પડછાયાની પેલે પાર
પડછાયાની પેલે પાર
“ચેન સે હમકો કભી આપને જઈને ના દીયા
ઝહર ભી ચાહા મગર પીના તો પીને ના દીયા..”
રેડિયો પર આશા ભોંસલેનું આ દર્દભર્યું ગીત રશ્મીની આખોમાં પાણી લાવી દે છે. ગઈ કાલે સુબોધે મુકેલા પ્રસ્તાવ પર મન ભારેખમ થઈ ગયું છે. કેન્સરગ્રસ્ત જીંદગીની ટૂંકી આયુમાં સુબોધની વાત ઝંઝાવાત પેદા કરી ગઈ છે. બારી બહાર પડતો વરસાદ અને રેડિયો પર ચાલતું આ ગીત રશ્મીનાં મનની પીડાને વ્યક્ત કરવા સહાયભૂત બન્યા છે.
રશ્મી બાવન વર્ષીય સ્વૈચ્છીક નિવૃત્તિ લીધેલ કોલેજની પ્રાદ્યાપિકા છે, જે હાલ કૅન્સરથી પીડિત જિંદગીના છેલ્લા છ મહિના જીવી રહી છે. સુબોધ તેનો પતિ શહેરનાં એક નામાંકિત ન્યૂઝપેપરનો મલિક છે. સ્વભાવ થોડો ભીરુ પણ ધીર-ગંભીર અને એકદમ સાદગીપ્રિય માણસ છે.
ગઈકાલે સાંજે ડૉક્ટરને ત્યાંથી આવ્યા બાદ સુબોધે મુકેલા પ્રસ્તાવથી રશ્મી ઘણી અવઢવમાં મૂકાઈ ગઈ છે.
ડૉક્ટરનાં શબ્દો જિંદગી હજુ છ મહિના સુધી સાથ આપી શકે એમ છે એવું સાંભળીને સુબોધ એટલો ભાવુકતામાં આવી ગયો કે રશ્મી આ છ મહિનામાં એની અધૂરી ખુશીઓને સમેટી લે તે માટે દેવાંગ નામનો ઝંઝાવાત પેદા કરી નાખ્યો.
દેવાંગ એક જમાનામાં રશ્મિનાં શ્વાસ સમાન હતો. બંનેનો નાની ઉંમરમાં થયેલો પ્રેમ પરિપક્વ થઈને દસ વર્ષ સુધી જીવ્યો. આ દસ વર્ષમાં બને એ પ્રેમ નામનું તત્વ શરીરથી પર જ્યાં ચેતનાનું વિશાળ આકાશ છે ત્યાં સુધી માણ્યું. જે સ્તરે પ્રેમની અનુભૂતીમાં ઈશ્વરનાં દર્શન થાય લગભગ એ સ્તરે બને એકબીજાને ચાહતા હતા.
પણ એ અદભુત પ્રેમની ઉંમર દઈ વર્ષથી વધી શકી નહોતી. કારણ...? કારણ એટલું જ કે દેવાંગ એક પગથી અપંગ હતો અને રશ્મિનાં મા-બાપ પોતાની દીકરી માટે અપંગ જીવનસાથીને પસંદ કરી ન શક્યા. સુબોધ જેવા એજ્યુકેટેડ અને વેલસેટ યુવકને રશ્મિએનાં મરજીથી સ્વીકારવો પડ્યો.
એવું નહોતું કે એને દેવાંગ માટે સંઘર્ષ નહોતો કર્યો પણ દેવાંગે જ એ સંઘર્ષને સમાધાનમાં પલટીને રશ્મિને સુબોધ સાથે લગ્ન કરી સુખી જિંદગી પસંદ કરવા મજબૂર કરી હતી. પ્રેમની પરાકાષ્ઠાએ બંને સહમતીથી અલગ થઈ ગયા અને લગ્નની રાત્રે જ રશ્મિએ સુબોધ સમક્ષ દેવાંગ નામની હસ્તી તેના હૃદયનાં એક ખૂણામાં સદા જીવંત રહેશે અને તેથી એક અધૂરી રશ્મિ સાથે જીવન વિતાવું પડશે તેવો ઘટસ્ફોટ કર્યો.
