Sharad Trivedi

Inspirational

3  

Sharad Trivedi

Inspirational

પારખું નજર

પારખું નજર

2 mins
500


કેતકી અને માધવનો ભેટો આમતો તમને ન થાય, કારણ કે બંને પતિ-પત્નિ આદિવાસી વિસ્તારની શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા હતાં. ને તમે આધુનિક શહેરના નગરવાસી છો રાધિકા પણ તમારાં બિઝનેસમેન પતિના ટ્રસ્ટ દ્વારા દર શિયાળામાં જરૂરિયાતમંદ બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવે છે. આ વખતે આ કાર્યક્રમ આદિવાસી વિસ્તારની શાળાઓમાં ગોઠવાયેલો. એના કારણે આ શિક્ષક દંપતિને તમારે મળવાનું થયેલું. કાર્યક્રમ સરસ રહેલો. બાળકો ખુશખુશાલ થઈ ગયેલાં સ્વેટર મેળવીને. માધવે તમારા બિઝનેસમેન પતિનું શાલ ઓઢાડી સ્વાગત કરેલું અને કેતકીએ તમારું. તમે વધુ નહી પણ કલાક જેટલું શાળામાં રોકાયેલાં. એ સમય દરમિયાનજ એ શિક્ષક દંપતિની કર્તવ્ય નિષ્ઠાનો તમને સુપેરે પરિચય થયેલો. એટલું જ નહી બંનેના એક સમાન સ્વપ્ન અને પરસ્પર સન્માનના ભાવની પ્રતિતિ પણ તમને થયેલી. બંને વચ્ચેનો પ્રેમ પણ સ્ત્રી સહજ તમારી નજરમાં આવી ગયેલો.


આવા તો ઘણાં કાર્યકમમાં તમારે તમારા પતિ સાથે જવાનું થાય છે તમે બધી જગ્યાએ આટલો રસ નથી લેતાં કે ન આવું સુક્ષ્મ અવલોકન કરો છો. અહીં એ માટેનું ખાસ કારણ હતું રાધિકા. હા,માધવ તમારો સહાધ્યાયી હતો. તમે કૉલેજમાં એક સાથે અભ્યાસ કરતાં. અંગ્રેજી વિષય સાથે તમારો અને માધવનો અભ્યાસ એક સાથે પૂર્ણ થયેલો. તમારું ગામ અને માધવનું ગામ એકજ રસ્તા પર આવેલું. એટલે સાથે અપડાઉન કરવાનું પણ થતું. માધવ સામાન્ય પરિસ્થિતિનો છોકરો. તમે પણ કંઈ માલેતુજાર ન હતાં. તમે બેહદ ખૂબસૂરત હતાં તો માધવ તમારાં પતિ મદન કરતાં તો હેન્ડસમ હતોજ. તમે તો કોઈ પણ નવયુવાનની આંખમાં વસી જાવ એવા લાવણ્યવતી હતાં રાધિકા. હાલ પણ તમે ઓછા સુંદર નથી. મદનના વૈભવનું પ્રતિક છો તમે. સરના મેડમ કાચની પુતળી જેવાં છે એવું તો ધણાં લોકોને કહેતાં સાંભળ્યાં છે તમે.


આ માધવ અને તમે એકજ જ્ઞાતિના. એ ન્યાયે માધવના પિતાએ તમારું માંગું તમારા પિતા આગળ નાંખેલું. તમારા પિતાએ તમને પૂછેલું ત્યારે તમે ધરાર ઈન્કાર કરેલો ને કહેલું એ બહુ-બહુ તો માસ્તર બનશે. મારે એવા સાથે લગ્ન નથી કરવાં. એ પછી તમારા માસીના ઓળખીતામાં તમારા લગ્ન થયેલાં. આજે તમે મદનની મોંધીદાટ ગાડીમાં બેસી માધવની શાળામાં ગયેલાં. તમારાં માસીએ તમને મદનના ઘર વિશે વાત કરતાં કહેલું કે 'છોકરી લહેર કરીશ લહેર' એ શબ્દો તમને એ વખતે સોનાની ઝાંઝરીના રણકાર સમ લાગેલાં. આજે ભલે એ કર્કશ લાગતાં.


હા,રાધિકા જાહોજલાલી અને સમૃદ્ધિ તો છે પણ સ્ત્રીને જે જોઈએ છે તે સ્વતંત્રતા નથી. લાગણી અને હૂંફ નથી. પ્રેમની તો વાતજ શી કરવી ?તમે શૉ-કેશમાં મુકેલી ઢીંગલીથી વિશેષ કંઈ નથી. મદનની ઐયાશી એના રીચ સ્ટેટસ અને શરીફાઈ પાછળ ઢંકાયેલી છે એ માત્ર તમેજ જાણો છો. શરાબ અને સુંદરીના શોખીન મદનની પત્ની બનીને તમે સોનાના પીંજરામાં પુરાયેલા પંખી જેવી યાતના ભોગવો છો. તમારી આ વેદના ન સહેવાય ન કહેવાય એવી છે. રાધિકા.

પેલી બાજું માસ્તર માધવને પરણેલી માસ્તરાણી કેતકી તમને નસીબદાર લાગે છે. બંને વચ્ચેની લવ કેમેસ્ટ્રી આજે તમે શાળામાં વીતાવેલાં કલાક દરમિયાન તમારી પારખું નજરથી છાની નથી રહી શકી. તમારી આ પારખું નજર એ વખતે કેમ સાચા-ખોટાંની પરખ નહોતી કરી શકી? રાધિકા,પ્લીઝ આન્સર.


Rate this content
Log in