ફેરવેલ પાર્ટી
ફેરવેલ પાર્ટી


કોલેજનું છેલ્લું વર્ષ પૂર્ણ થવાની આરે હતું, જોત-જોતામાં અભ્યાસના આ ચાર કયાં વીતી ગયાં એ જ ખ્યાલ ના રહ્યો, ધીમે - ધીમે વર્ષો, મહિનાઓ, અઠવાડિયા અને દિવસો વીતવા લાગ્યાં, અને આવ્યો અમારી ફેરવેલનો દિવસ.
ભગવાન પાસે જાણે મેં બાર્ગેનિંગ શરૂ કર્યું હોય તેવું મને લાગી રહ્યું હતું. હું મનોમન ભગવાનને એટલી જ પ્રાર્થના કરતો રહ્યો કે.." હે ભગવાન મને મારા બેસ્ટ ફ્રેન્ડસ સાથે રહેવા હજુ થોડાક વધારે દિવસો આપી દે.! દિવસો ના આપે તો કંઈ નહીં, થોડીક કલાકોજ વધારે આપી દે. કલાક ના આપે તો કંઇ નહીં, થોડી મિનિટો જ વધારે આપી દે !" - આમ ભગાવન પાસે મેં લાઈફમાં પહેલીવાર સીરીયસ થઈને કંઈક માગ્યું હશે.
જ્યારે અભ્યાસ માટે આવ્યાં ત્યારે એક કોરી પાટી જેવો હું હતો, મારી કોલેજનાં અધ્યાપકો, મિત્રો, સિનિયર, સ્ટાફ વગેરે એ આ કોરી પાટી પર અલગ - અલગ પ્રકારનું સર્જન કર્યું. જે હકીકતમાં તેઓએ મારું જ સર્જન કરેલ હતું. એક નાના એવા છોડને સીંચીને તેઓએ એક ઘટાદાર વૃક્ષનું નિર્માણ કર્યું હતું.
ફેરવેલ પાર્ટી પત્યા બાદ હું હાથમાં રીલિવ ઓર્ડર લઈને, ખભે બેગ લગાવીને, બને હાથમાં થેલા લઈને શૂન્યમન્સક બનીને ચાલતો થયું.ગઈકાલ સુધી જે મારું પોતાનું કે જેને હું મારું કે મારા ગણતો હતો, એ બધાજ એકજ પળમાં અજાણ્યા બની ગયાં હોય એવું લાગતું હતું. કોલેજના ગેટથી કેમ્પસ ગેટ સુધી પહોંચતા જાણે મેં વિતાવેલા ચારે - ચાર વર્ષો મારી આંખો સામે ખડા થઈ રહ્યાં હોય તેવું લાગી રહ્યું હતું.
એકદમ તોફાની, બાળક જેવો સ્વાભાવ, નીતિમત્તામાં ઝીરો, ફિકરની ફાકી કરીને પી જવાવાળો, કોલેજ અસાઈમેન્ટનાં સબમિશનમાં બધાથી લેટ, હંમેશાં છેલ્લી બેન્ચની શોભામાં વધારો કરનાર, કાયમિક મોજ મસ્તી કરનાર, એક પણ વાત કાને ન ધરનાર હું જાણે આજે મારી અંદર એકાએક માનવતાં ઉભરાય હોય તેવું લાગી રહ્યું હતું. હવે એ મિત્રોને હું ક્યારે મળીશ આ પ્રશ્ન મારા માનસ પટ્ટ પર રમ્યા કરતો હતો.
એવામાં મારા બે ખાસ મિત્રો પાછળથી દોડીને આવ્યાં અને મને બાથ ભરીને ધ્રુસકે - ધ્રુસકે રડવા લાગ્યાં, કદાચ એ લોકોને મેં પહેલીવાર રડતાં જોયા હશે. કારણ કે જિંદગીમાં અમે ક્યારેય પણ સીરીયસ થયાજ ન હતાં, આ જોઈ જાણે એક ચેકડેમનાં બધાં જ દરવાજા ખુલ્લા મુકવામાં આવે અને જેટલો પાણીનો ધોધ પડે, એટલા જ ધોધ સ્વરૂપે મારા હદયમાં રહેલું દુઃખ બહાર આવતાં, મેં જે મારી લાગણીઓ પર અત્યાર સુધી જે કન્ટ્રોલ રાખેલ હતો એ ગુમાવી બેઠો. અને અમે ત્રણેય મિત્રો કેમ્પસની વચ્ચોવચ્ચ કોઈપણ પ્રકારના ડર વગરજ એકબીજાને વળગીને માત્ર બસ રડતાં જ રહ્યાં.
મિત્રો આ મારી કોલેજ લાઇફનોજ એક પ્રસંગ છે, મેં મારા મિત્રો સાથે વિતાવેલા બધાં જ દિવસોમાંથી આ દિવસ મારા માટે ખરેખર યાદગાર છે, કદાચ આ વાંચીને તમને પણ તમારી ફેરવેલ પાર્ટી તથા મિત્રો પણ યાદ આવી ગયાં હશે કદાચ તમારી આંખોમાં આંસુ પણ આવી ગયાં હશે....હે.!...ને...!