સુબોધને એ સમયે આંચકો જરૂર લાગ્યો પણ તે સમયે એટલી હિંમત બતાવી ન શક્યો કે કોઈ ફિલ્મી હીરોની જેમ રશ્મિ અને દેવાંગની જોડી પછી બનાવી શકે. મનને એ સમયે એમ આશ્વાસ કર્યું કે સમય વીતવાની સાથે રશ્મિ તેનો ભૂતકાળ ભૂલીને જીવન આગળ વધારશે.
લગ્ન ટકાવી રાખવાની જવાબદારી સુબોધે પોતા પર જાણીને રશ્મિ સાથે એટલો સાલસ વ્યવહાર કર્યો કે રશ્મિને પોતાનું જીવન એકદમ સરળ લાગવા માંડ્યું. સમજદારી પૂર્વકનો સુબોધનો નરમ વ્યવહાર રશ્મિને તેનેથી જોડી રાખતો હતો. લાજના આટલા વર્ષો બાદ એટલે જ બને ને એકબીજા માટે આદર અને મન હતું. પણ ગઈ કાલે ડોક્ટરે રશ્મિનાં જીવનનો છ મહિનાનો છેલ્લો તબક્કો ચાલે છે તેવું જણાવતા સુબોધને અચાનક દેવાંગ યાદ આવી ગયો.
રશ્મિ તેનાં આ છ મહિનામાં જીવનની તમામ ખુશીને સમેટી લે તેવું જ તો ઈચ્છતો હતો એ સુબોધ. તેથી તેને રશ્મિ સમક્ષ પ્રસ્તાવ મુક્યો કે તે તેના આ છ મહિના દેવાંગ સાથેના અધૂરા પ્રેમને પૂરું કરવામાં વિતાવે.
પચીસ વર્ષથી એક અધૂરી અપૂર્ણ રશ્મિ હવે પૂર્ણતાને પામે તેવું તે ઈચ્છતો હતો. રશ્મિનાં કેટલાય સમજવા છતાંય સુબોધ ભૂતકાળના પાનનાં ઉલ્ટાવવા તત્પર થયો હતો. તેનાં માથા પાર ભૂત સવાર હતું. રશ્મિની આખન માં એ ખુશી જોવા.
બીજા દિવસથી જ તેને દેવાંગની શોધ શરૂ કરી દીધી હતી. પોતે એક ન્યૂઝ પેપરનો મલિક હતો એટલે તેની માટે એક વ્યક્તિને શોધવો કંઈ અશક્ય કામ નહોતું.
પોતાના સંપર્કોનો ઉપયોગ કરીને થોડા દિવસમાં જ દેવાંગનું સરનામું શોધી નાખ્યું. સરનામું મળતા જ સુબોધનો ઉત્સાહ બમણો થઈ ગયો. તેને ક્યાંક લાગી રહ્યું હતું કે તેના ઉદેશમાં ઈશ્વરની પણ મરજી લાગે જ છે. તેણે ઘરે આવીને રશ્મિને વાત કરી રશ્મિ સુબોધના ચહેરા પરના ઉત્સાહને જોઈને કઈ બોલી ના શકી.
બીજા દિવસે સાંજે ઓફિસેથી આવીને સુબોધે રશ્મિને દેવાંગને મળવા જવાનો પ્રસ્તાવ મુક્યો, તો રશ્મિ તરત જ બોલી, “સુબોધ આટલી ઉતાવળ કેમ કરો છો?”
“રશ્મિ, તને દેવાંગને મળવાની ઉત્કંઠા નથી થતી?” સુબોધ બોલ્યો.
