દોડતાં હોસ્પિટલે આવી પહોંચે છે. 

સ્થળ : ગાંધી ઓર્થોપેડિક (હાડકાની) હોસ્પિટલ 

સમય : બપોરનાં ૧૨ કલાક. 

ડૉ. ગાંધી વર્ષાબેનનાં પગનો એક્સ - રે તપાસી રહ્યાં હતાં, લાંબા સમય સુધી એક્સ રે જોયા બાદ ડૉ. ગાંધી વર્ષાબેનનાં પતિ હસમુખભાઇ સામે જોઈને ચિંતાતુર અને ગંભીર અવાજમાં જણાવતાં બોલે છે. 

“વર્ષાબેનનાં પગમાં ફ્રેકચર આવેલ છે અને આ ફ્રેકચર એટલું ગંભીર છે કે તેનું તાત્કાલિક ઓપરેશન કરવું પડે તેવી હાલત છે.” પરિસ્થિતિની ગંભીરતા જણાવતાં ડૉ. ગાંધી જણાવે છે. 

“હા ! સાહેબ, વાંધો નઈ તમને જેમ ઠીક લાગે તેમ તમે કરો. પણ ચિંતાની કોઈ જરૂર નથી ને ?” હસમુખભાઈ હેરાનીભર્યા અવાજે ડૉ. ગાંધીને પૂછે છે. 

“જુઓ હસમુખભાઈ આ ખરેખર ચિંતા કરવી પડે તેવું જ ફ્રેકચર છે, કારણ જે મે મારી કારકિર્દીમાં ઘણાં ફ્રેકચર જોયેલા છે પરંતુ આ ફ્રેકચર મારા માટે પણ થોડુંક મૂંઝવણ પેદા કરનાર છે.” ડૉ. ગાંધી હેરાનીભર્યા અવાજે દાઢી પર હાથ ફેરવતાં ફેરવતાં બોલે છે. 

“કેવી મુંઝવણ સાહેબ ?” હસમુખભાઈ ગંભીર અવાજે ડૉ. ગાંધીને પૂછે છે. 

“આ ફ્રેકચર બધાં ફ્રેકચર કરતાં અલગ એટલા માટે છે, કારણ જે સામાન્ય રીતે ફ્રેક્ચરમાં હાડકું બટકી કે ભાંગી જતું હોય છે, જેમાં સળિયો કે પ્લેટ બેસાડીને રીપેર કરી શકાય છે, પણ વર્ષાબેનનાં કેસમાં તેનાં પગમાં પહેલાં પગનું હાડકું વળી ગયેલું છે અને પછી તૂટેલ છે, એટલે આ હાડકાને પોતાની મૂળ જગ્યાએ બેસાડવા માટે મારે કાં તો સળિયો બેસાડવો પડશે, કાં તો પ્લેટ બેસાડવી પડશે અથવા બંને વસ્તુ કરવી પડે એવું મને લાગી રહ્યું છે.” વર્ષાબેનનાં કેસ વિશે વધુ માહિતી આપતાં ડૉ. ગાંધી હસમુખભાઈને જણાવે છે. 

“તો હવે શું કરીશું ?” હસમુખભાઈ બેચેની સાથે ડૉ. ગાંધીને પૂછે છે. 

“બસ જો હવે આપણે વર્ષાબેનને ઓપરેશન માટે ઓ.ટી.માં લઈ જશો, અને ઓપન કરીને ચેક કરીશું એ પછી જ આગળનો પ્લાન હું નક્કી કરી શકીશ.” ડૉ. ગાંધી થોડી લાચારી સાથે જણાવે છે. 

“ઓકે ! વાંધો નહીં સાહેબ ! તમને જેમ ઠીક લાગે તેમ કરો.. ખર્ચાની તમે જરાય ચિંતા નાં કરતાં, બસ મારી પત્ની પહેલાંની માફક ફરી ચાલતી થઈ જવી જોઈએ એવું હું ઈચ્છું છું.” હસમુખભાઈ વર્ષાબેન પ્રત્યે રહેલ પોતાનાં પ્રેમ દર્શાવતા ડૉ. ગાંધીને સામે જોઈને પોતાનાં બે હાથ જોડી વિનંતી કરતાં કરતાં જણાવે છે. 

“ઓકે ! તો તમે ઓપરેશન થિયેટરની બહાર બેસો હું વર્ષાબેનનાં ઓપરેશન માટેની તૈયારી કરાવું છું.” ડૉ. ગાંધી પોતાની પૂર્વતૈયારી દર્શાવતા હસમુખભાઈને જણાવે છે. 

“જી ! ચોક્કસ સાહેબ !” હસમુખભાઈ ડૉ. ગાંધી સાહેબનો આભાર વ્યક્ત કરીને ડૉ. ગાંધીને ચેમ્બરની બહાર નીકળે છે. 

ડૉ. ગાંધીની ચેમ્બરની બહાર આવ્યા બાદ હસમુખભાઈ, પરિવારનાં અન્ય સભ્યોને પોતાની ડૉ. ગાંધી સાથે જે કઈ વાત થઈ હતી, તેનાં વિશે વિગતવાર જણાવે છે, અને પરિસ્થિતિ કેટલી ગંભીર છે તેનો પણ ચિતાર આપે છે. 

“પાપા ! મમ્મીનાં ઓપરેશન માટે અંદાજે કેટલા રૂપિયાનો ખર્ચ થશે ?” હસમુખભાઈનો મોટો પુત્ર વિપુલ તેમની સામે જોઈને પૂછે છે. 

