પગલાંની છાપ
પગલાંની છાપ
નિલય - રિમાના લગ્નજીવનનાં ફળ રૂપે રિમા ગર્ભવતી બની. પૂરે માસે દીકરી જન્મી. પતિ-પત્નીનાં આનંદનો પાર નહીં. હોસ્પિટલમાંથી ઘરે આવ્યાં તે જ દિવસે પુત્રીના પગલાંની છાપ લઈને સાચવીને મૂકી દીધી.
પુત્રીનું નામ રાખ્યું નિમા. નિમા મોટી થતાં શાળાએ જવા લાગી. નિમાને ભણવા કરતાં ઈતર પ્રવૃત્તિમાં વધારે રસ. એન. સી. સી.ની પ્રવૃત્તિમાં જોડાઈ. હોકીની ચેમ્પિયન, સ્પર્ધામાં એની ટીમ જ જીતે. એન. સી. સી.માં બેસ્ટ કેડેટનો એવોર્ડ મેળવ્યો.
૨૬મી જાન્યુઆરીની દિલ્હી પરેડમાં એની પસંદગી થતાં તાલિમ શરૂ થઈ. આ તાલિમ દરમ્યાન એણે નક્કી કર્યું કે પોતે પોલીસ ખાતામાં ભરતી થઈ અસામાજીક તત્વો, ભ્રષ્ટાચાર વગેરે બદી દૂર કરશે. એ માટેની તૈયારી કરવા માંડી. પરીક્ષા પાસ કરી બની પી. એસ. આઈ. નિમાની પહેલી નિમણૂંક થઈ ડુંગરપુર ગામે, જ્યાં માથાભારે તત્વોનું રાજ. મહિલાની નિમણૂંક
થતાં જ ગુંડા તત્વો ગેલમાં,બાઈ માણસ શું કરી લેશે !
નિમાએ હોદ્દો સંભાળતાં જ કામગીરીનાં ભાગ રૂપે અસામાજીક પ્રવૃતિનો સફાયો બોલાવવા માંડ્યો. એક દિવસ ગુંડાઓની ચૂંગાલમાંથી એક યુવતીને છોડાવવા જતાં પગમાં ગોળી વાગી એની પરવા કર્યા વિના યુવતીને બચાવી ગુનેગારોનો પીછો કરતાં બીજા પગમાં પણ ગોળી વાગી છતાં પણ ગુનેગારોને પકડી જેલમાં પૂર્યા.
લોહીથી લથબથ પગ જોઈ માવતર રડી ઉઠ્યાં ત્યારે રિમાએ કહ્યું,"મારાં જન્મ પછી હોસ્પિટલથી ઘરે આવી ત્યારે મારાં પગલાંની છાપ લીધેલી એમ,મા મારીનોકરીની પ્રથમ સિધ્ધિનાં પગલાંની છાપ લે. તમારે ખુશ થવું જોઈએ કે આ છાપ લેવા તો કંકુની પણ જરૂર નથી. કુદરતે મારા પગ મારી પ્રથમ સિધ્ધિની યાદગીરી રૂપે પગલાં લેવાં રક્ત રંજીત કર્યાં છે." કહી રિમાએ હસીને વાતાવરણ હળવું કર્યું. પગલાંની છાપ લીધાં પછી જ રિમા ઓપરેશન માટે ગઈ.