"ઉત્કંઠા કરતાં ડર વધુ લાગે છે. પચીસ વર્ષ જૂનો ભૂતકાળ ઉલટાવતા ક્યાંય આપણી જિંદગીમાં ઉત્પાત ન સર્જાઈ જાય!" રશ્મિ ગંભીરતાથી બોલી. "તું શું કરવા તેને ભૂતકાળ માને છે. દેવાંગ તારા હૃદયમાં સદા જીવંત રહ્યો છે, તેના નામ માત્રથી તારો ચહેરો કાયમ ખીલી જતો. તેનાં સ્મરણોથી તારી જિંદગીમાં તે શ્વાસ ઉમેર્યો છે, તો હવે તેને મળવાનો રસ્તો ખુલી રહ્યો છે ત્યારે આટલો ખચકાટ કેમ?" સુબોધે પૂછ્યું. “કલ્પનાઓમાં જીવંત રાખેલો પ્રેમ મનને બહેલાવામાં સારો લાગે છે પણ એ પ્રેમ વાસ્તવિકતાથી ઘણો દૂર હોય છે. સુબોધ, આટલા વર્ષનો ગાળો કંઈ ઓછો સમય નથી. આટલા વર્ષોમાં શુંનું શું થઈ ગયું હશે? વાસ્તવિકતા આપણી ધારણા જેટલી સુંવાળી નહિ હોય!" રશ્મિએ જવાબ વાળ્યો.
“ઘરે બેઠાં તર્ક કરવામાં ક્યાંક કશુંક ચૂકી જવાનો ભય નથી લાગતો તને!" સુબોધ.
"સુબોધ ખબર નહિ પણ મન બહુ જ અસ્વસ્થ છે આ વિચારોથી!" રશ્મિ.
"આનો એક જ રસ્તો છે આપણે એકવાર દેવાંગને મળી આવીએ. કમ સે કામ તેને નહિ મળી શકવાનો અફસોસ નહિ રહે, બાકી પછી જે થાય તે જોઈ લઈશું!" સુબોધ, જવા માટે ઊભો પણ થઈ ગયો રશ્મિ તેની મરજી સામે કંઈ બોલી ન શકી બને ગાડીમાં બેસીને ત્યારે જ દેવાંગના ઘર તરફ રવાના થયા.
શહેરનાં પોર્શ વિસ્તારમાં આવીને ગાડી એક બાંગ્લા પાસે ઊભી રહી. સુબોધ ગાડીમાંથી ઉતરીને ખિસ્સામાં રાખેલ દેવાંગના સરનામાંની ચબરખી ખોલીને જગ્યા સાચી છે કે નહિ તે ચેક કરી લીધું. રશ્મિને ગાડીમાંથી ઉતારીને બને અંદર ઘર તરફ ગયા.
વોચમેને બનેને રોકીને નામ પૂછીને અંદર તેના સાહેબની પરવાનગી લઈની પરત આવ્યો. બનેની અંદરના બેઠકરૂમમાં સાહેબની રાહ જોવાનું કહ્યું. રશ્મિ તો વૈભવી બંગલાને જોતી કે રહી ગઈ. સાધારણ સ્થિતિનો દેવાંગ આટલો બધો આગળ આવી ગયો તે જાણી ને તેને નવાઈ લાગી. રશ્મિની નજર ઘરની ચારેતરફ ફરી રહી હતી. આવનાર પળોમાં કદાચ રશ્મિ તેનાથી દૂર થઈ જશે તેવી ભીતિ સાથે તે એકીટસે રશ્મિને મનભરીને જોયા કરતો હતો.
થોડીવારમાં રૂમમાં દેવાંગ પ્રવેશતા જ બનેની નજર તેના પર કેન્દ્રિત થઈ. રશ્મિ ધડકતા હૃદયે સૂટબૂટમાં સજ્જ દેવાંગને સામાન્ય માણસની જેમ ચાલતો આવતા જોઈ જ રહી. સુબોધ પણ જોઈ જ રહ્યો એ વ્યક્તિને જેના કારણે રશ્મિ તેને પૂર્ણ સ્વરૂપમાં ક્યારેય પ્રાપ્ત ન થઈ.
દેવાંગે પાસે આવીને બંનેને બેસવાનું કહ્યું. સુબોધ રશ્મિનાં ખચકાટથી પરિચિત હતો જ એટલે તેને જ વાતની શરૂઆત કરી.