“બેટા ! એ તો મને પાક્કો ખ્યાલ નથી પણ ઓપરેશન મોટુ છે, એટલું હું માનું છે કે ઓપરેશન માટે ઓછામાં ઓછા લાખ રૂપિયા, હોસ્પિટલનો ખર્ચ ત્રીસ ચાલીસ હજાર અને બાકી દવા દારૂનો વીસ પચીસ હજાર જેવો ખર્ચ થશે.” હસમુખભાઈ પોતાનાં કપાળ પર હાથ ફેરવતાં વિપુલની સામે જોઈને જણાવે છે. 

“કાંઈ, વાંધો નહીં પપ્પા હું મારી સાથે હાલ એસી હજાર રૂપિયા લઈને આવેલ છું એ તમે રાખો બાકીના ખર્ચ વિશે જોયું જશે.” પોતાનાં ખિસ્સામાંથી રૂપિયા કાઢી હસમુખભાઈના હાથમાં આપતાં વિપુલ બોલે છે, જે એ દર્શાવી રહ્યાં હતાં કે એક સંતાન માટે માતાનું સ્થાન કેટલું અગત્યનું હોય છે. 


ત્યારબાદ હસમુખભાઈનાં અન્ય બે દીકરા સાગર અને પિન્ટુ મળીને એકાદ લાખ રૂપિયા હસમુખભાઈને આપે છે, જે આ પરીવારમાં એકબીજા પ્રત્યે કેટલો પ્રેમ, માન, આદર હશે તેનાં વિશે સ્પષ્ટ ચિતાર આપી રહ્યાં હતાં. બે કલાક બાદ વર્ષાબેનનું ઓપરેશન થઈ ગયેલ હોવાથી તેમને ઓપરેશન થિયેટરની બહાર લાવવામાં આવે છે. વર્ષાબેનની શાંતિપૂર્ણ અને વગર વિઘ્નએ ઓપરેશન પૂરું થઈ ગયું હોવાને લીધે હસમુખભાઈ અને તેનાં પુત્રો બે હાથ જોડીને સહૃદય મનોમન ઈશ્વરનો આભાર માને છે, ત્યારબાદ વર્ષાબેનને ઓબઝર્વેશન માટે ઓપરેશન થિયેટરની બહાર આવેલ રિકવરી રૂમમાં રાખવામાં આવે છે.

બરાબર એ જ સમયે ડૉ. ગાંધી ઓપરેશન થિયેટરની બહાર આવે છે, પોતાનાં ચહેરા પરથી માસ્ક અને કેપ ઉતારતાં ઉતારતાં ડૉ. ગાંધી હસમુખભાઈની નજીક આવીને જણાવે છે કે, "વર્ષાબેનનું સફળતાપૂર્વક ઓપરેશન થઈ ગયેલ છે, પગનાં ભાગે એક સળિયો અને પ્લેટ બેસાડેલ છે, અને ઓછામાં ઓછા બે મહિના આરામ કરવાનો થશે."

"તમારો ખુબ ખુબ આભાર." હસમુખભાઈ ડૉ. ગાંધીનો આભાર વ્યક્ત કરતાં બોલે છે.

"વર્ષાબેનને આટલું ગંભીર ફ્રેક્ચરનું કારણ મને અંતે તેમની પાસેથી જાણવા મળ્યું છે." ડૉ.ગાંધી હસમુખભાઈને જણાવતાં બોલે છે.

"શું હતું સાહેબ,આટલા ગંભીર ફ્રેક્ચર પાછળનું કારણ ?" નવાઈ પામતાં હસમુખભાઈ ડૉ. ગાંધીને પૂછે છે.

"જી ! તમારા પત્ની જ્યારે તેની પૌત્રી એટલે કે પ્રાચીને તેડીને મંદિર જઈ રહ્યાં હતાં, બરાબર એ જ સમયે મંદિરની સામે આવેલ મેદાનમાં રહેલ કિચડને લીધે તેમનો પગ લપસ્યો, પણ તેઓએ પ્રાચીને નીચે પડવા ના દીધી જે દર્શાવે છે કે વર્ષાબેન પ્રાચીને કેટલો પ્રેમ કરે છે. જો તેમણે પ્રાચીને કદાચ એ સમયે છોડી દીધી હોત તો કદાચ આટલું ગંભીર ફ્રેક્ચર પણ ના થયું હોત. પણ કહેવાય છે ને કે માની મમતા આગળ ભગવાન પણ લાચાર હોય છે, જો ભગવાનને માની મમતાનો અનુભવ કરવો હોય તો તેઓને મનુષ્ય અવતાર લઈને પૃથ્વી પર જન્મવું પડે છે, જ્યારે આપણને તો આ બધું એકદમ નિઃશુલ્ક મળે છે, તો આપણે માની મમતાની કે પ્રેમની ચોક્કસપણે કદર કરવી જ જોઇએ." આટલું બોલી ડૉ. ગાંધી પોતાની ચેમ્બર તરફ ચલાવા માંડે છે.

મિત્રો આ પ્રેમ હોય છે એક માનો પોતાનાં સંતાન પ્રત્યે, એમાં પણ વર્ષાબેનનો પ્રેમ તો મહાન હતો જે તેની બીજી પેઢી સુધી પણ અવિરત અને અનંત હતો, તેમાં શંકાને કોઈ સ્થાન નથી, જો આવો પ્રેમ આપણને કોઈ સ્વરૂપમાં મળી જાય તો બે હાથ જોડીને ઉપરવાળા ઈશ્વરનો આભાર અચૂક માનજો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational