Sharad Trivedi

Inspirational

3  

Sharad Trivedi

Inspirational

ફકીર સાહેબ

ફકીર સાહેબ

3 mins
587


શિયાળાની કડકડતી ઠંડી. જિલ્લા મથકથી દોઢસો કિલોમીટર દૂર જવાનું. બીજો શનિવાર.સતત વ્યસ્તતામાં આજે માંડ શાંતિ હતી. એ ડોહળવાની તમારી સાવ ઈચ્છા ન હતી. પરંતુ આવેલ આમંત્રણ પત્રનું લખાણ તમને જાણે સતત બોલાવતું હતું. આમંત્રણ આપવા આવેલા ગામના સરપંચ અને શાળાના આચાર્યને તમે એ વિશે પુછેલું ત્યારે તેમણે તમને કહેલું સાહેબ આપ કાર્યક્રમમાં પધારશો એટલે આપને ખબર પડી જશે. ચોકકસથી આવજો. એક શિક્ષકની વયનિવૃતિનો પ્રસંગ હતો. આ જિલ્લામાં શિક્ષણાધિકારી તરીકે તમારી હમણાં જ નિમણૂંક થયેલી. તમારા માટે શાયદ આ જિલ્લામાં પહેલો જાહેર કાર્યક્રમ હશે. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે તમારું જ નામ હતું ડૉ. શુભમ મહેતા.

ઘણાં શિક્ષકો વયનિવૃત થતાં હોય છે એમ આ પણ થાય છે,એમાં શું?પણ સંરપચે આમંત્રણ આપતાં તમને કહેલા શબ્દો તમને યાદ હતાં. એમણે કહેલું નિવૃત થતાં ફકીર સાહેબનો ખાસ આગ્રહ છે કે આપ પધારશો. એક અદમ્ય ખેંચાણ પણ તમે અનુભવતાં હતાં ત્યાં જવાનું. એટલે બીજા શનિવારે સરકારી રજાના દિવસે કડકડતી ઠંડીમાં તમારા પરિવાર સાથે ગુજારવા મળતાં ક્વૉલીટી ટાઈમને છોડીને ફકીર સાહેબના વયનિવૃતિ કાર્યક્રમમાં પહોંચી ગયેલાં.

આખું ગામ શણગારેલું. ગામના મુખ્ય પ્રવેશદ્વાર આગળ જ તમને લેવા આવેલા આચાર્યને તમે પૂછેલું કે ગામમાં કોઈ બીજોય પ્રસંગ છે કે શું? આચાર્યે કહ્યું ના ના સર ફકીર સાહેબના વિદાયમાન સિવાય કોઈ કાર્યક્રમ નથી. તમને આશ્ચર્ય થયેલું કે એક શિક્ષકના વિદાયમાનમાં આખું ગામ શણગારવાનું?

તમે કાર્યક્મ સ્થળે પહોંચ્યા. ભવ્ય કાર્યક્રમ હોય એવી રોનક તમને જણાઈ. કાર્યક્રમ શરુ થયો. આખું ગામ હાજર હતું એ કાર્યક્રમમાં.

થોડીવારમાં બગીમાં બેસાડી દોરડાંથી બગીને ખેંચી ફકીરસાહેબના વિદ્યાર્થીઓ તેમને સ્ટેજ સુધી લઈ આવ્યાં. ફકીર સાહેબ બરાબર તમારી બાજુની ખુરશીમાં તમારું અભિવાદન કરીને ગોઠવાયાં. કાર્યક્રમ આગળ ચાલ્યો. ફકીર સાહેબનો પરિચય અપાયો. ભેટ સોગાદો,સન્માન પત્ર,ગામજનો તરફથી રોકડ રકમ વગેરે વગેરે,હવે આવ્યો વિદ્યાર્થીઓના પ્રતિભાવોનો વારો. એક પછી એક વિદ્યાર્થી ફકીર સાહેબ સાથેના સંસ્મરણો વાગળતો હતો. કાર્યક્રમ લાંબો થતો જતો હતો. પણ આખું ગામ અને તમે ધીરજથી બેઠાં હતાં. કોઈ વિદ્યાર્થી ફકીર સાહેબે એની ફી ભરી એ વિશે વાત કરતો હતો. તો કોઈ એની બિમારી વખતે સાહેબે કરેલી મદદ વિશે વાત કરતાં રડી પડતો, તો કોઈ અભ્યાસમાં એમણે કરેલી મદદના ગુણગાન ગાઈ રહ્યો હતો. ગામના વિકાસ,સ્વચ્છતા અને સુખાકારીમાં ફકીર સાહેબના ફાળાની પણ નોંધ લેવાઈ રહી હતી. કેટલીય આંખો ફકીર સાહેબની ફકીરીનું બયાન કરતાં-કરતાં વરસી પડતી હતી.