“મી. દેવાંગ આપણે પહેલી જ વખત મળી રહ્યાં છીએ પણ રશ્મિને તો તમે ઓળખો જ છો ! સુબોધ રશ્મિ તરફ ઈશારો કરી ને ધીમે રહી ને કહ્યું, "ર ..શ .. મી.. ! કંઈ બહુ ખ્યાલ નથી આવતો, તમે જણવોને આપણે પહેલાં ક્યાંય મળેલા છીએ!" દેવાંગનું વાક્ય હજુ પૂરું પણ નહિ થયું હોય ને રશ્મિ તેની જગ્યા પરથી ઊભી થઈ ગઈ. તેનાથી એકદમ જ બોલાઈ ગયું, "દેવાંગ, તું મને ભૂલી ગયો?"
સુબોધ અને દેવાંગ પણ જગ્યા પરથી ઊભા થઈ ગયા. દેવાંગ ખરેખર મૂંઝાઈ ગયો હતો, તેની સામે ઊભેલી સ્ત્રી તેને બહુ જ નજીકથી ઓળખતી હોય તેમ બોલાવતી હતી અને પોતે તેને ઓળખી શકતો નહોતો. તેણે ફરીથી કહ્યું, "આઈ એમ સોરી, પણ મને કંઈ ખબર નથી પડતી તમે શું કહી રહ્યાં છો.”
“મી દેવાંગ તમે રશ્મિને ઓળખતા નથી, જરાક પચીસ વર્ષ પાછા જઈને ત્યારનાં જીવન તરફ જુઓ. પચ્ચીસ વર્ષ પહેલા આ રશ્મિ તમારી માટે શું હતી?" સુબોધ બોલ્યો.
દેવાંગ થોડીવાર ચુપચાપ કંઈક વિચારીને યાદ કરતો હોય છે. અચાનક તેના ચહેરા પર ચમક લાવીને તેને કહ્યું, “તે રશ્મિ તું જ છે?”
રશ્મિનાં ચહેરા પરથી ખિન્નતા હજુ ઓછી થઈ નહોતી. તેને કહ્યું, "હા, હું એજ રશ્મિ હવે કઈ યાદ આવ્યું?" "આઈ એમ સોરી રશ્મિ, મને યયાદ કરતા થોડો એમાંય લાગ્યો પણ સાચું કહું મેં મારી જિંદગીમાં ક્યારેય પાછું વાળીને જોયું નથી. જે જતું રહ્યું છે, વીતી ગયું છે તેની પાછળ મેં મારી જિંદગી વેડફી નથી. બસ હંમેશા આગળ જ જતો ગયો છું એટલે જ આજે હું અહીં છું બાકી તો કોઈ બરબાદ મજનુની જેમ ક્યારનોય ઉપર પહોંચી ગયો હોત !” દેવાંગ બહુ સહજતાથી બોલી ગયો.
રશ્મિ ફાટી આંખો એ આ નવા દેવાંગને જોતી જ રહી.
“મી દેવાંગ જિંદગી તરફનો તમારો હકારાત્મક અભિગમ પ્રશનસનીય છે પણ એ વાત આશ્રર્યજનક છે કે જેની સાથે તમે જીવનનો એક દસકો વિતાવ્યો હોય એ પણ ઉત્કટ પ્રેમસંબંધમાં તેને તમે આવી રીતે વિસરી પણ શકો છો.” સુબોધે વાતને મુદ્દા પાર લાવતાં કહ્યું.
"લૂક મિસ્ટર એ વર્ષો પહેલાની વાત છે. એ સમયે દેવાંગ જુદો હતો અને અત્યારે દેવાંગ જુદો છે..." દેવાંગ બોલ્યો.
“એક જ માણસ એક જ જીવનમાં આટલો બધો કેવી રીતે બદલાઈ શકે છે?” રશ્મિએ કહ્યું.
