"વેલેન્ટાઈન ગિફ્ટ”
"વેલેન્ટાઈન ગિફ્ટ”
૧૪ ફેબ્રુઆરી વેલેન્ટાઈન દિવસ, એ એવા લોકો માટે ખાસ છે કે જેના જીવનમાં તેમના પ્રિયપાત્રની હાજરી હોય બાકી ના લોકો માટે આ એક સામાન્ય દિવસથી વધારે કાંઈ હોતો નથી.
હા, શરદ આ તમારી માટે ખાસ દિવસ છે. કારણ, તમારા જીવનમાં તમારી કસ્તુરીની હાજરી છે. વસંતઋતુના આહલાદક વાતાવરણમાં આજે તમે કસ્તુરી સાથે કયાંક એકાંત માં સાથે હોવા જોઈએ, એની બદલે તમે અહીં હોસ્પિટલના ભીડભાડવાળા વાતાવરણમાં ઉભા છો. પેશન્ટ કરતા પેશન્ટના સગાઓની અવરજવર વધારે ભીડ કરતી હોય છે. તમે પણ તેમાંના જ એક છો. આજે કસ્તુરીનું કિડની ટ્રાન્સપલન્ટનું ઓપેરશન થવાનું છે એટલે તમે ચહેરા પર ચિંતાના ભાવ લઈને લોબી પર આંટા મારો છો. કસ્તુરીએ ઓ.ટી.માં જતા પહેલા તમને રૂમમાં મળવા બોલાવતા જાણીને તમે ઉતાવળા પગલે અંદર પહોંચ્યા.
કસ્તુરીના પલંગ પાસે બેસીને તેનો હાથ પોતાના હાથમાં લઈને તમે તેને કહ્યું,"તું સાજી થઈજા, પછી જોજોને એક દિવસ પણ તને મારાથી દૂર નહિ રહેવા દઉં. આપણે તરત જ લગ્ન કરીશું."
"શરદ, તને લાગે છે કે હું ઓ.ટી.માંથી સહી સલામત બહાર આવી શકીશ ?"
“કસ્તુરી, શક્ય છે કે અંદર તારો સામનો મોત સાથે થાય. પણ તું એને એમ કરી ટાળી દેજે કે મારો શરદ મારી બહાર રાહ જુએ છે. હવે મારુ જીવન તેના નામે છે એટલે તું પહેલા તેને મળી ને મારી પાસે આવ." શરદ બોલ્યો.
શરદ તમારા પ્રેમભર્યા શબ્દો કસ્તુરી માટે ટોનિક પુરવાર થયા. તેને ઓ.ટી.માં જવાનો ડર થોડો દૂર થયો હતો.
સમયસર ઓપરેશન શરુ થઈ ગયું. તમે બહાર બેચેની પૂર્વક ઓપરેશન પતવાની રાહ જોવા લાગ્યા હતા. લાંબા ચાલેલા ઓપરેશન બાદ ડોક્ટરે બહાર આવીને તમને એક આઘાતજનક સમાચાર આપ્યા કે કસ્તુરીનું શરીર બીજી કિડનીને સ્વીકારતું નથી. કસ્તુરી પાસે હવે થોડો સમય જ બાકી છે. શરદ, તમારી હાલત આ સાંભળી ને પથ્થરની શીલા સમાન થઈ ગઈ હતી. ના તમે કાંઈ બોલી શકતા હતા, ના તમે રડી શકતા હતા.
પણ થોડીવાર પછી કસ્તુરી થોડી ભાનમાં આવતા ડોક્ટરે તમને અંદર મોકલ્યા. કસ્તુરીએ તેના છેલ્લા શ્વાસોમાં કંપતા સ્વરે કહ્યું," હું માત્ર તારી જ છું એ અનુભવવા મને મારી વેલેન્ટાઈન ગિફ્ટ આપ મને તારું એક માત્ર ચુંબન જોઈએ છે." તમે અશ્રુભીની આંખે તેને તેની ગીફ્ટ આપી અને એ સાથે કસ્તુરીની જીવનયાત્રા ત્યાંજ સમાપ્ત થઈ ગઈ.
આ વાતને આજે દસ વર્ષ વીતી ગયા છે શરદ. આ દસ વર્ષમાં તમે કસ્તુરીનું દું:ખ ભુલાવવા તમારી કારકીર્દીને જીવનનું એકમાત્ર લક્ષ્ય બનાવ્યું. જેના ફળ સ્વરૂપે આજે તમે એક મલ્ટિનેશન કંપનીમાં મેનેજરની પદવી ધરાવો છો. વેલેન્ટાઈન દિવસ નિમિતે આજે કંપની તરફથી એક પાર્ટી ગોઠવવામાં આવી છે જેનું આમંત્રણ કાર્ડ હાલ તમારા હાથમાં છે. વસંતઋતુમાં આવતો વેલેન્ટાઈન દિવસ દરેક પ્રેમીજન માટે ખુશી નો દિવસ હોય છે, પણ તમને આ દિવસે કસ્તુરીની કમીનો અનુભવ કરાવતો જાય છે.
કસ્તુરીની યાદ આવતા તમારું મન આજે વ્યથિત થઈ ને બોલી ઉઠે છે, "કસ્તુરી, મને આજે તારી જરૂર છે. હું એકલો પડી ગયો છું. મેં તને તારી વેલેન્ટાઈન ગિફ્ટ આપી હતી આજે મને મારી ગિફ્ટ જોઈએ છે. મને તારું આલિંગન જોઈએ છે. તું મને આપી શકીશ ખરી? અને તમારા બને હાથ ફેલાવીને કસ્તુરીને ભાવુક હ્ર્દયે બોલાવતા રહ્યાં, એ સાથે જ પવનના ઝાપટાથી બારી ખુલી ગઈ અને બહાર કેસૂડાંના ફૂલની મહેક એક પવનની લહેરખી પર સવાર થઈને જાણે તમને સ્પર્શી ગઈ. એ સાથે જ તમારા રોમ -રોમ પુલકિત થઈ ગયા . તમને ગિફ્ટ આજે મળી હોત તો તમે આવાજ પુલકિત થઈ જાત ને શરદ!