હવે તમારો વારો હતો અધ્યક્ષીય પ્રવચનનો, તમે   ઔપચારીક શરુઆત કરીને મૂળ વાત પર પહોંચ્યા ત્યારે તમારી સાથે આખી સભાની આંખો ભીની થઈ ગયેલી. તમે તમારી બચપણની દારુણ સ્થિતિથી  અહીં સુધી પહોંચ્યાં એનું વર્ણન કરી તમારી ઉપલબ્ધિનું તમામ શ્રેય ફકીર સાહેબને આપેલું ત્યારે મારા સહિત બધાં આશ્ચર્યમાં મુકાઈ ગયેલાં.

હા ડૉ. શુભમ મહેતા તમે જ્યારે પ્રાથમિકશાળામાં ભણતાં ત્યારે ફકીર સાહેબ શિક્ષક તરીકે નવા- નવા આવેલા. તમે હોંશિયાર હતાં પણ ઘરમાં તો હાંડલા કુસ્તી કરતાં. એ સમયે ફકીર સાહેબે પોતાના ટુંકા પગારમાંથી તમને નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષાનું ફોર્મ ભરાવેલું અને તેનું ફ્રી કોચિંગ પણ આપેલું. એટલું જ નહી પરીક્ષા અપાવા પણ એ લઈ ગયેલાં. તમે પાસ થયાં એના પેંડા લઈને પણ એ આવેલાં અશે નવોદય વિદ્યાલયમાં મૂકવા પણ. તમને તે વખતે જરુરિયાત મૂજબની વસ્તુ પણ એમણે જ લઈ આપેલી. પછી બીજા વર્ષે પોતાના વતનની હાઈસ્કુલમાં નોકરી મળતાં ત્યાં જતા રહેલાં. નવોદય વિદ્યાલયમાં પ્રવેશ તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો અને એ ટર્નિંગ પોઈન્ટનું કારણ ફકીર સાહેબ હતાં.

જ્યારે ફકીર સાહેબના વિદાયમાનનું આંમત્રણ તમને મળેલું ત્યારે તમે એમાં છપાયેલ 'ફકીર સાહેબ' નામના કારણે તમારા જીવનને પાટા પર ચડાવનાર સાહેબ સ્મરણમાં હોવા છતાં ન ઓળખી શકેલાં. પણ સન્માનપત્રના વાચન વખતે તેમનું એલ. સી. મૂજબનું નામ બોલાયું ત્યારે તમને તરત જ લાઈટ થયેલી. પછી તો આ કાર્યક્મમાં ઉપસ્થિતિની તક આપવા બદલ પરમ કૃપાળુંનો આભાર માનેલો.

એમનું મૂળ નામ તો રવિશંકર પ્રાણલાલ શાસ્ત્રી પણ આવી સૌનું ભલું કરવાનાની એમની ફકીરીવૃતિના કારણે એમને સૌ ફકીર સાહેબ તરીકે ઓળખતાં એટલે મૂળ નામ તો સરકારી ચોપડે જ રહી ગયેલું. આંમત્રણ પત્રિકામાં પણ ફકીર સાહેબ જ છપાયેલું. એટલે તમે તમારાં ગુરુજીને નહોતાં ઓળખી શકેલાં.

પણ હવે તમે તમારી આંખના ખૂણા પર આવીને બેસેલાં આંસુઓ લૂછી તમારી તર્જની આંગળી પર પહેરેલી વીંટી ઉતારી તમારા સાહેબ રવિશંકર પ્રાણલાલ શાસ્ત્રી ઉર્ફે ફકીર સાહેબને પહેરાવી રહ્યાં છો. ડૉ શુભમ મહેતા.

તમારા સાહેબને તો તમે અહીં શિક્ષણાધિકારી તરીકે આવેલાં ત્યારે જ ખબર પડી ગયેલી કે શુભમ મારો વિદ્યાર્થી છે એટલે કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને તમને રાખવાનો સાહેબનો આગ્રહ હતો. પોતે ભણાવેલો

એક વિદ્યાર્થી શિક્ષકના વિદાયમાનના અધ્યક્ષ સ્થાને હોય એનાથી વધારે વિશેષ એક શિક્ષક માટે શું હોય ?


Rate this content
Log in

Similar gujarati story from Inspirational