"એક મિનિટ તમે લોકો કહેવા શું માંગો છો? હું બદલાઈ ગયો, મતલબ મેં કાંઈ ખોટું કામ કર્યું છે? અરે એ સમયે મારી હાલત એટલી સારી નહોતી એટલે જ તો મેં રશ્મિને સુખી જીવન પસંદ કરવાની છૂટ આપી હતી. એને મેં ક્યારેય બંધનમાં રાખી નહોતી. એના ગયા પછી મેં પણ મારુ જીવન આગળ ધપાવ્યું. ઉચ્ચ કારકિર્દી બનાવવામાં હું એટલો વ્યસ્ત થતો ગયો કે મને ક્યારેય પાછું વળીને જોવાનું યાદ પણ ન આવ્યું. મારા ટ્રાન્સપોર્ટના બિઝનેસનો વ્યાપ વધારવા હું દેશ પરદેશ ફર્યો છું. જિંદગી એટલી મજબૂત પાયા પર સેટ કરીને મારુ ઘર પણ વસાવ્યું. મારે પણ પત્ની અને બાળકો છે. મારા પગની મોંઘામાં મોંઘી સર્જરી કરાવી હું સ્વસ્થ ચાલતો થયો છું. હવે આટલા વર્ષો પછી તું અચાનક સામે આવીને પૂછે કે તું મને ભૂલી ગયો ? તો હું ક્યાંથી તને યાદ રાખું ? ક્યાં કારણ થી તને યાદ રાખું. તું તારા જીવન માં સુખી હતી પછી હું શું કામ એ દસકા નો પકડી રાખું ? આટલા વર્ષોમાં કેટલાય લોકો ને મળ્યો છું અને ભુલ્યો છું. કાંઈ બધાને યાદ રાખી શકતા નથી.! – દેવાંગ એક શ્વાસે બોલ્યો.
“આઈ એમ સોરી મિ. દેવાંગ તમારા વ્યસ્ત જીવનનો અમૂલ્ય સમય અમે બગાડ્યો તમે તમારી જગ્યાએ બિલકુલ સાચા છો! તમે મને યાદ ક્યાં કારણથી રાખવાના હતા. આપણી વચ્ચે જે કાંઈ હતું તે કાંઈ મોટું કારણ તો નહોતું જ! ફરીથી સોરી કહું છું.” રશ્મિ ગંભીરતાથી બોલી.
“એક મિનિટ તમે લોકો ખોટું ન લગાડશો. આટલા વર્ષો પછી તમે મને મળવા આવ્યા છો તો નક્કી કોઈ કારણ તો હશે જ. અહીં આવવાનો હેતુ શું હતો એ તો જણાવો!” દેવાંગ.
“કોઈ જ હેતુ નથી બસ, આતો તારું સરનામું મળ્યું એટલે એમ જ તને મળવા આવ્યા હતા. તને મળીને આનંદ થયો. અમે હવે જઈએ.” રશ્મિ સ્વસ્થ થતાં બોલી.
રશ્મિ અને સુબોધ ત્યાંથી પાછું જોયા વગર સીધા જ નીકળી ગયા. પોતાની ગાડીમાં બેસીને ઘર તરફ રવાના થયા. રસ્તામાં બને એકદમ મૌન જ રહ્યાં.
થોડીવારમાં ગાડી ઘરનાં દરવાજે આવીને ઊભી રહી ગઈ. ઘરમાં પ્રવેશતા જ સુબોધે કહ્યું, “આઈ એમ સોરી રશ્મિ, મારા કારણે તને ઠેસ પહોંચી. તું સાચી જ હતી ભૂતકાળને ઉલટાવવાથી ઉત્પાત જ સર્જાય છે.”
“સુબોધ એમાં તમારે સોરી કહેવાની જરૂર નથી, જે થયું તે કદાચ સારું જ થયું છે. વર્ષોનો ભ્રમ આજે ભાંગી ગયો છે. જે વ્યક્તિને મેં પચ્ચીસ વર્ષ સુધી મારા હૃદયમાં સંઘરી રાખ્યો, તેની જોડે લાગણીથી સદા જોડાયેલી રહી એને તો મને એવી રીતે ભુલાવી દીધી જાણે પાણીમાંથી આંગળી કાઢી અને જગ્યા પુરાઈ. સુબોધ એના કારણે મેં તમને અન્યાય કર્યો છે. પચીસ વર્ષના ગાળામાં મેં તમને તમારા પતિ હોવાના હકથી પણ વંચિત રાખ્યા છે, એક અપૂર્ણ પત્નીને તમે ખુબ જ સરળતાથી અપનાવીને માનવતાની પૂર્ણતાને હાંસલ કરી છે. પણ મને હવે અફસોસ થાય છે કે હું મારા જીવનને યોગ્ય દિશામાં લઈ જઈ શકી નથી..” કહેતાં કહેતાં રશ્મિની આંખો છલકાઈ ગઈ.
સુબોધે તેના માથે હાથ ફેરવતા કહ્યું, “રશ્મિ આજે મને હતું કે તારા ચહેરા પર ક્યારેય ન જો હોય એવી ખુશી જોવા મળશે પણ... પણ એ દસ વર્ષ આજે તારી આંખો માંથી વહી રહ્યો છે.
રશ્મિ સુબોધના સ્નેહભર્યા હાથના સ્પર્શથી પહેલીવાર એટલી ભાવુક થઈ ગઈ કે તે તેની છાતી પર માથું રાખીને ખુલ્લા મને ખુબ રડી. સુબોધ પણ આજે પહેલી જ વાર રશ્મિને પૂર્ણ સ્વરૂપે પામ્યાની એક લાગણી અનુભવતો હતો.
એ વખતે જાણે બે અજાણ્યા કિનારા વચ્ચે લાગણીની સરિતા ખળખળ વહેતી હતી અને હવે કદાચ નિરંતર વહ્યા જ કરવાની હતી.
આ વાતને લગભગ ત્રણેક મહિના વીતી ગયા. હવે રશ્મિની જિંદગીમાંથી દેવાંગ નામનો છેદ ઉડી ગયો હતો. હવે તે સુબોધની લાગણીને સમજવામાં વ્યસ્ત થઈ ચુકી હતી. સુબોધ તો સ્વાભાવિકપણે ખુશ જ હોય.
એકવાર સુબોધને કોઈ કામ માટે દેવાંગના ઘર તરફ જવાનું થયું. તે દેવાંગના ઘરની પાસેથી પસાર થતો હતો ત્યાં માણસોની ભીડ એકઠી થયેલી જોઈને ઉત્સુકતાવશ તે અંદર ગયો. અંદર પ્રવેશતાં જ તેને એક મોટો આંચકો લાગ્યો. તે ફાટી આંખે દેવાંગના મૃતદેહને જોઈ રહ્યો. આસપાસ એકઠા થયેલા લોકોને પૂછતાં માલુમ પડ્યું કે તે ઘણા સમયથી કેન્સરથી પીડાતો હતો. આજે સવારેજ તેણે અંતિમ શ્વાસ લીધી હતા. સુબોધે તેની પત્ની અને બાળકો વિષે પૂછ્યું તો વધુ નવાઈ લાગી. દેવાંગ તો જીવનભર એકલોજ રહ્યો હતો. તેણે લગ્ન કર્યા જ નહોતા. પ્રથમ પ્રેમ જેની જોડે થયો સાહત તેના સંસ્મરણોના સહારેજ અત્યાર સુધી જીવ્યો હતો.
સુબોધ ચુપચાપ મૃતદેહને પગે લાગી ધીમા પગલે આઘાતભરી દશામાં બહાર નીકળ્યો. તેને દેવાંગનો તે દિવસના વાણી વ્યવહાર પાછળનું કારણ હવે સાંજે રહ્યું હતું. વર્ષો પહેલા રશ્મિના સુખ ખાતર તેને પ્રેમ ત્યજ્યો હતો. હવે આટલા વર્ષો પહેલા રશ્મિની સુખાકારી માટે પોતે અપજશ વેઠીને મૃત્યુ પામ્યો હતો. સુબોધને દેવાંગ પ્રત્યે માન ઉપજ્યું હતું. પણ તરત જ બીજી ક્ષણે જ તેને નક્કી કરી નાખ્યું હતું કે આ સત્ય પર મૌન જ સાધવું યોગ્ય છે. કારણકે જીવનમાં પહેલીવાર ખીલેલી વસંતને હવે પાનખરનું માવઠું પોસાય તેમ નહોતું ! પણ મૃત દેવાંગની ખુલ્લી આંખો કદાચ કહી રહી હતી.
“હમને દેખી હે ઉન આંખો કી મહેકતી ખુશ્બૂ
હાથ સે છુકે ઈસે રિશ્તો કે ઈલ્જામ ના દો
સિર્ફ અહેસાસ હૈયે રૂહ સે મહેસુસ કરો,
પ્યાર કો પ્યાર હી રહેને દો કોઈ નામ ના દો."

